બંગાળની ખાડી : દુનિયામાં સૌથી વધુ ચક્રવાતનું સર્જન કરનારો દરિયો

- બંગાળની ખાડીમાં છેલ્લાં પાંચ વર્ષમાં 13 મોટા વાવાઝોડાનું સર્જન થયું છે જેણે ભારત-બાંગ્લાદેશમાં કેર વર્તાવ્યો હોય
-વાવાઝોડાની અસરથી આગામી ત્રણ દિવસ સુધી કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દેશના દક્ષિણ અને પૂર્વ ભાગોના 9 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે : એક અહેવાલ પ્રમાણે બંગાળની ખાડીમાં 1891થી 2019 સુધીમાં ૫૨૨ વાવાઝોડાનો જન્મ થયો છે. છેલ્લાં 129 વર્ષોમાં બંગાળની ખાડીમાં 234 ઘાતક વાવાઝોડાનું સર્જન થયેલું છે. છેલ્લાં 120 વર્ષમાં 14 ટકા ચક્રવાત અને 23 ભયંકર વાવાઝોડા અરબ સાગરમાં સર્જાયા છે. બીજાના 86 ટકા ચક્રવાત અને 77 ટકા વાવાઝોડા બંગાળની ખાડીમાં જ સર્જાયા છે : પૂર્વ કિનારે આવેલા રાજ્યોમાં આવતા મોટાભાગના તોફાનોમાંથી 48 ટકા વાવાઝોડા માત્ર ઓડિશા ઉપર ટકરાય છે જ્યારે 22 ટકા વાવાઝોડા આંધ્રના કિનારે ટકરાય છે. તે ઉપરાંત પશ્ચિમ બંગાળ ઉપર 18.5 ટકા વાવાઝોડા ટકરાય છે અને તમિલનાડુમાં 11.5 ટકા વાવાઝોડા આવે છે
બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત મોંથા આકાર લઈ ચુક્યું છે. બંગાળની ખાડી પર સર્જાયેલું ચક્રવાત મોન્થા મંગળવારે વધુ તીવ્ર બન્યું હતું અને વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું. આ વાવાઝોડું આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ નજીક ટકરાયું હતું. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ઓડિશાના જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે. આ રાજ્યોમાં ૯૦થી ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ ચાર રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ૫૦,૦૦૦થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને પગલે છેલ્લાં બે દિવસમાં દક્ષિણ મધ્ય રેલવે ઝોનની કુલ ૧૨૦ ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિશાખાપટ્ટનમ એરપોર્ટથી બધી ૩૨ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. તેવી જ રીતે, વિજયવાડા એરપોર્ટથી ૧૬ ફ્લાઇટ્સ અને તિરુપતિ એરપોર્ટથી ચાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાકીનાડા-મછલીપટ્ટનમ કિનારાની નજીક આવતાં તે વધુ તીવ્ર બનશે. ચક્રવાત મોન્થા નજીક આવતાં કાકીનાડામાં દરિયો તોફાની બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસરથી આગામી ત્રણ દિવસ સુધી કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે એવું પણ જણાવ્યું કે, વાવાઝોડાની અસરને કારણે, દેશના દક્ષિણ અને પૂર્વ ભાગોના ૯ રાજ્યો - આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.
જાણકારો કહે છે કે, જ્યારે આ ચક્રવાત મોંથા આકાર લઈ રહ્યું હતું ત્યારે ખૂબ જ નબળું અને નાનું દેખાતું હતું. જેમ જેમ તે આકાર લેતું ગયું તેમ તેમ તેનો વિસ્તાર વધતો ગયો અને હવે તે વિકરાળ થઈ ગયું છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશા સુધી પહોંચવા દરમિયાન તે ભયાનક વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. ખાસ વાત એ છે કે, ભારતીય ઉપમહાદ્વિપમાં જે પણ ચક્રવાત અને વાવાઝોડા સર્જાય છે તે મોટાભાગે બંગાળની ખાડીમાં સર્જાતા હોય છે. આ એવો દરિયો છે જે દુનિયામાં સૌથી વધારે વાવાઝોડાનું સર્જન કરનારા દરિયામાં સ્થાન ધરાવે છે.
બંગાળની ખાડીમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૧૩ મોટા વાવાઝોડાનું સર્જન થયું છે જેણે ભારત અને બાંગ્લાદેશ ઉપર કેર વર્તાવ્યો હોય. દુનિયામાં જે સમુદ્રોમાં સૌથી વધારે વાવાઝોડા અને ચક્રવાતનું સર્જન થતું હોય છે તેમાં બંગાળની ખાડી ટોચના દરિયામાં સ્થાન ધરાવે છે. નવાઈની વાત એ છે કે, દુનિયાના કોઈને કોઈ ખુણે દર ત્રણ દિવસે એક વાવાઝોડનું સર્જન થતું જ હોય છે. દુનિયામાં દર વર્ષે ૧૦૦થી વધારે વાવાઝોડા સર્જાતા હોય છે. બંગાળની ખાડીની વાત કરીએ તો તેની સ્થિતિ જ કંઈક અલગ છે.
એક અહેવાલ પ્રમાણે બંગાળની ખાડીમાં ૧૮૯૧થી ૨૦૧૯ સુધીમાં ૫૨૨ વાવાઝોડાનો જન્મ થયો છે. અહીંયા દર વર્ષે સરેરાશ બે થી ત્રણ વાવાઝોડા સર્જાય છે. આ વર્ષ અપવાદ રહ્યું છે અને આ પહેલું વાવાઝોડું સર્જાયું છે. દુનિયામાં જેટલા વાવાઝોડા સર્જાય છે તેમાંથી ૭ ટકા વાવાઝોડા બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર સર્જાય છે. જાણકારોના મતે છેલ્લાં ૧૨૯ વર્ષોમાં બંગાળની ખાડીમાં ૨૩૪ ઘાતક વાવાઝોડાનું સર્જન થયેલું છે. દરેક દાયકામાં બંગાળની ખાડીમાંથી એક ભયંકર અને વિકરાળ વાવાઝોડું સર્જાય છે જે ભારત અને બાંગ્લાદેશમાં મોટો કેર વર્તાવે છે. સૌથી ગંભીર બાબત એ છે કે, છેલ્લાં ૧૨૦ વર્ષમાં ૧૪ ટકા ચક્રવાત અને ૨૩ ભયંકર વાવાઝોડા અરબ સાગરમાં સર્જાયા છે. બીજાના ૮૬ ટકા ચક્રવાત અને ૭૭ ટકા વાવાઝોડા બંગાળની ખાડીમાં જ સર્જાયા છે.
સમજવા જેવી વાત એ છે કે, બંગાળની ખાડીમાં અરબ સાગરની સરખામણીએ વધારે ચક્રવાત અને વાવાઝોડા સર્જાવાની શક્યતા તેના ઉપર વહેતી હવા અને તેની ગતિ છે. પૂર્વ કિનારા ઉપર આવેલી બંગાળની ખાડીની સરખામણીએ પશ્ચિમી કિનારે આવેલો અરબ સાગર પ્રમાણમાં ઠંડો રહે છે.
હવામાન વિભાગના મતે, ઠંડા સાગરની સરખામણીએ ગરમ દરિયામાં વાવાઝોડા અને ચક્રવાતનું સર્જન વધારે તથા ઝડપથી થતું હોય છે. ઈતિહાસના સૌથી ૩૬ ઘાતક ટ્રોપિકલ સાઈક્લોનમાંથી ૨૬ સાઈક્લોન બંગાળની ખાડીમાં આવેલા છે. બંગાળની ખાડીમાં સર્જાતા મોટાભાગના વાવાઝોડા અને ચક્રવાતની અસર ઓડિશા ઉપર વધારે થતી જોવા મળી છે. તે ઉપરાંત આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પણ તેનાથી અસરગ્રસ્ત થતા હોય છે. તે ઉપરાંત પૂર્વ કિનારે આવેલા રાજ્યોની જમીન પશ્ચિમી કિનારે આવેલા રાજ્યોની સરખામણીએ વધારે સમતલ છે. તેના કારણે અહીંયા જે પણ વાવાઝોડા ટકરાય છે તે ઝડપથી ફંટાતા નથી. બીજી તરફ પશ્ચિમી કિનારે ત્રાટકતા વાવાઝોડાના ફંટાવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે.
ભારતમાં વાવાઝોડાની અસરની વાત કરીએ તો અહીંયા આવતા અને ટકરાતા પાંચ વાવાઝોડામાંથી સરેરાશ ચાર વાવાઝોડા તો પૂર્વી કિનારે ટકરાતા હોય છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અંદામાન સાગરથી સર્જાતા વાવાઝોડા ઉપરાંત ઉત્તર-પશ્ચિમી પેસિફિક મહાસાગરથી નિકળતા વાવાઝોડા પણ દક્ષિણ ચીન સાગર થઈને બંગાળની ખાડી સુધી પહોંચી જતા હોય છે. બીજી તરફ એવું માનવામાં આવે છે કે, અરબ સાગરમાં વાવાઝોડાનું સર્જન થતું હોય છે તે સરેરાશ સામાન્ય અસર કરનારા વાવાઝોડા હોય છે. અરબ સાગરમાં પણ વાવાઝોડાનું સર્જન થતું હોય છે પણ મોટાભાગે આ વાવાઝોડા ભારતના પશ્ચિમી કિનારા ઉપર ટકરાવાના સ્થાને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી જાય છે. બીજી તરફ બંગાળની ખાડી અને પૂર્વી કિનારા ઉપર સર્જાતા વાવાઝોડા વધારે વિકરાળ હોય છે. જો હવાની ઝડપ ૧૧૯ થી ૨૨૧ કિ.મી. પ્રતિ કલાક હોય તો તે વાવાઝોડાને ભયાનક અને વિકરાળ માનવામાં આવે છે. બાકીના વાવાઝોડા સામાન્ય ગણાય છે.
હવામાનના જાણકારોના મતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન સૌથી વધારે વાવાઝોડા અને ચક્રવાતનું સર્જન થતું હોય છે. તેમાંથી ૬૫ ટકા વાવાઝોડા વર્ષના અંતિમ ચાર મહિના વચ્ચે આવતા હોય છે. બંગાળની ઉત્તરી ખાડીની ઉપર સર્જાતા ચક્રવાત ભારત-ગંગાના મેદાની વિસ્તારમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે છે જેનાથી સૌથી વધારે ઉત્તર ભારતમાં વરસાદ થતો હોય છે. ચક્રવાત મોટાભાગે સમુદ્રમાં વધારે તાપમાન ધરાવતી જગ્યાઓ ઉપર ઉઠે છે. ઉત્તર ધ્રુવની નજીકના વિસ્તારોમાં સાઈક્લોન ઘડિયાળની ઉંધી દિશામાં આગળ વધતા હોય છે. બીજી તરફ ભારતીય ઉપમહાદ્વિપની આસપાસ સર્જાતા ચક્રવાત અને વાવાઝોડા ઘડિયાળની ફરવાની દિશામાં આગળ વધતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડી ઉત્તરપૂર્વી હિંદ મહાસાગરના ૨૧,૭૩,૦૦૦ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે. તેની સરહદો પશ્ચિમમાં શ્રીલંકા અને ભારત, ઉત્તરમાં બાંગ્લાદેશ અને પૂર્વમાં મ્યાંમાર તથા ઉત્તરી મલય દ્વિપ સુધી ફેલાયેલી છે. અહીંયા ચક્રવાતનું સૌથી વધારે સર્જન થતું હોય છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, ચક્રવાતનું સર્જન થાય તે પહેલા જ તેને નષ્ટ કરી દેવામાં આવે તે કારગર સાબિત થાય તેમ છે. બીજી તરફ અહેવાલો કહે છે કે, એવી કોઈ ટેક્નોલોજી કે પદ્ધતિ હાલમાં ક્યાંય વિકસાવાઈ હોય કે ઉપયોગમાં લેવાઈ હોય તેવું સામે આવ્યું નથી. ચક્રવાત ખૂબ જ મોટી પ્રાકૃતિક ઊર્જાની ઘટના છે જેના ઉપર માનવીય નિયંત્રણ લાવવું ખૂબ જ મુશ્કેલ અને લગભગ અશક્ય ગણાય છે. ચક્રવાતના જોખમને ઓછું કરવા માટે પૂર્વ ચેતવણી આપવી, વાવાઝોડાથી બચવાની તૈયારી કરવી, તેના અસરને ઓછી કરવા માટે બચવાના ઉપાય કરવા, પ્રભાવિત વિસ્તારોમાં આગામી સમયમાં બચાવ અને રાહતના કામગીરી કરવી જેવા ઉપયો જ કરી શકાય તેમ છે. વૈજ્ઞાાનિકો જણાવે છે કે, ચક્રવાતની ઊર્જા એટલી વિશાળ હોય છે કે, માનવ નિર્મિત સાધનોથી તેને બનતા પહેલાં રોકી શકાય તેમ જ નથી. ચક્રવાતને માણસો નષ્ટ કરી શકે તેમ નથી.
48 ટકા વાવાઝોડા ઓડિશા અને 22 ટકા આંધ્રમાં ટકરાય છે
અસેસમેન્ટ ઓફ વલ્નરેબિલિટી ટૂ સાઈક્લોન એન્ડ ફ્લડ્સના એક અહેવાલમાં જણાવાયું હતું કે, પૂર્વ કિનારે આવેલા રાજ્યોમાં આવતા મોટાભાગના તોફાનોમાંથી ૪૮ ટકા વાવાઝોડા માત્ર ઓડિશા ઉપર ટકરાય છે જ્યારે ૨૨ ટકા વાવાઝોડા આંધ્રના કિનારે ટકરાય છે.
તે ઉપરાંત પશ્ચિમ બંગાળ ઉપર ૧૮.૫ ટકા વાવાઝોડા ટકરાય છે અને તમિલનાડુમાં ૧૧.૫ ટકા વાવાઝોડા આવે છે. પૂર્વના કિનારા ઉપર આવનારા તોફાનો અને વાવાઝોડાની સરખામણીએ પશ્ચિમી કિનારે આવાતા વાવાઝોડા ૮ ટકા ઓછા હોય છે.
ઉલ્લેખનીય છે કે, ઉષ્ણ કટિબંધીય વાવાઝોડા એવા પ્રકારના ચક્રવાત છે જે વિશાળ નીચા દબાણ ધરાવતા કેન્દ્ર અને ભારતે ઝંઝાવાતી પવનો સાથે આવે છે.
આ વાવાઝોડામાં તોફાની પવન અને મુસળધાર વરસાદ આવે છે. નેશનલ સાઈક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ હેઠળ, ૧૮૯૧થી ૨૦૦૦ વચ્ચે ભારતના પૂર્વ કિનારા ઉપર ૩૦૮ વાવાઝોડા આવ્યા છે.
આ દરમિયાન પશ્ચિમી તટ ઉપર ૪૮ વાવાઝોડા જ આવ્યા છે.
બંગાળની ખાડીની વાત કરીએ તો અહીંયા ઘણા તોફાની વાવાઝોડા આવ્યા છે. અહીંયા મે ૨૦૨૩માં મોચા વાવાઝોડું આવ્યું હતું જે ૨૭૭ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું હતું.
આ વાવાઝોડું ૮૨ વર્ષ બાદ સૌથી વધારે ઝડપથી ત્રાટક્યું હતું. તે પહેલાં ૨૦૨૧માં તાકતે વાવાઝોડું આવ્યું હતું જેની ૨૨૨ કિ.મી. પ્રતિ કલાક ઝડપ હતી. તે ઉપરાંત ૨૦૨૦માં ૨૬૮ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઓફાન વાવાઝોડું ત્રાટક્યું હતું. તેની પહેલાં ૨૦૧૯માં ૨૭૭ કિ.મીની ઝડપે ફાની વાવાઝોડું આવ્યું હતું જેણે ભયાનક કેર વર્તાવ્યો હતો. તે ઉપરાંત ૨૦૦૭માં ૨૬૮ કિ.મી પ્રતિ કલાકની ઝડપે ગોનુ વાવાઝોડું ત્રાટક્યું હતું. બાંગ્લાદેશમાં ૧૯૭૦માં ભોલા વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે ૫ લાખ લોકોનાં મોત થયા હતા અને જાનમાલનું ભયાનક નુકસાન પણ થયું હતું.









