વિકાસશીલ દેશમાં, સરકારની સફળતાનું માપ ગુણવત્તાભર્યા માળખા અને રોજગાર નિર્માણ પર

- દેશમાં ખાનગી રોકાણકારોને આકર્ષવામાં વર્તમાન સરકાર નિષ્ફળ
- ભારત કોઈપણ પ્રકારના વિચારો અથવા સફળતાની ચાવી વગર લોઅર મિડલ ઈન્કમ જુથમાં અટવાઈ ગયું છે

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
૧૪ ઓકટોબર, ૨૦૨૫ના રોજ, તેમણે ડી. કે. શ્રીવાસ્તવ સાથે સંયુકત રીતે ભારતના સંભવિત વિકાસ દરના અંદાજ વિશે લેખ લખ્યો હતો જેમાં તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે, આ દર વાર્ષિક ૬.૫૦ ટકા હોઈ શકે. તેમણે એ પણ સ્વીકાર્યુ હતું કે, હાલના વૈશ્વિક વાતાવરણ વચ્ચે આ દર ઘણો ઊંચો છે, તેમ છતાં, રોજગારનો ઊંચો દર સાધવા માટે આપણે આપણા આ સંભવિત વિકાસ દરને વધુ ઊંચે લઈ જવો રહ્યો.
મને લાગે છે, કે, કેટલાક વર્ષો દરમિયાન વાર્ષિક સરેરાશ ૬.૫૦ ટકા વિકાસ દર સામાન્ય છે. આ દરને કારણે ભારતનું સ્થાન ૧૧૪૬ ડોલરથી ૪૫૧૫ ડોલર (૨૦૨૪-૨૫માં) વચ્ચેની માથાદીઠ ગ્રોસ નેશનલ ઈન્કમ તરીકે ઓળખાવાયેલા લોઅર-મિડલ ઈન્કમ સાથેના દેશોના જૂથમાં રહેલું છે. ૨૬૫૦ ડોલર સાથેની ગ્રોસ નેશનલ ઈન્કમ ધરાવતા ભારતનું સ્થાન એવા જૂથમાં છે જેમાં ઈજિપ્ત, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, વિયેતનામ તથા નાઈજિરિયાનો પણ સમાવેશ છે.
ભારતે આ જૂથમાંથી બહાર આવવું હોય તો માથાદીઠ ગ્રોસ નેશનલ ઈન્કમને બમણી કરવી રહી. જો ભારતનો હાલનો વિકાસ દર ટકી રહે તો આ જૂથમાંથી બહાર નીકળવામાં નવ વર્ષ લાગી જશે અને બેરોજગારીની સ્થિતિ કથળશે.
અંદાજો બાબત સર્વાનુમત
નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશના આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૫૦ ટકા પરથી વધારી ૬.૮૦ ટકા કર્યો છે, પરંતુ બેરોજગારી પર તેણે બહુજ ઓછો પ્રકાશ પાડયો છે.
(રિઝર્વ બેન્કનું સપ્ટેમ્બરનું આર્થિક સ્થિતિ પરનું બુલેટિન). રોજગારની સ્થિતિના વિવિધ નિર્દેશાંકો ઓગસ્ટમાં મિશ્ર ચિત્ર દર્શાવતા હતા. ભારત સ્તરે બેરોજગારીનો દર ઘટી ૫.૧૦ ટકા રહ્યો હતો. બેરોજગારી પર ખાસ ધ્યાન જવા પાછળનું કારણ એ છે કે, આરબીઆઈના ધારા પ્રમાણે, આરબીઆઈએ રોજગારના સંદર્ભ વગર નાણાંકીય તથા ભાવમાં સ્થિરતા રાખવાની રહે છે. નાણાં મંત્રાલયે તેના ઓગસ્ટના મન્થલી ઈકોનોમિક રિવ્યૂમાં આર્થિક વિકાસ દરના ૬.૩૦ ટકાથી ૬.૮૦ ટકાના અંદાજને જાળવી રાખ્યો હતો. બેરોજગારી પર આ રિવ્યૂમાં કોઈ પ્રકાશ પડાયો નહતો.
વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૫૦ ટકા મૂકયો છે, પરંતુ આગામી નાણાં વર્ષ માટે તે ઘટાડી ૬.૩૦ ટકા કર્યો છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ ે૨૦૨૫ માટે ભારતના વિકાસ દરના પોતાના અંદાજને વધારી ૬.૬૦ ટકા કર્યો છે પરંતુ ૨૦૨૬ માટે તે ઘટાડી ૬.૨૦ ટકા મૂકયો છે.
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો વિકાસ દર ૬.૭૦ ટકા અને નાણાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૬.૨૦ ટકા રહેવા ધારણાં મૂકી છે.
જીએફસીએફ, બાજી બગાડનાર
સર્વાનુમત પ્રમાણે, વર્તમાન વર્ષમાં ભારતનો વિકાસ દર ૬.૫૦ ટકા અને આગામી વર્ષમાં તેનાથી ૨૦ બેઝિસ પોઈન્ટ નીચો રહેશે. આ અંદાજો ડો. રંગરાજનના નિષ્કર્ષને સાચા ઠરાવે છે. પોતાના અંદાજ માટે રંગરાજને કેટલાક કારણો આપ્યા છેઃ ધ ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (જીએફસીએફ) દર છેલ્લા કેટલાર વર્ષોથી સ્થિર રહ્યો છે. જીએફસીએફ જે ૨૦૦૭-૦૮માં જીડીપીના ૩૫.૮૦ ટકા હતો તે ૨૦૨૪-૨૫માં ઘટી જીડીપીના ૩૦.૧૦ ટકા પર આવી ગયો હતો. છેલ્લા દસ વર્ષમાં તે ૨૮ અને ૩૦ ટકાની વચ્ચે લગભગ સ્થિર રહ્યો છે.
કુલ જીએફસીએફના હિસ્સા - પ્રાઈવેટ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (પીએફસીએફ) જે ૨૦૦૭-૦૮માં જીડીપીના ૨૭.૫૦ ટકા હતો તે ૨૦૨૨-૨૩ (છેલ્લા ઉપલબ્ધ ડેટા)માં ઘટી ૨૩.૮૦ રહ્યો હતો. ડો. રંગરાજને ઈન્ક્રીમેન્ટલ ક્રેડિટ આઉટપુટ રેશિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, પરંતુ મે તે છોડી દીધો છે કારણ કે, તે ડીરાઈવ્ડ આંકડા છે. ડો. રંગરાજનના નિષ્કર્ષ મુજબ જ્યાંસુધી જીએફસીએફ/પીએફસીએફમાં વધારો નહીં થાય અથવા ઈન્ક્રીમેન્ટલ ક્રેડિટ આઉટપુટ રેશિઓ ઘટશે નહીં ત્યાંસુધી ભારત ૬.૫૦ ટકાના વિકાસ દર પર અટકી રહેશે.
ભારતમાં ખાનગી મૂડી રોકાણ કેમ આવતું નથી? મૂળ કારણ ભારત સરકાર અને ઉદ્યોગો વચ્ચે વિશ્વાસનો અભાવ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની વિનંતીઓથી દેશના રોકાણકારો પ્રભાવિત થયા નથી. તેમણે રોકડ જાળવી રાખવાનું અને થોભો અને રાહ જુઓ પસંદ કર્યું છે અથવા તો વિદેશમાં રોકાણ કર્યું છે.
મનમોહન સિંહ જેવી હિંમત
એક વિકાસસિલ દેશમાં, સરકારની સફળતાનું માપ ગુણવત્તાભર્યા માળખા ઊભા કરવાની અને રોજગાર નિર્માણ કરવાની ક્ષમતા પરથી નીકળે છે. છેલ્લા એક દાયકામાં ઊભા કરાયેલા માળખા સંખ્યાની દ્રષ્ટિએ વધુ છે પરંતુ આ ઊભા કરાયેલા માળખાની ગુણવત્તા નબળી રહી છે.
બંધાયેલા બ્રિજો તૂટી પડે છે, નવા હાઈવેસ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જાય છે. ગુણવત્તાભર્યા રોજગારને સંબંધ છે ત્યાંસુધી તેના વિશે કંઈ જ ન બોલવામાં આવે તો સારુ છે. શિક્ષિત બેરોજગારો માટે નોકરીઓ નથી અને આ જૂથના લોકોનો બેરોજગારીનો દર ૨૯.૧૦ ટકા છે. યુવા બેરોજગારીનો દર ૪૫.૪૦ ટકા છે. ફુગાવાનો દર ૧.૫૪ ટકા છે તેવા દાવાની જેમ સપ્ટેમ્બરમાં ૫.૨૦ ટકા બેરોજગારીનો દર પણ એક મજાક છે.
૬.૫૦ ટકા આર્થિક વિકાસ દરમાં ખૂશ થવા જેવું નથી. આનો અર્થ એવો થાય કે ભારત કોઈપણ પ્રકારના વિચારો અથવા સફળતાની ચાવી વગર લોઅર મિડલ ઈન્કમ જુથમાં અટવાઈ ગયું છે. આ સમય છે મનમોહન સિંહ જેવી હિંમત દર્શાવવાનો.








