Editorial

ભારતની સતત ટીકા છતાં દેશના વડા પ્રધાન દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા શા માટે ?

By GS TEAM
12 Oct 20254 mins read
ભારતની સતત ટીકા છતાં દેશના વડા પ્રધાન દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા શા માટે ?

- એક સાથે બે ઘોડા (અમેરિકા અને ચીન) પર સવાર કરવાનું પાકિસ્તાને શીખી લીધું

- જાન્યુઆરી, ૨૦૨૫થી અમેરિકાએ એક પણ બાબત એવી નથી કરી જેને ભારત માટે મૈત્રીભરી તરીકે વર્ણવી શકાય


- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

એક જ વ્યક્તિની ચાર દિવસના ગાળામાં  એક વખત નહીં પરંતુ બે વખત પ્રશંસા કરવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે અસામાન્ય છે, પરંતુ તેમણે તેમ કર્યું હતું. તેમની પ્રસંશાના પાત્ર હતા અમેરિકાના  પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ. પ્રશંસા માટેનો મુદ્દો હતો ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધવિરામ કરાવવા  ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલી  વીસ મુદાની શાંતિ યોજના. 

૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના મોદીએ આ પ્લાનને ગાઝા સંઘર્ષ અટકાવવા માટેના વિસ્તૃત યોજના તરીકે ગણાવ્યો હતો. લાંબા ગાળાની અને સ્થિર શાંતિ, સલામતિ અને પેલેસ્ટિનિયનો અને ઈઝરાયલના નાગરિકો  ઉપરાંત  પશ્ચિમ એશિયા વિસ્તારના વિકાસ માટે આ યોજના માર્ગ મોકળો કરે છે. મોદીએ હિન્દી ઉપરાંત અન્ય સાત ભાષાઓ - અરેબિક, ચાઈનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ તથા હેબુ્રમાં પોતાનું આ નિવેદન જારી કરાવ્યું હતું. ૪ ઓકટોબરે મોદીએ જણાવ્યું હતું કે, ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નિર્ણયાત્મક પ્રગતિ થઈ છે ત્યારે પ્રમુખ ટ્રમ્પની નેતાગીરીને અમે આવકારીએ છીએ. 

હું આ લખી રહ્યો છું ત્યારે, હમાસ તથા ઈઝરાયલે આ પ્લાનના પ્રથમ તબક્કાનો સ્વીકાર  કરી લીધો હતો. હમાસ બંધકોને છોડી મૂકશે  અને ઈઝરાયલ યુદ્ધ અટકાવશે, પણ કયારે તે સ્પષ્ટ નહોતું. આ નિર્ણયને કારણે ગાઝા તથા ઈઝરાયલ બન્નેના નાગરિકોએ શેરીમાં આવીને ઉજવણી કરી હતી. સદર પ્લાનના કેટલાક મુદ્દાઓનો હમાસે હજુ સ્વીકાર કર્યો નથી, ખાસ કરીને બહારી સત્તાને સત્તાની સોંપણી બાબતનો.

અપશુકનિયાળ પ્રારંભ

સ્વાભાવિક જ પ્રશ્ન ઊભો  થયો  છે કે, ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫થી સત્તા પર આવ્યા ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ જેણે ભારતની ટીકા જ કરવાનું ચાલુ રાખ્યું છે તેમની પ્રશંસા અને ખૂશ કરવામાં મોદી આટલા ઉત્સાહી કેમ છે. 

પ્રમુખ તરીકે  ૨૦૧૭થી ૨૦૨૧ની પોતાની પ્રથમ મુદતમાં ટ્રમ્પે સ્ટીલ  (૨૫ ટકા) તથા એલ્યુમિનિયમ  (૧૦ ટકા) પર ટેરિફ લાગુ કરીને ભારત તથા અન્ય દેશોને ટાર્ગેટ કર્યા હતા. ભારતને જીએસપી લાભો પણ અટકાવી દીધા હતા. ૨૦૨૦માં, ખાસ કરીને ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવાતા  કેટલીક શ્રેણીના વિઝાને તેમણે  રદ કરી નાખ્યા હતા. ખાસ કરીને એચ૧બી. આમછતાં, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ના ટેકસાસના હાઉસ્ટન ખાતે  મોદીએ અબકી બાર, ટ્રમ્પ સરકારના સૂત્રોચ્ચાર કર્યા હતા. 

પોતાની બીજી મુદતના નવ મહિનામાં, ટ્રમ્પે ભારત તથા બ્રાઝિલ પર જંગી ટેરિફ લાદી દીધા છે અને અમેરિકા ખાતે ભારતની સ્ટીલ, એલ્યુમિનિયમ, ટેકસટાઈલ્સ, જેમ્સ અને જ્વેલરી, કાર્સ સહિતની વિવિધ નિકાસોને લગભગ સ્થગિત કરી દીધી છે.

 રશિયાનું તેલ ખરીદીને તેને યુક્રેન સામે યુદ્ધ લડવા ભંડોળ પૂરું પાડી રહ્યું હોવાનો ભારત પર આક્ષેપ કરીને તેમણે ભારતના માલસામાનની અમેરિકામાં આયાત પર વધારાની ૨૫ ટકા ટેરિફ નાખી દીધી છે. ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ તરીકે ઓળખાવ્યું છે અને તેમના વેપાર સલાહકાર શ્રી. પીટર નાવારોએ પણ ભારત માટે કડવા વેણો ઉચ્ચાર્યા છે. ભારત-રશિયાને ડેડ ઈકોનોમિસ ગણાવાઈ છે. ટ્રમ્પે એચ૧બી વિઝા પેટે એક લાખ ડોલરની ફી ઠોકી દીધી છે અને વિઝા ધોરણો પણ સખત બનાવ્યા છે. ફેબુ્રઆરી-મે ૨૦૨૫માં હજારો ભારતીયો, કહેવાતા ગેરકાયદે ઈમીગ્રેન્ટસને હાથકડી તથા પગમાં સાંકળ  પહેરાવીને ભારત રવાના કરાયા હતા. 

ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનની તરફેણ

પહલગામ ઘટના અને ભારત દ્વારા વિરોધ છતાં, મે-જૂન ૨૦૨૫માં આઈએમએફ પાસેથી પાકિસ્તાનને એક અબજ ડોલરની સહાય મળી હતી અને વર્લ્ડ બેન્કે ૪૦ અબજ ડોલર આપ્યા હતા. અમેરિકાનો તેમાં મહત્વનો ભાગ હતો. ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવામાં ટ્રમ્પની ભૂમિકાને ભારતનો રદિયો છતાં ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે પોતાને કારણે યુદ્ધ અટકી શકયું હતું. એટલું જ નહીં ૧૮ જૂનના તેમણે પાકિસ્તાનના આર્મી ચીફને વ્હાઈટ હાઉસમાં ભોજન માટે આમંત્રિત કરી ભારતનું અપમાન કર્યું હતું. ૨૫ સપ્ટેમ્બરના રોજ,  ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન તથા આર્મી ચીફ સાથે સંયુકત બેઠક કરી હતી જેમાં ટ્રમ્પના શબ્દો પ્રમાણે પાકિસ્તાનના ગ્રેટ લીડરોએ મહત્વના રેર અર્થ પૂરા પાડવાની ઓફર કરી હતી, પાકિસ્તાનના માલસામાન પર ટેરિફને ૧૯ ટકા સુધી જ સીમિત રાખ્યા છે એટલું જ નહીં અરબી સમુદ્રમાં એક પોર્ટ બાંધવા અને  ચલાવવા અમેરિકાને આમંત્રિત પણ કરાયું છે. ૯/૧૧, ઓસામા બિન લાદેન, અબોટાબાદ અને પાકિસ્તાન ત્રાસવાદીઓનું મથક હોવાના વર્ણનને ભૂલાવી દેવાયા હતા. એક સાથે બે ઘોડા (અમેરિકા અને ચીન) પર સવાર કરવાનું પાકિસ્તાને શીખી લીધું હોવાનું માનવામાં આવે છે. 

જાન્યુઆરી, ૨૦૨૫થી ટ્રમ્પે એક પણ બાબત એવી નથી કરી જેને ભારત માટે મૈત્રીભરી તરીકે વર્ણવી શકાય. ભારત-અમેરિકાના સંબંધો નબળા પડી રહ્યા છે અને મોદી આ નબળા પડેલા સંબંધોને સુધારવાના હતાશાભર્યા પ્રયાસો કરી રહ્યા છે. 

સ્વપનને મારી નાખ્યું

પેલેસ્ટિનિયનોને હતાશામાં ધકેલી દેનારા ઈઝરાયલ તરફી શાંતિ યોજના (પીસ પ્લાન)ની તક લઈને ટ્રમ્પને ખૂશ કરવા વડા પ્રધાન શા માટે કૂદી પડયા છે તે એક મહત્વનો પ્રશ્ન છે. મુદ્દો ૧૯ કહે છે કેઃ

ગાઝાનો પુનર્વિકાસ આગળ વધશે ત્યારે અને જ્યારે પીએ  (પેલેસ્ટિનિયન ઓથોરિટી) સુધારા કાર્યક્રમ વિશ્વાસપૂર્ણ રીતે આગળ વધશે ત્યારે પેલેસ્ટિનિયનોના આત્મનિર્ધારણ અને નાગરિકતા માટેનો વિશ્વસ્નિય માર્ગ ખુલ્લો થશે. 

મારા મતે, યુદ્ધ છેવટે  કદાચ અટકી જશે, બંધકોને મુકત કરાશે અનેે ગાઝાના નિરાશ્રીતોને કદાચ માનવતાભરી મદદ પહોંચતી થશે, પરંતુ  ગાઝા પોતે ટ્રમ્પ તથા બ્લેરની પસંદગીવાળા બોર્ડ ઓફ પીસના નિરીક્ષણ હેઠળ અરાજકીય સમિતિ હેઠળની એક વસાહત બની રહેશે.  રાજ્યના દરજ્જાનું પેલેસ્ટિનિયનોનું સ્વપન ભાંગી ગયું છે. 

છેવટે દરેક બડાઈઓ બાદ વડા પ્રધાનને જ્ઞાાન થયું છે કે, વિશ્વમાં ભારત પાસે ઘણાં ઓછા મિત્રો છે  અને આસપાસ ઊભા થયેલા તોફાનને ખાળવા ભારત એટલું સ્થિતિસ્થાપક નથી. ખુશામત એ ચાલાક રાજનીતિ અને મજબૂત વેપાર તથા રોકાણ નીતિઓનો વિકલ્પ નથી.