Editorial

મોદીના અગિયાર વર્ષ : લોકોને રાષ્ટ્ર પ્રત્યે તો ગર્વ છે, પણ નેતાગીરી સામે શંકા

By GS TEAM
15 Jun 20254 mins read
મોદીના અગિયાર વર્ષ : લોકોને રાષ્ટ્ર પ્રત્યે તો ગર્વ છે, પણ નેતાગીરી સામે શંકા

- આર્થિક મંદી, વધતી અસમાનતા અને સરમુખત્યારશાહીનો દાયકો

- પ્રત્યેક સરકારના સારા અને નરસા પાસા હોય છે અને એનડીએ સરકાર પણ તેમાં અપવાદ નથી 

- આર્થિક સુધારા અને ઉદારીકરણની શરૂઆત ભારતનો વિકાસ દર ઊંચે લાવવાના હેતુથી શરૂ કરાયા હતા


ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

કોઈપણ દ્રષ્ટિકોણ ખરો નથી હોતો. આલ્બર્ટ આન્સ્ટાઈનના સામાન્ય સાપેક્ષતાના સિદ્ધાંત સામે અગ્રણી વિજ્ઞાાનીઓએ સવાલો ઉઠાવ્યા હતા જેમાંથી જયંત નાર્લિકર પણ સામેલ હતા. ઈરાદો ખરાબ ન હોય તો પ્રત્યેક દ્રષ્ટિકોણમાં સત્યનો અંશ હોય છે અને તેનો આદર થવો જ જોઈએ, જે ગુણ વર્તમાન સરકારે છેલ્લા અગિયાર વર્ષ દરમ્યાન વિકાવ્યો જ નથી.

નરેન્દ્ર મોદી અગિયાર વર્ષ પૂર્ણ કરીને દેશના ત્રીજા સૌથી લાંબો સમય વડા પ્રધાનપદે રહ્યા છે. આ તેમની દ્રઢતા અને પાર્ટી માટે ચૂંટણી જીતવાની ક્ષમતાનો પુરાવો છે.

પ્રત્યેક સરકારના સારા અને નરસા પાસા હોય છે અને એનડીએ સરકાર પણ તેમાં અપવાદ નથી. મોદી સરકાર મેટ્રિક્સ પર આધાર રાખે છે અને એક વિકાસશીલ  દેશમાં સામાન્ય આર્થિક મેટ્રિક્સ માત્ર સ્ટોકમાં વધારો કરી શકે. સ્કૂલો નવી બને અથવા રસ્તાઓનું બાંધકામ થાય, તો તે સ્કૂલના સ્ટોક (સંખ્યા) અથવા રસ્તા (કિલોમીટરમાં) વધારો કરે છે. પણ સરકારના કાર્યોનું આંકલન કરવા માટે લોકોના ધોરણો જુદા હોય છેઃ તે સુશાસન તરીકે ઓળખાતા સંખ્યામાં દર્શાવી ન શકાતા મેટ્રિક પર આધારીત હોય છે. સુશાસન હેઠળ દેશને તમામ માટે બહેતર, મજબૂત અને ન્યાયી સ્થળ તરીકે જોવામાં આવે છે અને વ્યક્તિને સંતોષ હોય છે  તેના પરિવારની જીવનશૈલી વધુ બહેતર બનશે. શાસનની ગુણવત્તા માત્રાત્મક માપદંડોમાં સંપૂર્ણપણે પારખી શકાતી નથી.

મારા આંકલન મુજબ ભારત ૨૦૧૪માં હતું તેનાથી વધુ તમામ માટે બહેતર અથવા શક્તિશાળી અથવા ન્યાયી સ્થળ નથી બન્યું. લાખો લોકોની જીવનશૈલીમાં ભલે સુધારો આવ્યો હોય, પણ સાથે જ લાખો લોકોના જીવન અનિશ્ચિતતા, ગરીબી, બેરોજગારી અને ભયથી ગ્રસ્ત થયા છે.

શું ભારત તમામ માટે બહેતર બન્યું છે?

આર્થિક સુધારા અને ઉદારીકરણની શરૂઆત ભારતનો વિકાસ દર ઊંચે લાવવાના હેતુથી શરૂ કરાયા હતા. યુપીએના દસ વર્ષના શાસનકાળ હેઠળ જીડીપી વિકાસ દર જૂની સીરીઝ હેઠળ ૭.૪૬ ટકા હતો જ્યારે નવી સીરીઝ હેઠળ ૬.૭ ટકા હતો. ૨૦૧૪-૧૫ પછી અને ખાસ કરીને ૨૦૧૯-૨૦ પછી સત્તાવાર ડાટા અનુસાર વિકાસ દર ધીમો પડયો છે. ૨૦૨૪-૨૫માં પણ વિકાસ દરમાં સામાન્ય વધારો થયો છે. ૨૦૧૪-૧૫થી વાસ્તવિક જીડીપીનો ચક્રવૃદ્ધિ દર ૬.૧ ટકા હતો, જ્યારે ૨૦૧૯-૨૦થી આ દર ઘટીને ૫.૧ ટકા થયો છે. કૃષિ, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્રે ઘટાડો નોંધાયો છે અને પાંચ ટકા કરતા ઓછો છે.  ફક્ત સેવા ક્ષેત્રએ ૫.૪ ટકા દર નોંધાવ્યો છે.

વિશાળ વસતીના બહેતર જીવનનું માપદંડ નજીવી જીડીપી નહિ પણ માથાદીઠ આવક છે. એનડીએના પ્રથમ દસ વર્ષમાં તેમાં ૧૪૩૮ અમેરિકી ડોલરથી ૨૭૧૧ સુધી માત્ર ૧.૮૯ ગણો વધારો થયો છે અને છેક અગિયારમાં વર્ષે ૨૮૭૮ ડોલર થઈને બમણો થયો છે. આ સ્તરે ભારત ૧૯૬ દેશોમાંથી ૧૩૬માં ક્રમે છે. વિકસીત દેશ (૧૪ હજાર અમેરિકી ડોલર માથાદીઠ આવક)ના ધોરણ સુધી પહોંચવા માટે વીસ વર્ષના સતત સમયગાળા માટે ૮ ટકાના વૃદ્ધિ દર પામવાના લક્ષ્યથી ઘણું દૂર રહ્યું છે.

શું ભારત ન્યાયી સ્થળ છે?

સમૃદ્ધ-અતિસમૃદ્ધ (ટોચના ૨૦ ટકા) અને અત્યંત ગરીબ (તળીયાના ૨૦ ટકા) વચ્ચે અસમાનતા વધવા ઉપરાંત સમાજમાં વ્યાપક ભય અને અસુરક્ષાની લાગણી છે. આ ઉપરાંત, ભારપૂર્વકના બહુમતીવાદ, વધતા સાંપ્રદાયિક અને જાતિગત ઝઘડા, ઉગ્ર  નફરતભર્યા ભાષણો અને લેખન, બેશરમ ક્રોની મૂડીવાદ, ફોજદારી ન્યાય પ્રણાલીનું પતન, સંઘીય માળખામાં ગંભીર ભંગાણ અને ધીરે ધીરે આગળ વધતી સરમુખત્યારશાહીના વિપુલ પ્રમાણ છે. એના માટે બે ઉદાહરણો પૂરતા છેઃ ૧) રાજકીય હેતુઓ હાંસલ કરવા પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ અને આવક વેરા ધારાના કાયદાનો શસ્ત્ર તરીકે ઉપયોગ અને ૨) એક તરફ જ્યારે ભંડોળની તંગીનો સામનો કરી રહેલા મુંબઈ ઉપનગરીય ટ્રેન નેટવર્ક પર ૨૦૧૪ અને ૨૦૨૫ વચ્ચે ૨૯,૯૭૦ લોકોના મોત અને ૩૦,૨૧૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર રૂા. ૧,૦૮,૦૦૦ કરોડનું રોકાણ કરવાની બેદરકારી.

શું ભારત શક્તિશાળી દેશ છે?

અહીં મજબૂત શબ્દનો અર્થ એક્તા, પડોશી દેશો સાથે મૈત્રી અને સૌહાર્દભર્યા સંબંધો, સુરક્ષિત સરહદો, સક્ષમ સશસ્ત્ર દળો, વિશ્વના દેશો સાથે સૌહાર્દપૂર્ણ અને રાજદ્વારી સંબંધો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સન્માનીય સ્થાન જેવો થાય છે. પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી આ નબળાઈઓ ઉઘાડી પડી ગઈ છે. ભારતે શ્રીલંકા, મ્યાનમાર, બાંગલાદેશ, ભુતાન, નેપાળ, અફઘાનિસ્તાન, માલદિવ્સ અથવા મોરિશિયસ જેવા પડોશી દેશોમાં ડેલિગેશનો નહોતા મોકલ્યા તેમજ આ દેશોએ જાહેરમાં કોઈ ટિપ્પણી નહોતી કરી. આ દેશોએ આતંકી હુમલાની નિંદા તો કરી પણ કોઈપણ દેશે આતંકવાદના પ્રણેતા તરીકે પાકિસ્તાનની ટીકા ન કરી. પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતનો કથિત લાભ પણ શંકાના ઘેરામાં છે.

મૂળભૂત કરારો અને ક્વોડ છતાં અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ટેરિફ લાદ્યા તેમજ ભારત અને પાકિસ્તાનને એક જ પંક્તિમાં મુક્યા.

આઈએમએફ એક્ઝેક્યુટીવ બોર્ડ અને વિશ્વ બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના માત્ર ૨૫ સભ્યો પૈકી એક હોવા છતાં બંને સંસ્થાઓએ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને મોટી લોન આપવાના મત આપ્યા. ભારતે ચાર દિવસની લડાઈ મુખ્યત્વે ફ્રેન્ચ, રશિયન અને ઈઝરાયેલી લશ્કરી હાર્ડવેરથી લડી. ભારત મજબૂત હોઈ શકે, પણ આપણે ધારીએ છીએ તેટલું નથી.