Editorial

અફસ્પા : વિરોધ-વિદ્રોહ વચ્ચે નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યોમાં ફરી અજંપો

By GS TEAM
28 Sep 20258 mins read
અફસ્પા :  વિરોધ-વિદ્રોહ વચ્ચે નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યોમાં ફરી અજંપો

મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અફસ્પા કાયદો 1 ઓક્ટોબરથી આગામી છ મહિના સુધી લાગુ

- સશસ્ત્ર દળોને કોઈની પણ તપાસ કરવાનો, તેની ધરપકડ કરવાનો અને કદાચ જરૂર જણાય તો તેને ગોળી મારી દેવાનો પણ અધિકાર આપવામાં આવે છે. એનએસીએન જેવા વિદ્રોહી સંગઠનોની આ વિસ્તારોમાં ઘુસણખોરી તથા અસમ સરહદે ચાલી રહેલો તણાવ અને જાતીય હિંસાના કારણે આ કાયદો પાછો લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે : ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન ઘણા અશાંત વિસ્તારોમાં ડિસ્ટર્બ્ડ એરિયા નામનો અલગ કાયદો લાગુ હતો. તેના દ્વારા આ વિસ્તારોમાં જતા આર્મ્ડ ફોર્સિસને વધારા તાકાત મળે છે અને તેઓ યોગ્ય રીતે કામગીરી કરી શકે છે. સ્વતંત્ર ભારતમાં સૌથી પહેલાં તેને ૧૯૫૮માં નાગાલેન્ડમાં જ લાગુ કરવામાં આવ્યો હતો : મણિપુરમાં ૨૦૨૩થી સામુદાયિક હિંસા જોર પકડી રહી છે. અહીંયા મેઈતી અને કુકી સમુદાયો વચ્ચે સામુદાયિક હિંસા ફેલાઈ હતી અને તેના કારણે ૨૬૦થી વધુ લોકોનાં મોત થયા હતા. હજારો લોકો બેઘર થયા છે. થોડા સમય પહેલાં સ્થિતિ કાબુ આવી ગઈ હતી પણ ગત મહિને સ્થિતિ ફરી અત્યંત સ્ફોટક થઈ જતાં કાયદો લાગુ કરાયો

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતાં મણિપુરમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેડ અને અરુણાચલના વિવિધ જિલ્લાઓમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે અફસ્પા છ મહિના માટે લંબાવી દીધો છે. મણિપુરમાં ૧૩ પોલીસ સ્ટેશનો હેઠળ આવતા વિવિધ વિસ્તારોને છોડીને સમગ્ર રાજ્યમાં અફસ્પા ફરી લાગુ કરી દેવાયો છે. અફસ્પા એક એવો કાયદો છે જેના થકી રાજ્ય અથવા કેન્દ્ર સરકાર કેટલાક વિસ્તારોને આ પ્રમાણે અશાંત જાહેર કરે છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા જારી કરવામાં આવેલા વટ હુકમ પ્રમાણે નાગાલેન્ડના નવ જીલ્લામાં સંપુર્ણ તથા પાંચ જિલ્લામાં ૨૧ પોલિસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં વટ હુકમ જારી કરીને અફસ્પા છ મહિના માટે વધારવામાં આવ્યો હોવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના તિરપ, ચાંગલાંગ, લોંગડિંગ તથા અસમ સાથે જોડાયેલા અન્ય ત્રણ પોલિસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં અફસ્પા લાગુ કરવામાં આવ્યો છે જે આગામી છ મહિના સુધી ચાલશે. આ વટ હુકમમાં જણાવાયું છે કે, વિવિધ ત્રણેય રાજ્યોના વિવિધ વિસ્તારોને અફસ્પા હેઠળ અશાંત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે અને તેનો ભંગ ન થવો જોઈએ. આ રાજ્યોમાં ૧ ઓક્ટોબર ૨૦૨૫થી આગામી છ મિહના સુધી અફસ્પા લાગુ કરી દેવાયો છે. આ દરમિયાન સશસ્ત્ર દળોને કોઈની પણ તપાસ કરવાનો, તેની ધરપકડ કરવાનો અને કદાચ જરૂર જણાય તો તેને ગોળી મારી દેવાનો પણ અધિકાર આપવામાં આવે છે. આ કાયદો પહેલાં પણ ભારતમાં વિવિધ જગ્યાએ લાગુ હતો અને તેની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં મણિપુર, આસામ અને અરુણાચલની સ્થિતિ જોતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ કાયદો લાગુ કરવો પડે તેમ જરૂરી હતું. ખાસ કરીને, અરુણાચલ પ્રદેશમાં ગૃહમંત્રાલય દ્વારા તિરાપ, ચાંગલાંગ, લોંગડિંગ જિલ્લામાં સંપૂર્ણ તથા નમસાઈ જિલ્લાના મહાદેવપુર, ચાઉખામ પોલિસસ્ટેશનની હદમાં આવતા વિસ્તારોને ડિસ્ટર્બ વિસ્તારો જાહેર કરાયા છે. એનએસીએન જેવા વિદ્રોહી સંગઠનોની આ વિસ્તારોમાં ઘુસણખોરી તથા અસમ સરહદે ચાલી રહેલો તણાવ અને જાતીય હિંસાના કારણે આ કાયદો પાછો લાગુ કરવાનો નિર્ણય  કરવામાં આવ્યો છે.

આ કાયદાને હવે જો નામ જોગ જ સમજીએ તો આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્ડ એક્ટ એક એવો કાયદો છે જે સૈન્ય જવાનોને વિશેષ શક્તિ આપે છે. ભારત સરકાર દ્વારા ૧૯૫૮માં આ કાયદાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન ઘણા અશાંત વિસ્તારોમાં ડિસ્ટર્બ્ડ એરિયા નામનો અલગ કાયદો લાગુ હતો. તેના દ્વારા આ વિસ્તારોમાં જતા આર્મ્ડ ફોર્સિસને વધારા તાકાત મળે છે અને તેઓ યોગ્ય રીતે કામગીરી કરી શકે છે. સ્વતંત્ર ભારતમાં સૌથી પહેલાં તેને નાગાલેન્ડમાં જ લાગુ કરવામાં આવ્યો હતો. ધીમે ધીમે તે પૂર્વોત્તરના રાજ્યો જેવા કે અસમ, મણિપુર, મેઘાલય, મિઝારમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો જમ્મુ-કાશ્મીરમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો. અરુણાચલ પ્રદેશમાં આ કાયદો સંપૂર્ણ રીતે લાગુ થતો નથી. તેને કેટલાક જિલ્લામાં જ લાગુ કરવામાં આવ્યો હતો. ૨૦૧૮માં આ કાયદામાં રાહત પણ આપવામાં આવી હતી પણ ફરીથી ત્યાં વિદ્રોહીઓ સક્રિય થવાના કારણે કાયદો પાછો લાગુ કરવામાં આવ્યો હતો. સમયાંતરે તેમાં ફેરફાર કરવામાં આવતો રહ્યો છે. 

અરુણાચલમાં અફસ્પા લાગુ કરવા માટેનું સૌથી મોટું કારણ તો તેની ચીન સાથે જોડાયેલી ૧ હજાર કિ.મી લાંબી સરહદ છે. અહીંયા એનએસસીએન જેવા જૂથ છે જેનું સંચાલન ચીનની પીપલ્સ લિબરેશન આર્મી  કરતી હોવાના અહેવાલ છે. તેઓ હથિયારોની તસ્કરી અને હુમલામાં સંડોવાયેલા છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અફસ્પાના કારણે ઘણા ઓપરેશન સફળ રહ્યા હતા અને વિદ્રોહ તથા ઘુસણખોરી કાબુમાં આવ્યા હતા. તાજેતરની જ વાત કરીએ તો ૨૦૨૩માં એનએસસીએની ૨૦ કેડરોને પકડી પાડવામાં આવી હતી. સેનાના જવાનોનું માનવું છે કે, આ પ્રકારના વિશેષાધિકાર વગર આ વિસ્તારમાં કામ કરવામાં જવાનોને ખૂબ જ તકલીફ પડે છે અને આતંકીઓ તેનો મોટાપાયે ફાયદો ઉઠાવતા હોય છે. પૂર્વોત્તરના ઘણા રાજકારણીઓ માને છે કે, શાંતિ સમજૂતી થઈ છતાં આ વિસ્તારમાં ભયનું વાતાવરણ છે અને આતંકીઓ તથા વિદ્રોહીઓનું જોખમ છે.

મણીપુરની સ્થિતિ જોઈએ તો તે પણ ભારેલા અગ્નિ જેવી છે. ૨૦૨૩થી અહીંયા જાતીય હિંસા જોર પકડી રહી છે. અહીંયા મેઈતી અને કુકી સમુદાયો વચ્ચે જાતીયા હિંસા ફેલાઈ હતી અને તેના કારણે ૨૬૦થી વધુ લોકોનાં મોત થયા હતા. હજારો લોકો બેઘર થયા છે અને સ્થિતિ અત્યંત સ્ફોટક થઈ ગઈ હતી. હવે ફરીથી આવી સ્થિતિનું નિર્માણ ન થાય, વિદ્રોહીઓ અને સમાજના વિરોધીઓ કાબુમાં રહે તે માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું હતું. ૨૦૨૨માં સરકારે એક વટહુકમ જારી કર્યો હતો જેમાં ઈમ્ફાલ વેસ્ટના સાત પોલિસ સ્ટેશનના ક્ષેત્રો, ઈમ્ફાલ ઈસ્ટના ચાર વિસ્તારો, થૌબલ, વિષ્ણુપુર, કાકચિંગ અને જિરીબામના એક-એક વિસ્તારમાં અફસ્પા લાગુ કરવામાં નહીં આવે. તે સમયે મણિપુરમાં કુલ ૧૬ જિલ્લા હતા. ગત વર્ષે સરકારે ૧૯ વિસ્તારોને છોડીને બાકીના તમામ જિલ્લામાં અફસ્પા લાગુ કરી દીધો હતો. થોડા સમય પહેલાં જ મણીપુરમાં ફરીથી હિંસા ભડકી હતી જેના પરિણામે બાકી રહેલા ૧૯ વિસ્તારોમાંથી ૬ વિસ્તારોમાં અફસ્પા ફરી લાગુ કરી દેવાયો હતો. 

જાણકારોના મતે અફસ્પાનો કાયદો સેનાના જવાનોને બંધારણની કલમ ૬નું સુરક્ષા કવચ પૂરું પાડે છે. આ કવચને પગલે કોઈપણ મુદ્દે સેનાના અધિકારીઓ સામે કેસ કરવા કે કેસ ચલાવવા પહેલા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે છે. એવું કહેવાય છે કે, જો જવાન દ્વારા ભુલ પણ થઈ ગઈ હોય તો પણ કેન્દ્ર સરકારની મંજૂરી વગર તેની સામે કેસ ચલાવી શકાતો નથી. આ મુદ્દે લોકોમાં અને જાણકારોમાં મતમતાંતર છે. કેટલાક લોકો માને છે કે, આ પ્રકારની સુરક્ષા હકિકતે તો જવાનોને પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનું લાઈસન્સ આપી દે છે.

- માનવ અધિકાર સંગઠનો અફસ્પાને કાળો કાયદો કહે છે 

માનવાધિકાર સંગઠનો જેવા કે હ્યુમન રાઈટ્સ વોચ અને એમનેસ્ટિ ઈન્ટરનેશનલે વર્ષોથી આ કાયદાનો વિરોધ કર્યો છે. તેઓ તેને કાળો કાયદો તરીકે જ ઓળખાવે છે. તે કહે છે કે, આ કાયદા દ્વારા નિર્દોષ લોકોને પણ રંજાડવામાં આવે છે. સેનાના જવાનો માત્ર શંકાના આધારે પૂછપરછ કરવાના નામે કોઈને પણ ઉઠાઈ જાય છે. તે ઉપરાંત સેના ગમે ત્યારે ગમે તેને ગોળી મારી દે છે. મણિપુરમાં ઈરોમ શમલાએ ૧૬ વર્ષ સુધી આ કાયદો દૂર કરવા માટે હડતાલ કરી હતી. એચઆરડબ્લ્યૂના અહેવાલ પ્રમાણે નાગાલેન્ડના ઓટિંગ ગામમાં ૨૦૨૧માં નાગરિકોને આતંકી સમજીને મારી કાઢવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૯૯૪માં અસમના બટા ગાડી કાંડમાં મહિલા ઉપર અત્યાચાર કરવામાં આવ્યા હતા. 

એચઆરડબ્લ્યૂના મતે ૧૯૫૮થી અત્યાર સુધીમાં અફસ્પાની સામે અનેક ફરિયાદો કરવામાં આવેલી છે. સંયુક્ત રાષ્ટ્રે પણ ૨૦૨૪માં કહ્યું હતું કે, આ કાયદા દ્વારા દેશમાં અશાંતિ વધી જશે. 

બીજી તરફ કલમ ૬ને કારણે આ મુદ્દે કોર્ટમાં ૯૯ ટકા કેસ ચાલ્યા જ નથી. ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે અફસ્પાને બંધારણીય કાયદો ગણાવ્યો હતો. બીજી તરફ માનવાધિકાર આયોગને તપાસનો અધિકાર પણ આપ્યો હતો. તેની પહેલાં ૨૦૦૫માં જસટિસ જીવન રેડ્ડીએ પણ જણાવ્યું હતું કે, આ કાયદો અમાનવીય છે. અરુણાચલમાં પણ આ કાયદાનો વિરોધ ચાલે છે. સ્થાનિક સંગઠનો અને ખાસ કરીને મહિલા સંગઠનો માને છે કે, આ કાયદો આદિવાસી સંસ્કૃતિને કચડી કાઢે છે. તેનાથી તેમના અસ્તિત્વને જોખમ ઊભું થાય છે. વિપક્ષી દળો દ્વારા પણ તેનો મોટાપાયે વિરોધ કરાયો હતો. ૨૦૨૪માં સંસદમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. 

- અફસ્પા દ્વારા આર્મ્ડ ફોર્સિસને વિશેષાધિકાર મળતો હોય છે 

ગમે ત્યારે એન્કાઉન્ટર કરી દેવું : સૌથી પહેલાં તો કાયદાની કલમ ૪ હેઠળ સેના ફરજ બજાવતી હોય ત્યારે તેની સામે કોઈ હથિયાર ધરવામાં આવે અતવા તો બોમ્બ ફેંકવામાં આવે કે ફેંકવાનો પ્રયાસ કરવામાં આવે અતવા તો સેનાને શંકા જાય કે કોઈ બોમ્બ ફેંકી શકે છે ત્યારે આ કિસ્સામાં કોઈપણ વોરંટ વગર સેના તેને ગોળી મારી શકે છે. આમ જોવા જઈએ તો આ એક ઘાતક નિયમ છે પણ સેનાને સુરક્ષા માટે આપવામાં આવ્યો છે.

ગમે ત્યારે ધરપકડ કરવી : સેનાને કોઈ વ્યક્તિ અથવા જૂથ સામે શંકા જાય અને તપાસ દરમિયાન પણ કંઈક ગરબડ જણાય તો તે કોઈપણ જાતના વોરંટ વગર જે-તે વ્યક્તિ અથવા જૂથની ધરપકડ કરી શકે છે. તેના માટે મેજિસ્ટ્રેટના આદેશની પણ જરૂર પડતી નથી. આ કિસ્સામાં ધરપકડ થયેલી વ્યક્તિને પોલીસને સોંપી દેવાની હોય છે પણ ઘણી વખત આવા કિસ્સામાં મોડું થતું હોય છે જે વિવાદ ઊભો કરે છે.

ઘરમાં શોધખોળ કરવાનો અધિકાર : આર્મ્ડ ફોર્સિસ ગમે ત્યારે કોઈના પણ ઘરને તપાસી શકે છે. તેઓ કોઈપણ જાણ કર્યા વગર ગમે તેના ઘરમાં ઘુસીને શોધખોળ કરી શકે છે. તેઓ શંકા જણાય તેવો સામાન પણ જપ્ત કરી શકે છે. કેટલાક કિસ્સામાં તો તેઓ વિદ્રોહી કામગીરીની શંકા જવા દરમિયાન જે-તે વ્યક્તિનું ઘર પણ તોડી શકે છે. 

સંપત્તિ નષ્ટ કરવાનો અધિકાર : સેનાના જવાનોને કોઈ વ્યક્તિ અથવા ઘરની તપાસ કરવા દરમિયાન શંકા જાય કે જે-તે સ્થળ આતંકીઓનો અડ્ડો છે અથવા તો તેમના સંતાવાની જગ્યા છે તો તે મકાન સીલ કરી શકે છે. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં સેનાના જવાનો આવી શંકાસ્પદ સંપત્તિને નષ્ટ કરવાનો પણ અધિકાર ધરાવે છે.