Editorial

ટ્રમ્પ તથા જિનપિંગ વચ્ચેની સુલેહથી ભારત સહિત અન્ય દેશો પર ઠંડુ પાણી રેલાયું

By GS TEAM
9 Nov 20254 mins read
ટ્રમ્પ તથા જિનપિંગ વચ્ચેની સુલેહથી ભારત સહિત અન્ય દેશો પર ઠંડુ પાણી રેલાયું

- ભારત ભલે ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર હશે પરંતુ, જીડીપીને હાલના સ્તરેથી બમણું કરવા  તેને દસ વર્ષ લાગશે

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

વિશ્વમાં આજે સૌથી પરિણામલક્ષી નેતાઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઝી જિનપિંગનો સમાવેશ થાય છે. વ્લાદીમિર પુતિન તથા બેન્જામિન નેત્યાનાહુનો પણ  તેમની કક્ષાના છે. તેમના સારા અથવા ખરાબ શબ્દો અને પગલાંની અસર તેઓ જે દેશના વડા છે તેની સરહદોને પાર પણ પડે છે. નરેન્દ્ર મોદી પણ તેમના જેવા બનવા માગે છે. તેમનો પક્ષ એવો દાવો કરી રહ્યો છે કે તેઓ તેમનામાંના એક છે જ, પરંતુ હકીકત કંઈક અલગ જ છે.

આર્થિક હકીકત

અમેરિકા અથવા ચીનની સરખામણીએ ભારતનું અર્થતંત્ર કદની દ્રષ્ટિએ નાનું છે. રશિયા તથા ઈઝરાયેલની માથાદીઠ આવકની તુલનાએ પણ ભારત પાછળ છે. લેખ સાથેના ડેટા પર નજર નાખીએ.

ભારત કરતા અમેરિકાનું અર્થતંત્ર સાત ગણું અને ચીનનું ૪.૫૦ ગણું મોટું છે. ભારત ભલે ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર હશે પરંતુ, જીડીપીને હાલના સ્તરેથી બમણું કરવા માટે પણ તેને દસ વર્ષ લાગી શકે એમ છે. તે દરમિયાનના ગાળામાં નાના વિકાસ દરે પણ અમેરિકા તથા ચીનના જીડીપીનું સ્તર મોટું બની જશે અને ભારત તથા આ બન્ને દેશોના જીડીપી વચ્ચેનું અંતર પણ વધી જશે. રશિયા તથા ઈઝરાયેલના જીડીપીનું કદ ભલે નાનું છે પરંતુ તેઓ સમૃદ્ધ છે અને તેમની માથાદીઠ આવક ભારતની સરખામણીએ અનુક્રમે ૬ અને ૧૮ ગણી વધુ છે. આ ગણિત ભારતના વર્તમાન શાસક સિવાય વિશ્વના દરેક નેતાઓને ખબર છે.

જી-ટુ આશ્ચર્ય

વિશ્વ ભારતને એટલા માટે માન આપે છે કારણ કે તે  સુપરપાવર નહીં પરંતુ સૌથી વધુ લોકસંખ્યા સાથેનો દેશ છે અને તેની પાસે કલા, સંસ્કૃતિ, લોકશાહીનો વારસો છે અને તે શાંતિપ્રિય છે માટે.  વિશ્વના દેશોનો વેપારમાં દાવ લાગેલો છે અને તેઓ પ્રાદેશિક શાંતિ પણ ઈચ્છે છે. માટે તેઓ ભારત તથા પાકિસ્તાન બન્ને સાથે સંબંધ રાખે છે. ભારતના મિત્ર છે માટે પાકિસ્તાન સાથે દૂશમની કરી લેવામાં તેઓ માનતા નથી.

આ ઉપરાંત વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. ૨૦૨૩માં ભારતે નગારા વગાડયા હતા કે તેણે જી-૨૦ સમિત યોજી. જી-૨૦ બેઠક અને તેના નેતાઓની બેઠક એક રાબેતા મુજબ વાર્ષિક કાર્યક્રમ છે અને યજમાન દેશનું નામ રોટેશન  ધોરણે નક્કી કરવામાં આવે છે. ૨૦૨૪માં બ્રાઝિલ તેનું યજમાન હતું. વર્તમાન વર્ષમાં દક્ષિણ આફ્રિકાનો ક્રમ છે અને ૨૦૨૬માં અમેરિકાનો વારો છે. જી-૨૦ની સમિતના યજમાન બનવામાં કોઈ મોટી  ધાડ નથી. અન્ય કોઈ દેશ શોરબકોર કરતો નથી.

જી-૨૦ કરતા જી-૮ અને જી-૭ વધુ મહત્વના છે. હવે તો એક અલગ જ જૂથ જી-૨ આકાર પામ્યું છે. ઝી જિનપિંગ સાથેની બેઠક પહેલા અને પછી ટ્રમ્પે ઝીને સમાન દરજ્જો આપ્યો હતો જે તેઓ મોદીને કયારેય નહીં આપે. ટ્રમ્પ પ્રતિભાશાળી નજરે પડતા હતા જ્યારે ઝી જિનપિંગ ભેદી દેખાતા હતા. બહુધુ્રવિય વિશ્વ માટે ભારત જે કંઈપણ કહે પરંતુ સુપરપાવર દેશ તો આ બે જ છે અને રશિયા તેમનાથી સાધારણ પાછળ છે. અમેરિકા  સામેના જોખમો ટળી ગયા છે. 

કેટલીક હકીકતો પર નજર નાખીએ

- અમેરિકાએ ચીન સાથે રેર અર્થ અને સોયાબીન માટે નાના કરાર કરી નાખ્યા છે. બન્ને દેશો ટીક-ટોક વિવાદને પણ ઉકેલવાની તયારીમાં છે. ભારત અને અમેરિકા વેપાર વાટાઘાટ ૨૦૨૫ના સંપૂર્ણ વર્ષ ચાલી પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી.

-ચીન તથા અમેરિકા બન્ને દેશો વચ્ચે ટેરિફ વોર ઊભી થઈ હતી અને બન્નેએ એકબીજા પર રિટાલિએટરી ટેરિફ લાગુ કર્યા હતા. બન્ને દેશના નેતાઓ વચ્ચે બુસાન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં વિવાદો ઉકેલવા તરફ નિર્ણયો લેવાયા હતા. ભારત પર નાખેલા શિક્ષારૂપી ટેરિફને અમેરિકાએ હજુ દૂર કર્યા નથી.

-રશિયાનું ઓઈલ ખરીદવા બદલ ચીનની કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધ લાગ્યા છે અને ભારતની કંપનીઓ રશિયાના ઓઈલની ખરીદી ચાલુ રાખશે તો તેમના પર પણ પ્રતિબંધ આવશે. 

-અમેરિકાએ ચીનના માલસામાન પર અગ્રતાના દરજ્જાને કાપ મૂકયો છે અને ભારત જે જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસના લાભો ૨૦૧૯માં ગુમાવી ચૂકયું છે તે હવે અંતિમ જણાય છે. 

ઠંડું પાણી રેલાયું

મોદી છેલ્લે ૧૪ ફેબુ્રઆરી ૨૦૨૫ના ટ્રમ્પને મળ્યા હતા. ત્યારબાદ ત્રણ એવા પ્રસંગો હતા જેમાં બન્ને નેતાઓની મુલાકાત શકય હતી. પ્રથમ તક કેનેડા ખાતે જી-૭ સમિત પછીની હતી, જ્યારે ટ્રમ્પે વળતામાં મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ મોદીએ તે નકારી કાઢયું હતું. મને લાગે છે તે સાચો નિર્ણય હતો. બીજી તક જ્યારે મોદી ગાઝા શાંતિ કરાર પર સહી કરવા ઈજિપ્ત ગયા નહોતા. ત્રીજી તક એસિયન સમિત અને સંબંધિત પરિષદો જે ઓકટોબર, ૨૦૨૫માં કુઆલા લમ્પુરમાં યોજાઈ હતી. મોદીએ આ સમિતને વર્ચ્યુલી સંબોધી હતી. મને લાગે છે કે તેમનો આ નિર્ણય ભૂલભરેલો હતો. એવું લાગી રહ્યું છે કે મોદી દ્વીપક્ષી બેઠક કરવા અથવા ટ્રમ્પ સાથે વાતચીત કરવાનું ટાળી રહ્યા છે. 

પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ અટકાવવામાં પોતાની ભૂમિકા રહેલી હોવાના ટ્રમ્પના વારંવારના દાવાને મોદીએ જાહેરમાં અથવા સંસદમાં નકાર્યા નથી. આ ઉપરાંત મોદીએ એવું કયારેય કહ્યું નથી કે, ચીનના દળોએ ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને તેઓ ગેરકાયદે રીતે કબજો જમાવી બેઠા હતા. 

ટ્રમ્પ તથા ઝી વચ્ચેેની સુલેહથી જાપાન, ઓસ્ટ્રલિયા અને તાઈવાન સાથે ભારત પર ઠંડુ પાણી રેલાઈ ગયું છે. દક્ષિણ એશિયામાં ભારત મિત્રોવિહોણું બની ગયું છે. પશ્ચિમ એશિયાના દેશો ભારત વગર ઈઝરાયેલ સાથે નવી વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. વિનમ્રતા કેળવી નવી યોજનાઓ ઘડવાનો સમય પાકી ગયો છે.

દેશ

જીડીપીનું કદ

માથા દીઠ આવક

 

(2025 પ્રમાણે ડોલરમાં

 

અમેરિકા

૩૦.૫૧  ટ્રિલિયન

૮૯૦૦૦

ચીન

૧૯.૨૩  ટ્રિલિયન

૧૩,૮૦૦

રશિયા

૨.૫૪     ટ્રિલિયન

૧૭૫૦૦

ઈઝરાયેલ

૦.૬       ટ્રિલિયન

૫૪૦૦૦

ભારત

૪.૧૯     ટ્રિલિયન

૨૯૦૦