Editorial

ત્રણ સિસ્ટમ એક્ટિવેટ : જમ્મુ, પંજાબ, દિલ્હીમાં જળબંબાકાર

By GS TEAM
5 Sep 20258 mins read
ત્રણ સિસ્ટમ એક્ટિવેટ : જમ્મુ, પંજાબ, દિલ્હીમાં જળબંબાકાર

- ભારતની વેધર સિસ્ટમમાં આવેલા વ્યાપક પરિવર્તનના કારણે ઉત્તરી રાજ્યોમાં પાછોતરો વરસાદ કેર વર્તાવી રહ્યો છે 

- એક તરફ હિમાલયથી આવતા ઠંડા પવનો અને બીજી તરફ સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો આ બંને પવનો ભારતીય વેધર સિસ્ટમને ચલાવે છે અને અસર કરે છે. નૈઋત્યનું ચોમાસું તેનું સૌથી મોટું ઉદાહરણ છે : જાણકારો માને છે કે, આ વર્ષે ત્રણ મોટા કારણોના લીધે ભારતમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ પડયો છે. આપણે ત્યાં લો પ્રેશર સિસ્ટમ, સાઈક્લોનિક સર્કયુલેશન તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી ત્રણ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે ભારે વરસાદ પડયો છે : જાણકારોના મતે 1971થી 2024 સુધીમાં સરેરાશ એકાદ વખત ઓગસ્ટમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધાયું છે. ૨૦૨૫માં ઓગસ્ટમાં પાંચ વખત વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાયું અને તેણે વિનાશ વેર્યો. તેના કારણે ચોમાસાની ગતિવિધિ ખોરવાઈ ગઈ. ચોમાસાની પેટર્નને વ્યાપક અસર થઈ

ભારત એક એવો દેશ છે જેના વાતાવરણ અને વધેર સિસ્ટમ ઉપર ઘણી બધી બાબતો અસર કરે છે. તેમાં જરા પણ પરિવર્તન આવે એટલે ભારતનું ઋતુચક્ર ખોરવાય છે અને લોકોને તેનું પરિણામ ભોગવવું પડે છે. એક તરફ હિમાલયથી આવતા ઠંડા પવનો અને બીજી તરફ સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો આ બંને પવનો ભારતીય વેધર સિસ્ટમને ચલાવે છે અને અસર કરે છે. નૈઋત્યનું ચોમાસું તેનું સૌથી મોટું ઉદાહરણ છે. લાલ નીના અને અલ નીનો બે વરસાદી સિસ્ટમ છે જેની અસર એશિયાથી માંડીને લેટિન અમેરિકા અને ઉત્તર અમેરિકા સુધી જોવા મળે છે. લા નીના સિસ્ટમ એક્ટિવેટ થવાથી ચોમાસું મજબૂત રહે છે અને વરસાદ વધારે થાય છે. વર્તમાન સમયમાં પણ એવું જ જોવા મળ્યું છે. જ્યારે પણ અને જ્યાં પણ વરસાદ આવ્યો છે તો અનારાધાર આવ્યો છે. 

આ વખતે ભારતમાં જ્યાં વધારે વરસાદ પડે છે ત્યાં તો પડયો જ છે પણ કેટલાક રાજ્યોમાં સિઝન પૂરી થવા આવી ત્યાં વધારે વરસાદે ચિંતા વધારી છે. દેશના ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં વધારે પડતો જ વરસાદ પડી રહ્યો છે. ઉત્તરની વાત કરીએ તો જમ્મુ, પંજાબ અને દિલ્હી જેવા મોટા રાજ્યોમાં હાલમાં ભયાનક વરસાદ વરસદી રહ્યો છે અને નદીઓ ગાંડીતૂર બનીને ચારેકોર બધું વહાવી રહી છે. ચારે તરફ જળપ્રલયની સ્થિતિ ઊભી થયેલી છે. ભયાનક વરસાદ અને વાદળો ફાટવાની ઘટનાને કારણે ઠેરઠેર ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. તેના કારણે ઉત્તરી રાજ્યોમાં મોટું નુકસાન થયું છે. ફ્લેશ ફ્લડના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પંજાબના દરેક જિલ્લામાં ધોધમાર વરસાદ છે અને પૂરની સ્થિતિ છે. ખેતરોમાં ઊભા પાકને ભયાનક નુકસાન થયું છે. ઉત્તરાખંડ અને હિમાચલની સ્થિતિ પણ ખરાબ છે. વાદળ ફાટવાની, લેન્ડ સ્લાઈડની અને ફ્લેશ ફ્લડની ઘટનાઓએ અહીંયા વ્યાપક નુકસાન કર્યું છે. દિલ્હી, એનસીઆર અને હરિયાણામાં પણ પૂરની સ્થિતિ આવી ગઈ છે. જાણકારો માને છે કે, આ વર્ષે ત્રણ મોટા કારણોના લીધે ભારતમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ પડયો છે. આપણે ત્યાં લો પ્રેશર સિસ્ટમ, સાઈક્લોનિક સર્કયુલેશન તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી ત્રણ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે ભારે વરસાદ પડયો છે. 

જાણકારોના મતે સૌથી પહેલાં તો લો પ્રેશર સિસ્ટમ એક્ટિવેટ થઈ છે. તેના કારણે વાતાવરણમાં રહેલો ભેજ અને હવા ઉપરની તરફ ખેંચાય છે. આ હવા જ્યારે ઉપર જઈને ઠંડી થાય છે ત્યારે વરસાદ માટે મુખ્ય કારણ બને છે. તેવી જ રીતે સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં ઉપર ચડતી હવા ગોળ ગોળ ફરતી જાય છે અને નીચેથી ગરમ હવાને ઉપરની તરફ ખેંચતી જાય છે. તેના કારણે ચોમાસા દરમિયાન વરસાદ પડે છે અને ઘણી વખત ચક્રવાત આવે તેવી સ્થિતિ ઊબી થાય છે. જાણકારોના મતે ઓગસ્ટ મહિનામાં જ ત્રીજા અને ચોથા અઠવાડિયા દરમિયાન ચાર લો પ્રેશર સિસ્ટમ બની અને તેના કારણે ભારે વરસાદ પડયો. આ લો પ્રેશર સિસ્ટમ જમીનથી માત્ર ૧.૫ કિ.મીની ઉંચાઈએ જ સર્જાઈ અને ફેલાઈ ગઈ. જાણકારો તેને મોનસુન ટ્રફ પણ કહેતા હોય છે. બીજી એવી બાબત છે કે, આ સિસ્ટમ ઓગસ્ટના છેલ્લાં ચાર દિવસમાં બંગાળની ખાડીથી શરૂ કરીને ઉત્તર પશ્ચિમના રાજ્યો સુધી ફેલાયેલી હતી અને તેના કારણે બધે જ વ્યાપક વરસાદ પડયો. ઉલ્લેખનીય છે કે, એક તરફ ઓગસ્ટના અંતમાં લો પ્રેશર સિસ્ટમ જોવા મળી ત્યાં બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ થયું હતું જેણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ, પંજાબમાં ભારે વરસાદ વરસાવ્યો. ભુમધ્યસાગરથી ઉઠતું આ ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતને અસર કરતું હોય છે. ચિંતાજનક બાબત એ છે કે, આ પ્રેશર સિસ્ટમ મોટાભાગે ચોમાસામાં જવા મળતી નથી. તે ઉંચા વાયુમંડળમાં સર્જાય છે અને જુલાઈ પહેલાં અથવા ઓગસ્ટ પછી સર્જાતી હોય છે પણ આ વખતે ઓગસ્ટમાં જ જોવા મળી. જાણકારોના મતે ૧૯૭૧થી ૨૦૨૪ સુધીમાં સરેરાશ એકાદ વખત ઓગસ્ટમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધાયું છે. ૨૦૨૫માં ઓગસ્ટમાં પાંચ વખત વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાયું અને તેણે વિનાશ વેર્યો. તેના કારણે ચોમાસાની ગતિવિધિ ખોરવાઈ ગઈ. ચોમાસાની પેટર્નને વ્યાપક અસર થઈ. તેના કારણે જ ઉત્તર-પશ્ચિમ ભારતમાં અતિશય ભારે વરસાદ અને પૂરની સ્થિતિ ઊભી થઈ.

હવામાન ખાતાના જાણકારો માને છે કે, ૨૫ ઓગસ્ટ બાદ ઈરાનની ઉપર લગભગ ૧૨ કિ.મી ઉપર હવા સ્થિર હતી. ત્યાં ૨૦૦ એમબી સ્તરે હવા એન્ટી ક્લોકવાઈઝ વહેવાની જગ્યાએ ક્લોકવાઈઝ વહેતી હતી. તેના કારણે વાયુમંડળમાં બ્લોકિંગ શરૂ થયું. આ પવનો સ્થિર થઈ જવાના કારણે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સનો રસ્તો બદલાઈ ગયો અને તે ભારતની તરફ સરકી ગયું. તેનું પરિણામ એ આવ્યું કે, ચોમાસા પહેલાં જે ભેજ ઊભો થયો હતો તેની સાથે આ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સનું જોડાણ થઈ ગયું અને સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદી તાંડવ શરૂ થઈ ગયું. જાણકારો માને છે કે, ચોમાસું સામાન્ય રીતે ભેજને ઓછો કરવાનું કામ કરે છે પણ જ્યારે ચોમાસું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભેગા થઈ જાય છે ત્યારે વ્યાપક વરસાદ થાય છે અને જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ જાય છે. સામાન્ય રીતે ચોમાસું શરૂ થવા પહેલાં અથવા તો સાવ પૂરું થવાના સમયે આવી સ્થિતિ આવતી હોય છે પણ ઓગસ્ટ મહિનામાં આવું થવું તે આશ્ચર્યજનક અને ચિંતાજનક છે.

હવામાન ખાતાના જાણકારો માને છે કે, ૨૦૧૩માં ઉત્તરાખંડમાં પણ જે વિનાશક પૂર આવ્યું હતું અને ભયાનક વરસાદ પડયો હતો તે પણ આવી જ સ્થિતિનું પરિણામ હતું. તે સમયે મોનસુન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન એકબીજા સાથે ભળી ગયા અને એકબીજાને મજબૂત કરીને વરસી પડયા હતા. સામાન્ય રીતે જ્યારે બે સિસ્ટમ ભેગી થતી હોય છે ત્યારે એક સિસ્ટમ ભેજ ખેંચે છે અને બીજી સિસ્ટમ ભેજ અને પવનને ભેગા કરીને તેની તિવ્રતા વધારે છે. ૨૦૧૩માં આ બંને ઘટનાઓ સાથે થઈ હતી અને વિનાશક વરસાદ આવ્યો હતો. તાજેતરની વાત કરીએ તો તેમાં ફરીથી બંને સિસ્ટમ ભેગી થઈને એકબીજાને મજબૂત કરવા લાગી અને તેના પગલે ઉત્તર-પશ્ચિમ ભારતમાં છેલ્લાં ઘણા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે અને પૂર આવી રહ્યું છે.

ઉત્તર પશ્ચિમમાં પહાડી રાજ્યોમાં તો વેધર સિસ્ટમ બદલાવાથી નુકસાન થયું છે બીજી તરફ પંજાબ અને દિલ્હી પણ આ વખતે તેનો ભોગ બની ગયા છે. દિલ્હીમાં શહેરી વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે અને ચારેતરફ યમુનાના પાણી ફરી વળ્યા છે. દિલ્હીમાં જે પૂરની સ્થિતિ છે તે યમુનાના જળસ્તર વધવાના કારણે થઈ છે. હાલમાં યમુના ૨૦૭.૪૮ મીટરના રેકોર્ડ સપાટીએ વહી રહી છે. જાણકારોના મતે જો નદીમાં પાણીનું સ્તર થોડું પણ વધ્યું અને દિલ્હી સચિવાલયની આસપાસના વિસ્તારો સુધી પહોંચ્યું તો નોઈડા પણ જળતરબોળ થઈ જશે. વર્તમાન સ્થિતિ ઊભી થવાના તો ઘણા કારણો છે પણ એક સમય હતો જ્યારે યુમુનાએ દિલ્હીમાં કેર વર્તાવ્યો હતો. નદીનું પાણી એ હદે વધ્યું હતું કે, દિલ્હીને ઘમરોળી કાઢયું હતું. તે સમયે પણ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં વ્યાપક પૂર આવ્યું હતું. 

47 વર્ષ પહેલાં યમુના નદી ગાંડીતૂર થતાં દિલ્હીમાં ભયાનક પૂર આવ્યું હતું

દિલ્હીમાં ૧૯૭૮ દરમિયાન સૌથી ભયાનક પૂર આવ્યું હતું. હાલમાં જે સપ્ટેમ્બરની શરૂઆતમાં દિલ્હીની હાલત ખરાબ છે તેવી જ રીતે તે સમયે પણ સપ્ટેમ્બરમાં જ યમુનામાં ભીષણ પૂર આવ્યું હતું જેણે ખાનાખરાબ મચાવી હતી. હિમાલયથી આવતા પાણી અને ભારે વરસાદે દિલ્હીમાં જળબંબાકાર કરી દીધો હતો. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ તે સમયે પડેલા ભારે વરસાદને કારણે દિલ્હીની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે સમયે નદીના કેચમેન્ટ એરિયામાં એટલું બધું પાણી આવી ગયું કે, હથિનીકુંડથી મોટા પ્રમાણમાં પાણી છોડવું પડયું અને દિલ્હી ડૂબવા લાગ્યું. તે સમયે લોકો પોતાના મકાનોની છત ઉપર ચડી ગયા હતા અને અઠવાડિયા સુધી ત્યાં જ રહ્યા હતા. લોકો સીધુ-સામાન અને જરૂરિયાતની દવાઓ સાથે મકાનોની છત ઉપર જ જીવન પસાર કરવા મજબૂર બન્યા હતા. ૧૯૭૮ની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ગેટ નંબર-૧થી કાશ્મીરી ગેટ સુધી, લોખંડના પુલ, આઈટીઓ, યમુના બજાર, ગાંધીનગર, યમુનાનો બીજો કાઠાંનો વિસ્તાર બધું જ પાણીમાં ડૂબી ગયા હતા. ખાસ કરીને યમુના પાર આવેલી ઝુંપડપટ્ટી અને વસાહતો બરબાદ થઈ ગયા હતા. હજારો મકાન પડી ગયા હતા અને લાખો લોકો બેઘર થઈ ગયા હતા. લાલ કિલ્લા, રાજઘાટ અને યમુના કિનારાના વિસ્તારોમાં હોડીઓ ચલાવીને લોકોનું રેસ્ક્યુ કરવું પડયું હતું.

નદીમાં સામાન્ય રીતે ત્રણ સ્તરે ચેતવણી જાહેર કરવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે, નદીમાં જ્યારે જળસ્તર વધે ત્યારે તેની અલગ અલગ રીતે ચેતવણી આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે ભયજનક સપાટીની નીચે એક સ્તર નક્કી કરાય છે. આ સ્તરે જો પાણી વહેતું હોય તો અધિકારીઓ સતર્ક થઈ જાય છે. આ સ્તર એટલે ચેતવણીનું સ્તર કહેવાય છે. ત્યારબાદ સતત નદીની નોંધ લેવાનું શરૂ કરી દેવાય છે. ત્યારબાદ ભયજનક સપાટીનું સ્તર આવે છે. અહીંયા નદીના પાણી પહોંચે એટલે સ્થિતિ ગંભીર હોવાનું જાહેર કરાય છે. ત્યારબાદ ચોવીસે કલાક નદી ઉપર વોચ રખાય છે અને અર્લિ વોર્નિંગ જારી કરી દેવાય છે. તંત્ર દ્વારા લોકોને સચેત કરવામાં આવે છે જેથી એકાએક પૂર આવે તો લોકોને નુકસાન ઓછું થાય અને જાનમાલનું પણ રક્ષણ થઈ શકે. આ સ્તર ચેતવણીનો પહેલો તબક્કો ગણાય છે. નદી ભયજનક સપાટીએ આવે એટલે નદી બે કાંઠે વહી રહી છે અને કિનારાના વિસ્તારોમાં પાણી ઘુસવા લાગ્યા છે તેવું માનવામાં આવે છે. ત્રીજો તબક્કો ત્યારે આવે છે જ્યારે નદી ભયજનક સપાટી પણ વટાવી જાય છે. આ સ્થિતિ અત્યંત ગંભીર હોય છે. તેમાં રાહત અને બચાવ કાર્ય જ કરવા પડે છે અને તેમાં ઝડપ લાવવી પડે છે નહીંતર જાનમાલનું નુકસાન જવાની શક્યતાઓ બેવડાઈ જાય છે. ઘણી વખત ઉપરવાસમાં ભારે વરસાદ પડે ત્યારે નદીમાં ફ્લેશ ફ્લડ પણ આવી શકે છે. તે વધારે નુકસાનકારક હોય છે.