Editorial

ભારતની ગૂંચવણઃ ટ્રમ્પના ટેરિફ હુમલા વચ્ચે વિકાસ, રાજનીતિ અને મુક્ત વેપારનું સંતુલન

By GS TEAM
10 Aug 20255 mins read
ભારતની ગૂંચવણઃ ટ્રમ્પના ટેરિફ હુમલા વચ્ચે વિકાસ, રાજનીતિ અને મુક્ત વેપારનું સંતુલન

- જ્યારે વિકસીત દેશો રક્ષણાત્મક અભિગમ અપનાવી રહ્યા છે ત્યારે

- ૧૯૯૦-૯૧માં અનેક પરિબળોનું મિશ્રણ  ભારતને નાણાંકીય કટોકટીની નજીક લઈ ગયું હતું


- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

વિદેશ વેપાર, ખાસ કરીને આયાત પ્રત્યે ભારતનો અભિગમ ખૂબ જ અરુચિકર હતો. બિન-જોડાણવાદી આંદોલન, દક્ષિણ-દક્ષિણ વગેરે હોવા છતાં આપણે વેપાર અને વિદેશી રોકાણની બાબતમાં વિદેશી દેશોથી સાવધ રહીએ છીએ. આપણે દરવાજો બંધ કરી દીધો હતો અને તેને ચાર દાયકા સુધી ખોલવાનો ઈન્કાર કર્યો. આપણે આયાત અને નિકાસના સખત નિયમો બનાવ્યા. તમામ બાબતોમાં લાયસન્સ અને પરમિટની જરૂરીયાત ઊભી કરી. મોટાભાગની આયાત અને કેટલીક નિકાસ રાજ્ય સંચાલિત નિગમો દ્વારા કરવામાં આવી. આપણી પાસે આયાત અને નિકાસના મુખ્ય નિયંત્રક તરીકે એક અધિકારી હતા અને જેની પાસે સમગ્ર દેશમાં ફેલાયેલી અનેક અધિકારીઓની એક ફોજ હતી જેનું એક જ કામ હતું આયાત અને નિકાસના લાયસન્સ જારી કરવા. આ એક લાભદાયક વ્યવસાય હતો. કોઈએ સ્વાભાવિક સવાલ ઉપસ્થિત ન કર્યો કે ભલે આપણી પાસે આયાતનો નિયંત્રક છે, પણ નિકાસનો નિયંત્રક શા માટે?

શરૂઆત

આવી નીતિથી નિકાસને વેગ ન મળ્યો અથવા નિકાસ-પ્રેરિત ઉત્પાદન ક્ષેત્ર રચાયું નહિ અથવા વિદેશી મુદ્રા ભંડારમાં કોઈ વધારો ન થયો. દરમ્યાન ખુલ્લુ અર્થતંત્ર સ્વીકારનાર તેમજ મુક્ત વેપારની મંજૂરી આપનાર ભારતના સ્તરના જ અનેક દેશો સમૃદ્ધ બની ગયા.

૧૯૯૦-૯૧માં અનેક પરિબળોનું મિશ્રણ  ભારતને નાણાંકીય કટોકટીની નજીક લઈ ગયું. ભારતને આર્થિક સુધારા કરવાની ફરજ પડી. વેપાર નીતિ સુધારા, ઔદ્યોગિક નીતિ સુધારા અને નાણાકીય શિસ્ત પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત કટોકટીમાંથી ઉગરી ગયું અને અર્થતંત્ર વિકાસના પંથે આવી ગયું.

આપણે ટેરિફો ઘટાડી દીધી(૨૦૧૩ સુધીમાં સરેરાશ ૧૨ ટકા સુધી ઘટાડી દેવામાં આવી) અને નોન-ટેરિફ અવરોધો ઓછા કરવામાં આવ્યા. આપણે જીએટીટી પર હસ્તાક્ષર કર્યા અને વિશ્વ વેપાર સંસ્થાના સભ્ય બન્યા. આપણે મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા. આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ કે ભારતીયોએ અર્થતંત્ર મુક્ત હોવું જોઈએ તેનો સ્વીકાર કરી લીધો.

મધ્યની રમત

આંચકાજનક બાબત છે કે જ્યારે વિકસતા દેશો ખુલ્લા અર્થતંત્ર તરફ વળી રહ્યા હતા ત્યારે અગાઉ ખુલ્લા અર્થતંત્ર રહેલા દેશો હવે રક્ષણાત્મક બની ગયા. એમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ અમેરિકા પણ સામેલ થયું.

અસ્થાયી કટોકટીમાંથી બચવા પગલા લેવા એક અલગ વાત છે અને રક્ષણાત્મકતાને સત્તાવાર આર્થિક નીતિ બનાવવી અલગ વાત છે. ટ્રમ્પ નિર્વિવાદપણે ઊંચા ટેરિફ, બિન-પારદર્શક ટેરિફ, આયાતને ઓછી કરવા, પ્રત્યેક દેશ સાથે વેપાર સંતુલન કરવા અને અમેરિકી કંપનીઓને તેમની ફેક્ટરીઓ અમેરિકાની બહાર ઊભી ન કરવા માટે ધમકાવવાની તરફેણમાં રહ્યા છે. તેમની માન્યતા છે કે ટેરિફ દ્વારા તેઓ ધાર્યું હાંસલ કરી શકશે. તેમણે રિપબ્લીકનની તરફેણ કરનારા રાજ્યો પ્રત્યે પક્ષપાત, કેનેડાના નેતાઓ સામે પૂર્વગ્રહ જેવા વિચિત્ર પરિબળો નીતિ ઘડવામાં સામેલ કર્યા, અમેરિકી અર્થતંત્ર અમેરિકનો માટે નોકરીઓ નથી ઘડતું તેવી દલીલો કરી અને ઊંચા ટેરિફનો બોજ અમેરિકી ગ્રાહકો નહિ પણ નિકાસકાર દેશો ભોગવશે તેવા વાહિયાત દાવા કર્યા. ટ્રમ્પે પરિબળ અસમાનતા, વિશેષજ્ઞાતા, શ્રમ વિભાજન, સપ્લાય ચેન વગેરે જેવા સાબિત થયેલા આર્થિક સત્યો નકારી કાઢ્યા.

ટ્રમ્પનો હઠાગ્રહ છે કે અમેરિકી કંપનીઓએ અમેરિકામાં જ ઉત્પાદન કરવું પડશે. તેઓ તેને પાછા આવવંિ (રિ-શોરિંગ) કહે છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં અમેરિકામાં ઉત્પાદન પાછું લાવવું એવું બોલવું સહેલું છે, અમલમાં મુકવું અઘરું છે નામનો લેખ પ્રકાશિત થયો હતો. એમાં જણાવ્યું છે કે એ દિવસો ગયા જ્યારે એક ઉત્પાદક એક ઉત્પાદન માટે જરૂરી તમામ ઘટકો અને એસેમ્બ્લીની ડીઝાઈન કરી શકતો હતો. હવે ટેકનોલોજી જટિલ બની ગઈ છે અને એક જ સ્થળે તમામ કુશળતા રાખવી અશક્ય છે. જેફરી સાક્સએ ટ્રમ્પને એક અસંસ્કારી વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે જેમને ૨૧મી સદીના ઉત્પાદનની જટિલતા વિશે કોઈ સમજ નથી.

ટ્રમ્પે ટેરિફને હથિયાર બનાવીને પોતાની સામે ઝૂકી જનાર દેશો (ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, જાપાન, દ.કોરિયા)ને પુરસ્કૃત કર્યા છે જ્યારે તેમની સામે મક્કમ રહેનાર (કેનેડા, ફ્રાન્સ, યુ.કે., બ્રાઝિલ) દેશોને દંડિત કર્યા છે. ભારત વિશે હજી સુધી નિર્ણય નહોતો લેવાયો પણ છેવટે ટ્રમ્પે સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર, તેમજ અનેક ભારતીય ઉત્પાદનો પર રશિયા પાસેથી તેલ ખરીદવા માટે દંડ સહિત પચાસ ટકા ટેરિફ નાખી દીધી. બીજી તરફ ભારતે માત્ર અમે જરૂરી પગલા લઈશું જેવો પ્રતિસાદ આપ્યો છે.

સંભવિત અંત

સ્વાભાવિક છે કે ભારત ઝૂકશે નહિ. એવી જ રીતે ભારત સામનો પણ નહિ કરે. આપણે સ્પષ્ટપણે વાટાઘાટ કરવાની તૈયારી દાખવવી પડશે, પછી ભલે તે લાંબી અને પીડાદાયક હોય. અર્થતંત્રના નિયમો ટ્રમ્પને ટેરિફને હથિયાર બનાવવાના તેમના નિર્ણયનો ફેરવિચાર કરવા ફરજ પાડશે, જેવા  કે ઊંચા ટેરિફને કારણે અમેરિકનોના ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓની કિંમતમાં વધારો થશે અને ફુગાવો વધશે, અમેરિકન કંપનીઓ ફરી દેશમાં આવવા આનાકાની કરશે, નોકરીઓમાં કોઈ વધારો નહિ થાય અને નિર્વિવાદપણે અમેરિકી વિકાસ દર ધીમો પડશે. ૨૦૨૬માં આવતી વચગાળાની ચૂંટણી ટ્રમ્પના ઘમંડ પર નિયંત્રણ મુકી શકે છે.

દરમ્યાન ભારતને મર્યાદિત નિકાસ ઉપ્તાદનો અને અલ્પ નિકાસ બજારો સાથે સંતોષ રાખીને સુસ્ત નિકાસકાર બની રહેવું પાલવશે નહિ. આપણે નિકાસની વસ્તુઓનો વ્યાપ વધારવો પડશે. આપણે સક્રિયપણે ૪૫ અબજ ડોલરના ઉત્પાદનો (૨૦૨૪-૨૫માં અમેરિકાને આપણી નિકાસનું મૂલ્ય) ખરીદી શકે તેવા નવા બજાર શોધવા પડશે. આપણે સીધા વિદેશી રોકાણ માટે નિયમો સરળ બનાવવા પડશે. ટૂંકા ગાળામાં આપણે નિકાસકારોને પ્રોત્સાહન આપવું પડશે. આપણે નિકાસકારોને વળતર આપવા વિનિમય દરમાં ફેરફાર કરવાનું વિચારી શકીએ, જોકે તેનાથી આયાતનો ખર્ચ વધશે. બધી બિનજરૂરી આયાતોને અસ્થાયી રૂપે રોકી શકાય છે.

વિદેશી સંબંધોનો પ્રથમ બોધપાઠ છે કે તમે જો નમશો, ઘૂંટણીયે પડશો અથવા જમીન પર પડશો તો તમને લાત મારવામાં આવશે. મોદી ટ્રમ્પ સાથે મિત્રતા કરતી વખતે આ બોધ ભૂલી ગયા હતા. સદ્ભાગ્યે પ્રતિકારનો સંકેત મળી રહ્યો છે. ભારતે અમેરિકા સમક્ષ સ્પષ્ટ કરવું પડશે કે તે મક્કમ રહેશે, પોતાના હિતોનું રક્ષણ કરશે અને મુક્ત વેપાર માટે સહમત થશે તેમજ વાટાઘાટ કરવા અને કરારો કરવા તૈયાર રહેવું પડશે, પછી ભલે આ પ્રક્રિયા ગમે તેટલી જટિલ હોય.