વિશ્વને એવા રાષ્ટ્રોની જરૂર છે જે સાથે મળી ઝઘડી રહેલા દેશો પર પ્રભાવ પાડી શકે

- અમેરિકાની અસ્થિર નીતિ અને યુએનની નિષ્ક્રીયતાને કારણે યુક્રેન લાચાર સ્થિતિમાં
- ટ્રમ્પ દ્વારા વીસ મુદ્દાની તૈયાર કરાયેલ શાંતિ યોજનાનો હમાસ સ્વીકાર કરશે કે કેમ તે ખબર નથી. આ વીસ મુદામાં ઈઝરાયલની મોટાભાગની માગ સંતોષવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
હવે વધુ યુદ્ધ નહીં, ફરી કયારેય યુદ્ધ થવું ન જોઈએ એવા પોપ પોલ છઠ્ઠાએ ૧૯૬૫માં કરેલા નિવેદનથી હંુ પ્રભાવિત થયો હતો. યુદ્ધથી કયારેય સમશ્યાનો ઉકેલ આવતો નથી. તેનાથી અસંતોષ વધે છે અને દૂશમનાવટ પણ વકરે છે. વિશ્વના ૫૧ દેશોએ ૧૯૪૫માં સંયુકત રાષ્ટ્રોની રચના કરી હતી. દરેક રાષ્ટ્રો સાથે મળી શાંતિથી રહેવા, સમૃદ્ધ બનવા અને પોતાના નાગરિકોનું જીવન બહેતર બનાવવાના હેતુ સાથે સંયુકત રાષ્ટ્રોની રચના કરવામાં આવી હતી. પરંતુ હકીકત એ છે કે સંયુકત રાષ્ટ્રો નિષ્ફળ રહ્યા છે. તેમની નજર હેઠળ જ છેલ્લા ૮૦ વર્ષમાં અનેક યુદ્ધો થયા છે. હાલમાં વિશ્વમાં બે યુદ્ધો ચાલી રહ્યા છે.
રશિયા - યુક્રેન
૨૪ ફેબુ્રઆરી, ૨૦૨૨ના રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી યુદ્ધ છેડયું હતું જે હજુ ચાલુ છે. યુએસએસઆરના સમયમાં યુક્રેન સોવિયેત યુનિયન રિપબ્લિકનો હિસ્સો હતું. રશિયાના અનેક લોકો અને રશિયનભાષીઓ યુક્રેન તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા હતા. ૧૯૯૧માં જ્યારે સોવિયેત યુનિયનનું વિભાજન થયું ત્યારે, યુક્રેન એક અલગ દેશ બન્યુ હતું. ૨૦૧૪થી ૨૦૨૨ના ગાળામાં રશિયાએ ક્રિમીયા, ડોનેટસ્ક અને લુહાન્સ્કને બળજબરીપૂર્વક પોતાનામાં સમાવી લીધા હતા. યુક્રેને નાટોમાં જોડાવા માટે અરજી કરી છે અને નાટો દેશો યુક્રેનના ખભે બંદૂક મૂકી રશિયાને આંટીમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે માટે પોતે યુક્રેન પર આક્રમણ કર્યું હોવાનું રશિયાએ આક્રમણનું કારણ આપતા જણાવ્યું હતું.
યુક્રેન એક સાર્વભોમ દેશ છે. તે નાટોનું સભ્ય બને કે ન બને પરંતુ તેને હયાત રહેવાનો અધિકાર છે અને તેવી સ્વતંત્રતા અને સલામતિની વિશ્વએ ખાતરી આપવી જોઈએ.
હાલના યુદ્ધથી યુક્રેનની હયાતી જોખમમાં મુકાઈ છે. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી યુદ્ધને કારણે ૧૪૧૧૬ નાગરિકો મૃત્યુ પામ્યા છે અને ૩૬૪૮૧ ઈજા પામ્યા છે, એમ યુક્રેન ખાતેના યુએન હ્યુમન રાઈટસ મોનિટરિંગ મિશને એક અહેવાલમાં જણાવ્યું હતું. યુક્રેન ખેદાનમેદાન થઈ ગયું છે. ત્યાંની શાળાઓ, હોસ્પિટલો, ઉદ્યોગો, રહેઠાણો વગેરે જમીનદોસ્ત થઈ ગયા છે. લાખો નાગિરકો દેશ છોડીને ચાલી ગયા છે અથવા તેમના જ દેશમાં ગુમાઈ ગયા છે. બન્ને બાજુના સૈનિકોની ખુંવારીનો આંક પણ દસ લાખથી વધુ છે જેમાં ઉત્તર કોરિઆના સૈનિકોનો પણ સમાવેશ થાય છે.
પશ્ચિમી દેશો જેઓ આ યુદ્ધમાં સીધા સંકળાવવા માગતા નથી તેમના દ્વારા રવાના કરાતા અબજો ડોલરના શસ્ત્રસરંજામ છતાં, યુક્રેન એક હારવાનું યુદ્ધ લડી રહ્યું હોવાનું જણાય છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના પ્રમુખ પુતિનને યુદ્ધ રોકવા દબાણ કરી શકે છે, પરંતુ તેમ કરવા તેઓ ઈચ્છતા નથી. નૈતિકતા તથા કાનૂની દ્રષ્ટિકોણથી યુક્રેન સાચુ છે પરંતુ અમેરિકાની અસ્થિર નીતિ અને યુએનની નિષ્ક્રીયતાને કારણે તે લાચાર છે. યુક્રેન-રશિયાનું યુદ્ધ ઈતિહાસમાં અનૈતિક તથા અસમાન યુદ્ધ તરીકે પંકાશે.
ઈઝરાયલ-હમાસ
અન્ય યુદ્ધ ઉગ્રવાદી જુથ હમાસ, જે પેલેસ્ટાઈનના એક ભાગ ગાઝા પર શાસન કરે છે , તેણે છેડયું છે. આ વિસ્તારમાં અસંખ્ય યુદ્ધ થયા છે. ૭ ઓકટોબર, ૨૦૨૩ના હમાસ દ્વારા ઈઝરાયલ પર કોઈપણ પ્રકારની ઉશકેરણી વગર હુમલો કરાયો હતો. આ હુમલામાં ૧૨૦૦ ઈઝરાયલીઓ (મોટા ભાગના નાગરિકો) માર્યા ગયા હતા. હમાસે ૨૫૧ ઈઝરાયલીઓને બાનમાં લીધા હતા. તેમાંના કેટલાક હજુ પણ તેમની કસ્ટડીમાં છે. ઈઝરાયલ એક મજબૂત દેશ છે. તેણે ગાઝાને જડબાતોડ જવાબ આપ્યો છે, તેણે પેલેસ્ટાઈનના અન્ય ભાગ પશ્ચિમી કાંઠાને મોટેભાગે કબજે કરી લીધુ છે.
બે-રાષ્ટ્રની થિઅરીનો ઈઝરાયલ વિરોધ કરતું આવ્યું છે. ગાઝામાં ૬૭૦૦૦ નાગરિકો માર્યા ગયા છે જેમાંના મોટાભાગના બાળકો તથા મહિલાઓ છે. માળખાકીય સુવિધા સંપૂર્ણ નાશ પામી છે. દવા, ખોરાક , રોટી, કપડા તથા મકાન વગર લોકો મરી રહ્યા છે. હમાસ પર વળતા હુમલાને ઈઝરાયલ ન્યાયી ગણાવી રહ્યું છે પરંતુ તેનો વળતો પ્રહાર અતિ ઘાતકી અને લાંબો છે તથા તેનો હેતુ ગેરકાનૂની અને અસ્વીકાર્ય છે. પેલેસ્ટિનિયનોને પોતાનું વતન ધરાવવાનો હક છે.
હું આ લખી રહ્યો છું ત્યારે ટ્રમ્પ દ્વારા વીસ મુદ્દાની તૈયાર કરાયેલ શાંતિ યોજનાનો હમાસ સ્વીકાર કરશે કે કેમ તે ખબર નથી. આ વીસ મુદામાં ઈઝરાયલની મોટાભાગની માગ સંતોષવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પેલેસ્ટિનિયનોને ઉગારવા હશે તો આ યોજનાનો સ્વીકાર કરવા સિવાય હમાસને છૂટકો નથી. શાંતિ યોજનાનો સ્વીકાર કરવાનો અર્થ પેલેસ્ટાઈનના ભવિષ્યને બહારી નિયંત્રણ હેઠળ આપી દેવાનો થાય. અને તેમાં પણ પેલેસ્ટાઈન એક સ્વતંત્ર દેશ રહેશે કે કેમ તે સ્પષ્ટ નથી. પેલેસ્ટાઈનને ૧૫૭ દેશોની માન્યતા છે. હમાસ તથા પેલેસ્ટાઈનના લોકોને અલગ-અલગ નજરથી જોવા રહ્યા. હમાસના દુસાહસનો ભોગ બનશે, પેલેસ્ટિનિયનોના હકોનું દબાણ થવાનું ચાલુ રહેશે.
નિરર્થક યુદ્ધો
યુક્રેન યુદ્ધમાં ભારતે મહદઅંશે સૈદ્ધાંતિક વલણ અપનાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિદૂત બનવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો તેટલો પ્રભાવ પડયો નથી. ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ભારત ખરાબ રીતે ઠોકર ખાધી છે. ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન બન્નેને બે રાષ્ટ્રની યોજના હેઠળ હયાત રહેવાનો હક છે તેવી ભારતની લાંબા સમયની નીતિને સરકાર વિસરી ગઈ હતી. જો કે છેવટે સરકારને તેની ભૂલ જણાતા તેણે તેના પગલાં પાછા ખેંચી લીધા છે.
આ લેખ લખવાનો હેતુ તાકાતવાર દેશોની નબળા દેશો વિરુદ્ધ લડાઈ તરફ ધ્યાન દોરવાનો જ નહીં પરંતુ યુદ્ધની સંપૂર્ણ નિરર્થકતા તરફ ધ્યાન દોરવાનો પણ છે. દરેક દેશમાં યુદ્ધ ચાહનારા હોય છે, કારણ કે તેઓ એમ માનતા હોય છે, કે, અનેક વિવાદોનો યુદ્ધ જ એક ઊકેલ છે. યુદ્ધની ફિલોસોફી આંતરિક મતભેદોના ઉકેલમાં પણ પ્રસરી છે.
વિશ્વને આજે જવાહરલાલ નેહરુ, ડાગ હેમરસ્કજોડ, માર્ટિન લુથર કિંગ જુનિયર તથા નેલ્સન મંડેલા જેવા નીતિમતા સાથેના નેતાઓની જરૂર છે. વિશ્વને એવા રાષ્ટ્રોની જરૂર છે જે સાથે મળી ઝઘડી રહેલા દેશો પર પ્રભાવ પાડી શકે. વિશ્વને આજે યુનાઈટેડ નેશન્સથી અલગ પ્રકારની નવી સંસ્થાઓની આવશ્યકતા છે. હાલમાં તો માત્ર અંધકાર છે અને પ્રકાશ દેખાતો નથી.








