જીએસટીને લગતા અન્ય સુધારા લાવવામાં બીજા આઠ વર્ષ નહીં લાગી જાય તેવી આશા

- દેશના નાગરિકોએ આઠ વર્ષ સુધી શા માટે ઊંચા જીએસટી ચૂકવતા રહેવુ પડયું
- જીએસટીના ઊંચા દરને કારણે ઉપભોગ નીચો રહ્યો છે અને ઘરેલું દેવાબોજમાં વધારો થયો છે
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
૨૦૧૬ના ઓગસ્ટમાં જ્યારે બંધારણિય (૧૨૨મો સુધારા) ખરડો સંસદમાં રજૂ કરાયો હતો ત્યારે તેના પર રાજ્યસભામાં હું બોલ્યો હતો. જેના કેટલાક અંશો આ પ્રમાણે છેઃ
વલણમાં સાતત્યતા
''મને આનંદ છે કે, છેવટે નાણાં પ્રધાને, એ સ્વીકાર્યુ છે કે જીએસટી લાવવાનો પ્રથમ ઈરાદો યુપીએ સરકાર તરફથી જાહેર કરાયો હતો. ૨૮ ફેબુ્રઆરી, ૨૦૦૫ના રોજ લોકસભામાં બજેટ ભાષણમાં આ જાહેરાત કરાઈ હતી.
''સર, ચાર મુખ્ય મુદ્દાઓ તરફ હું તમારું ધ્યાન દોરવા માગુ છું....
'' હું હવે સદર ખરડાની મુખ્ય બાબત પર આવું છું......જે વેરાના દર અંગેની છે. હું પહેલા મુખ્ય આર્થિક સલાહકારના રિપોર્ટનો કેટલોક ભાગ વાંચીશ.... કૃપા કરી યાદ રાખો કે, આપણે આડકતરા વેરાને હાથ ધરી રહ્યા છીએ. વ્યાખ્યા પ્રમાણે, એક આડકતરો વેરો એ ઉત્તરોત્તર ઘટતો કર છે. કોઈપણ આડકતરો વેરો ગરીબ અને શ્રીમંત બન્નેને સમાન રીતે લાગે છે.... મુખ્ય આર્થિક સલાહકારનો રિપોર્ટ જણાવે છે કેઃ ઊંચી આવક સાથેના દેશોમાં, જીએસટીનો સરેરાશ દર ૧૬.૮૦ ટકા છે. ભારત જેવા ઊભરતા દેશોમાં આ સરેરાશ ૧૪.૧૦ ટકા છે, માટે વિશ્વમાં ૧૯૦થી વધુ જેટલા દેશોમાં જીએસટીનું એક યા બીજુ સ્વરૂપ છે. તે યા તો ૧૪.૧૦ ટકા છે અથવા તો ૧૬.૮૦ ટકા છે.
આપણે જીએસટી નીચો રાખવાની જરૂર છે. સાથોસાથ, આપણે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની આવકના સ્તરને પણ જાળવી રાખવાનું છે...... રેવેન્યુ ન્યુટ્રલ રેટ, આરએનઆર તરીકે ઓળખાતા દરને શોધી અમે તેના પર ગયા છીએ...
સરકારના મુખ્ય આર્થિક સલાહકાર જેમણે રાજ્ય સરકારોના પ્રતિનિધિ સહિતના નિષ્ણાતો સાથે કામ કરી ૧૫ થી ૧૫.૫૦ ટકાનો આરએનઆર શોધી કાઢયો હતો અને ત્યારબાદ સ્ટાન્ડર્ડ રેટ ૧૮ ટકા રહેવો જોઈએ તેવી ભલામણ કરી હતી. કોંગ્રેસ પક્ષે ૧૮ ટકાનો દર હવામાંથી ઊભો નથી કર્યો. ૧૮ ટકા દર તમારા રિપોર્ટમાંથી જ આવ્યો છે.
''........લોકો માટે કોઈકે તો બોલવું જ જોઈએ.લોકોના નામે હું આ દર મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા ભલામણ કરાયેલા દર જેટલો રાખવા હું તમને સૂચવું છે આ દર એટલે કે સ્ટાન્ડર્ડ રેટ ૧૮ ટકાથી વધુ ન હોવો જોઈએ. ''સદર રિપોર્ટનો પેરેગ્રાફ ૨૯,૩૦,૫૨ અને ૫૩ વાંચી જુઓ. તેમાં સ્પષ્ટ રીતે દલીલ કરાઈ છે કે....૧૮ ટકાના સ્ટાન્ડર્ડ રેટથી કેન્દ્ર અને રાજ્ય સરકારો બન્નેની આવક જળવાઈ રહેશે. આ દર પૂરતો હશે, ફુગાવાજન્ય નહીં હોય, કર ચોરી ટાળશે અને ભારતના દરેક નાગરિકોમાં તે સ્વીકાર્ય હશે. ....જો તમે માલસામાન અને સેવા પર ૨૪ ટકા અથવા ૨૬ ટકા વસૂલવા જાવ છો તો, જીએસટી ખરડો શા માટે લવાયો છે....?
''છેવટે સદર ટેકસ ખરડામાં તમારે એક દર તો મૂકવો પડશે. હું, મારા પક્ષ વતિ સ્પષ્ટ રીતે અને ભારપૂર્વક માગ કરું છું કે, સ્ટાન્ડર્ડ રેટ જે મોટાભાગના માલસામાન અને સેવા, ૭૦ ટકાથી વધુ માલસામાન અને સેવા પર લાગુ થાય છે તે ૧૮ ટકાથી વધુ ન હોવો જોઈએ અને નીચા દર અને ડીમેરિટ દરની ગણતરી આ ૧૮ ટકા પર કરી શકાશે.
8 વર્ષ સુધી શોષણ
૨૦૧૬માં પણ મેં આજ અવાજે વાત કરી હતી, જેમ હું આજે બોલી રહ્યો છું.મને આનંદ છે કે જીએસટીને તર્કબદ્ધ અને નીચા રાખવાનું સરકારને જ્ઞાાન થયું છે. જો કે જીએસટીની રચના વખતે સરકારે દલીલ કરી હતી, કે ૧૮ ટકા દર રાખવાથી આવકમાં મોટું નુકસાન થશે, ખાસ કરીને રાજ્ય સરકારોને. આ એક ખોટો હાઉ હતો. આજે પાંચ ટકા અને અઢાર ટકાના બે જ દર છે. વેરા મારફતની આવક વધારવા કેન્દ્ર પાસે અનેક માર્ગો છે. જો રાજ્ય સરકારોની આવકમાં તૂટ પડે તો, ખરી બાબત રાજ્યોને વળતર આપવાની છે.
છેલ્લા આઠ વર્ષમાં સરકારે ઉપભોગતા પાસેથી નાણાં ઉલેચી લેવા જીએસટીના અનેક દરોને લાગુ કર્યા છે. ૨૦૧૭ના જુલાઈથી માર્ચ ૨૦૧૮ સુધીના જીએસટીના પ્રથમ આંશિક વર્ષમાં સરકારે રૂપિયા ૧૧ લાખ કરોડ વસૂલ્યા હતા. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં આ આંક રૂપિયા ૨૨ લાખ કરોડ રહ્યો હતો. વપરાશકારો દ્વારા પરિશ્રમ વડે કમાણી કરાયેલ દરેક પૈસો સરકારે જીએસટી મારફત ચૂસી લીધો છે. માટે જ તેને ગબ્બર સિંહ ટેકસ કહેવાયું તે ખોટું નથી. જીએસટીના ઊંચા દરને કારણે ઉપભોગ નીચો રહ્યો છે અને ઘરેલું દેવાબોજમાં વધારો થયો છે. એક સાદુ ગણિત છે કે વેરામાં ઘટાડાથી ઉપભોગ વધે છે.
ટૂથપેસ્ટ, વાળમાં નાખવાના તેલ, બાળકોના નેપકીન, પેન્સિલ્સ, નોટબુકસ, ટ્રેકટર્સ વગેરે જેવી ચીજવસ્તુઓ પર પાંચ ટકા જીએસટી આજે બરોબર છે, તો આઠ વર્ષ સુધી તે શા માટે યોગ્ય નહોતા ગણાતા? લોકોએ આઠ વર્ષ સુધી શા માટે ઊંચા ટેકસ ચૂકવતા રહેવું પડયું?
માર્ગનો છેડો નથી
દરમાં ઘટાડો એ તો એક શરૂઆત છે. બીજી અનેક બાબતો છે, જે કરવાની રહે છે. સરકારે,
- રાજ્યો, ઉત્પાદકો અને વપરાશકારોને સિંગલ જીએસટી દર (વધુ મુક્તિ સાથે, જો આવશ્યક હોય તો) માટે તૈયાર કરવા રહ્યાત
- કાયદાની કલમો અને નિયમોમાં રહેલી આંટીઘૂંટી દૂર કરી તેને સરળ ભાષામાં ફરીથી લખાવોત
- ફોર્મ્સ તથા રિટર્ન્સ સરળ બનાવો, ફાઈલિંગ્સની સંખ્યા ઘટાડોેત
- ફરજપાલનના નિયમો સરળ બનાવો, જેથી નાના ટ્રેડર અને દૂકાનદારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સેવા લેવી ન પડેેેત
- જીએસટી કાયદાના ગુનાહિત કૃત્યને રદ કરો, તે દિવાની કાયદાઓ છે જે વેપાર સાથે સંબંધ ધરાવે છે અને તેના કોઈપણ ભંગના કિસ્સામાં યોગ્ય નાણાંકીય સજા થવી જોઈએેેેત અને
- વેરાની વસૂલાત કરનારા અધિકારીઓને જણાવો કે ઉત્પાદકો અને ટ્રેડરો અર્થતંત્રના કેન્દ્રબિન્દુ છે અને તેઓ એવા દૂશમન નથી જેને વેરા અધિકારીઓના હાથે ભોગ બનવા દેવાય.
ભાજપ માટે ઉજવણી કરવા જેવુ કશું નથી. સરકારે દેશના લોકોની માફી માગવી જોઈએ. અને મને આશા છે કે, બાકીના સુધારા લાગુ કરવામાં બીજા આઠ વર્ષ લાગી નહીં જાય.








