નક્સલવાદનો અંત : છ દાયકા બાદ ફિક્કો પડી ગયો ક્રાંતિનો લાલ રંગ

- નક્કર નેતૃત્ત્વનો અભાવ, નવી પેઢીની આધુનિક સુવિધાઓની ઝંખના અને કેન્દ્ર સરકારની પહેલને પગલે નક્સલીઓ સમર્પણ કરી રહ્યા છે
- ઓક્ટોબર મહિનામાં જ 300થી વધારે નક્સલવાદીઓ દ્વારા પોલીસ સામે આત્મસમર્પણ કરવામાં આવ્યું છે. આ તમામ નક્સલીઓ દાયકાઓથી ચાલતી તેમની લડાઈ અને વિચારધારાની લડાઈને છોડીને એકાએક મુખ્ય પ્રવાહ સાથે જોડાવા તત્ત્પર થયા છે : દેશમાં નક્સલી આંદોલનનો પાયો 1967માં નખાયો હતો. તે સમયે પશ્ચિમ બંગાળના નક્સલવાડી ગામથી આ આંદોલન શરૂ થયું હતું. તે વખતે લોકોનું સૂત્ર હતું કે, ખેડે તેની જમીન. જમીન માટે થઈને લોકોએ હથિયારો ઉપાડયા હતા : જે આદિવાસી વિસ્તારોમાં એક સમયે નક્સલીઓ અને તેમની હિંસાની બોલબાલા હતી ત્યાં હવા સ્કૂલ, મોબાઈલ નેટવર્ક, પાકા રસ્તા, સરકારી યોજનાઓ પહોંચી ગઈ છે. તેની સૌથી મોટી અસર એ થઈ છે કે, એક સમયે લાલા વિચારધારાનું આંધળું અનુસરણ કરનારા યુવાનો હવે તે દિશામાં જતા નથી
દેશમાં ધીમે ધીમે નક્સલવાદ ઘુંટણીયે આવતો જાય છે. પાછળના કેટલાક મહિનાના અહેવાલો જોઈએ તો છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશા જેવા રાજ્યોમાં મોટાપાયે નક્સલીઓ દ્વારા હથિયારો છોડીને આત્મસમર્પણ કરવાના કિસ્સામાં વધારો થયો છે. તાજેતરમાં જ છત્તીસગઢમાં ૨૧ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. છત્તીસગઢના કાંકેર ખાતે આ નક્સલીઓએ હથિયારો છોડયા હતા અને શાંતિનો માર્ગ પસંદ કર્યો હતો. તેનાથી સહેજ આગળ જઈએ તો દિવાળી પહેલાં રૂપેશ ઉર્ફે સતીષ નામના એક નક્સવાદીએ આત્મસમર્પણ કર્યું હતું. આ નક્સલી હકિકતે નક્સલવાદી સેન્ટ્રલ કમીટીનો મેમ્બર હતો અને તેના ઉપર ૯.૧૮ કરોડ રૂપિયાનું ઈનામ હતું.
એકંદરે જોવા જઈએ તો ઓક્ટોબર મહિનામાં જ ૩૦૦થી વધારે નક્સલવાદીઓ દ્વારા પોલીસ સામે આત્મસમર્પણ કરવામાં આવ્યું છે. આ તમામ નક્સલીઓ દાયકાઓથી ચાલતી તેમની લડાઈ અને વિચારધારાની લડાઈને છોડીને એકાએક મુખ્ય પ્રવાહ સાથે જોડાવા તત્ત્પર થયા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે, માર્ચ ૨૦૨૬ સુધીમાં નક્સલવાદનો ખાતમો બોલવી દેવાશે. સરકારના આ દ્રઢ સંકલ્પ વિશે વિચાર કરીએ તો દેશભરમાં નક્સલી ગતિવિધિઓમાં મોટાપાયે ઓટ આવી છે તે સમજી શકાય છે. ખાસ કરીને ઘણા રાજ્યોમાંથી નક્સલીઓ વારફરતી શરણાગતિ સ્વીકારી રહ્યા છે. નક્સલવાદની સૌથી વધારે એક્ટિવિટી છત્તીસગઢમાં ચાલે છે. આ રાજ્ય સૌથી વધારે પ્રભાવિત છે. અહીંયા પણ સમયાંતરે નક્સલીઓના સમર્પણના સમાચાર આવતા રહે છે. સરકારનો બળ પ્રયોગ ગણો કે પછી નક્સલવાદની ઓછી થતી તાકાત કે પછી બદલાતા સમયમાં વિચારધારામાં થઈ રહેલું પરિવર્તન હોય પણ એક વાત નક્કી છે કે, નક્સલીઓ હવે હિંસા છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા તત્પર બન્યા છે.
ઈતિહાસમાં ડોકિયું કરીએ તો દેશમાં નક્સલી આંદલોનનો પાયો ૧૯૬૭માં નખાયો હતો. તે સમયે પશ્ચિમ બંગાળના નક્સલવાડી ગામથી આ આંદોલન શરૂ થયું હતું. તે વખતે લોકોનું સૂત્ર હતું કે, ખેડે તેની જમીન. જમીન માટે થઈને લોકોએ હથિયારો ઉપાડયા હતા. હવે જ્યારે આ જ દ્રશ્ય ૨૦૨૦ની સાલથી જોઈએ તો તેમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. હવે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જમીન, શિક્ષણ અને રોજગાર વગેરેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. જે આદિવાસી વિસ્તારોમાં એક સમયે નક્સલીઓ અને તેમની હિંસાની બોલબાલા હતી ત્યાં હવા સ્કૂલ, મોબાઈલ નેટવર્ક, પાકા રસ્તા, સરકારી યોજનાઓ પહોંચી ગઈ છે. તેની સૌથી મોટી અસર એ થઈ છે કે, એક સમયે લાલા વિચારધારાનું આંધળું અનુસરણ કરનારા યુવાનો હવે તે દિશામાં જતા નથી.
યુવાનોને લાલ વિચારધારા કરતા મોબાઈલ, ટીવી, સિનેમા, મોટરસાઈકલ, મોલ અને વિકાસની દુનિયામાં જીવવું વધારે ગમે છે. બીજી રીતે કહીએ તો હવેના યુવાનોના સપનાઓમાં ક્યાંય માઓવાદ કે લાલ વિચારધારા રહી નથી. આ વિચારધારા જ જ્યાં નબળી પડી રહી છે ત્યાં તેમના સંગઠન અને કામગીરી પણ ક્યાંથી મજબૂત રહેવાના છે. યુવાનોમાં ઘટતી માઓવાદની લાગણી અને વિચારધારાએ નક્સવાદના પાયા હચમચાવી નાખ્યા છે. પહેલાં જે યુવાનો ક્રાંતિના સપના જોતા હતા તે હવે સારા અને સુધરેલા જીવનના સપના જોતા થઈ ગયા છે. તેમને હથિયાર અને હિંસામાં નહીં પણ આધુનિક સુવિધામાં વધારે રસ પડવા લાગ્યો છે.
નક્સલવાદના ઘટતા પ્રભાવ અંગે વાત કરીએ તો કેન્દ્ર સરકારનાં જ આંકડા ઘણું બધું કહી જાય છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના આંકડા પ્રમાણે ૨૦૧૦ બાદ નક્સલી હિંસાની ઘટનાઓમાં ૮૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. હવે માત્ર ૮-૯ જીલ્લા જ વધ્યા છે જ્યાં નક્સલીઓ સક્રિય છે. એક સમય હતો જ્યારે દેશના ૯૦થી ૧૦૦ જિલ્લાઓમાં નક્સલવાદ સક્રિય હતો જે હવે ૧૦ ટકા વધ્યો નથી. સરકારનો દાવો છે કે, સુરક્ષા જવાનોની કામગીરી અને તેમની રણનીતિ તથા સરકારી રણનીતિને કારણે આ પરિણામ મળ્યું છે. સામ, દામ, દંડ અને ભેદની નીતિને આધારે સરકાર નક્સલી વિસ્તારોમાં કામ કરી રહી છે. તેના પરિણામે જ નક્સલવાદ નામશેષ થવાના આરે આવી ગયો છે.
અહેવાલો પ્રમાણે સુરક્ષાદળો દ્વારા ઓપરેશન પ્રહાર, ઓપરેનશ સમન્વય, ઓપરેશન જંગલ યુદ્ધ જેવા અભિયાનો હાથ ધરવામાં આવ્યા હતા. તેમાં સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલી અસરકારક કામગીરીને પગલે હકારાત્મક પરિણામ મળ્યા હતા. આધુનિક સુવિધાઓ, સાધનો અને રણનીતિ દ્વારા સુરક્ષા જવાનો જંગલોમાં ઘુસી રહ્યા છે, નક્સલીઓનો સાનો કરી રહ્યા છે. તે ઉપરાંત યોગ્ય ઈન્ટેલિજન્સ નેટવર્ક, ડ્રોન સર્વેલન્સ અને સ્થાનિક પોલિસની સક્રિય ભૂમિકાના કારણે નક્સલીઓને ભાગવા માટે પણ જગ્યા વધી નથી. એક સમય હતો જ્યારે સુરક્ષા જવાનો અભિયાન પૂરું કરીને પરત આવતા તો નક્સલીઓ જંગલમાં પરત આવી જતા હતા પણ હવે સ્થિતિ બદલાઈ છે. સુરક્ષા જવાનોના સ્થાનિક કેમ્પ બનાવાયા છે, સ્થાનિકોની મદદથી નેટવર્ક ઊભું કરાયું છે અને પાકા રસ્તા અને રોડનું નેટવર્ક વિકસાવાયું છે જેના કારણે નક્સલીઓનું પરત ફરવું અને ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
કેન્દ્ર સરકારે માત્ર હિંસાનો જ રસ્તો અપનાવ્યો છે તેવું નથી. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નક્સલીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિવિધ યોજનાઓ પણ આવામાં આવી છે. સૌથી પહેલાં તો કેન્દ્ર સરકારની બંધૂક છોડો, જીવન જીવોની નીતિ ખૂબ જ અસરકારક રહી હતી. છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આત્મસમર્પણ અને પુનર્વાસ નીતિને પણ ખૂબ જ મોટો પ્રતિસાદ મળ્યો હતો. છત્તીસગઢ સરકારે સમર્પણ કરનારા નક્સલીઓને પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરી અને સાથે સાથે તેમને મકાન અને નોકરીનો અવસર આપીને સમાજમાં સન્માન સાથે રહેવાની ગેરન્ટી પણ આપી હતી. ઘણા નક્સલીઓ સરકારી યોજનાઓમાં કામ કરી રહ્યા છે તો કેટલાક સ્થાનિક ગ્રામપંચાયતોમાં મહત્ત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. તેના પરિણામે નક્સલીઓનું સમર્પણ વધી રહ્યું છે. તાજેતરમાં જે નક્સલીઓ દ્વારા શરણાગતિ સ્વીકારવામાં આવી હતી તેમાં મહિલાઓનું પ્રમાણ વધારે હતું. આ મહિલાઓ નક્સલી સંગઠનોમાં જનતા સરકાર જેવા વ્યવસ્થા ચલાવતી હતી. હવે તેઓ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજમાં પાછી ફરવા માટે શરણાગતિ સ્વીકારી રહી છે.
નક્સલવાદ જ્યારે ચરમસીમાએ હતો ત્યારે તેમના ગામ સુધી પહોંચવું પણ એક મોટી સમસ્યા હતા. લગભગ અશક્ય કામ ગણાતું હતું. હવે બસ્તર, ગઢચિરોલી અને દાંતેવાડા જેવા વિસ્તારોમાં ૧૦૦૦ કિલોમીટરના નવા અને પાકા રસ્તા બની ગયા છે. મોબાઈલ ટાવરો લાગી ગયા છે જેના કારણે સુરક્ષા જવાનોનું નેટવર્ક વધારે મજબૂત બન્યું છે. બીજી તરફ આદિવાસીઓને પણ ટેક્નોલોજીનો ફાયદો થયો છે અને તેઓ મુખ્યધારા સાથે જોડાયા છે. હવે ગામડાઓમાં આંગણવાડી, શિક્ષણ, બેન્ક, હેલ્થ સેન્ટર, વેલફેર સેન્ટ જેવી સુવિધાઓ પહોંચી છે. તેના કારણે જ તેઓ બંધૂક અને હથિયારો છોડીને સમાજમાં પરત ફરવા માટે આતુર થઈ રહ્યા છે. તેઓ હિંસા છોડીને શરણાગતિ દ્વારા પોતાના અને આગામી પેઢીના સપના પૂરા કરવા તત્પર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, એક સમય હતો જ્યારે નક્સલવાદીઓ ખૂબ જ સક્રિય અને આક્રમક હતા. હવે સ્થિતિ બદલાઈ છે. નક્સલી સંગઠનોમાં પણ લિડરશિપ ક્રાઈસિસ આવી છે. તેમને યોગ્ય અને આક્રમક નેતા મળી રહ્યા નથી. નક્સલી સંગઠન સીપીઆઈ(માઓવાદ) વર્તમાન સમયમાં સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. તેમના સંગઠનમાં નેતૃત્ત્વની અછત છે અને તેના કારણે આંતરિક આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. જૂના કમાન્ડરો માર્યા ગયા છે અથવા પકડાઈ ગયા છે અથવા તો શરણાગતિ સ્વીકારીને સુધરી ગયા છે. નવી કેડરમાં પૂરતું પ્રશિક્ષણ નથી, મક્કમ વિચારધારા નથી અને પહેલાં જેવી આક્રમકતા નથી. તે ઉપરાંત રાજ્યાવાર અને જીલ્લાવાર જૂથબંધી પણ વધી રહી છે તેથી સામૂહિક સંગઠન અને નેતૃત્વ પણ દેખાતું નથી. છત્તીસગઢ સંગઠન, ઝારખંડ સંગઠન અને તેલંગણા સંગઠન વચ્ચે તાલમેલ પૂરો થઈ ગયો છે. ઘણી જગ્યાએ નક્સલીઓમાં જ આંતરિક રીતે સત્તા, સંપત્તી અને સંસાધનો માટે લડાઈ થતી હોવાનું પણ સામે આવ્યું છે.
આદિવાસીઓ સમજી ગયા છે કે નક્સલવાદ વિકાસ લાવી શકે તેમ નથી
મહત્ત્વની વાત એવી છે કે, એક સમય હતો જ્યારે જંગલોમાં વસતા લોકો, આદિવાસીઓ અને ગામડાના લોકો સમજતા હતા કે, નક્સલીઓ પોતાના રક્ષક છે. તેઓ તેમની સ્થિતિ બદલવા માટે હિંસાના રસ્તે નિકળ્યા છે. છેલ્લાં ચાર-પાંચ દાયકામાં સ્થિતિ બદલાવા લાગી છે. તેમાંય હવે ગામડાઓમાં હિંસા, વસુલી, બાળકોની જબરદસ્તી નક્સલી ગેંગમાં ભરતીથી લોકો કંટાળવા લાગ્યા છે. તેના કરતા પણ વધારે એવું છે કે આદિંવાસીઓને હવે નક્સલવાદમાં રસ નથી. તેઓ સમજી ગયા છે કે, નક્સલવાદ અને હિંસા દ્વારા વિકાસ આવી શકે તેમ નથી. વિકાસ કરવા માટે શાંતિની જરૂર છે. ઘણા રાજ્યોના અંતરિયાળ ગામડામાં ગ્રામસભા, પંચાયતો અને સ્થાનિક સંગઠનો નક્સલીઓથી મોઢું ફેરવી રહ્યા છે અને તેમના સંબંધ કાપી રહ્યા છે. સમાજમાં આવેલું આ પરિવર્તન જ સૌથી મોટું અસરકારક પરિબળ રહ્યું છે. તેના કારણે નક્સલવાદી આંદોલનના મૂળ કપાવા લાગ્યા છે અને આંદોલન નબળું પડી રહ્યું છે. હાલમાં ખૂબ જ ઓછા જિલ્લાઓમાં નક્સલવાદની અસર છે. છત્તીસગઢના સુકમા, બીજાપુર અને નારાયણપુર, ઓડિશાના મલકાનગિરી તથા ઝારખંડના લાતેહારમાં નક્સલીઓના નાના નાના જૂથ સક્રિય છે. હવે તેમની અસર પણ સ્થાનિક ધોરણે અને ખૂબ જ ઓછા વિસ્તારમાં છે. તેમની પાસે પૂરતા હથિયારો નથી, પૈસા નથી અને સ્થાનિક રાજકીય સમર્થન પણ નથી. તેના કારણે તેઓ નબળા પડી ગયા છે. જાણકારો એવું પણ માને છે કે, નક્સલવાદ કદાચ આંદોલનની રીતે નબળું પડીને અંત તરફ આગળ વધી રહ્યું છે પણ વૈચારિક રીતે તેનો અંત આવવો મુશ્કેલ છે. ગરીબી, વિસ્થાપન અને ખનન જેવા મુદ્દા અત્યારે પણ લોકોને હેરાન કરી રહ્યા છે. આ મુદ્દાના કારણે જ જે-તે સમયે નક્સલવાદી વિચારધારા અને આંદાલેનનો જન્મ થયો હતો. હાલમાં ભલે માઓવાદ કે નક્સલવાદ અંત તરફ આગળ વધી રહ્યો હોય પણ સામાજિક અસમાનતાની સ્થિતિ જો વકરવા લાગશે તો ગમે તે સમયે અને ગમે તે સ્વરૂપે નક્સલવાદ પાછો આવી શકે છે. આ વાત પાક્કી છે કે, નક્સલવાદને હવે વિકસવા માટે પૂરતી જમીન અને લોકોનો અભાવ છે.
એક સમયે લાલ કોરિડોર કહેવાતા વિસ્તારો હવે હરિયાળી ક્રાંતિના રૂપક બની ગયા છે. લોકોને હવે લોહીથી લપેટાયેલી આઝાદી નહીં પણ શાંતિથી મેળવેલો વિકાસ વધારે પસંદ છે.









