Editorial

જીવલેણ ભૂકંપ : અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિ જ જોખમી છે

By GS TEAM
3 Sep 20256 mins read
જીવલેણ ભૂકંપ : અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિ જ જોખમી છે

- અફઘાનિસ્તાનની નીચે ત્રણ ટેક્ટોનિક પ્લેટ પસાર થાય છે જેથી ભૂકંપની શક્યતાઓ વધી જાય છે

- ભૂકંપનું કેન્દ્ર જમીનમાં ઓછી ઉંડાઈએ હોવાના કારણે તેની તિવ્રતા ઓછી હોવા છતાં અસર વધી ગઈ : જમીનથી માત્ર 8 કિ.મી. નીચે ભૂકંપનું કેન્દ્ર હતું અને તેના કારણે 6 ત્યારબાદ ૪.૫ અને ત્યારબાદ 5.2ની તિવ્રતાના ત્રણ કંપનો આવવાના કારણે પરિણામે દુર્ગમ વિસ્તારોમાં આવેલા કુનાર પ્રાંતના વિસ્તારો અને ગામડા બરબાદ થઈ ગયા થ ઉબડખાબડ રસ્તા, ઉંચા ઢોળાવ, ખીણ અને ઘણી જગ્યાએ તો રસ્તા પણ નથી તેવી સ્થિતિમાં લોકો રહે છે. સૂત્રોના મતે બધા જ રસ્તા ભૂકંપના કારણે ભુસ્ખન થતા બંધ થઈ ગયા, ઢોળાનો ઉપરના ગામડાં નષ્ટ થઈ ગયા : તાલિબાનો સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનની આંતરરાષ્ટ્રીય મદદ ઓછી થઈ ગઈ છે. તેના કારણે અહીંયા સંસાધનોની વ્યાપક અછત છે. અહીંયા દવાઓ, ખાવા-પીવાની વસ્તુઓ, ઈંધણ, જીવનજરૂરિયાતની વસ્તુઓની અછત વર્તાયેલી જ હોય છે, જેનાથી લોકોનું જીવન વધારે મુશ્કેલ બની ગયું છે

અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાન્ત કુનારમાં રવિવારે મોડી રાત્રે આવેલા ભૂકંપે કેર વર્તાવ્યો હતો. ૬ની તિવ્રતાના ભૂકંપમાં ૮૦૦થી વધુ લોકોનાં મોત થઈ ગયા અને ૨૫૦૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અડધી રાત્રે આવેલા આ ભૂકંપે કાબુલથી માંડીને ઈસ્લામાબાદ સુધીની ધરા ધ્રુજાવી દીધી હતી. અમેરિકન જિયોલોજિકલ સર્વેના આધારે લાખો લોકોએ તિવ્રથી સામાન્ય તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવ્યા હશે. વિવિધ તબક્કામાં ભૂકંપ અને ત્યારબાદ કંપનો આવ્યા હતા. ભૂકંપ અને ત્યારબાદ આવેલા કંપનોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી પાંચ પેટર્ન જોવા મળી હતી. આ પાંચ પ્રકારના કંપનો બાદ ભયાનક જાનહાની થઈ અને મોટાપાયે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓનું માનવું છે કે મૃતાંક મોટાપાયે વધે તેવી શક્યતાઓ છે. જે વિસ્તારમાં આ ઘાતક ભૂકંપ આવ્યો છે તે અફઘાનિસ્તાનમાં આવેલા ઘાતક ભૂકંપોનું એક કેન્દ્ર થઈ જશે. 

ભુસ્તર વૈજ્ઞાાનિકોના મતે અફઘાનિસ્તાનના પાંચમા સૌથી મોટા શહેર જલાલાબાદથી ૨૭ કિ.મી દૂર અને રાજધાની કાબુલથી ૧૪૦ કિ.મી દૂર આ ભૂકંપનું કેન્દ્ર હતું. જાણકારો એવું માને છે કે, જમીનમાં જો ઉંડાણમાં તપાસ કરવામાં આવે તો ભૂકંપનું કેન્દ્ર ખાસ ઉંડે નહોતું. જમીનથી માત્ર ૮ કિ.મી. નીચે જ ભૂકંપનું કેન્દ્ર આવેલું હતું. આટલી ઓછી ઉંડાઈએ આવેલા ભૂંકપની અસર વધારે જીવલેણ અને ઘાતક હોય છે. અફઘાનિસ્તાન સાથે પણ એવું જ બન્યું છે. 

અહીંયા વિચારવા જેવી બાબત એ છે કે, પહેલો ભૂકંપ જે આવ્યો તે ૬ની તિવ્રતાનો હતો. ત્યારબાદ બીજો ભૂકંપનો ઝાટકો ૨૦ મિનિટ બાદ આવ્યો. આ ઝાટકો ૪.૫ની તિવ્રતાનો હતો અને તેનું કેન્દ્ર ૧૦ કિ.મી ઉંડે હતું. ત્યારબાદ થોડા સમયમાં વધુ એક આફ્ટરશોક આવ્યો જે ૧૦ કિ.મી. ઉંડે હતો અને તેની તિવ્રતા ૫.૨ની હતી. આ ઉપરા છાપરી આવેલા આફ્ટરશોકના કારણે મોતનું અને વિધ્વંશનું તાંડવ જોવા મળ્યું હતું. તેના કારણે જ કુનાર પ્રાંતમાં કેટલાક ગામડાં તો આખેઆખા નષ્ટ થઈ ગયા છે તો અનેક જગ્યાએ ભારે તારાજી સર્જાઈ છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ નુકસાન અને મોત થયા હશે તેના વિશે હજી માહિતી બહાર આવી નથી.

જાણકારો માને છે કે, ભૂકંપનું કેન્દ્ર અને શહેરોથી તેનું અંતર તથા જમીનમાં તેનું કેન્દ્ર ખૂબ જ અસર કરતા હોય છે. જલાલાબાદની નજીક જે ભૂકંપનું કેન્દ્ર હતું તે જમીનથી ખાસ નીચે નહોતું. જાણકારો માને છે કે, ટેક્ટોનિક પ્લેટ્સ જ્યારે ટકરાય છે અથવા ખસે છે ત્યારે કંપન ઉત્પન્ન થાય છે. આ કંપન નીચે એટલે કે પૃથ્વીના કોરની ઉપરના સ્તરે હોય તો ભૂકંપ મોટો હોય તો પણ અસર ઉપર આવતા આવતા ઓછી થતી જાય છે. બીજી તરફ પૃથ્વીના ઉપરના સ્તરથી નીચેની તરફ ઓછા અંતરે પણ જો ભૂંકપ આવે તો તેની તિવ્રતા ઓછી હોવા છતાં તેની અસર મોટી થતી હોય છે. કુનાર પ્રાંતમાં પણ આવું જ થયું છે. જમીનથી માત્ર ૮ કિ.મી. નીચે ભૂકંપનું કેન્દ્ર હતું અને તેના કારણે ૬ ત્યારબાદ ૪.૫ અને ત્યારબાદ ૫.૨ની તિવ્રતાના ત્રણ કંપનો આવવાના કારણે ભયાવહ નુકસાન થયું અને મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા. 

બીજી ચિંતાજનક બાબત એવી પણ છે કે, કુનાર અને તેની આસપાસના પ્રાંત દુર્ગમ વિસ્તારો ગણાય છે. અફઘાનિસ્તાનના દુર્ગમ પહાડી વિસ્તારોમાં તેમનો સમાવેશ થાય છે. 

ઉબડખાબડ રસ્તા, ઉંચા ઢોળાવ, ખીણ અને ઘણી જગ્યાએ તો રસ્તા પણ નથી તેવી સ્થિતિમાં લોકો રહે છે. સૂત્રોના મતે જે વિસ્તારમાં રસ્તા હતા અને જ્યાંથી પહોંચી શકાય તેમ હતું તે બધા જ રસ્તા ભૂકંપના કારણે ભુસ્ખન થતા બંધ થઈ ગયા. તેના પગલે જે લોકો ફસાયા હતા તેમને બચાવવા જવામાં વિલંબ થયો અને મોતનો આંકડો વધી ગયો. આ ઉપરાંત તેમને બચાવવા માટે સડક માર્ગે જઈ શકાય તેમ નથી તેથી હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. 

હાલના સમયે પણ મોટાભાગના રસ્તા ઉપર મોટા મોટા પથ્થરો પડયા છે અને ભૂસ્ખલન થવાથી માટીના ઢગલા થઈ ગયા છે, રસ્તા ધસી પડયા છે. યુએનનો પણ અહેવાલ છે કે, કુનાર અને તેની આસપાસના પ્રાંતમાં સ્થિતિ ખરાબ છે. કુનાર પાસે આવેલા કેટલાક ગામમાં તો રસ્તા બંધ થઈ ગયા છે. તેના કારણે આ તમામ ગામ સંપર્ક વિહોણા છે. આ ઉપરાંત પર્વતિય વિસ્તારોમાં કોમ્યુનિકેશન નેટવર્ક પણ ઠપ થઈ ગયું છે તેથી મર્યાદિત કનેક્શન પણ લોસ્ટ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે થયેલી મોટી ખાનાખરાબી પાછળ કેટલીક બીજી બાબતો પણ રહેલી છે. અફઘાનિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તાલિબાનો સત્તામાં આવ્યા બાદ તેમની આંતરરાષ્ટ્રીય મદદ ઓછી થઈ ગઈ છે, તે ઉપરાંત અહીંયા એવા વ્યાપક ધંધા-રોજગાર નથી કે આવક વધે અને દેશમાં પરિવર્તન આવે. તેના કારણે અહીંયા સંસાધનોની વ્યાપક અછત છે. અહીંયા દવાઓ, ખાવા-પીવાની વસ્તુઓ, ઈંધણ, જીવનજરૂરિયાતની વસ્તુઓની અછત વર્તાયેલી જ હોય છે. શહેરી વિસ્તારોને બાદ કરતા તમામ સ્થળે જીવન ખૂબ જ અસહ્ય થઈ રહ્યું છે. કુનાર પ્રાન્ત તો અફઘાનિસ્તાનનો સૌથી દુર્ગમ અને ગરીબ વિસ્તારમાં સ્થાન ધરાવતો વિસ્તાર છે. ત્યાં મકાનો પણ એવા વ્યવસ્થિત બનેલા નથી કે ટકી જાય. 

અહીંયા સામાન્ય ભૂકંપમાં જ મકાનો ધસી પડે તેવા છે. તેના કારણે જ આટલી મોટી તિવ્રતાના ત્રણ ભૂકંપ આવે તેમાં કશું જ વધે તેમ નથી. આ સ્થિતિ ખૂબ જ જોખમી અને ચિંતાજનક છે. અહીંયા મેડિકલ સેવાઓ પણ મર્યાદિત છે. 

હાલમાં અનેક દર્દીઓ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે પણ મર્યાદિત બેડ, મર્યાદિત સંસાધનો અને દવાઓની અછતને પગલે તમામની યોગ્ય સારવાર થઈ શકે તેમ નથી. તેના કારણે પણ મૃતાંક વધ્યો છે અને કદાચ આગળ પણ વધી શકે છે.  

છેલ્લાં બે-ત્રણ વર્ષમાં અફઘાનિસ્તાનમાં જીવલેણ ભૂકંપ આવ્યા

અફઘાનિસ્તાન પણ અનેક ફોલ્ટ લાઈન ઉપર આવેલો દેશ છે. તેના કારણે અહીંયા અવારનવાર ભૂકંપ આવતા જ રહે છે. આ ઉપરાંત તેની નીચે ત્રણ ટેક્ટોનિક પ્લેટો છે જે ટકરાય ત્યારે કંપન થાય છે. અહીંયા ભૂકંપની વાત કરીએ તો ૭ ઓક્ટોબર ૨૦૨૩માં જ ૬.૩ની તિવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ કેટલાક આફ્ટર શોક પણ આવ્યા હતા. તે વખતે તાલિબાન સરકારના મત ૪૦૦૦ લોકોનાં મોત થયા હતા તથા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. યુએન માને છે કે, આ ભૂકંપમાં ૧૫૦૦ લોકોનાં મોત થયા હતા. આંકડાનો વિવાદ ગમે તે હોય પણ જાનહાની મોટી થઈ હતી. તે ઉપરાંત આ ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોમાં ૯૦ ટકા મહિલાઓ અને બાળકો હોવાનો પણ અહેવાલ હતો. આ પહેલાં જૂન ૨૦૨૨માં પૂર્વ અફઘાનિસ્તાનમાં એક ભૂકંપ આવ્યો હતો. ૫.૯ની તિવ્રતાના આ ભૂકંપમાં પણ ૧૦૦૦થી વધારે લોકોનાં મોત થયા હતા તે ઉપરાંત ૧૫૦૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.