નવા જિલ્લાની રચના : ઓછામાં ઓછું 2000 કરોડ રૂપિયાનું આંધણ થાય

- ઉત્તર પ્રદેશ દ્વારા કલ્યાણનગર નામનો નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી, રાજ્યમાં 76મો જિલ્લો ઉમેરાશે
- દેશ 1947માં આઝાદ થયો ત્યારે દેશમાં બ્રિટિશકાળના 17 પ્રાંતો અને નાના રજવાડાઓને ભેગા કરીને 230 જિલ્લાની રચના કરવામાં આવી હતી, વર્તમાન સમયમાં દેશમાં જિલ્લાઓની સંખ્યાને 797 છે : છેલ્લાં એક દાયકામાં દેશમાં સૌથી વધારે નવા જિલ્લાનું નિર્માણ રાજસ્થાન રાજ્યમાં થયું છે. અહીંયા દસ વર્ષમાં નવા 19 જિલ્લા બનાવવામાં આવ્યા છે. બીજી તરફ આંધ્ર પ્રદેશમાં પણ એક સાથે 19 જિલ્લાઓનો વધારો કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં છેલ્લાં અઢી દાયકામાં 10 નવા જિલ્લા બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે 2022માં 7 નવા જિલ્લાની જાહેરાત કરી હતી : રાજ્ય સરકાર દ્વારા કોઈ નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવે અથવા તો તેની જાહેરાત ઉપર કાર્યકારી આદેશ જારી કરી દેવામાં આવે અથવા તો રાજ્યના વિધાનસભામાં નવા જિલ્લાના મુસદ્દાને મંજૂરી આપી દેવામાં આવે ત્યારબાદ તેના વિશે કામગીરી હાથ ધરવામાં આવે છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર પ્રદેશમાં વધુ એક જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત સાથે જ યુપીમાં હવે આગામી સમયમાં ૭૬મો જિલ્લો ઉમેરાશે. યુપીના નવા જિલ્લાનું નામ કલ્યાણ નગર હશે. જાણકારોના મતે અલીગઢ અને બુલંદશહરના કેટલાક વિસ્તારોને બદલીને નવો જિલ્લો બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારો ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહની જન્મભૂમિ અને કર્મભૂમિ રહ્યા છે. તેના કારણે તેમના નામે આ જિલ્લો બનાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે. યુપી સરકાર દ્વારા નવા જિલ્લાની જાહેરાત કે તેના સર્જન વિશે વિધાનસભામાં કોઈ પ્રસ્તાવ મુકવામાં આવ્યો નથી. તેના કારણે આ જિલ્લાની ખરેખર જાહેરાત જ થઈ છે કે, સરકાર નવો જિલ્લો બનાવી દેશે તેની ચર્ચા ચાલી છે. આ ચર્ચા વચ્ચે એક વાત નક્કી છે કે, ભારતમાં નવા જિલ્લા જાહેર કરવાની કામગીરી આઝાદીના સાડા સાત દાયકા બાદ પણ ચાલુ જ છે.
મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં હાલમાં ૭૯૭ જિલ્લા છે જે દેશના ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચાયેલા છે. ભારત ૧૯૪૭માં આઝાદ થયો ત્યારે દેશમાં ૨૩૦ જિલ્લા હતા. તેમાં બ્રિટિશ ભારતના ૧૭ પ્રાંતો અને અને નાના નાના રજવાડાઓને ભેગા કરીને વિવિધ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આઝાદી સમયે ઉત્તર પ્રદેશમાં ૩૫-૩૮ જિલ્લા હતા. તે સમયે આ વિસ્તારને સંયુક્ત પ્રાંત કહેવામાં આવતો હતો. થોડા વર્ષ બાદ તેનું નામ ઉત્તર પ્રદેશ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં એક દાયકામાં દેશમાં સૌથી વધારે નવા જિલ્લાનું નિર્માણ રાજસ્થાન રાજ્યમાં થયું છે.
અહીંયા દસ વર્ષમાં નવા ૧૯ જિલ્લા બનાવવામાં આવ્યા છે. બીજી તરફ આંધ્ર પ્રદેશમાં પણ એક સાથે ૧૯ જિલ્લાઓનો વધારો કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં છેલ્લાં અઢી દાયકામાં ૧૦ નવા જિલ્લા બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે ૨૦૨૨માં ૭ નવા જિલ્લાની જાહેરાત કરી હતી. દેશમાં છેલ્લાં એક દાયકામાં ૪૦થી વધારે નવા જિલ્લાઓની રચના કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે, દેશમાં કોઈપણ સ્થાને નવો જિલ્લો બનાવવાની, જિલ્લો બદલવાની કે પછી જિલ્લો રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે હોય છે. રાજ્ય સરકાર એક વટહુકમ બહાર પાડીને અને વિધાનસભામાં ખરડો પસાર કરીને આ કામગીરી કરી શકે છે. ઘણા રાજ્યો માત્ર અધિકારિક વટહુકમ જારી કરીને પણ આ કામગીરી કરતા હોય છે. મોટાભાગે રાજ્યોનું માનવું હોય છે કે, નાના જિલ્લા વધારે સારી રીતે કામગીરી કરવા અને શાસનવ્યવસ્થા ચલાવવામાં મદદરૂપ થાય છે. તેમની કામગીરી સરળ રહે છે. તેના કારણે જ દેશમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં નવા જિલ્લાઓનું સર્જન વધી રહ્યું છે. જાણકારોમાં ચર્ચા છે કે, નવા જિલ્લા બનાવ્યા પછી ખરેખર સરકારને કામગીરીમાં રાહત થઈ છે કે, પછી દસ્તાવેજો અને અન્ય કામગીરીમાં ફરક પડયો છે કે નહીં તેના વિશે કોઈ સ્પષ્ટ અહેવાલ નથી.
ઉલ્લેખનીય છે કે, નવા જિલ્લા બનાવવા કે જૂના જિલ્લા રદ કરવા અથવા ભેગા કરવામાં કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. રાજ્ય સરકાર તેના માટે નિર્ણય કરવા સ્વતંત્ર છે. જ્યારે કોઈ રાજ્ય જિલ્લા અથવા રેલવે સ્ટેશનનું નામ બદલવા માગે તો તેની કામગીરીમાં ગૃહમંત્રાલય જોડાય છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનોને ગુપ્તચર શાખા, પોસ્ટ વિબાગ, રેલવે વિભાગ, ભૌગોલિક સર્વેક્ષણ વિભાગ, રેલવે વિભાગ જેવા મહત્ત્વના વિભાગો અને એજન્સીઓને મંજૂરી માટે મોકલાવવામાં આવે છે. આ તમામ વિભાગો અને એજન્સીઓ તપાસ બાદ જવાબ આપે છે અને એનઓસી જાહેર કરે છે. એક અહેવાલ પ્રમાણે ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર દેશમાં ૫૯૩ જિલ્લા હતા.
વસતી ગણતરીના પરિણામો થકી ખ્યાલ આવે છે કે, ૨૦૦૧થી ૨૦૧૧ સુદીમાં ૪૬ નવા જિલ્લા બન્યા હતા. છેલ્લાં એક દાયકામાં બીજા ૪૦ નવા જિલ્લા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧ની વસતી ગણતરી બાકી છે તેથી નવા દાયકાનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. તેમ છતાં એવો અંદાજ છે કે, ૨૦૧૧થી અત્યાર સુધીમાં ૧૪ વર્ષમાં ૨૦૪ નવા જિલ્લાનું નિર્માણ થયું છે. હાલમાં દેશમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ ૭૯૭ જિલ્લા આવેલા છે.
મહત્ત્વની વાત એ છે કે, એક નવો જિલ્લો બનાવવા માટે લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. તેમાં જિલ્લા ભવન, રસ્તા, પાણી અને વીજળીની વ્યવસ્થા, સ્ટાફની નિમણુક, અન્ય પાયાગત અને માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે.
જિલ્લા મુખ્યાલય, ન્યાયાલય, જિલ્લા પરિષદ, કૃષિ, શિક્ષણ અને સ્વાસ્થ્ય વિભાગના ભવનોનું નિર્માણ જ ૫૦૦ કરોડ રૂપિયા સુધીના બજેટમાં થાય તેમ છે. તે ઉપરાંત રસ્તા, પાણી, સફાઈ, અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ટર અને બાકીની સેવાઓનું નેટવર્ક સેટ કરવામાં ૧૫૦૦ કરોડનો ખર્ચ આવી શકે તેમ છે.
રાજ્ય સરકારની જરૂરિયાતો અને અને વિસ્તારના આધારે બજેટ નક્કી કરવામાં આવે છે. જિલ્લા કચેરીનું પરિસર, સુવિધાઓ અને સ્થાનિક વ્યવસ્થાઓના આધારે પણ ખર્ચ નક્કી થતો હોય છે. રાજસ્થાન સરકારે ૨૦૨૩-૨૦૨૫માં નવા જિલ્લાઓની પાછળ અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી હતી. તેમાં પાયાગત નિર્માણ અને જરૂરિયાતની વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
કોઈપણ નવો જિલ્લો બનાવવા માટે માળખાગત, આધારભૂત, સામાજિક અને વ્યવસ્થાપનની સુવિધાઓ હોવી જરૂરી છે.
રાજ્ય સરકારના વટહુકમ જારી કર્યાના અંદાજે ૩થી ૬ મહિના સુધીમાં નવા જિલ્લાની જાહેરાત અને તેમનું માળખાગત કામ શરૂ કરી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા કોઈ નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવે અથવા તો તેની જાહેરાત ઉપર કાર્યકારી આદેશ જારી કરી દેવામાં આવે અથવા તો રાજ્યના વિધાનસભામાં નવા જિલ્લાના મુસદ્દાને મંજૂરી આપી દેવામાં આવે ત્યારબાદ તેના વિશે કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમાં સીમાંકન, બજેટ, સ્ટાફની ભરતી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વગેરે બાબતો ઉપર કામ શરૂ થાય છે.
ખાસ વાત એ છે કે, કોઈપણ જગ્યાને નવો જિલ્લો જાહેર કરવા માટે ચોક્કસ માપદંડોનું અનુસરણ કરવું પડે છે. સૌથી પહેલાં તો જે-તે વિસ્તારની ઓછામાં ઓછી વસતી બે લાખ કે તેનાથી વધારે હોવી જોઈએ.
જે-તે રાજ્ય અને તેના વિસ્તારના આધારે વસતીની સંખ્યા નક્કી કરવામાં આવે છે. તે ઉપરાંત યોગ્ય ક્ષેત્રફળ, સિંચાઈ અને સંપર્ક સાધનોની વ્યવસ્થા હોવી જોઈએ. તે ઉપરાંત તેમાં ગવર્નિંગ બોડીને કામ કરવાની પૂરતી સુવિધાઓ હોવી જોઈએ. તેમાં જિલ્લા મુખ્યાલય, કલેક્ટરેટ, પોલીસ સ્ટેશન, ન્યાયાલય, શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ વિભાગો, પંચાયત-નગરપાલિકા ભવન, રસ્તા અને પાણીની વ્યવસ્થા વગેરે પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ.
આ બધું જ યોગ્ય રીતે થાય ત્યારે અધિકારિક રીતે જિલ્લાની જાહેરાત થાય છે. તેમાં સૌથી પહેલાં અધિકારિક રીતે ડીએમ અને એસપીની નિમણુક કરવામાં આવે છે. ત્યારબાદ બજેટ અને સંસાધનોની વહેંચણી કરવામાં આવે છે. જે જિલ્લામાંથી કાપીને નવો જિલ્લો બનાવાય છે તો જૂના જિલ્લામાંથી કચેરીઓ, સ્ટાફ, બજેટ વગેરેની પણ વહેંચણી કરવામાં આવે છે. જૂના જિલ્લામાંથી કાઢીને નવા જિલ્લાને વહેંચવામાં આવે છે.
ગુજરાતનો કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટીએ 9 રાજ્યો કરતા મોટો
ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા મોટા મોટા જિલ્લા આવેલા છે. આ એવા જિલ્લા છે જેની આગળ રાજ્યોનું ક્ષેત્રફળ પણ ઓછું પડે છે. દેશમાં સૌથી મોટા જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન કે મહારાષ્ટ્રમાં આવેલો નથી. દેશનો સૌથી મોટો જિલ્લો ગુજરાતમાં આવેલો છે. ગુજરાતનો કચ્છ જિલ્લો દેશનો સૌથી મોટો જિલ્લો છે. તે ભારતના ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કરતા વસતીની દ્રષ્ટીએ મોટો છે. કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ ૪૫,૬૭૪ સ્ક્વેર કિલોમીટર છે. તે હરિયાણા, કેરળ, ગોવા, સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, દિલ્હી, પુડ્ડુચેરી, ચંડીગઢ, લક્ષદ્વિપ અને આંદામાન-નિકોબાર કરતા મોટો છે. કચ્છનું ક્ષેત્રફળ ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ ક્ષેત્રફળથી વધારે છે. તે દિલ્હી કરતા ૩૧ ગણો મોટો છે જ્યારે ગોવા કરતા ૧૨ ગણો મોટો છે. કચ્છ જિલ્લો ગુજરાતની લગભગ ૨૭.૨૭ ટકા હિસ્સો ધરાવે છે. ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ત્યાંની વસતી કુલ ૨૦,૯૨,૩૭૧ હતી. અહીંયા વસતીનું ઘનત્વ ખૂબ જ ઓછું છે. અહીંયાનો મોટાભાગનો વિસ્તાર કચ્છના રણ તરીકે જાણીતો છે જે દલદલ અને રણ પ્રદેશ છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છનો વિસ્તાર એટલો મોટો છે કે, તેની કામગીરી કરવા માટે અને સંચાલન માટે મુશ્કેલી સર્જાય છે. તેનું સંચાલન સરળ બનાવવા માટે કચ્છ જિલ્લાના ભાગ પાડવાનો અનેક વખત વિચાર કરવામાં આવ્યો છે પણ આખરે બધું અટકી જાય છે. કચ્છનો મોટાભાગનો વિસ્તાર રણની રેતી અને મીઠાના ખારા પાટથી ઘેરાયેલો છે. તેમાં વાહનવ્યવહારમાં પણ મુશ્કેલી સર્જાય છે. કચ્છના ભાગ પાડીને તેને બે જિલ્લામાં વહેંચી કાઢવાની રજૂઆત અનેક વખત થઈ છે પણ તેના ઉપર કામ થતું નથી. કચ્છની ભાગીગળ ઓળખ અને તેની આગવી સંસ્કૃતિને કારણે આ જિલ્લાને કોઈ હજી સુધી હટાવી શક્યું નથી.
બીજી તરફ દેશમાં એક નાનકડો જિલ્લો પણ છે જે દેશનો સૌથી નાનો જિલ્લા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાતા પુડ્ડુચેરીનો માહે જિલ્લો દેશનો સૌથી નાનો જિલ્લો છે. તે સંપૂર્ણ રીતે કેરળ રાજ્યથી ઘેરાયેલો છે. અહીંયા ૪૦,૦૦૦ લોકોની વસતી છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૯ સ્ક્વેર કિ.મી છે. પુડ્ડુચેરીનો યાનમ જિલ્લો પણ ૩૦ સ્ક્વેર કિ.મી વિસ્તાર સાથે દેશનો બીજા ક્રમનો સૌથી નાનો જિલ્લો છે. ઉલ્લેખનીય છે કે, લક્ષદ્વિપનો કાવરત્તી જિલ્લો પણ દેશના નાના જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. જાણકારોના મતે દિલ્હીના પણ મોટાભાગના જિલ્લા ખૂબ જ નાનો વિસ્તાર અને ક્ષેત્રફળ ધરાવે છે.








