પીઓકેમાં વિદ્રોહ કરાવી ભારતને સોંપવાની અમેરિકી ચાલ : ભારત સંભાળે

પાકિસ્તાન દ્વારા પોતાનો દેશ ચલાવાતો નથી ત્યાં પીઓકે કેવી રીતે સંભાળશે તેવું જાહેર કરીને પ્રોક્સિવોરનું વધુ એક કારણ ઊભું કરવાનું વિષચક્ર
- સોમવારે સરકારના વિરોધમાં POKમાં હડતાળ જાહેર કરવામાં આવી હતી. આ હડતાળને રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોનો વિરોધ વધી જતા અને સ્થિતિ કાબુ બહાર જતી લાગતા પાકિસ્તાનની સેનાએ સામાન્ય નાગરિકો પર ગોળીબાર શરૂ કર્યો હતો : આંદોલનકારીઓએ ૩૮ સૂત્રીય સંરચનાત્મક સુધારાની માગ કરી છે. જેમાં પાકિસ્તાનમાં રહેતાં કાશ્મીર શરણાર્થીઓ માટે અનામત, POKમાં ૧૨ ધારાસભ્યોની બેઠક દૂર કરવાની માગ સામેલ છે. સ્થાનિક લોકોનો તર્ક છે કે, તે પ્રતિનિધિ શાસનને નબળું બનાવી રહ્યા છે, જાણકારો માને છે કે, ભારતી અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે પહેલેથી જ વિવાદ ચાલે છે, તેમાં પીઓકેનો બખેડો વધારીને ભારતને પધરાવી દેવામાં આવે તો તેની મુશ્કેલી વધી જશે. અમેરિકા અને તેના મળતીયાઓ પીઓકે ભારતને પધરાવીને ફસાવી દેવા માંગે છે જેથી ભારત કંકાસમાં અટવાઈ જાય અને વિકાસના માર્ગે આગળ વધી ના શકે
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરિફ એક તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ટ ડ્રમ્પને રીઝવવા માટે આંટાફેરા કરી રહ્યા છે ત્યાં તેમના ઘરમાં જ આગ લાગેલી છે તે તરફ તેમનું ધ્યાન ગયું નથી. પાકિસ્તાન એક તરફ અમેરિકાને દંડવત થઈ રહ્યું છે ત્યાં પીઓકેમાં વિરોધ અને વિદ્રોહનો દાવાનળ ફાટી નીકળ્યો છે. જાણકારોના મતે આ વખતે લોકોનો આક્રોશ વધારે આક્રમક છે અને તેઓ કોઈપણ ભોગે પીઓકેને પાકિસ્તાનથી અલગ કરવા માગે છે.
પીઓકેને પાકિસ્તાનથી અલગ કરવાની વાત હકિકતે તો વિદ્રોહ નહીં પણ એક મોટું રાજકીય છટકું છે. જાણકારો માને છે કે, આ છટકું અમેરિકા દ્વારા ગોઠવાયેલું છે. પાકિસ્તાન પાસે પૈસા નથી અને તેને પૈસા આપીને શાંત કરી દેવાનું અને ત્યારબાદ પીઓકે છોડી દેવા સમજાવવાનું. આ સળગતું પીઓકે ભારતને પધરાવી દેવાનું. ભારતને વિજય થયો છે તેવું લાગે પણ હકિકતે ભારતના ગળેમાં હાડકું ભરાવી દેવાનું. કાશ્મીર મુદ્દે સાત દાયકાથી સંઘર્ષ કરી રહેલા ભારતે વધુ એક કાંટાળો તાજ આપીને વધુ સંઘર્ષ કરતું કરી દેવાનું જેથી દુનિયામાં તેનું કદ વધે નહીં અને અમેરિકાને તે નડે નહીં. અમેરિકનોની આ ચાલમાં જો ભારત ફસાયું તો આગામી પેઢીઓ સુધી કાશ્મીરની જેમ પીઓકેનો પણ કોઈ ઉકેલ આવશે નહીં.
વાત એવી છે કે, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં વિદ્રોહ ભડકી ઉઠયો છે. લોકો શાહબાઝ શરીફ સરકારનો વિરોધ કરી રહ્યા છે. સોમવારે POKમાં સરકારના વિરોધમાં હડતાળ જાહેર કરવામાં આવી હતી. આ હડતાળને રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોનો વિરોધ વધી જતા અને સ્થિતિ કાબુ બહાર જતી લાગતા પાકિસ્તાનની સેનાએ સામાન્ય નાગરિકો પર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાન સેનાના તમામ પ્રયાસો હોવા છતાં સ્થાનિક લોકોએ પીછેહઠ કરી નહોતી. આ ઉપરાંત ત્યાંના વિરોધ પ્રદર્શનનો સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. જેમાં જોવા મળે છે કે, દેખાવકારોએ પાકિસ્તાની સેનાના એક અધિકારીને પકડી લીધો હતો. અવામી એક્શન કમિટીએ POKમાં ૨૯ સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા હડતાળ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા, આ હડતાળ અનિશ્ચિતકાળ સુધી ચાલવાની ધારણા સાથે પાકિસ્તાન સરકારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ટોળાને રોકવા માટે રવિવાર રાતથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો, તેમજ મોટાપાયે સુરક્ષા દળો તૈનાત કરાયા હતા. તેમ છતાં સોમવારે બપોર સુધીમાં તો સ્થિતિ કાબુ બહાર જતી રહી હતી અને હિંસક અથડામણો ચાલુ થઈ ગઈ હતી. જાણકારોના મતે લોકોની નારાજગીને જોતાં શાહબાઝ સરકાર પર જોખમની ભીતિ વધી છે.
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં રાજકીય અને આર્થિક ઉપેક્ષાનો હવાલો આપતાં લોકો એકજૂટ થયા છે. તે અત્યારસુધીનો સૌથી મોટો નાગરિક વિદ્રોહ બની શકે છે. નાગરિક સમાજનું ગઠબંધન અવામી એક્શન કમિટી આ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. તેણે દાયકાઓથી રાજકીય અને આર્થિક ઉપેક્ષાનો હવાલો આપતાં હજારો લોકોને એકજૂટ કર્યા છે. આ આંદોલનકારીઓએ ૩૮ સૂત્રીય સંરચનાત્મક સુધારાની માગ કરી છે. જેમાં પાકિસ્તાનમાં રહેતાં કાશ્મીર શરણાર્થીઓ માટે અનામત, POKમાં ૧૨ ધારાસભ્યોની બેઠક દૂર કરવાની માગ સામેલ છે. સ્થાનિક લોકોનો તર્ક છે કે, તે પ્રતિનિધિ શાસનને નબળું બનાવી રહ્યા છે. અન્ય માગમાં સબસિડીયુક્ત લોટ, મંગલા જળવિદ્યુત પરિયોજના હેઠળ સસ્તી વીજળી, અને ઈસ્લામાબાદ દ્વારા લાંબા સમયથી આપવામાં આવેલા વચનોને લાગુ કરવા સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, પીઓકેમાં અવામી એક્શન કમિટીએ પણ અન્ય દેશોમાં થયેલી ક્રાંતિથી પ્રેરાઈને શટર ડાઉન એન્ડ વ્હીલ જામના સૂત્ર સાથે હડતાળ જાહેર કરી હતી. તેમની પડતર માગણીઓ અને આર્થિક અધિકારોની પૂર્તિ માટે તેમણે આ રસ્તો અપનાવ્યો હતો. સૂત્રો માને છે કે, માત્ર પીઓકેમાં જ નહીં પણ પીઓકેમાંથી અમેરિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશોમાં ગયેલા લોકો દ્વારા પોતાના વર્તમાન સ્થાનોએ પણ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ કરાઈ છે. તેઓ કોઈપણ ભોગે પાકિસ્તાની સરકારને ભીંસમાં લેવા માગે છે.
અવામી એક્શન કમિટીના નેતા શૌકત નવાઝ મીરે હડતાળ પાડવા પાછળ ઘણા કારણો જણાવ્યા હતા. તેમનું સૌથી પહેલું તો એ જ કહેવું હતું કે, દાયકાઓથી પ્રજાને છેતરવામાં આવી રહી છે. તેમને યોગ્ય સુવિધાઓ મળતી નથી, નેતૃત્ત્વ મળતું નતી અને તેમનો સામાજિક કે આર્થિક વિકાસ પણ થતો નથી. તેમણે તાજેતરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન જ જણાવ્યું કે, અમે કોઈ સરકાર કે તંત્ર કે સંસ્થા કે પછી વ્યક્તિનો વિરોધ નથી કરી રહ્યા. અમે તો અમારા મૂળભૂત હકની માગણી કરી રહ્યા છીએ જે અમને છેલ્લાં ૭૦ વર્ષથી મળ્યા જ નથી. હવે બહુ થયું, પ્રજાઓ બહુ સહન કરી લીધું. અમને અમારા અધિકારો આપો અથવા તો લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના તાપને સહન કરવાની શક્તિ કેળવો. તેમણે આડકતરી રીતે સરકારને ચિમકી પણ ઉચ્ચારી દીધી છે. તેના કારણે સ્થિતિ વધારે વણસી છે. અહીંયાની સરકાર દ્વારા દાયકાઓથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને લોકોની જે રીતે ઉપેક્ષા કરવામાં આવી રહી છે તેનું જ પરિણાણ આ હડતાળ અને વિદ્રોહ છે.
માત્ર સામાન્ય લોકો જ નહીં, વકીલો, ડોકટર્સ અને અન્ય સિવિસ સોસાયટી સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો દ્વારા બધું બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. તેમણે પણ વિરોધી પ્રદર્શન કરનારાને સાથ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, પોતાના અધિકાર માટે શાંતિ જાળવીને વિરોધ કરવો કે આંદલોન કરવું તે તેમને અભિવ્યક્તિનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય લોકોની સાથે સાથે વેપાર ધંધા, બજારો, ટ્રાન્સપોર્ટ સવસ વગેરે પણ બંધ રહ્યા હતા. મોટાભાગે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.
અખબારી અહેવાલો જણાવે છે કે, છેલ્લાં ઘણા સમયથી અવામી એક્શન કમિટી અને પાકિસ્તાન સરકાર વચ્ચે આ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા અને વાટાઘાટો ચાલતા હતા. તેમાંય છેલ્લાં અઠવાડિયાથી સતત વાતચીત ચાલતી હતી પણ તેનું કોઈ નક્કર પરિણામ આવે તેવું દેખાતું નહોતું. આ બેઠકમાં આવેલા નેતાઓએ એવું જણાવી દીધું કે, પીઓકેના લોકો દ્વારા જે માગણી કરવામાં આવી રહી છે તેના માટે અલગથી કાયદા બનાવવા પડે અથવા તો બંધારણીયા સુધારા કરવા પડે તેમ છે. તેના કારણે બંધ બારણે થયેલી બેઠકોમાં કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી. આ ઉપરાંત મંત્રીઓનું એવું પણ કહેવું હતું કે, ૧૨ બેઠકો અને અન્ય લાભ મુદ્દે પીઓકેની એસીસી ટીમના નેતાઓ કોઈપણ મુદ્દે બાંધછોડ કરવા તૈયાર જ નહોતા. તેના કારણે મુદ્દો ગુંચવાઈ ગયો છે અને તેનો ઉકેલ આવે તેમ જ નથી. તેના પગલે જ મિટિંગ અનિણત રહી અને ઉકેલ આવ્યો નહીં. સરકારના મંત્રીઓના આવા વલણને પગલે જ લોકોમાં રોષ ભભૂકી ઉઠયો અને લોકોએ શટર ડાઉન એન્ડ વ્હીલ જામ આંદોલન શરૂ કરી દીધું.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ લોટ અને વીજ બિલ ઉપર સબસીડી વધારવા માટે લોકોએ રજૂઆત કરી હતી. તે વખતે પણ પીઓકેના લોકોએ જણાવ્યું હતું કે, અહીંયા મિરપુર જિલ્લામાં આવેલા મંગલા ડેમમાંથી જ વીજળીનું ઉત્પાદન થાય છે છતાં પીઓકેના લોકોને પડતર કિંમતે જ વીજળી આપવામાં આવે છે તે ખોટું છે. તેમને વીજળીમાં રાહત આપવી જોઈએ. તે વખતે પણ સરકારે લોકોની માગણી ધ્યાને લીધી નહોતી.
પીઓકેમાં પાકિસ્તાની સરકાર અને નેતાઓનો વિરોધ તો ૨૦૨૩થી વ્યાપક ધોરણે શરૂ થયેલો છે. તે સમયે ઘઉં, લોટ અને વીજળી ઉપર સબસીડી વધારવા માટે લોકોએ પાકિસ્તાની સરકાર સામે મોરચો માંડયો હતો. તે વખતે પણ હિંસા થઈ હતી. તેની પહેલાં ૨૦૨૨ની સાલમાં પણ પીઓકેના લોકો દ્વારા બંધારણના ૧૫મા સુધારાને લાગુ કરીને પીઓકેને બંધારણીય દરજ્જો આપવાની માગણી કરવામાં આવી હતી. પાકિસ્તાન સરકારે તે વાત પણ સ્વીકારી નહોતી. તે વખતે લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા અને હાઈવે ઉપર ચક્કાજામ કર્યા હતા. તે વખતે પણ પાકિસ્તાની બંધારણમાં સુધારા કરીને પીઓકેના લોકોને લાભ નહીં આપવાના વલણ સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ભારતે પણ આ મુદ્દે ઘણી વખત વાંધો લીધો છે.
- સ્થાનિક વિરોધના કારણો આગળ ધરીને ભારતને વૈશ્વિક હાની પહોંચાડવાની ચાલ
પીઓકેમાં અવામી એક્શન કમિટી દ્વારા ૩૮ મુદ્દાનું એક ચાર્ટર બનાવવામાં આવ્યું છે જેમાં અવામી એક્શન કમિટી થકી પાકિસ્તાનમાં સ્થાયી થયેલા કાશ્મીરી રેફ્યુજીઓની ૧૨ જેટલી વિધાનસભા બેઠકો રદ કરવાની માગણી કરવામાં આવી છે. તેઓ માને છે કે, આ પ્રકારની બેઠકો સ્થાનિકોનું પ્રતિનિધિત્વ કરવાના બદલે ઈસ્લામાબાદના શરણે છે અને તેના કારણે પીઓકેનું રાજકારણ ખરાબ થવા લાગ્યું છે. અહીંયાના પ્રતિનિધિઓ જ તેમના કાબુમાં આવી જવાના કારણે ઈસ્લામાબાદ સીધી રીતે પીઓકેને કન્ટ્રોલ કરવા લાગ્યું છે. આ ઉપરાંત આ ઈડ્રોપાવર પ્રોજેક્ટ ઉપર ફરીથી વિચારણા કરવામાં આવે અને નેગોશિયેશન કરવામાં આવે જેના કારણે સ્થાનિકોને આ યોજનાનો વધારે અને લાંબા સમય સુધી લાભ મળતો રહે. સ્થાનિકોનો સૌથી મોટો પ્રશ્ન મોંઘવારી અને ફુગાવો છે. એસીસીએ જણાવ્યું હતું કે, લોકોને જીવનજરૂરીયાતની વસ્તુઓ જેવી કે દાળ, લોટ વગેરે ઉપર વધારે સબસીડી આપવામાં આવે જેથી તેઓ પોતાનો નિર્વાહ કરી શકે. વૈશ્વિક જાણકારો માને છે કે, છેલ્લાં કેટલાક સમયથી અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના ઈશારે પાકિસ્તાન દ્વારા પીઓકેમાં સંઘર્ષ વધારવામાં આવ્યો છે.
પીઓકેના લોકો આ કારણે ભારત તરફ મીટ માંડીને બેઠા છે. ભારત એક વખત સામે ચાલીને આ કાંટાળો તાજ પહેરવા તૈયાર થાય તો તેને પહેરાવી દેવા માટે અમેરિકા એન્ડ કંપની તૈયાર જ છે. સ્થાનિક સમસ્યાના નામે વૈશ્વિક ગોઠવણ કરાઈ છે જે સીધી રીતે સમજાય તેમ નથી. ભારતે આ વિષચક્રમાં ફસાવું ન જોઈએ.








