Editorial

ક્લાઉડ સીડિંગ : દિલ્હીના પ્રદુષણને નાથવાનો નવતર પ્રયોગ

By GS TEAM
26 Oct 20257 mins read
ક્લાઉડ સીડિંગ : દિલ્હીના પ્રદુષણને નાથવાનો નવતર પ્રયોગ

- દિવાળી બાદ શિયાળા દરમિયાન દિલ્હીના આકાશમાં પ્રદુષણની ભરમાર હોય છે જે તેને ગેસચેમ્બર બનાવી નાખે છે

- હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 28, 29 અને 30 ઓક્ટોબરે દિલ્હી NCRમાં વાદળોની પર્યાપ્ત હાજરીની સંભાવના છે. તેમાં પણ જો વાતાવરણ અનુકુળ રહ્યું તો 29 ઓક્ટોબરે દિલ્હી પ્રથમવાર કૃત્રિમ વરસાદનો અનુભવ કરી શકે છે : ક્લાઉડ સીડિંગ એક એવી રસાયણિક પદ્ધતિ છે જેના દ્વારા વાતાવરણમાં પલટો લાવી શકાય છે. તેના દ્વારા વાદળો ઉત્પન્ન કરીને વરસાદ અથવા તો હિમવર્ષા વરસાવી શકાય છે. તેના થકી વાદળોની ક્ષમતા વધારવામાં આવે છે અને વરસાદ કે હિમવર્ષા વધારવા માટે તેનો ઉપયોગ કરાય છે : ક્લાઉડ સીડિંગ દરમિયાન કન્ડેન્સેશનને જાગ્રત કરવા માટે જ્યારે સિલ્વર આયોડાઈડ અથવા તો સોડિયમ ક્લોરાઈડ વાદળોમાં નાખવામાં આવે છે. તેને ઓછા પ્રમાણમાં નાખવામાં આવે તો તેનાથી જોખમ ઓછું થાય છે

દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં જ દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ જાહેરાત કરી હતી કે, રાજધાનીમાં પ્રથમવાર ક્લાઉડ સીડિંગ કરાવવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેનું સફળ ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે. આગામી સમયમાં તેનું વિગતે અમલીકરણ કરાશે અને તેનું સકારાત્મક પરિણામ પણ જોવા મળશે. તેમણે જણાવ્યું હતું કે, બુરાડી વિસ્તારમાં ક્લાઉડ સીડિંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૨૮, ૨૯ અને ૩૦ ઓક્ટોબરે દિલ્હી NCRમાં વાદળોની પર્યાપ્ત હાજરીની સંભાવના છે. તેમાં પણ જો વાતાવરણ અનુકુળ રહ્યું તો ૨૯ ઓક્ટોબરે દિલ્હી પ્રથમવાર કૃત્રિમ વરસાદનો અનુભવ કરી શકે છે. રેખા ગુપ્તાએ ટેક્નોલોજી અને વૈજ્ઞાાનિક દ્રષ્ટિથી આ કૃત્રિમ વરસાદને દિલ્હીના ઈતિહાસનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, સરકારનો ઉદ્દેશ્ય છે કે આ નવા પ્રયોગથી રાજધાનીની હવાને સ્વચ્છ અને વાતાવરણને સંતુલિત બનાવવામાં આવી શકે છે. આ સમગ્ર પ્રયોગ અને સ્થિતિ અંગે દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ પણ જણાવ્યું હતું કે, આઈઆઈટી કાનપુરથી મેરઠ, ખેકડા, બુરાડી, સાદકપુર, ભોજપુર, અલીગઢ થઈને દિલ્હી અને પરત આઈઆઈટી કાનપુર સુધી એક ટ્રાયલ સીડિંગ ઉડાન ભરવામાં આવી હતી. જેમાં ખેકડા અને બુરાડીની વચ્ચે અને બાદલી વિસ્તારના ઉપર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ક્લાઉડ સીડિંગ ફ્લેયર્સ નાખવામાં આવ્યા. આ કલાઉડ સીડિંગની ક્ષમતાઓ, વિમાનની તૈયારી અને ક્ષમતા, ક્લાઉડ સીડિંગ ફિટિંગ અને ફ્લેયર્સની ક્ષમતાના આકલન અને તમામ સંબંધિત એજન્સીઓની વચ્ચે સમન્વયની તપાસ માટે એક ટેસ્ટિંગ ઉડાન હતી. હવે તેમાં સફળતા જોવા મળી છે તેથી મોટા વિસ્તારમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.

ખાસ વાત એવી છે કે, દિલ્હી દર વર્ષે દિવાળી દરમિયાન પ્રદુષણથી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે. ખાસ કરીને એનસીઆર વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં દિવાળીથી તેની પૂર્ણાહુતિ દરમિયાન દિલ્હીનું વાતાવરણ અત્યંત ઝેરી હોય છે અને દરેક વિસ્તારનો એક્યુઆઈ ખૂબ જ મોટા આંકડામાં આવે છે. તાજેતરમાં પણ દિવાળીના દિવસે દિલ્હી ગેસચેમ્બરમાં જ ફેરવાઈ ગયું હતું. હાલમાં પણ દિલ્હીની આવી જ સ્થિતિ છે. તાજેતરમાં સીપીસીબી દ્વારા દિલ્હીનો એક્યુઆઈ કાઢવામાં આવ્યો જે દિવાળીના દિવસ કરતા સુધર્યો છે છતાં ગણાય છે ખરાબ સ્થિતિમાં જ. તેને સામાન્ય કહી શકાય તેમ નથી. શિયાળાની શરૂઆત થતા જ દિલ્હીનું આકાશ કાળા અને ઝેરી ધુમાડાથી ભરાવા લાગે છે જેના કારણે નાગરિકોને ઘણી વખત શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને આંખોમાં પણ બળતરા થવા લાગે છે. આ મુશ્કેલી લાંબો સમય ચાલે છે. નીચું તાપમાન અને પવનનો અભાવ પ્રદુષણને જમીન ઉપર જ રોકી રાખે છે અને લોકોની મુશ્કેલી વધતી જાય છે. આ વર્ષે દિલ્હી સરકારે ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ વરસાવીને રાહત આપવાની તૈયારી કરી લીધી છે. હવે જોઈએ તે કેટલું કારગર સાબિત થાય છે.

ક્લાઉડ સીડિંગ એક એવી રસાયણિક પદ્ધતિ છે જેના દ્વારા વાતાવરણમાં પલટો લાવી શકાય છે. તેના દ્વારા વાદળો ઉત્પન્ન કરીને વરસાદ અથવા તો હિમવર્ષા વરસાવી શકાય છે. તેના થકી વાદળોની ક્ષમતા વધારવામાં આવે છે અને વરસાદ કે હિમવર્ષા વધારવા માટે તેનો ઉપયોગ કરાય છે. તેના માટે કન્ડેન્સેશન ને સક્રિય કરવા માટે સામાન્ય વાદળોમાં સિલ્વર આઈયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ અથવા સોડિયમ ક્લોરાઈડ જેવા સોલ્ટ વાદળોમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. સંશોધકો દ્વારા વધારે વરાળ અને ભેજ ધરાવતા વાદળોની શોધ કરીને તેમાં આ કેમિકલના બીજ રોપવામાં આવે છે. આ વાદળો પૂરતો ભેજ હવા છતાં જાતે વરસવામાં સક્ષમ હોતા નથી તેથી આ કારણે કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે. આ સોલ્ટ અથવા ઈન્વાયસ ફેક્ટર, ન્યૂક્લિયસ તરીકે કામ કરે છે. તેની ચારેતરફ પાણીના ટીપા બાઝવા લાગે છે. તે ઉપરાંત ક્રિસ્ટલકૃતિ બરફ ભેગો થાય છે. આ કણોને વિમાન, રોકેટ, અથવા તો જમીન ઉપરથી છોડવાની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ક્લાઉડ સીડિંગ કરવા દરમિયાન પાણીના ટીપાનો ભર વધવા લાગે છે. ૧૯૪૦ના દાયકામાં તેનું ચલણ હતું. તેને વિવિધ કારણોના લીધે લાગુ કરવામાં આવે છે. ૧૯૪૦ના દાયકામાં તો દુકાળ અને ઓલા પડવાના કારણે ઘણું કામ નુકસાન થતું હતું જે ટાળી શકાયું છે. 

કૃત્રિમ વરસાદ અથવા ક્લાઉડ સીડિંગ, હવામાં રહેલા પ્રદૂષકો અને ધૂળને દૂર કરવામાં મદદરૂપ થાય છે. લાંબા સમય સુધી વરસાદ થવાથી સૂક્ષ્મ કણો (ઁસ્ ૨.૫) અને ઁસ્ ૧૦ વરસાદી પાણીમાં ધોવાઈને જમીન ઉપર આવી જાય છે. જોકે, ઓઝોન અને સલ્ફર ડાયઓક્સાઇડ જેવા અન્ય પ્રદૂષકો પર તેનો કોઈ અસર થતો નથી. આ ટેક્નોલોજીની અસરકારકતા વિશે સતત ચર્ચા ચાલ્યા કરે છે.  દિલ્હી પ્રદુષણની સમસ્યાનો હાલમાં જોઈએ તો એકમાત્ર ઉકેલ ક્લાઉડ સીડિંગ નથી. તેનાથી કુદરતી વાદળો ઉપર પણ અસર થશે. તેની હાજરી પણ આ કામગીરીમાં ભૂમિક ભજવશે. થોડા સમય પહેલાં જ દિલ્હીના સેન્ટર ફોર એટોમોસ્ફેરિક સાયન્સીઝમાં કામ કરતા લોકોએ પણ તેમાંથી મુક્તિ મળવાનું નક્કી નથી તેવું કહ્યું છે. બીજી તરફ સીએફએસીના જાણાકારોએ જણાવ્યું કે, વાદળો હોવા છતાં ક્લાઉડ સીડિંગ કરવાથી વરસાદમાં વધારો થશે તેવા ખાસ પુરાવા મળ્યા નથી અને આ મુદ્દો જ અત્યાર સુધી વિવાદાસ્પદ રહ્યો છે. તેમનું ખાસ તો એવું માનવું છે કે, આ પ્રકારના કૃત્રિમ વરસાદના કારણે બે-ચાર દિવસ જ લાબ થાય છે. વરસાદ પડે ત્યારે પ્રદુષણ ઘટે છે અને ફરી બે-ચાર દિવસમાં સ્થિતિ પહેલા જેવી થવા લાગે છે.

જાણકારોના મતે આ કામગીરી કરવામાં જોખમ વધારે લેવું પડે તેમ છે. ક્લાઉડ સીડિંગ દરમિયાન કન્ડેન્સેશનને જાગ્રત કરવા માટે જ્યારે સિલ્વર આયોડાઈડ અથવા તો સોડિયમ ક્લોરાઈડ વાદળોમાં નાખવામાં આવે છે. તેને ઓછા પ્રમાણમાં નાખવામાં આવે તો તેનાથી જોખમ ઓછું થાય છે. જ્યારે આ રસાયણોનો વધારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ વરસાદનું પાણી નીચે જમીન અને પાણીના સ્રોતમાં ભેગું થવા લાગે છે. તે ઉપરાંત આ પદ્ધતિથી વારંવાર વરસાદ વરસાવવામાં આવે તો તેમાં કિકલની હાજરી વધવા લાગે છે. તેના કારણે પર્યાવરણ અને કુદરતી સ્રોતને હાનિ પહોંચવા લાગે છે. કેટલાક જાણકારો માને છે કે, આ એક જવાબદારીપૂર્ણ કામગીરી છે. તેની શરૂઆત થયા બાદ તેના પરિણામોમાંથી પણ છટકી શકાય તેમ નથી. 

ક્લાઉડ સીડિંગ દરમિયાન જો યોગ્ય સંતુલન સધાયું ન હોય તો તેના કારણે ભારે વરસાદ પડવાની શક્યતાઓ વધી જાય છે જેના પગલે પૂર આવી શકે છે. આ પૂરના કારણે ખેતીને નુકસાન થાય છે, માળખાગત સેવાઓને અને ઈમારતોને નુકસાન થાય છે. એક તરફ ફાયદો લેવાના પ્રયાસમાં નુકસાન વધારે થઈ જાય છે.

દિલ્હી-એનસીઆરમાં 100 કિ.મી વિસ્તારમાં ક્લાઉડ સીડિંગની અસર અનુભવાશે 

દિલ્હી-એનસીઆરમાં ક્લાઉડ સીડિંગ પ્રોડેક્ટ માટે પાંચ સેના વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકારના એડવાન્સ વિમાન ખરેખર તો વધારે પ્રમાણમાં વાપરવાની કોઈ જરૂર પણ નથી. તેના પગલે જ મર્યાદિત વિસ્તારને ટાર્ગેટ કરવાના આશયથી પાંચ જેટલા વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. આઈઆઈટી કાનપુરનું એક સેસના ૨૦૬-એચ વિમાન તાજેતરમાં જ દિલ્હીમાં ટ્રાયલ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. 

આ વિમાન ક્લાઉડ સીડિંગના સંશાધનોથી સજ્જ છે. આવા પાંચ વિમાનો ઉપયોગમાં લેવામાં આવશે. દરેક વિમાન ૯૦ મીનિટની ઉડાણ ભરશે. દિલ્હી એનસીઆરનું કુલ ક્ષેત્રફળ ઘણું મોટું છે. તે અંદાજે ૫૫,૦૦૦ વર્ગ કિલોમીટર છે. તેને આવરી લેવાની હાલમાં કોઈ તાતી જરૂરિયાત જણાતી નથી. તેના પગલે પાંચ વિમાન ઉડાડવામાં આવશે. તેના દ્વારા ૧૦૦ વર્ગ કિલોમીટરના વિસ્તારને આવલી લેવાની ગણતરી છે. તેનાથી સમગ્ર એનસીઆર તો કવર થવાનું નથી પણ ઉત્તર-પશ્ચિમ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારને લાભ થશે. વરસાદના કારણે પ્રદુષણ ઓછું થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ક્લાઉડ સીડિંગ કોઈ નવી બાબત નથી. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર અને ગુજરતા તથા તમિલનાડુમાં તેનો દુકાળ દરમિયાન કે ઓછા વરસાદ બાદ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણી વખત આ રાજ્યોએ ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કર્યો છે. ભારતમાં ૧૯૭૨માં સૌથી પહેલાં ઉષ્ણકટિબંધીય હવામાન વિભાગ દ્વારા ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું. તે વખતે ખરેખર સંશોધકોને સફળતા મળી હતી કે, નહીં તે આજે પણ સ્પષ્ટ નથી. તેવી જ રીતે થોડા સમય પહેલાં કર્ણાટક અને મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી આપવા માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું. તેની સફળતાનું પરિણામ પણ આજદિન સુધી આવ્યું નથી. ભારતીય સંશોધકો દ્વારા ક્લાઉડ એરોસોલ ઈન્ટરેક્શન એન્ડ પ્રીસિપિટેશન એન્હાન્સમેન્ટ એક્સપિરિમેન્ટ કરવામાં આવે છે. આ પ્રયોગ મોટાભાગે સામાન્ય સ્થિતિઓમાં ૧૫-૨૦ ટકા વધવાના સંકેત આપે છે. બીજી તરફ દિલ્હી જેવા ગીચ શહેરમાં અને તેમાંય ખાસ કરીને શિયાળાના સુકા દિવસોમાં પ્રદુષણ વધારે હોય છે ત્યાં ક્લાઉડ સીડિંગ કારગર સાબિત થશે કે કેમ તે આવનારો સમય જ સાબિત કરશે.