બિહારમાં SIR કવાયતઃ મતદાર યાદીની વિશ્વસ્નિયતા દાવ પર લાગી ગઈ છે

- મતદારયાદીના રિવિઝનની ચૂંટણી પંચની કવાયત સામે અસંખ્ય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે
- એસઆઈઆરમાં વિશ્વસ્નિયતા, પારદર્શીતા, ટેકારૂપ પુરાવા અને તર્કબદ્ધ નિષ્કર્ષનો અભાવ છે.
- અહીં પ્રશ્ન એ થાય છે કે આ ભૂલોના પ્રથમ દર્શિય પુરાવા છતાં, શું તેની તપાસ થવી જોઈતી નહોતી? એક સામાન્ય વ્યક્તિ તપાસ થવી જોઈએ તેવું માની શકે છે

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
બિહારમાં ચૂંટણી મતદારયાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને પડકારતી અરજી પર ગયા સપ્તાહના અંતે સુપ્રીમ કોર્ટેે ભારતના ચૂંટણી પંચને બે મહત્વના નિર્દેશો આપ્યા હતા. આ બે નિર્દેશોમાં નામ રદ કરાયાની યાદી કારણો સાથે પ્રકાશિત કરવા અને દાવાઓ માટે આધારને સ્વીકારવાનો સમાવેશ થાય છે. સુનાવણી ચાલુ રહેશે.
અસામાન્ય આંકડાઓ
જો કે એસઆઈઆરના કેટલાક પાસાઓ એવા છે જે જ્યુડિશિયલ રિવ્યૂના પરિઘની બહારના છે. એસઆઈઆરના કેટલાક મુદ્દા અભૂતપૂર્વ અને ચિંતાજનક છે. પ્રથમ મુદ્દો, નામઃ અગાઉના રિવિઝનો સ્પેશિયલ અથવા સમરી રિવિઝન તરીકે ઓળખાતા હતા. બીજો મુદ્દો, સમયઃ આ અગાઉ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી થવાની હોય તે પહેલાના ચાર મહિનાની અંદર આવા પ્રકારની કવાયત કયારેય હાથ ધરાઈ નથી. ત્રીજો મુદ્દો, સમયપત્રકઃ સદર રિવિઝન માત્ર ૩૦ દિવસમાં કરાયું અને વાંધા અને દાવાઓનો અન્ય ૩૦ દિવસમાં નિકાલ કરાશે. ચોથો મુદ્દો, કામગીરીઃ અગાઉના રિવિઝનોમાં જેમાં છેલ્લામાં છેલ્લી મતદાર યાદીને બેઝલાઈન ડેટા તરીકે લેવાતી હતી અને નામને સમાવેશ અને રદબાતલ કરાતા હતા, પરંતુ, એસઆઈઆરમાં ૨૦૨૪ની મતદાર યાદી પડતી મુકાઈ હતી અને બિહાર માટે નવી યાદી તૈયાર થવાનું મનાતુ હતું. (સ્રોતઃ ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર, શ્રી. અશોક લવાસા), પાંચમો મુદ્દો, રદબાતલ પર વધુ પડતા ભાર અને નામના ઉમેરા પર એકદમ ચૂપકીદી. આ કવાયત બાદ છેવટે કેટલાક આંકડા બહાર પડાયા હતા. જે મુજબ ૭.૮૯ કરોડ મતદારોની યાદીમાં ચૂંટણી પંચે એવું તારણ કાઢ્યું હતું કે, ૨૨ લાખ મતદારો ઘટી ગયા છે, સાત લાખ વ્યક્તિઓ એક કરતા વધુ સ્થળોએ નોંધાયા છે અને ૩૬ લાખ વ્યક્તિઓએ કાયમી ધોરણે અન્યત્ર સ્થળાંતર કર્યું છે અથવા તેમની ભાળ મળતી નથી.
કોઈ જાણતું નથી
મૃત્યુ અને જન્મ કુદરતી છે. મરનાર વ્યક્તિના નામ મતદાર યાદીમાંથી નીકળી જવા જોઈએ તે હકીકત છે, પરંતુ શું એ પણ સાચુ નથી કે ચોક્કસ તારીખે ૧૮ વર્ષની વય પૂરી કરી ચૂકેલાના નામ યાદીમાં સમાવી લેવા જોઈએ? બિહારના નીચા જન્મ દરને ધ્યાનમાં રાખતા ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી બાદ જે લોકોએ ૧૮ વર્ષની વય પૂરી કરી છે અને તેવા લોકોની સંખ્યા જે થોડાઘણા લાખમાં થવા જાય છે, શું તેમના નામનો સમાવેશ કરાયો છે ખરા? ચૂંટણી પંચે જવાબ આપ્યો નથી. અને કોઈપણ જાણતું નથી.
૩૬ લાખ લોકો અન્યત્ર સ્થળાંતર કરી ગયા છે ્અથવા તેમની ભાળ મળતી નથી તેવો નિષ્કર્ષ ચૂંટણી પંચે કઈ રીતે કાઢયો? ચૂંટણી પંચે ઘરે ઘરે જઈને સર્વે કર્યો હતો? શું લાગતાવળગતા વ્યક્તિએ કબૂલ્યુ હતું કે તેઓ કાયમ માટે બિહારની બહાર ચાલી ગયા છે? આ ૩૬ લાખ લોકો કયાં ચાલી ગયા છે તેની ચૂંટણી પંચે તપાસ કરી હતી ખરા? સામાન્ય નિવાસી સંદર્ભમાં ન્યાયીક અર્થઘટન સાથેના ધોરણને ચૂંટણી પંચે કયારે અને શા માટે પડતું મૂક્યું અને તેના સ્થાને 'કાયમી રીતે સ્થળાંતર' શબ્દપ્રયોગ શા માટે લાવી દીધો? તેની કોઈને જાણ નથી.
એસઆઈઆરમાં વિશ્વસ્નિયતા, પારદર્શીતા, ટેકારૂપ પુરાવા અને તર્કબદ્ધ નિષ્કર્ષનો અભાવ છે. એસઆઈઆરનો પ્રારંભ અગાઉથી ધારણાં બાંધીને કરાયો હોવાનું જણાય છે અને આ કવાયત પણ આ ધારણાંઓને સાચી પાડવા હાથ ધરાઈ હતી. એક દેશ જેની વસતિમાં વર્ષે ૦.૮૯ ટકાના દરે વધારો થઈ રહ્યો છે ત્યાં મતદાર યાદીના રિવિઝનમાં મતદારોની સંખ્યામાં વધારો થવો જોઈએ પરંતુ બિહારના એસઆઈઆરમાં ઊલટું જ ચિત્ર જોવા મળ્યું છે. આ એસઆઈઆરનો હેતુ લોકોને મતદાનથી વંચિત રાખવાનો હોવાનું જણાય છે. બિહારના અનેક લોકોને ચિંતા છે કે તેઓ આગામી ઓકટોબરમાં મતદાનથી વંચિત રહી જશે. એસઆઈઆરને અન્ય રાજ્યોમાં હાથ ધરાશે તો, બિહારની જેમ કરોડો નાગરિકો મતદાનથી વંચિત થઈ જશે તેવું તેમાં પરિણામ આવવાની શકયતા છે.
કર્ણાટકનો પડકાર
બીજી ચિંતાજનક બાબત કર્ણાટકમાંથી ઉદભવી છે. બેંગ્લુરુ સેન્ટ્રલ કર્ણાટકના ૨૮ સંસદીય મતદારક્ષેત્રમાંનુ એક છે. તેમાં આઠ વિધાનસભા મતદારક્ષેત્રો આવેલા છે. બેંગ્લુરુ સેન્ટ્રલના લોકસભાના પરિણામ પર આપણે નજર નાખીએ. એક વિધાનસભા મતદાર ક્ષેત્ર મહાદેવપુરાને હાલ પૂરતું બાજુ પર રાખીએ. કોંગ્રેસનો ઉમેદવારો ચાર બેઠક પર આગળ હતો અને ભાજપનો ઉમેદવાર ત્રણ બેઠક પર. આ સાત વિધાનસભા મતદારક્ષેત્રમાં કોંગ્રેસનો ઉમેદવાર ૮૨૧૭૮ની નેટ લીડ ધરાવતો હતો. હવે મહાદેવપુરાને જોઈએ. અહીં ભાજપનો ઉમેદવાર ૧,૧૪,૦૪૬ મતોથી આગળ હતો. અહીં ૮૨૧૭૮ મતોની નેટ લીડ નીકળી જાય છે અને ભાજપના ઉમેદવારને ૩૧૮૬૮ મતોથી વિજય મળે છે. પોસ્ટલ બેલેટસનો ઉમેરો કરીને ભાજપના ઉમેદવારને ૩૨૭૦૭ મતોથી વિજયી જાહેર કરાયા હતા. આનાથી અંતિમ પરિણામ શંકાસ્પદ જણાતું નથી. આમછતાં, ૩૨૭૦૭ મતોના તફાવત કોંગ્રેસના ઉમેદવાર અને તેની ટીમ દ્વારા એકઠા કરાયેલા પ્રથમ દર્શિય પુરાવા સાથે સંયોગ ધરાવે છે. સદર ઉમેદવાર અને તેમની ટીમે મતદારોની યાદીની બારીકાઈથી ચકાસણી કરી હતી અને તેમાં અસંખ્ય ગંભીર ભૂલો હોવાનું જણાયું હતું. આ ભૂલોમાં એક જ રૂમમાં મતદારોની અસામાન્ય સંખ્યા, વોટર કાર્ડસ પર પિતાના નામમાં છબરડા તથા વયમાં પણ ભૂલો જોવા મળી હતી.
અહીં પ્રશ્ન એ થાય છે કે આ ભૂલોના પ્રથમ દર્શિય પુરાવા છતાં, શું તેની તપાસ થવી જોઈતી નહોતી? એક સામાન્ય વ્યક્તિ તપાસ થવી જોઈએ તેવું માની શકે છે, ત્યારે ચૂંટણી પંચ સામાન્ય વ્યક્તિ અથવા સંસ્થાની જેમ વર્ત્યુ નહોતું. પંચ પોતે સ્વતંત્ર હોવાનો અને ચૂંટણીઓમાં કોઈપણ પ્રાથમિક હિસ્સેદારો- મતદારો, ઉમેદવારો તથા રાજકીય પક્ષોને જવાબ આપવા બંધાયેલ નથી તે વાતનો ગર્વ લે છે. પોતાની સ્વતંત્રતાના મદમાં અને સંસદના બન્ને ગૃહોમાં પ્રિસાઈડિંગ ઓફિસરોની આ મુદ્દે ચર્ચા કરવાની અનિચ્છાને જોતા દેશનું ચૂંટણી પંચ કોર્ટ બની ગયું હોવાનું જણાય છે અને એફિડેવિટ તથા શપથ માગી રહ્યું છે.
મહાદેવપુરા વિધાનસભાની મતદાર યાદીની વિશ્વસ્નિયતાનો મૂળ મુદ્દો હાલના શોરબકોરમાં ભુલાઈ જવો ન જોઈએ અને ચર્ચા અવળે પાટે ન જવી જોઈએ. હું ફરી કહેવા માગુ છું કે મૂળ મુદ્દો મતદાર યાદીની વિશ્વસ્નિયતાનો છે પછી તે મહાદેવપુરા વિધાનસભા હોય કે બિહાર રાજ્યની હોય. ચૂંટણી પંચે આજે નહીં તો ભવિષ્યમાં ન્યાયના દિવસે જવાબ તો આપવો પડશે.








