વિયેતનામ : રાજસ્થાન કરતા નાનો દેશ અને ભારત કરતા વધારે માથાદીઠ આવક

- વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન કરતા નાનો દેશ છે અને વસતીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ કરતા અડધી વસતી પણ નથી
- 1993માં 80 ટકા લોકોને મૂળભૂત જરૂરિયાતો પૂરી થતી નહોતી. ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ તો એટલી ખરાબ હતી કે, લાખો લોકોને બે ટંક ભોજન મળતું નહોતું. 1985માં વિયેતનામના લોકોની માથાદિઠ આવક 20,000 રૂપિયા હતી : આ દેશ 90ના દાયકામાં ભારત કરતા અત્યંત કંગાળ અને ગરીબ દેશ હતો. 80 ટકા લોકો ગરીબી રેખાની નીચે રહેતા હતા. અહીંયા હાલમાં લોકોની માથાદીઠ આવક ભારતીયો કરતા ત્રણ ગણી થઈ ગઈ છે. ભારતીયોની માથાદિઠ આવક ૧.૮૪ લાખ રૂપિયા છે જ્યારે વિયેતનામના લોકોની માથાદિઠ આવક 4.38 લાખ રૂપિયા છે : કોઈપણ શહેર કે ગામમાં ક્યાંય ગંદકી નહીં. ક્યાંય કોઈ ઝુંપડપટ્ટી નહીં કે કાચા મકાનો નહીં. દરક જગ્યાએ પાકા મકાન ધરાવતા મકાનો, ગામડા અને સારમાં સારા રસ્તા અને વાહનવ્યાવહારના સંસાધનો આવેલા છે. અહીંયા ટ્રાફિકની પણ કોઈ સમસ્યા નથી. ઉત્તરના હનોઈથી દક્ષિણના ચી મિન્હ સુધી સમગ્ર વિયેતનામ ફરવામાં આવે તો અત્યંત ખુશમિજાજ, સંપન્ન, અનુશાસિત છતાં પારંપરિક દેશ જોવા મળે છે
ભારતીયોમાં હાલમાં વેકેશન દરમિયાન વિયેતનામનો પ્રવાસ કરવાનો સૌથી વધારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને ક્વોલિટી સમય પસાર કરી રહ્યા છે. આ એવો દેશ છે જેની ગણના આજથી ૩ દાયકા પહેલાં ક્યાંય થતી નહોતી. અત્યંત ગરીબી અને લાચારી તથા રોજગારીનો અભાવ અને ઈકોનોમીની પણ સ્થિતિ સારી નહોતી. છેલ્લાં કેટલાક સમયમાં આ દેશ દ્વારા એવી પ્રગતિ કરવામાં આવી છે કે લોકો તેનો ભૂતકાળ ભુલી ગયા છે. વિયેતનમાં જ્યાં પણ જાઓ ત્યાં સ્વચ્છ રસ્તા, હાઈવે. કોઈપણ શહેર કે ગામમાં ક્યાંય ગંદકી નહીં. ક્યાંય કોઈ ઝુંપડપટ્ટી નહીં કે કાચા મકાનો નહીં. દરક જગ્યાએ પાકા મકાન ધરાવતા મકાનો, ગામડા અને સારામાં સારા રસ્તા અને વાહનવ્યાવહારના સંસાધનો આવેલા છે. અહીંયા ટ્રાફિકની પણ કોઈ સમસ્યા નથી. રસ્તા ઉપર મોંઘી ગાડીઓ પણ દેખાય છે અને સામાન્ય વાહનો પણ દેખાય છે. અહીંયા હાઈરાઈઝ બિલ્ડિંગ છે અને ક્યાંક પારંપરિક ઈમારતો પણ નથી. અહીંયા નદી કિનારે આવેલા સ્પેશિયલ ઝોનમાં અનેક જહાજો માલસામાન લાવે છે અને લઈ જાય છે. તેની પાછળ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થયેલો છે.
ઉત્તરના હનોઈથી દક્ષિણના ચી મિન્હ સુધી સમગ્ર વિયેતનામ ફરવામાં આવે તો અત્યંત ખુશમિજાજ, સંપન્ન, અનુશાસિત છતાં પારંપરિક દેશ જોવા મળે છે. આ એક એવો દેશ છે જે કુદરતની સુંદરતા સાથે સાથે પરંપરા અને અનુશાસન સાથે પણ જીવે છે. અહીંયા ત્રણ દાયકા પહેલાં જે ગરીબી હતી તે ક્યાંય જોવા મળતી નથી. આ દેશ ૯૦ના દાયકામાં ભારત કરતા અત્યંત કંગાળ અને ગરીબ દેશ હતો.
૮૦ ટકા લોકો ગરીબી રેખાની નીચે રહેતા હતા. છેલ્લાં કેટલાક સમયથી અહીંયા જે પરિવર્તન આવ્યું છે તેણે લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. અહીંયા હાલમાં લોકોની માથાદીઠ આવક ભારતીયો કરતા ત્રણ ગણી થઈ ગઈ છે. ભારત કરતા વિયેતનામની સ્થિતિ આ મુદ્દે ઘણી સારી છે. ભારતીયોની માથાદિઠ આવક ૧.૮૪ લાખ રૂપિયા છે જ્યારે વિયેતનામના લોકોની માથાદિઠ આવક ૪.૩૮ લાખ રૂપિયા છે.
લોકોને વિયેતનામની આ સ્થિતિ જોઈને આશ્ચર્ય થાય છે. લોકોને લાગે છે કે, આવો જાદુ થયો કેવી રીતે. આ દેશ દ્વારા એવી તો શું કામગીરી કરવામાં આવી કે, ત્રણ દાયકામાં સમગ્ર દેશની ઓળખ ફરી ગઈ. આ દેશની વસતીની વાત કરીએ તો યુપીના વસતી કરતા અડધી વસતી છે અને આ દેશનું ક્ષેત્રફળ ભારતના સૌથી મોટા રાજ્ય રાજસ્થાન કરતા થોડું ઓછું છે.
હવે વિચારો કે આ દેશ ક્યાંય ભૂતકાળમાં ગરીબ હતો અને કંગાળ સ્થિતિમાં હતો. ૧૯૯૦ના શરૂઆતના સમયમાં અહીંયા ગરીબી સૌથી મોટી સમસ્યા હતી. ૧૯૯૩માં ૮૦ ટકા લોકોને મૂળભૂત જરૂરિયાતો પૂરી થતી નહોતી. ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ તો એટલી ખરાબ હતી કે, લાખો લોકોને બે ટંક ભોજન મળતું નહોતું. ૧૯૮૫માં વિયેતનામના લોકોની માથાદિઠ આવક ૨૦,૦૦૦ રૂપિયા હતી જે ભારતના સૌથી ઓછી આવક ધરાવતા રાજ્યની માથાદિઠ આવક કરતા પણ ઓછી હતી.
આ દેશના આશ્ચર્યજનક વર્તમાનને જોતા પહેલાં તેના ભૂતકાળ ઉપર એક નજર કરવી પડે તેમ છે. અમેરિકાએ ચાલુ કરેલું યુદ્ધ ૭૦ના દાયકામાં અટકાવ્યું હતું. તેના કારણે વિયેતનામ બરબાદ થઈ ગયું હતું. બે દાયકા ચાલેલા યુદ્ધના કારણે વિયેતનામની હાલત અત્યંત કફોડી થઈ ગઈ હતી. અમેરિકાએ વિયેતનામને બરબાદ કરી નાખ્યું હતું.
૪૦ લાખથી વધારે લોકોનાં મોત થયા હતા. ઓરેન્જ એજન્ટ જેવા કેમિકલ હથિયારોના ઉપયોગ કરાયા હતા જેના કારણે વિયેતનામની જમીન સાવ બંજર થઈ ગઈ હતી.
દેશનો અને દેશના લોકોનો આત્મવિશ્વાસ સાવ તળીયે આવી ગયો હતો. ત્યારબાદ બે દાયકા સુધી વિયેતનામ માત્ર સ્થિર થવા પ્રયાસ કરતું રહ્યું. છેલ્લાં બે દાયકામાં તેણે જે પરિવર્તન લાવી બતાવ્યું છે અને જે સુધારા કર્યા છે તે કોઈ ચમત્કારથી વિશેષ નથી. વિયેતનામ ૧૯૭૫ની સાલમાં યુદ્ધમાં અટવાયેલું હતું. વિયેતનામ તે પહેલાં ૧૨૫ વર્ષના સૌથી ભયાનક યુદ્ધના માર હેઠળ હતું. ૧૯૮૦ના અતં સુધીમાં તો અહીંયા ભૂખમરો, ખાદ્યપદાર્થોની અછત, મૂળભૂત સુવિધાઓ અને સાધનોનો અભાવ ખૂબ જ સામન્ય બાબત થઈ ગયા હતા. ૧૯૯૩માં જે સરકારી અહેવાલ આવ્યા હતા અને વિશ્વ બેન્કે જે અહેવાલ જાહેર કર્યો હતો તેમાં જણાવાયું હતું કે, વિયેતનામના ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના લોકો પાસે પહેરવા માટે કપડાં અને બે ટંક ખાવા માટે ભોજન નહોતું. ત્યારબાદ ચમત્કાર થયો.
વિયેતનામમાં પણ સરકારની સ્થિતિ અલગ જ છે. અહીંયા પણ ચીનની જેમ એક જ પક્ષ કોમ્યુનિસ્ટની સરકાર છે. ૧૯૮૬ બાદ વિયેતનામની સરકારે ડોઈ મોઈ નામનો એક સુધારા કાર્યક્રમ શરૂ કર્યો. આ સુધારો પહેલાં તો ખેતી અને તેને સંલગ્ન ઉદ્યોગો સાથે સંકળાયેલો હતો. ૧૯૯૩થી ૨૦૧૯ વચ્ચે ગરીબીનો દર ૬૧ ટકાથી ઘટીને ૩.૭૫ ટકા સુધી પહોંચી ગયો. નવા આંકડા પ્રમાણે તો વિયેતનામમાં ગરીબી હવે ૧.૫ ટકાની આસપાસ છે. અહીંયા મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે. આ પ્રવાસીઓ વિયેતનામની બદલાયેલી સિકલને જોઈને આશ્ચર્યમાં મુકાઈ જાય છે. તેની જે નવી રંગત છે તેનાથી દંગ રહી જાય છે.
વિયેતનામે કરેલા સુધારા અને સતત પ્રયાસને લીધે જ તેણે પોતાની સ્થિતિમાં અદ્વિતિય સુધારો કર્યા. આજે તે ઘણા મુદ્દે ભારત જેવા મોટા દેશ કરતા આગળ છે. તેમાં ખાસ કરીને વ્યક્તિગત આવક એટલે કે માથાદિઠ આવક સરેરાશ ૫૦૦૦ ડોલર છે. તેની સામે ભારતની માથાદિઠ આવક ૨૧૦૦ ડોલરની આસપાસ છે. જે રીતે તેણે ૨૦૦૫થી ૨૦૨૫માં ગરીબી દૂર કરી તે આશ્ચર્યજનક છે. તેના કારણે જ વિશ્વ બેન્ક અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિયેતનામને ગરીબી નિવારણ કાર્યક્રમના મોડલ દેશ તરીકે જોવામાં આવે છે. સરકાર દ્વારા કરવામાં આવેલી સામાજિક અને આર્થિક સુધારાએ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી. સરકારની મજબૂત નીતિઓ અને લાંબાગાળાની યોજનાઓએ લોકોના જીવનધોરણ સુધારવામાં સૌથી વધુ મદદ કરી હતી.
જાણકારોના મતે વિયેતનામે ૧૯૮૬માં ડોઈમોઈ સુધારા લાગુ કર્યા. તેણે આ સુધારા લાગુ કરતાની સાથે જ કેન્દ્રીકૃત સમાજવાદી વ્યવસ્થા હતી તેને સાઈડલાઈન કરીને બજારની અર્થવ્યવસ્થાને અપનાવી હતી. તેના દ્વારા રોજગાર અને સર્જનમાં તેજી આવવા લાગી હતી. આ સિવાય બજારમાં તેજી આવી, ખેતીમાં સુધારા થવા લાગ્યા, આયાત અને નિકાસ વધવા લાગ્યો, ઔદ્યોગીકરણ માટે નવા સુધારા લાગુ કરાયા, વિદેશી રોકાણ માટેની નીતિઓમાં ફેરફાર કરાયો જેના કારણે જીડીપીમાં સુધારો થવા લાગ્યો.
૧૯૯૦થી ૨૦૨૦ દરમિયાન વિયેતનામનો જીડીપી સરેરાશ ૬-૭ ટકા જેટલો રહ્યો હતો. એક સમયે બે ટંક ભોજન માટે વલખાં મારતો આ દેશ આજે કપડાં, ઈલેક્ટ્રોનિક્સ અને માછલીઓના ઉત્પાદન માટે દુનિયાના સૌથી મોટા હબમાં સ્થાન ધરાવે છે. અહીંયા શ્રમ પ્રધાન ઉદ્યોગોએ કરોડો લોકોને રોજગારી આપી અને ગરીબી રેખાથી બહાર કાઢયા.
આ સુધારામાં બીજો મોટો ભાગ સામાજિક માળખાએ પણ ભજવ્યો છે.
વિયેતનામનું સામાજિક માળખું ત્રણ સ્તંભ ઉપર ચાલે છે, સામાજિક વીમો, સામાજિક મદદ અને સક્રિય શ્રમ બજાર કાર્યક્રમ- જેના દ્વારા દરેક વર્ગને સુરક્ષા મળે છે. વિયેતનામે ગરીબી નિવારણની સાથે સાથે શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાને પણ જોડયા હતા. અહીંયા બીજી બાબત એ છે કે, આ દેશની ૫૦ ટકા વર્કફોર્સ મહિલાઓ છે. તેમને સાથે રાખીને સરકારે સુધારા ચાલુ કર્યા હતા. બીજી તરફ સરકારની અન્ય એક નીતિ અને યોજના કામ કરી ગયા. અહીંયાની સરકારે કેન્દ્રથી નહીં પણ ગ્રામ્ય સ્તરથી સુધારા અને નવીનીકરણ લાગુ કર્યા હતા.
આ યોજના અથવા તો અભિગમ વિયેતનામની સફળતાનો મંત્ર બની ગયો. અહીંયા સાફસફાઈ, મહેનત, રાષ્ટ્રભક્તિ, ઈમાનદારી જેવા સામાજિક અને રાજકીય માપદંડોએ અહીંયાની વસતીને વધારે સુધી અને વૈશ્વિક ધોરણે સ્વીકૃત બનાવી દીધી.
વિયેતનામ : દુનિયામાં સૌથી ઝડપી ગરીબીમાં ઘટાડો કરનાર દેશ
અમેરિકા સાથેના યુદ્ધ બાદ જે સુધારા થયા તેમાં સરકારે ગરીબી ઘટાડવા માટે અને ગરીબોની વસતી ઓછી કરવા માટે પગલાં લેવાની શરૂઆત કરી દીધી. સરકારે ત્રણ તબક્કામાં ગરીબી નિવારણ કાર્યક્રમ ચલાવ્યા. તેમાં માળખાગત સેવાઓને વધારે મજબૂત કરવામાં આવી. તેના દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય અને સિંચાઈ પણ મજબૂત કરવામાં આવ્યા. આર્થિક મદદ અને રોજગાર યોજનાઓ પણ વ્યાપક પ્રમાણમાં ચલાવવામાં આવી. એકંદરે જોવા જઈએ તો ૨૦૨૫ આવતા સુધીમાં તો અહીંયા આમૂલ પરિવર્તન આવી ગયું. વિયેતનામમાં ગરીબીનું સ્તર ૧.૫ ટકા સુધી પહોંચી ગયું. ૨૦૨૩માં સરકારી અહેવાલ આવ્યો હતો જેમા જણાવાયું હતું કે, વિયેતનામમાં હવે માત્ર ૧૫.૮ લાખ લોકો જ ગરીબી રેખાની નીચે વધ્યા છે. ગ્રામ્ય અને પર્વતીય વિસ્તારોમાં ગરીબી હજી પણ વધારે છે અને કદાચ દેશના અન્ય ભાગ કરતા પણ વધારે છે. બાકીના સમગ્ર દેશમાં ગરીબી અત્યંત ઝડપથી ઘટી ગઈ. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર ૨૦૧૬માં બહુઆયામી ગરીબી ૯.૯ ટકા હતી જે ૨૦૨૩માં ઘટીને ૪.૫ ટકા જ રહી ગઈ છે. છેલ્લાં ૨૦ વર્ષોમાં સરેરાશ ૪ કરોડથી વધારે લોકો ગરીબી રેખાની નીચેથી બહાર આવી ગયા. વિયેતનામે ઝડપી આર્થિક વિકાસ, લક્ષિત સામાજિક નીતિઓ તથા પ્રાદેશિક અસમાનતાને સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાના કારણે સમગ્ર દેશમાં સુધારો કર્યો. તેનું આ મોડલ સમગ્ર દુનિયા માટે અભ્યાસનો અને તેને લાગુ કરવાનો એક ખાસ ભાગ બની ગઈ. વિયેતનામ દ્વારા દેશને વિવિધ ઝોનમાં પણ વહેંચવામાં આવ્યો છે. તેમાં ઉત્તરથી દક્ષિણ સુધી ફરીએ ત્યારે ખ્યાલ આવશે કે અહીંયા નદીઓ જ દેશના નિકાસ માળખા તથા સ્પેશિયલ ઝોન માટે અને ઉદ્યોગો માટે વરદાનરૂપ સાબિત થઈ. તેમાં મઝોલે માલવાહક જહાજો આવવા લાગયા.
અહીંયા દરરોજ હજારો ક્રેન દ્વારા માલસામાન મોકલાવાય છે અને માલ સામાનની આયાત પણ કરવામાં આવે છે. વિયેતનામના વિશેષ આર્થિક ક્ષેત્રો એટલે કે સેઝમાં ટેક્સમાં રાહત અને સરળ લાઈસેન્સિંગ યોજનાના પગલે ઈલેક્ટ્રોનિક્સ, કપડા અને એસેમ્બલિંગ ઉદ્યોગોને આકર્ષિત કર્યા. સરેરાશ જોવા જઈએ તો ભારત કરતા વિયેતનામ હાલમાં આગળ છે પણ હકિકતે તો ખેતી જ એક એવો રોજગાર છે જેના દ્વારા ભારત અને વિયેતનામ બંને દેશોના આર્થિક સુધારાને વેગ મળ્યો હતો. તેમાંય લો-ડેબ્ટ, હાઈ કોમ્પ્લાયન્સ શાસન મોડલ છે જેના દ્વારા કંપનીઓને ૧૦-૧૫ વર્ષ સુધી ૧૦-૧૭ ટકાના સૌથી ઓછા કોર્પોરેટ ટેક્સમાં રાહત મળે છે. તેના પગલે વિદેશી કંપનીઓએ ઘણું મોટાપાયે રોકાણ કર્યુંં અને વિયેતનામના વિકાસનો પથ શરૂ થયો હતો.








