Editorial

અઠવાડિયે 10 લાખથી વધુ લોકો આત્મહત્યાના રસ્તા શોધે છે

By GS TEAM
31 Oct 20258 mins read
અઠવાડિયે 10 લાખથી વધુ લોકો આત્મહત્યાના રસ્તા શોધે છે

- ચેટ જીપીટી અને અન્ય એઆઈ ટુલ્સ ઉપર એકલતા દૂર કરવાના અને આત્મહત્યાના રસ્તા શોધનારા લોકોની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે

- આત્મહત્યા કરવાનો સૌથી સરળ રસ્તો કયો છે? હવે જીવનમાં કશું જ વધ્યું નથી, મેં બધું જ ગુમાવી દીધંં છે તો હવે તેમાંથી મુક્ત થવાનો રસ્તો શું છે? કોઈપણ જાણતની પીડા વગર આત્મહત્યા કેવી રીતે કરી શકાય? કયા દેશોમાં આત્મહત્યા સૌથી વધારે થાય છે? આત્મહત્યાની મંજૂરી મળે તેવી જગ્યાઓ કઈ કઈ છે? આવા અનેક સવાલો લોકો ચેટબોટ્સને કરી રહ્યા છે થ દર અઠવાડિયે ચેટજીપીટીનો ઉપયોગ કરનારા 80 કરોડ લોકોમાંથી 10 લાખ લોકો આત્મહત્યા કરવાના રસ્તા શોધવા માટે એઆઈ સાથે વાત કરતા હોય છે. આ આંકડો અને આ વિચાર સમાજ માટે ભય ઊભો કરનારો અને ચિંતા જન્માવનારો છે : માણસો જ્યારે સાધન ઉપર આધાર રાખતો થઈ જાય છે ત્યારે સામાજિક રીતે અને વ્યવહારિક રીતે પણ જોખમ ઊભું થાય છે. ઘણા કિસ્સામાં અવિચારી અને બિનવ્યવહારુ સલાહ આપવામાં આવે છે જે માણસ માટે જીવનમરણનો સવાલ ઊભો કરનારી બની જતી હોય છે 

આત્મહત્યા એકંદરે ગુનો ગણાય છે અને સામાજિક રીતે પણ તેની સ્વીકૃતિ નથી. આત્મહત્યા કરનારા લોકો પ્રત્યે સમાજ વધારે પૂર્વગ્રહ રાખતો હોય છે. બીજી તરફ હાલમાં સ્થિતિ એવી આવી ગઈ છે જેણે આત્મહત્યાની ઘટનાઓમાં ચિંતાજનક સ્તરે વધારો કર્યો છે. બીજી તરફ એઆઈ ટુલ્સનું વળગણ વધી રહ્યું છે. લોકો એઆઈ ટુલ્સ અને એઆઈ રોબોટ્સને સાથી માનવા લાગ્યા છે. ચિંતાની વાત એવી છે કે, લોકો હવે આ કહેવાતા એઆઈ સાથીઓ અને એઆઈ ટુલ્સને આત્મહત્યા કરવાની પદ્ધતિઓ પૂછી રહ્યા છે. લોકો એઆઈ ટુલ્સને સવાલ કરી રહ્યા છે કે, હું આત્મહત્યા કરવા માટે કેવી રીતનો ઉપયોગ કરું. વધારે પીડા ન થાય તેવા આત્મહત્યાના રસ્તા જણાવો. 

તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો છે જેમાં જણાવાયું છે કે, લોકો આત્મહત્યા કરવા માટે વિવિધ રસ્તા શોધી રહ્યા છે અને તેના માટે તેઓ ચેટજીપીટી અને અન્ય એઆઈ ટુલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ચાર દિવસ પહેલાં જ આવેલા અહેવાલમાં જણાવાયું છે કે, દર અઠવાડિયે ૧૦ લાખ કરતા વધારે લોકો ચેટજીપીટીને આત્મહત્યા કેવી રીતે કરવી તે અંગે સવાલો કરી રહ્યા છે. જાણકારોના મતે લોકો માત્ર કામ માટે નહીં પણ માનસિક સ્થિતિથી કંટાળીને જીવન ટુંકાવા માટે પણ આવા ટુલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે તે ખૂબ જ જોખમી છે. એક તરફ લોકો એઆઈટુલ્સ અને ચેટબોટ્સને પોતાના સાથી માનતા હોય છે, મિત્ર માનતા હોય છે. તેઓ સામાન્ય માણસો કરતા ચેટબોટ્સની વાતો વધુ માનતા હોય છે. તેમાં હવે આત્મહત્યા માટે આવા ચેટબોટ્સ અને એઆઈ માધ્યમોનો ઉપયોગ થવા લાગે તો તે વધારે જોખમી સાબિત થાય તેમ છે. 

આ અંગે લગભગ બે દાયકા પહેલાનો એક અભ્યાસ જણાવે છે કે, વ્યક્તિ જ્યારે એકલી હોય છે ત્યારે તેની સાથેના પ્રાણીઓ, મશિનો, વસ્તુઓ વગેરેને જીવીત માનીને તેની સાથે વાતો કરે છે, તેની એકલતાને દૂર કરવા પ્રયાસ કરે છે. લોકો આ રીતે પોતાનું દુઃખ દૂર કરવા પ્રયાસ કરે છે પણ હકિકતે તેઓ વધારે દુઃખી થતા હોય છે. તે આ રીતે એક હ્યુમન કનેક્શન શોધવા અને સ્થાપિત કરવા મથતા હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયાનો અધધ ઉપયોગ થવા લાગ્યો. તેના થકી લોકોએ ચેટબોટ્સને પોતાના સાથી અને મિત્રો ગણાવ્યા. હવે તેઓ આ સાથીઓને જ સવાલ કરીને આત્મહત્યાના રસ્તા શોધી રહ્યા છે.

જાણકારો માને છે કે, દર અઠવાડિયે ચેટજીપીટીનો ઉપયોગ કરનારા ૮૦ કરોડ લોકોમાંથી ૧૦ લાખ લોકો આત્મહત્યા કરવાના રસ્તા શોધવા માટે એઆઈ સાથે વાત કરતા હોય છે. આમ જોવા જઈએ તો આ આંકડો ભલે નાનો લાગે પણ હકિકતે આ દુનિયાભરના લાખો લોકોની માનસિકતાને વ્યક્ત કરે છે. દુનિયામાં આટલા બધા લોકો છે જે માત્ર એક જ માધ્યમ ઉપર પોતાના એકલતા, માનસિક વેદના અથવા તો મુશ્કેલીથી મુક્તિ મેળવવા આત્મહત્યાનો વિચાર વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરમાં આવા અઢળક ચેટબોટ્સ અને એઆઈ ટુલ્સ છે જેનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે. હવે વિચારીએ તો કેટલી મોટી સંખ્યામાં લોકો દરરોજ આત્મહત્યાના રસ્તા શોધવા એઆઈનો ઉપયોગ કરતા હશે. આ આંકડો અને આ વિચાર સમાજ માટે ભય ઊભો કરનારો અને ચિંતા જન્માવનારો છે.

જાણકારોમાં ચર્ચા છે કે, એઆઈ ટુલ્સ કેવી રીતે માનસિક સ્વાસ્થ્ય માટે, સ્ટ્રેસ માટે, નિરાશા માટે કે હતાશાજનક સ્થિતિ માટે મદદ કરી શકે. કોઈપણ જાતના નુકસાન કે આડ અસર વગરના રસ્તા કેવી રીતે એક મશિન અથવા તો એઆઈ ટુલ્સ દ્વારા સુચવી શકાય છે. કંપનીનો દાવો છે કે, દર અઠવાડિયે એઆઈ ટુલ ૮૦ કરોડ લોકો સાથે એક સાથી મિત્રની જેમ વાતો કરે છે, ચર્ચા કરે છે, સલાહ આપે છે અને બીજા ઘણી કામગીરી કરે છે. આ ટુલ્સ લોકોની માનસિક મુશ્કેલીઓનો ઉકેલ આપે છે. 

લોકો એઆઈ સાથે તેમની મુશ્કેલીઓની ચર્ચા કરે છે, મદદ માગે છે અને અલગ અલગ મુદ્દે સમસ્યામાંથી બહાર આવવાના રસ્તા પણ શોધે છે. સંશોધકો દાવો કરે છે કે, એઆઈ ટુલ્સના જૂના મોડલ્સ દ્વારા મોટાભાગે અવિચારી સલાહ સુચનો આપવામાં આવતા હતા પણ હવે નવી પેઢીના ટુલ્સ ખૂબ જ ડેવલપ્ડ છે. તેઓ અપડેટેડ છે અને તેઓ સહાનુભુતી સાથે લોકોને ઉપાય સુચવે છે. 

બીજી તરફ જાણકારો અને મનોવૈજ્ઞાાનિકો માને છે કે, એઆઈ ટુલ્સ ઉપર ભાવનાત્મક આધાર રાખવો ખૂબ જ જોખમી છે. માણસો જ્યારે સાધન ઉપર આધાર રાખતો થઈ જાય છે ત્યારે સામાજિક રીતે અને વ્યવહારિક રીતે પણ જોખમ ઊભું થાય છે. ઘણા કિસ્સામાં અવિચારી અને બિનવ્યવહારુ સલાહ આપવામાં આવે છે જે માણસ માટે જીવનમરણનો સવાલ ઊભો કરનારી બની જતી હોય છે. વૈશ્વિક સ્તરે જ્યારે આત્મહત્યા અંગે સંશોધન કરવામાં આવ્યું તો તેનો અહેવાલ પણ ચિંતાજનક જ આવ્યો છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે દર વર્ષે ૭.૪ લાખ કરતા વધારે લોકો આત્મહત્યા કરે છે. તેનો અર્થ એ થયો કે, દર સેકન્ડ એક વ્યક્તિનું આત્મહત્યાના કારણે મોત થાય છે. ૨૦૨૧ બાદ વૈશ્વિક સ્તરે આત્મહત્યા વધી હતી. તાજેતરમાં તેનો દર થોડો ઓછો થયો છે. હાલમાં ૧ લાખ લોકોએ ૮.૯ની સરેરાશ છે. તેમાં પણ ૧૫ વર્ષથી ૨૯ વર્ષના યુવાનોની મૃત્યુમાં ત્રીજું સૌથી મોટું કારણ આત્મહત્યા છે. ભારતમાં તો સ્થિતિ તેના કરતા પણ વધારે ગંભીર છે. 

ભારતની વાત કરીએ તો થોડા સમય પહેલાં જ આવેલા એનસીઆરબીના ટેડાએ જણાવ્યું કે, ભારતમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે છે. એનસીઆરબીના ૨૦૨૩ના ડેટા પ્રમાણે દેશમાં ૧.૭૧ લાખ લોકોએ આત્મહત્યા કરી હતી. જે ૨૦૧૩ની સરખામણીએ ૨૭ ટકા વધારે હતી. આત્મહત્યાનો દર હવે ૧ લાખે ૧૦.૪ થઈ ગયો છે જે આંતરરાષ્ટ્રીય દર કરતા ઘણો વધારે છે. 

બીજી તરફ આ અહેવાલમાં એવું પણ સામે આવ્યું છે કે, વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનો દર ૬૫ ટકા વધ્યો છે. જાણકારોના મતે કોરોના પછી તણાવ, બેરોજગારી, આર્થિક તંગી અને ખાસ કરીને સોશિયલ મીડિયાના વળગણે લોકોની સ્થિતિ ખરાબ કરી નાખી છે. લોકો પોતાના લાગણીઓ ઉપર કાબુ ગુમાવી રહ્યા છે અને આત્મહત્યા કરી રહ્યા છે. આ ઉપરાંત લાગણીઓની સમસ્યાઓ માટે ચેટબોટ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. તેઓ તેને સિક્રેટ ફ્રેન્ડ માને છે અને તેની સાથે ગમે તે ચર્ચા-વિચારણા કરીને અમલમાં મુકે છે. તેના કારણે સ્થિતિ વધારે ભયાનક થઈ રહી છે. 

ઘણા કિસ્સામાં ચેટબોટ્સ અને એઆઈ ટુલ્સની મદદથી લોકોએ આત્મહત્યાના રસ્તા શોધીને આત્મહત્યા કર્યાનું અને સોશિયલ મીડિયા ઉપર લાઈવ થઈને પણ આત્મહત્યા કરી હોવાના કિસ્સા વધી ગયા છે. જાણકારોએ એવું પણ જણાવ્યું કે, આત્મહત્યાના કિસ્સાની વાત કરીએ તો મહિલાઓ કરતા પુરુષોની આત્મહત્યામાં મોટો વધારે જોવા મળ્યો છે. પુરુષોની આત્મહત્યાની સંખ્યા મહિલાઓ કરતા બમણી છે. 

બીજી તરફ મહિલાઓ સોશિયલ મીડિયા અને એઆઈ ટુલ્સ ઉપર વધારે મદદ માગતી હોય છે જ્યારે પુરુષો માનસિક રીતે મજબૂત હોવાનો દેખાવો કરે છે પણ અંતે થાકીને આત્મહત્યા વધારે કરી લેતા હોય છે. ભારતમાં આત્મહત્યાના કિસ્સામાં ૭૦ ટકા પુરુષો હોય છે. બીજી તરફ મહિલાઓમાં માનસિક સમસ્યા અને નિરાશાના કિસ્સા ૪૦ ટકા છે. સંશોધકોએ જણાવ્યું કે, રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૪ વાગ્યાની વચ્ચે લોકો દ્વારા સૌથી વધારે આત્મઘાતી વિચારો કરવામાં આવતા હોય છે. એકલતા અને મનોવ્યથાના કારણે તેઓ ચિંતિત હોય છે અને આત્મહત્યાના રસ્તા વધારે શોધતા હોય છે. થોડા દિવસ પહેલાં આવેલા એક અહેવાલો જણાવ્યું કે, સર્ચ એન્જિન ઉપર પણ સ્યુસાઈડલ થોટ્સ વિશે સર્ફિંગ અને સર્ચિંગ કરવાના કિસ્સામાં ત્રણ ગણો વધારે થયો છે. 

લાઈફસ્ટાઈલમાં ફેરફાર, કોમ્પિટિશન અને તંગી સૌથી મોટા કારણો

સંશોધકોએ જણાવ્યું કે, લોકોને એકલતાનો અનુભવ વધારે થઈ રહ્યો છે અને તેના કારણે તેઓ એઆઈ ટુલ્સ અને ચેટબોટ્સને સાથી બનાવતા થઈ ગયા છે. તે ઉપરાંત દરેક પાસે હાલમાં સ્માર્ટફોન, સ્માર્ટ ગેજેટ્સ મોટી સંખ્યામાં ઉપલબદ્ધ છે. તેઓ ગમે ત્યારે સરળતાથી ઓનલાઈન માધ્યમો, ચેટબોટ્સ અને એઆઈટુલ્સનો ઉપયોગ કરી શકે છે. 

વર્તમાન સમયમાં લોકોની લાઈફસ્ટાઈલમાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે. તેના કારણે તેમનું જીવન બદલાયું છે. લોકોના શોખ વધ્યા છે અને આવકમાં મોટો ફેરફાર આવ્યો નથી. બીજી તરફ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે લોકો સતત પોતાના શ્રેષ્ઠ સાબિત કરવાના દબાણ હેઠળ જીવવા લાગ્યા છે. દરેકને ટોચના સ્થાને રહેવું છે અને તેના કારણે માનસિક સમસ્યાઓ વધી છે. લોકોને નિષ્ફળતા ગમતી નથી અને પચતી પણ નથી. દરેકને સફળ થવું છે, નાનકડી નિષ્ફળતા પણ લોકોને આત્મહત્યા કરવા પ્રેરી જાય છે. તેવી જ રીતે લોકોના એક્સપેક્ટેશન્સ વધી ગયા છે. લોકોની ઈચ્છા અને ધોરણો એટલા ઉંચા ગયા છે કે તેઓ નીચે આવી શકતા જ નથી. આ તમામ બાબતો માનસિક દબાણ ઊભું કરી રહી છે. તેમાંથી બહાર ન આવી શકનારી વ્યક્તિઓ આવા માધ્યમો ઉપર આત્મહત્યાના રસ્તા શોધવા લાગે છે. સંશોધકોએ વધુમાં જણાવ્યું કે, લોકો ચેટબોટ્સ અને એઆઈ ટુલ્સને સીધો જ સવાલ કરી રહ્યા છે કે, આત્મહત્યા કરવાનો સૌથી સરળ રસ્તો કયો છે? હવે જીવનમાં કશું જ વધ્યું નથી, મેં બધું જ ગુમાવી દીધંવ છે તો હવે તેમાંથી મુક્ત થવાનો રસ્તો શું છે? સરળતાથી કેવી રીતે આત્મહત્યા કરી શકાય? કોઈપણ જાતની પીડા વગર આત્મહત્યા કેવી રીતે કરી શકાય? કયા દેશોમાં આત્મહત્યા સૌથી વધારે થાય છે? આત્મહત્યાની મંજૂરી મળે તેવી જગ્યાઓ કઈ કઈ છે? આવા અનેક સવાલો લોકો ચેટબોટ્સને કરી રહ્યા છે. આધુનિકતા માટે આ સ્થિતિ ખૂબ જ જોખમી છે.