Editorial

સાઈબર ક્રાઈમમાં AIનો ઉપયોગ : સરકારના આંખ મિચામણાં

By GS TEAM
30 Aug 20257 mins read
સાઈબર ક્રાઈમમાં AIનો ઉપયોગ : સરકારના આંખ મિચામણાં

- સરકાર અને તંત્રની ઈચ્છાશક્તિના અભાવે જ લેભાગુઓ જનતાને લૂંટી રહ્યા છે

- કરોડો રૂપિયાના બેન્ક ફ્રોડમાં સામાન્ય પ્રજાને અને પીડિતને બેજવાબદાર ઠેરવવામાં આવે છે પણ હકિકતે તો તંત્રની ઉદાસિનતા અને સરકારની ઈચ્છા શક્તિનો અભાવ જ આવા ગુનાઓને ઉત્તેજન અને પ્રોત્સાહન આપી રહ્યો છે : બેન્કોમાં ખાતાધારકે પોતે પૈસા ઉપાડવા હોય, ટ્રાન્સફર કરવા હોય તો અનેક પ્રૂફ આપવા પડે છે, બેન્કના કોઈપણ કામ માટે વરસમાં બે-ચાર વાર કેવાયસી કરવું પડે છે પણ પ્રજાના પૈસા ઓવળી જનારાને બેન્કમાં કોઈ પૂછતું ય નથી અને તેના વિશે કોઈ જાણતું ય નથી  : મતે એડવાન્સ એઆઈ ટુલ્સને ખરીદીને તેના દ્વારા ધારીએ તે કામ કરાવી શકાય છે. હેકર્સ દ્વારા પણ આવી જ રીતે લોકોના એકાઉન્ડની વિગતો, પાસવર્ડ, કોન્ટેક્ટ, કાર્ડની વિગતો, સંસ્થાઓની ફાઈલો, સરકારી વિભાગોના કાર્યોની ફાઈલો, આર્થિક વિગતો વગેરે મેળવવામાં આવ્યા હતા : પોસ્ટરોમાં સુરક્ષાની પબ્લિસિટી કરતી સરકારે પાંચ વર્ષમાં 18 લાખ ફરિયાદોમાં કામ કર્યું અને અંદાજે માત્ર 5500 કરોડની રકમનું ફ્રોડ થતું અટકાવ્યું, બીજી તરફ 2024 માં જ 23,000 કરોડનું ફ્રોડ થઈ ગયું છે તો પાંચ વર્ષના કેસ અને છેતરપિંડીનો આંકડો વિચારી પણ શકાય તેમ નથી

આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા તાજેતરમાં એક અહેવાલ રજૂ કરાયો છે. તેમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, સાઈબર ક્રાઈમ કરનારા ગુનેગારો દ્વારા હવે બેન્ક ફ્રોડ અને અન્ય આર્થિક છેતરપિંડીઓ માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હેકર્સ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી લોકોની સાથે આર્થિક છેતરપિંડીઓ કરવામાં આવી રહી છે. એઆઈ ક્લાઉડ સિસ્ટમ તથા જનરેટિવ એઆઈ અને ઓપન એઆઈનો ઉપયોગ કરીને ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ માયાજાળ ફેલાવવામાં આવે છે જેમાં લોકો ફસાય છે અને લાખો-કરોડો રૂપિયા ગુમાવી દે છે. હાલમાં વેબ માધ્યમોમાં ઉપલબ્ધ પેઈડ અને ફ્રી એઆઈ ટુલ્સ દ્વારા વિવિધ માહિતી અને કામગીરીઓ તૈયાર કરવામાં આવે છે અને તેના આધારે ખાતાધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. 

તાજેતરમાં અમેરિકાની એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીએ દાવો કર્યો હતો કે, આધુનિક એઆઈ ક્લાઉડ સિસ્ટમનો ઉપયોગ કરીને કેટલાક હેકર્સ દ્વારા અમેરિકી ૧૭ જેટલી મોટી સરકારી એજન્સીઓ અને કંપનીઓ સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે. નકલી ઈમેલ આઈડી, કોડ, નોકરીની અરજીઓ, પેમેન્ટ લિન્ક અને તસવીરો જેવી બાબતો દ્વારા લોકોને અને એજન્સીઓને ફસાવવામાં આવ્યા હતા. હાલમાં ઉલબ્ધ વિવિધ પેઈડ અને ફ્રી એઆઈ ટુલ્સ દ્વારા તેમણે વિવિધ લુપહોલ્સ બનાવીને તેનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. જાણકારોના મતે એડવાન્સ એઆઈ ટુલ્સને ખરીદીને તેના દ્વારા ધારીએ તે કામ કરાવી શકાય છે. હેકર્સ દ્વારા પણ આવી જ રીતે લોકોના એકાઉન્ડની વિગતો, પાસવર્ડ, કોન્ટેક્ટ, કાર્ડની વિગતો, સંસ્થાઓની ફાઈલો, સરકારી વિભાગોના કાર્યોની ફાઈલો, આર્થિક વિગતો વગેરે મેળવવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓએ તો દાવો પણ કર્યો હતો કે, હેકર્સ હવે એઆઈના એડવાન્સ પેઈડ વર્ઝન ખરીદીને લોકોની સાથે સાઈબર ફ્રોડ અને આર્થિક ફ્રોડ કરવા ઉપરાંત તેમને નોટિસ મોકલીને ગભરાવે પણ છે. તેઓ ખંડણીની નોટિસ પણ એઆઈ દ્વારા જનરેટ કરીને મોકલાવે છે. નવાઈની વાત એ છે કે, ખંડણી માટે કેવી રીતે વસુલી કરવી, કેવી રીતે ધમકી આપવી, કેવા શબ્દોનો ઉપયોગ કરીને નોટિસ મોકલાવવી તેના માટે પણ હવે એઆઈનો ઉપયોગ થવા માંડયો છે. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકાની એડવાન્સ ટેક્નોલોજી અને સરકારના સબળ પ્રયાસ છતાં લોકો સાથે કરોડોના સાઈબર ફ્રોડ થાય છે. તેમના ખાતાઓ અને કાર્ડમાંથી લાખોની રકમની તફડંચી થઈ જાય છે. તેમની સાથે છેતરપિંડી થઈ જાય છે. ભારતમાં તો આ સ્થિતિ અંત્યત ખરાબ છે. જુલાઈમાં જ સંસદના સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે જ ભારતમાં નાગરિકોના અંદાજે ૨૨,૯૦૦ કરોડ રૂપિયા સાઈબર ફ્રોડ દ્વારા પચાવી પાડવામાં આવ્યા છે. લોકો સાથે ૨૩ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી થાય અને સરકારને ખબર જ ન હોય કે કોણ કરે છે અને કોના દ્વારા થાય છે. જાણકારો માને છે કે, સરકારની આળસ, બેદરકારી અને લોકોના રક્ષણ પ્રત્યેના આંખ મિચામણાં જવાબદાર છે. કેન્દ્ર સરકાર અને બેન્કોની ઢીલી નીતિ અને લોકોને અંધારામાં રાખવાની જે ભાવના છે તેના કારણે જ લોકોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. 

સરકારી આંકડા ઉપર નજર કરીએ તો ૨૦૨૪માં લોકો સાથે આર્થિક ગોટાળાના સાઈબર ગુનામાં અધધ વધારો થયો છે. ગત વર્ષે લોકો સાથે સાઈબર ઈકોનોમિક ફ્રોડની ૩૬,૩૭,૨૮૮ ઓફિશિયલ ફરિયાદો આવી છે. તેમાં લોકોના અંદાજે ૨૩,૦૦૦ કરોડ રૂપિયા સલવાઈ ગયા. તેની પહેલાં ૨૦૨૩માં ૧૫,૯૬,૪૯૩ ફરિયાદો નોંધાઈ હતી. આ ઉપરાંત ૨૦૨૨માં ૧૦,૨૯,૦૨૬ ફરિયાદો નોંધવામાં આવી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી આ ફરિયાદોમાં અને ઘટનાઓમાં ૫૫ ટકાથી વધુનો વધારો થાયો છે. આ આંકડા ચિંતા જન્માવે તેવા છે પણ સરકારના પેટનું પાણીય હાલતું નથી. સેવાઓ અને સુરક્ષાઓના નામે નવા નવા ગતકડાં કરવામાં આવે છે પણ કોઈ ધાર્યું પરિણામ મળતું નથી. લોકોને સુરક્ષામાં ચૂક માટે પણ જાતે જ જવાબદાર ઠેરવી દેવાય છે. સરકાર અને બેન્કો હાથ ખંખેરી લે છે. 

નવાઈની વાત એવી છે કે, બેન્કો ધારે તો એક વ્યક્તિના ખાતામાંથી એક પૈસો પણ ક્યાંય જઈ શકે તેમ નથી. જો કે બેન્ક આવું કશું જ ધારતી નથી. બેન્કોમાં લાલીયાવાડી એવી ચાલે છે કે, લોકો લાઈનોમાં ઊભા રહેવામાં વ્યસ્ત છે અથવા તો પોતે જીવે છે અને જીવતી હાલતમાં જ બેન્કમાં આવ્યા છે તેની ખરાઈ આપવામાં હેરાન પરેશાન થઈ જાય છે. સામાન્ય વ્યક્તિ પોતાના ખાતાના જ પૈસા ઉપાડવા માટે બેન્કોમાં ધક્કા ખાય છે, વરસમાં બે-ત્રણ વખત કેવાયસી કરાવવા ધક્કા ખાય છે. કાર્ડ બ્લોક થઈ ગયું કે યુપીઆઈ બંધ થઈ ગયું તો તેના માટે ધક્કા ખાવાના, તેના માટે અરજી કરવાની, ફરી કેવાયસી કરવાનું અને પછી ખાતું ચાલું થાય. બેન્કોનું વલણ છે કે, નાનો માણસ પૈસા લેવા આવે તો કેવાયસી કરવાની અને મોટો માણસ ઉચાપત કરવા આવે તો તેને લાલ જાજમ પાથરી આપવાનું અને તે ભાગી જાય પછી સરકાર સામે રોદણા રડવાના અને નાના માણસોના પૈસા નુકસાનીના નામે દબાવી રાખવાના. ઠગ અને મળતિયા ઉદ્યોગપતિઓ લાખો કરોડો રૂપિયા લોનના નામે સેરવી જાય તો જવા દેવાના પણ નાનો માણસ પાંચ લાખની લોનમાં એક હપતો ચૂકી જાય તો ઘર અને વાહન લઈ લેવા માટે વસુલી કરનારા મોકલી દેવાના. તેનું જીવવાનું મુશ્કેલ બનાવી દેવાનું. 

સામાન્ય માણસને દોડાવવાનો, ભયમાં રાખવાનો અને અટવાયેલો રાખવાનું કામ જ તંત્ર દ્વારા કરવામાં આવે છે. સામાન્ય વિચાર કરીએ તો છેલ્લાં પાંચ વર્ષમાં અંદાજે ૮૫ લાખથી વધારે સાઈબર ફ્રોડની અધિકારીક ફરિયાદો નોંધાઈ છે. તેની સામે સરકારે તપાસ શરૂ કરી અને તેને ડામવાના પ્રયાસ કર્યા તેની સરેરાશ જોઈએ તો સાવ નહીવત કહેવાય તેમ છે. પાંચ વર્ષમાં ૧૮ લાખ ફરિયાદોમાં સરકારે કામ કર્યું અને અંદાજે ૫૫૦૦ કરોડની રકમનું ફ્રોડ થતું અટકાવ્યું. પાંચ વર્ષમાં માત્ર ૫૫૦૦ કરોડનું ફ્રોડ અટકાવ્યું અને ૨૦૨૪માં જ ૨૩,૦૦૦ કરોડનું ફ્રોડ થઈ ગયું તેનો કોઈ હિસાબ આપવા કે તેના વિશે જવાબ આપવા જ કોઈ તૈયાર નથી.

મહત્ત્વની વાત એ છે કે, બેન્કો દ્વારા લોકોને સાઈબર ફ્રોડના કેસમાં સરખો જવાબ પણ આપવામાં આવતો નથી. મોટાભાગે તો લોકો થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીને પેમેન્ટ કરતા હતા કે પેમેન્ટ રિસિવ કરતા હતા તેવી વાતો આગળ ધરીને લોકોને ભગાડી દેવાય છે. 

સરકાર યોજનાઓના રૂપકડા નામ આપે છે પણ કામ થતું નથી 

જાણકારો માને છે કે, સાઈબર ફ્રોડ હંમેશા બેદરકારી અને મિલિભગત વગર શક્ય જ નથી. ખાસ કરીને આર્થિક ફ્રોડમાં તો આવું થવું અશક્ય છે. જો બેન્ક ધારે તો એક વ્યક્તિના ખાતામાંથી એક રૂપિયો પણ સેરવી શકાય નહીં અને સાઈબર ફ્રોડમાં લોકોના ખાતામાંથી લાખો રૂપિયા સેરવી લેવાય છે અને બેન્કને ખબર જ નથી પડતી. એક તરફ સરકારી એજન્સીઓની કામની બબાલો ચાલે છે અને બીજી તરફ ગુનેગારો સરકારી એજન્સીઓના અધિકારી બનીને લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને કરોડો રૂપિયા સેરવી રહ્યા છે. આ ઘટનાઓમાં પણ કોઈ સમાધાન જોવા મળ્યું નથી. સરકારે વિવિધ જાહેરાતો કરી છે, યોજનાઓ આપી છે પણ તે બધું માત્ર પોસ્ટરો માટે અને જાહેરાતો માટે હોય તેમ લાગે છે. વાસ્તવિક જીવનમાં કોઈને કંઈપણ થાય તો સરકાર કે બેન્કા વર્ષો સુધી જોવા આવતી નથી. હમણાં થોડા વખત પહેલાં જ એક વ્યક્તિએ ડિજિટલ ફ્રોડ માટે એસબીઆઈને ફરિયાદ કરી હતી. એસબીઆઈએ તેની મદદ કરી નહીં અને તે વ્યક્તિને ૯૪,૦૦૦ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ મુદ્દે પીડિત વ્યક્તિ લડત ચાલુ રાખી અને તે સુપ્રીમ કોર્ટ સુધી ગઈ તેથી તેને ન્યાય મળ્યો અને બેન્કને પૈસા આપવા પડયા અને સુપ્રીમે બેન્કની ઝાટકણી પણ કાઢી. 

સરકારની પોતાની એજન્સીઓ અને વેબસાઈટ હેક થઈ જાય છે 

સાઈબર ક્રિમિનલ્સ દ્વારા માત્ર લોકોને જ નહીં પણ સરકારને પણ રંજાડવામાં આવે છે. દેશ-દુનિયામાં ફેલાયેલા આ ગુનાગારો દ્વારા સમયાંતરે વિવિધ દેશની સરકારોની વેબસાઈટ હેક કરવામાં આવે છે, તેમાં રહેલા ડેટા જારી કરી દેવાય છે. 

ભારતની જ વાત કરીએ તો ભારતીય એજન્સીઓ, ભારતીય સરકારી કચેરીઓ, સરકારી વિભાગોની વેબસાઈટ ઘણી વખત હેક કરવામાં આવી છે. તાજેતરની જ વાત કરીએ તો પહલગામ હુમલા પછી દરરોજ ૩૦થી ૪૦ જેટલા સાઈબર એટેક કરવામાં આવતા હતા. આ ઉપરાંત ઉત્તરાખંડ સરકાર ઉપર ગત વર્ષે સાઈબર એટેક કરવામાં આવ્યો હતો. તેમાં સરકારી સિસ્ટમ ઉપરાંત સરકાર સાથે સંકળાયેલી ૧૮૬ વેબસાઈટ હેક કરવામાં આવી હતી. હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, સરકાર પગાર પણ કરી શકતી નહોતી. આ સિવાય પણ સમયાંતરે એઈમ્સ, કેન્દ્રના સરકારી વિભાગો, વિવિધ સંસ્થાઓની વેબસાઈટ હેક કરવાનું ચાલું જ છે. તે ઉપરાંત ઈકોમર્સની નકલી વેબસાઈટો, યાત્રાધામોની નકલી વેબસાઈટ અને પેમેન્ટ ગેટ વે દ્વારા લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. સરકાર આ ગુના ડામવા માગતી જ ન હોય તેવું દેખાઈ રહ્યું છે. સરકારના આંખમિચામણા અને બેફિકરાઈ જ સામાન્ય પ્રજાને પીડામાં નાખી રહ્યા છે. સરકાર ઈચ્છે તો દેશમાં કશું જ આડું અવળું થાય તેમ નથી, કાયદો વ્યવસ્થા પડી ભાંગે તેમ નથી. આવું ખરેખર સરકાર ઈચ્છે તો થાય!