સાંપ્રત સમયની ડિમાન્ડ : કુટુંબમાં જેટલું વધુ દેવું એટલી વધુ 'સુખ સાહ્યબી'

''યાવત્ જીવત્ સુખમ જીવત્'', ચાર્વાક ફિલસુફી : દેવું કરીને ઘી પીવો
ભારતીયો ધેર ઈઝ ઓન્લી વન લાઈફ, એન્જોય ઈટ એવી અમેરિકન રહેણીકરણીને અપનાવી રહ્યા છે. ઘર, મકાન, ફોન, ઘરેણા, કાર, બાઈક જે જોઈએ તે લોન ઉપર કે ક્રેડીટ કાર્ડ ઘસી ખરીદી રહ્યા છે. આર્થિક તેજી અને આવક વધી રહી છે ત્યાં સુધી તેની ભરપાઈ શક્ય છે. ઓછી આવક ધરાવતા કુટુંબો કે ગ્રામીણ રહીશોમાં લીધેલી લોન પરત કરવાની શક્તિ ઘટી રહી છે.એક જમાનો હતો દાદા સંઘર્ષ કરતા ઃ પિતા મુડી ભેગી કરતા, પૌત્ર મોજ મજા કરતા આજે ક્રેડીટ કાર્ડના જમાનામાં પહેલી પેઢી દેવું કરે છે, બીજી પેઢી દેવુ ભરે છે.
એક સ્કોટીશ કહેવત છે કે સ્લીવથી સ્લીવ સુધી. એની થીયરી અનુસાર દર ત્રીજી કે ચોથી પેઢીનું જીવન દેવું ભરવામાં જાય છે. અંગ્રેજીમાં એને થર્ડ જનરેશન કર્સ - ત્રીજી પેઢીને શાપ - તરીકે ઓળખવામાં આવે છે. આ માત્ર થીયરી નથી એના પુરાવા પણ છે. છ દાયકાથી વેલ્થ મેનેજમેન્ટ સાથે જોડાયેલા અમેરિકાના વિલિયમ ગ્રુપે બે દાયકા સુધી એક અભ્યાસ કરેલો. આ અભ્યાસમાં ૩,૨૦૦ ધનવાન ફેમિલીની સંપત્તિ અંગે સંશોધન કરવામાં આવેલું. તારણ એવું છે કે ૭૦ ટકા કે દર દસમાંથી સાત ફેમિલી પોતાની બીજી પેઢીએ સંપત્તિ ગુમાવે છે જ્યારે ૯૦ ટકા ત્રીજી પેઢીએ સંપત્તિ ગુમાવી રસ્તા ઉપર આવી જાય છે અને તેમણે ફરીથી શરૂઆત કરવી પડે છે. સરેરાશ ભારતીયો માટે આ ઘટના વાસ્તવિક બને એવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. માત્ર પ્રજા નહીં દેશની સરકાર અને ઉદ્યોગો (સીધી બેંકો પાસેથી નહીં પણ પરોક્ષ રીતે બોન્ડ માર્કેટમાંથી) અબજો રૂપિયા એકત્ર કરી રહી છે. ત્રણેય દેવું વધારી રહ્યા છે.
વર્ષ ૨૦૦૯થી ૨૦૧૯ વચ્ચે ભારતના અર્થતંત્ર સામે બેલેન્સ શીટની અસમતુલાનો પડકાર હતો. બેંકોના પરત નહીં આવી રહેલા ધિરાણ (એનપીએ) વધી રહ્યા હતા અને તેના કારણે બેંકોનું ધિરાણ ઘટયું હતું અને તેથી મૂડીરોકાણ ઘટેલું હતું. હવે, વ્યક્તિગત ધિરાણ સમસ્યા પેદા કરી શકે છે. દેશના જીડીપીમાં કુટુંબ ઉપરનું દેવું જૂન ૨૦૨૧ના ક્વાર્ટરમાં ૩૬.૬ ટકા હતું તે ડિસેમ્બર ૨૦૨૩માં વધી ૪૦.૨ ટકા અને તેનાથી પણ વધારે વધી જૂન ૨૦૨૪માં ૪૨.૯ ટકા થઇ ગયું છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે તેની સરેરાશ ૩૩ ટકા હતી. કોરોના મહામારી પછી કુટુંબ ઉપરની જવાબદારીઓમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે.
વિદેશની જેમ ભારતમાં પણ ચાર્વાક ફિલોસોફી છે જે સૂચવે છે કે જીવનના દરેક મોજશોખનો મહત્તમ આનંદ માણવો જોઈએ. ચાર્વાકના સૂત્ર અનુસાર 'દેવું કરી ઘી પીવા'ની વૃત્તિ રાખવી જોઈએ. લાગે છે સાંપ્રત સમયમાં આ સૂત્ર ભારતીયોમાં વધારે લોકપ્રિય છે. મિલકતો વધી રહી છે પણ સામે માથે દેવું પણ વધી રહ્યું છે. આંકડાઓ દર્શાવે છે કે ભારતીય કુટુંબોની મિલકત સામે દેવાનું પ્રમાણ છેલ્લા એક દાયકામાં સતત વધી રહ્યું છે અને હવે છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી ઉંચી સપાટીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪ના અંતે ભારતીય કુટુંબો પાસે કુલ રૂ.૩૪.૩૨ લાખ કરોડની મિલકતો હતી અને સામે કુલ દેવું ૧૮.૭૯ લાખ કરોડનું હતું. મિલકત સામે દેવાનું પ્રમાણ ૫૫ ટકા થયું છે જે ૧૯૭૦-૭૧માં ડેટા એકત્ર કરવાની શરૂઆત થઇ પછી સૌથી વધુ છે!!
ચિંતાની વાત અહીં અટકતી નથી. ઉપલબ્ધ ૨૨ વર્ષના આંકડા અનુસાર, સાલ ૨૦૦૦થી મિલકતમાં વૃદ્ધિ સામે દેવાનું પ્રમાણ વધારે ઝડપથી વધી રહ્યું છે. વર્ષ ૧૯૯૯-૨૦૦૦માં કૌટુંબિક મિલકતમાં રૂ.૨,૩૬,૨૧૩ કરોડનો વધારો થયો હતો તેના ૧૫.૨ ટકા એટલે કે રૂ.૩૬,૦૮૭ કરોડ દેવું વધ્યું હતું. વર્ષ ૨૦૨૧-૨૨માં આ વૃદ્ધિ દેવાનો હિસ્સો વધી ૩૧.૦૩ ટકા થયો છે. ૨૦૨૧-૨૨માં મિલકતો રૂ.૨૫.૯૮ લાખ કરોડ વધી તો દેવું રૂ.૮.૦૭ લાખ કરોડ વધ્યું હતું! કેન્દ્ર સરકારના સ્ટેટીસ્ટીકસ અનુસાર, ૨૦૨૨-૨૩માં ભારતીયોએ રૂ.૨૯.૭ લાખ કરોડની મિલકતો ઉમેરી હતી અને સામે ૧૫.૬ લાખ કરોડનું દેવું વધાર્યું હતું. ભારતમાં છેલ્લી વસતી ગણતરી અનુસાર ૨૯.૪ કરોડ પરિવાર, કુટુંબ છે એ અનુસાર સરેરાશ એક લાખની મિલકત કે રૂ.૫૫,૦૦૦નું દેવું વધ્યું છે. માત્ર છેલ્લા એક દાયકામાં (૨૦૧૨થી ૨૦૨૨) વચ્ચે મિલકતમાં રૂ.૧૮.૯૨ લાખ કરોડનો સરેરાશ વાર્ષિક વધારો થયો છે તો સામે દેવામાં પણ રૂ.૫.૮૦ લાખ કરોડનો સરેરાશ વધારો થયો છે.
ભારતીયોની સ્થિતિ પણ અત્યારે નાજુક થઇ રહી છે. ઉભી કરવામાં આવી રહેલી મિલકત સામે દેવું વધારે ઝડપથી વધી રહ્યું છે. સૌથી મોટું કારણ હોય શકે કે ભારતીયો વધુને વધુ ખરીદી કે મોજશોખના ખર્ચ માટે લોન લેતા થઇ રહ્યા છે. એપ્રિલ ૨૦૦૭થી ઉપલબ્ધ આંકડા અનુસાર બેંકોના કુલ ધિરાણમાં ઉદ્યોગોનો હિસ્સો ૩૬ ટકા, સર્વિસ ક્ષેત્ર (રિટેલ દુકાનો, ટ્રાન્સપોર્ટ સેવાઓ વગેરે)નો હિસ્સો ૨૨ ટકા અને વ્યક્તિગત લોનનો હિસ્સો ૨૫ ટકા હતો. એપ્રિલ ૨૦૨૫માં આ ચિત્ર બદલાયું છે. ઉદ્યોગો કરતા વ્યક્તિગત લોન વધારે છે. અત્યારે કુલ લોનમાં ઉદ્યોગોનો હિસ્સો ૨૧ ટકા, સેવાઓનો હિસ્સો ૨૮ ટકા જયારે વ્યક્તિગત ધિરાણનો હિસ્સો ૩૩ ટકા થઇ ગયો છે! એપ્રિલ ૨૦૨૫ની સ્થિતિએ પર્સનલ બાકી લોન અધધ રૂ.૫૯.૮૦ લાખ કરોડની છે જયારે ઉદ્યોગોની બાકી લોન રૂ.૩૮.૯૫ લાખ કરોડની છે.
ક્રેડિટ કાર્ડ ઉપર ખરીદીનો વ્યાપ પણ ફાટયો છે. એપ્રિલ ૨૦૧૬ના ભારતમાં કુલ ૨.૫ કરોડ ક્રેડિટ કાર્ડ હતા અને એ મહિનામાં રૂ.૨૩,૦૧૦ કરોડની ખરીદી કે ખર્ચ કાર્ડ થકી થયો હતો. એપ્રિલ ૨૦૨૫ના અંતે દેશમાં ૧૧.૦૪ કરોડ ક્રેડિટ કાર્ડ હતા અને રૂ.૧,૮૪,૨૩૭ કરોડની ખરીદી કે ખર્ચ કાર્ડ ઘસી કરવામાં આવ્યો હતો. અહીં યાદ રાખવું જોઈએ કે કાર્ડ ઉપર ખરીદી કરી તે પરત કરવામાં મુદ્દત કરતા વધારે સમય થાય તો મહિને ૩૦ થી ૩૬ ટકાનું ચામડી તોડ વ્યાજ વસૂલવામાં આવે છે!
એનો મતલબ એવો પણ નથી કે કંપનીઓ કે ઉદ્યોગો મૂડીરોકાણ નથી કરી રહ્યા. શેરબજારની જોરદાર તેજી અને પ્રમાણમાં સરળ શરતોએ, નરમ વ્યાજ દરે અન્ય સ્ત્રોતમાંથી નાણા મળી રહ્યા હોવાથી કંપનીઓ બેંકના બદલે એ તરફ દોડી છે. પોતાના હિસ્સાના કે નવા શેર બહાર પાડી છેલ્લા ૧૧ વર્ષમાં કંપનીઓએ રૂ.૫.૭૧ લાખ કરોડ, માત્ર સંસ્થાઓને પોતાના શેર વેચી બીજા રૂ.૪.૮૨ લાખ કરોડ કંપનીઓએ એકત્ર કર્યા છે. આટલું બાકી હોય એમ સરળતાથી કોર્પોરેટ બોન્ડ માર્કેટમાંથી અધધ રૂ.૭૯ લાખ કરોડ એકત્ર કર્યા છે. એટલે કંપનીઓ ઉપર પણ દેવું વધી રહ્યું છે. દુનિયાના અન્ય ભાગો કરતા ભારતીય અર્થતંત્રની સ્થિતિ સારી હોવાથી કંપનીઓનું વેચાણ અને નફો વધ્યા હોવાથી તેમને બોન્ડ માર્કેટમાંથી સરળતાથી નાણા મળતા થઇ ગયા છે. આ સ્થિતિમાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ એનપીએના નબળા એક નબળા દાયકાના અનુભવે સીધી લોન આપવાના બદલે બોન્ડની ખરીદી કરી પરોક્ષ ધિરાણ આપી રહી છે.
કેન્દ્ર સરકારનું દેવું પણ હાયપરસોનિક સ્પીડમાં વધી રહ્યું છે. માર્ચ ૨૦૧૫ના અંતે કેન્દ્ર સરકાર ઉપર રૂ.૫૧.૪ લાખ કરોડનું દેવું હતું જે હવે વધી ડિસેમ્બર ૨૦૨૪ના અંતે રૂ.૧૭૫ લાખ કરોડ હોવાનો નાણા મંત્રાલયના આંકડા દર્શાવે છે. એક જ દાયકામાં કેન્દ્ર સરકારનું દેવાનું ભારણ ૩.૪ ગણુ વધ્યું છે. કેન્દ્ર સરકારના દેવા ઉપરાંત રાજ્ય સરકાર, સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ, સરકારી કંપનીઓ અને નેશનલ હાઈવે ઓથોરીટીએ દેવા થકી ઉભા કરેલા નાણા અલગ જ! જોકે, ભારત સરકારના દેવાનું પ્રમાણ જીડીપીની સરખામણીએ અમેરિકા, જાપાન, ફ્રાંસ, કેનેડા જેવા વિકસિત દેશો કરતા તો ઓછું જ છે. આ દેશોમાં જીડીપી કરતા પણ વધારે દેવું છે અને દુનિયામાં તેમના દેવાના કારણે વૈશ્વિક આર્થિક કટોકટી આવી પડે એવી ચિંતાઓ વ્યક્ત થઇ રહી છે.

જોખમી દેવું અર્થતંત્રને નુકસાન કરી શકે
ભારતમાં બેંકોના આડેધડ ધિરાણના કારણે કંપનીઓ નાદાર થવાનો સિલસિલો ૨૦૧૩ થી ૨૦૧૯ વચ્ચે આપણે જોયો છે. આ વખતે ચિંતા પ્રજાના દેવાની છે. ભારત સ્થાનિક પ્રજાની ખરીદી કે વપરાશના આધાર ઉપર વિકસતો દેશ છે. પ્રજા ઉપર દેવું વધે અને તે ખર્ચ ઘટાડે તો અર્થતંત્ર મંદ પડી શકે. પ્રજા દેવું પરત કરવામાં નિષ્ફળ જાય તો ઓટો, હાઉસિંગ અને બેન્કિંગ ત્રણેય ક્ષેત્ર ઉપર જોખમ આવી શકે, દરેકની આવક અને નફો ઘટે. જે લોકોને અન્ય રીતે સીધી બેંકોમાંથી લોન મળવી શક્ય નથી કે કપરી છે તેના માટે માઈક્રોફાઈનાન્સ કંપનીઓ કાર્યરત છે. આ કંપનીઓ એક લાખ સુધીનું ધિરાણ કરે છે. વધી રહેલા દેવા અને સરેરાશ લોનનું પ્રમાણ રૂ.૫૦,૦૦૦ સુધી પહોંચવાની સાથે આ ક્ષેત્રમાં એનપીએ વધવાની શરૂઆત થઇ ગઈ છે. એપ્રિલમાં પુરા થયેલા નાણાકીય વર્ષમાં એનપીએ આગલા વર્ષના ૮ ટકા સામે વધી ૧૬ ટકા થઇ ગયા છે. કુલ એનપીએની રકમ રૂ.૩૮,૦૦૦ કરોડની સામે એક વર્ષમાં વધી માર્ચ ૨૦૨૫ના અંતે રૂ.૬૮,૦૦૦ કરોડ થઇ ગઈ છે.
લોન લેવી એ ચિંતાનો વિષય નથી. પરંતુ, સમયસર ચુકવણી અટકી પડે અને તેનાથી કટોકટી ઉભી થાય એ ચિંતાનો વિષય છે. વર્ષ ૨૦૦૮માં અમેરિકામાં સબપ્રાઈમ લોનના કારણે ગ્લોબલ ફાઈનાન્સિયલ ક્રાઈસિસ ઉભો થયેલો અને જે દેશોને સીધો સંબંધ નથી ત્યાં પણ આથક મંદી કે વિકાસ દરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સબ પ્રાઈમ લોન એટલે આડેધડ ધિરાણ. બેંકો અને નાણા સંસ્થાઓએ મકાન અને અન્ય ચીજોની ખરીદી માટે અમેરિકનોને જંગી ધિરાણ કરેલું, આ ધિરાણ પરત આવતું બંધ થયું અને એકસાથે અનેક લોન બજારમાં વેચવા માંડી, એસેટ બબલ ફૂટી ગયો અને મકાનના ભાવ તૂટી જતા નાણા સંસ્થાઓને રૂપિયા સામે ફદિયું પણ નહીં ઉપજતા બેંકો નાદાર થવા માંડી હતી.








