Editorial

130મો બંધારણીય સુધારા ખરડો પસાર થશે તો પણ તેનો વ્યવહારિક અમલ શકય નહીં બને

By GS TEAM
31 Aug 20255 mins read
130મો બંધારણીય સુધારા ખરડો પસાર થશે તો પણ તેનો વ્યવહારિક અમલ શકય નહીં બને

- ગંભીર આક્ષેપો સાથેના રાજકીય નેતાઓ શાસક પક્ષમાં જોડાઈ ગયા છે

- સદર ખરડો પસાર થઈ જશે તો, બેલારુસ, બંગલાદેશ, કમ્બોડિયા, કેમરુન, કોંગો, મ્યાનમાર, નિકારાગુઆ જેવા દેશોની સમકક્ષ ભારત પણ આવી જશે


- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

દેશના બંધારણની કલમ ૩૬૮માં  બંધારણમાં સુધારા માટે સંસદની બંધારણિય સત્તાનો સમાવેશ કરાયેલ છે. કલમ ૩૬૮ની પેટા કલમ (૨) આ પ્રમાણે વંચાણે લેવાય છે...

(૨) આ બંધારણમાં  કોઈ સુધારો એક ખરડા......ની રજૂઆત મારફત જ કરી શકાશેે અને સદર ખરડો જ્યારે દરેક ગૃહમાં મજકૂર ગૃહની કુલ સભ્યસંખ્યાની બહુમતિથી પસાર કરવામાં આવશે અને મજકૂર ગૃહમાં હાજર સભ્યોની સંખ્યાની બે તૃતિયાંશથી ઓછી નહીં તેટલી  બહુમતિથી અને વોટિંગ મારફત પસાર કરવામાં આવશે ત્યારે તેને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરી શકાશે જેઓ સદર ખરડાને મંજુરી આપે છે અને ત્યારપછી જ બંધારણમાં સુધારો થયાનું કહેવાશે.....

સંસદના બેમાંથી એક પણ ગૃહમાં બંધારણિય સુધારા ખરડો પસાર કરવા એનડીએ પાસે પૂરતી સંખ્યા નથી. લોકસભામાં ૫૪૩ બેઠકમાંથી એનડીએનું સંખ્યાબળ ૨૯૩ છે અને રાજ્યસભામાં ૨૪૫ બેઠકમાં એનડીએનું સંખ્યાબળ ૧૩૩ છે. સદર ગૃહના બધા સભ્યો  હાજર રહે  અને વોટિંગ કરે તો  દરેક ગૃહમાં આવશ્યક બે તૃતિયાંશના આંકથી સદર સંખ્યાબળ ઓછું છે.

વિપક્ષી સભ્યોનું એકંદર સંખ્યાબળ લોકસભામાં ૨૫૦નું અને રાજ્યસભામાં ૧૧૨નું છે. લોકસભામાં ૧૮૨ સાંસદો અને રાજ્યસભામાં  ૮૨ સાંસદો સદર ખરડાની વિરુદ્ધમાં મતદાન કરે  તો તે ખરડો પસાર થશે નહીં. પરંતુ બધા જ વિપક્ષી સભ્યો એનડીએના વિરોધી નથી. વાયએસઆરસીપી, બીજેડી, બીઆરએસ તથા બીએસપી તથા કેટલાક નાના પક્ષો એનડીએ સરકારને ટેકો આપી રહ્યા છે. એઆઈટીસી અને આપ એનડીએના વિરોધી છે, પરંતુ તેઓ આઈ.એન.ડી.આઈ.એ.ની સાથે છે કે કેમ તેનો આધાર સંબંધિત મુદ્દા પર રહે છે. 

એક હતાશાભર્યો જુગાર

આવી સ્થિતિમાં એનડીએ સરકારે દડો ફેકયો છે. આ દડો એટલે બંધારણિય (એકસો ત્રીસમો સુધારા) ખરડો, ૨૦૨૫. તે રજૂ કરાયા બાદ સરકારે તુરંત જ તેને સંયુકત સંસદીય સમિતિ સમક્ષ વિચારણા માટે પાઠવી દીધો છે. 

આમ જોવા જઈએ તો સ્પષ્ટ ઈરાદા સાથેનું એક સરળ બિલ છે. જે એક પ્રધાન (વડા પ્રધાન તથા મુખ્ય પ્રધાન સહિત) જેને ગંભીર ફોજદારી ગુના જેમાં પાંચ વર્ષ સુધીની અથવા તેનાથી વધુ વર્ષની જેલની સજા થઈ હોય અને સદર પ્રધાન ૩૦ દિવસ માટે જેલમાં રહ્યા હોય તેમને દૂર કરવા માટેનું છે. સદર ૩૦ દિવસમાં સ્વાભાવિક જ રીતે તપાસ પૂરી થશે નહીં અને માટે ચાર્જશીટ પણ નહીં હોય, આરોપો ઘડાયા નહીં હોય, ખટલો નહીં ચાલે અને સજાની સુનાવણી નહીં થઈ હોય. આમછતાં, ૩૧મા દિવસે સદર પ્રધાનને તે ગૂનેગાર હોવાનો લશકરી આદેશ આપી દેવાશે. 

સદર ખરડાને ભાજપે બંધારણ તથા રાજકીય નીતિમત્તા માટે શ્રેષ્ઠ તરીકે વર્ણવ્યો છે. તેની એવી દલીલ છે કે, ભ્રષ્ટ પ્રધાનને દૂર કરવા સિવાય  અન્ય કોઈ મોટી કામગીરી હોઈ શકે ખરા? એક પ્રધાન (અથવા મુખ્ય પ્રધાન) જેલમાંથી શાસન કરી શકે ખરા? જે લોકો આ ખરડાની તરફેણમાં મત આપશે તે ખરા દેશભકત  અને રાષ્ટ્રભકત ગણાશે. જે લોકો ના પાડશે તેઓ રાષ્ટ્રવિરોેધી, શહેરી નકસલી અથવા પાકિસ્તાની એજન્ટો ગણાશે.

આનાથી વિપરીત....

એનડીએ સરકાર હેઠળ ફોજદારી કાનૂન કેવી રીતે કામ કરે છે તેનો સામાન્ય અનુભવ ભયાવહ છે. 

- વ્યવહારમાં, દરેક કાયદાઓનો,  જીએસટી સહિત શસ્ત્ર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.

- કોઈ વ્યક્તિએ  કોગ્નીઝેબલ ગુનો કર્યો છે તેવી તેની સામે શંકા કરવાના યોગ્ય કારણો હોય તેની વોરન્ટ વગર અથવા સાથે  કોઈપણ પોલીસ અધિકારી (એક કોન્સ્ટેબલ સહિત) તેની ધરપકડ કરી શકે છે. 

-  જામીન એ  નિયમ છે અને જેલ અપવાદ, એવા ન્યાયમૂર્તિ કૃષ્ણ અયૈરના મત છતાં ટ્રાયલ કોર્ટો જામીન આપવાનું ટાળે છે.

-હાઈ કોર્ટસ પ્રથમ સુનાવણીમાં જામીન આપતી નથી અને ફરિયાદ પક્ષ એક અથવા બીજા કારણોસર મુદ્દાને લાંબી ખેંચે પછી ૬૦-૯૦ દિવસે કદાચ જામીન મંજુર કરે છે.

-આ દયનિય સ્થિતિને પરિણામે, જામીનની અસંખ્ય અરજીઓ રોજેરોજ સુપ્રીમ કોર્ટમાં ખડકાયા કરે છે અને સુપ્રીમ કોર્ટ જાણે જામીન માટેનું પ્રથમ પગથિયું હોય તેવી બની ગઈ છે.

-સદર ખરડામાં વડા પ્રધાનનો સમાવેશ હાસ્યકારક છે. કોઈપણ પોલીસ અધિકારી વડા પ્રધાનની ધરપકડ કરવાની હિંમત નહીં કરે.

એકજુથ બની રહો

આઈ.એન.ડી.આઈ.એ. અને તૃણમુલ કોંગ્રેસ સદર ખરડાને હરાવવા જરૂરી આંકડા ભેગા કરી શકે એમ છે. આમ છતાં, એનડીએ સરકારને વિશ્વાસ છે કે તે ખરડાને પસાર કરાવવાના માર્ગો શોધી શકશે. કેટલાક વિપક્ષો અથવા બન્ને ગૃહના કેટલાક સાંસદોને પોતાની બાજુ ખેંચવા સરકાર પાસે કદાચ કોઈ ચાલાકી હશે. કદાચ તેની પાસે એવા કોઈ જાદૂ હશે જેનાથી કેટલાક વિપક્ષી સભ્યો અદ્રષ્ય થઈ જાય અને સરકારને સદર ખરડો પસાર કરવામાં આસાની રહે. અથવા અન્ય કોઈ ચાવી હશે જે મારી સમજની બહાર હશે.

વડા પ્રધાન તથા ગૃહ પ્રધાન દ્વારા રણનાદ ફુંકાયો છે અને તેમના માનીતા અખબારોએ તેનું પ્રસારણ પણ કર્યું છે. પસંદગી સમિતિ આ મુદ્દાને બિહારની ચૂંટણી  (૨૦૨૫) બાદ અને આસામ, કેરળ, તામિલનાડૂ તથા પશ્ચિમ બંગાળ (૨૦૨૬)ની વિધાનસભાની ચૂંટણીઓ સુધી કદાચ જીવંત રાખશે (જેમ કે વન નેશન,વન ઈલેકશન જેપીસી). 

૨૦૧૪થી, વિરોધ પક્ષોના ૧૨ પ્રધાનોને જામીન વગર અટકમાં રખાયા હતા અને તેમાંના અનેકને તો મહિનાઓ સુધી એમ એક અખબારી અહેવાલમાં જણાવાયું હતું. અન્ય એક અહેવાલ પ્રમાણે, ગંભીર આક્ષેપો સાથેના ૨૫ રાજકીય નેતાઓએ ૨૦૧૪ પછી ભાજપમાં પ્રવેશ કર્યો છે અને તેમાંથી ૨૩ને તો આક્ષેપમાંથી મુકત કરાયા છે. મને યાદ છે ત્યાંસુધી ૨૦૧૪થી ભાજપના કોઈપણ પ્રધાનની ધરપકડ કરાઈ નથી. 

સદર ખરડો પસાર થઈ જશે તો, બેલારુસ, બંગલાદેશ, કમ્બોડિયા, કેમરુન, કોંગો, મ્યાનમાર, નિકારાગુઆ સહિતના કેટલાક દેશો જ્યાં વિપક્ષોને અવારનવાર જેલમાં નાખી દેવામાં આવે છે તેમની સમકક્ષ ભારત પણ આવી જશે. જે રાજકીય પક્ષોએસદર ખરડાનો વિરોધ કર્યો છે તેઓ એકજુથ બની રહેશે તો, બંધારણિય (૧૩૦મો સુધારા) ખરડો પસાર નહીં થઈ શકે. સદર ખરડાને ફેર રજૂ કરાશે તો તે રજૂઆત સાથે જ મૃતપ્રાય દેખાશે.