એરસ્ટ્રાઈક : દુનિયા ઝડપી ઉકેલને પસંદ કરવા લાગી છે !

- ઓપરેશન સિંદૂર, ઓપરેશન રાઈઝિંગ લાયન કે પછી ઓપરેશન મિડનાઈટ હેમર : વિશ્વમાં હવાઈ યુદ્ધ અને હુમલાનું ચલણ વધ્યું
- લાંબા સમય સુધી ચાલતા યુદ્ધો, ખાના ખરાબી, જાનમાલનું નુકસાન, હિજરત, સૈનિકોની અટકાયત, એકબીજા સાથે સમાધાનની વાત અને સૈનિકો પરત કરવાની કવાયત આ બધું જ અટકી ગયું છે : રશિયા, યૂક્રેન, ભારત, પાકિસ્તાન, ઈરાન, ઈઝરાયેલ, અમેરિકા બધા જ ઝડપી પગલાં લેવા માટે હવાઈ હુમલા જ પસંદ કરી રહ્યા છે : હાલમાં ડ્રોન્સ, લાંબા અંતરની મારણક્ષમતા ધરાવતી મિસાઈલ્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટ્સ અને બીજા ઘણા સાધને ઉપલબ્ધ છે જેના કારણે સૈનિકોને થતી હાનીથી બચી શકાય છે અને યુદ્ધમાં ધાર્યા અને ઝડપી પરિણામ મેળવી શકાય છે : આવા યુદ્ધમાં હથિયારો વેચી કેટલાક ચોક્કસ દેશો સમૃદ્ધ બનશે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલુ થયેલું યુદ્ધ આખરે ૧૨ દિવસે યુદ્ધ વિરામ તરફ વળ્યું છે અને શાંતિ સ્થપાવાના એંધાણ છે. તેમાંય અમેરિકાએ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ ઉપર કરેલા બોમ્બમારા બાદ આ યુદ્ધની સ્થિતિ બદલાઈ હતી. અમેરિકા દ્વારા જે રીતે મધરાતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું તેના કારણે દુનિયામાં એક નવી જ ચર્ચાએ જન્મ લીધો છે. અમેરિકાએ ઓપેરશન મિડનાઈટ હેમર એક એવું હવાઈ ઓપરેશન હતું જે છેલ્લાં કેટલાક મહિનામાં જોવા મળેલું ત્રીજું મોટું એર ઓપરેશન હતું. ઓપરેશન મિડનાઈટ હેમર દ્વારા અમેરિકાએ બીટુ બોમ્બર વિમાનો દ્વારા એટેક કરવામાં આવ્યો હતો. આ પહેલાં ઈઝરાયેલ દ્વારા જે યુદ્ધ શરૂ કરાયું તેને તેણે ઓપરેશન રાઈઝિંગ લાયન નામ આપ્યું હતું. તેણે ૧૨ દિવસ સુધી સતત ઈરાનના વિવિધ ઠેકાણાઓ ઉપર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતું. તેવી જ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ત્રણ દિવસ જેટલું નાનકડું હવાઈ યુદ્ધ લડાઈ ગયું.
ભારતના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આતંકવાદનો ખાતમો બોલાવવા માટે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. પીઓકે અને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના વિવિધ ઠેકાણાઓ ઉપર હુમલો કર્યો હતો. ભારતે ફાઈટર પ્લેન, ડ્રોન અને મિસાઈલો દ્વારા જે રીતે હુમલો કર્યો હતો કે, પાકિસ્તાન ઘુંટણીયે આવી ગયું હતું.
આતંકના આકાઓને પરસેવા છૂટી ગયા હતા. ખાસ કરીને પાકિસ્તાનના ન્યૂક્લિયર ઊર્જા કેન્દ્રો પાસે ભારતની મિસાઈલો જતાં પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું હતું. અહીંયા એક વાત એવી છે કે, ત્રણ દિવસમાં યુદ્ધ વિરામ થઈ ગયો પણ ભારતે પોતાની તરફથી સ્થિતિ ખુલ્લી મૂકેલી છે. તેણે કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર ચાલુ જ રહેશે. આતંકવાદી કૃત્ય થશે તો ઓપરેશન હાથ ધરવામાં આવશે. અહીંયા વિચારવા જેવું એ છે કે, હવે દેશો દ્વારા લાંબા લાંબા સમય માટે કરાતા યુદ્ધો અટકાવી દેવાયા હોય તેવું લાગે છે. તેના સ્થાને દેશો દ્વારા એકબીજા ઉપર હવાઈ હુમલા કરવામાં આવે છે.
દુનિયાના દેશો ઝડપી ઉકેલ લાવવા અને ઝડપી પગલાં લેવા માટે હવાઈ હુમલાના માર્ગે વળી ગયા છે. દુનિયામાં લાંબા યુદ્ધઓના બદલે ટૂંકા અને ઝડપી હવાઈ યુદ્ધોનો યુગ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે.
જાણકારોના મતે દુનિયાભરમાં મિલિટરી એક્ટિવિટી અને મિલિટરી ઓબ્જેક્ટિવ બદલાઈ ગયા છે. હવે તમામ દેશોને ઝડપી, ચોક્કસ ક્ષેત્રોમાં, મર્યાદિત સાધનો સાથે અને સચોટ પરિણામ આપે તેવા યુદ્ધ લડવા છે. તેના કારણે મોટાભાગે ટાર્ગેટેડ એર ઓપરેશન્સને વધારે પ્રેક્ટિકલ માનવામાં આવી રહ્યા છે. હાલમાં ડ્રોન્સ, લાંબા અંતરની મારણક્ષમતા ધરાવતી મિસાઈલ્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટ્સ અને બીજા ઘણા સાધને ઉપલબ્ધ છે જેના કારણે સૈનિકોને થતી હાનીથી બચી શકાય છે અને યુદ્ધમાં ધાર્યા અને ઝડપી પરિણામ મેળવી શકાય છે. ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી ઉપર સમયાંતરે આક્રમણ કરીને હમાસનો ખાતમો બોલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
૨૦૨૩થી હમાસ દ્વારા ઈઝરાયેલના કેટલાક લોકોને બંદી બનાવાયા હતા તેને છોડાવવા માટે બે વર્ષ સુધી ઈઝરાયેલે હવાઈ હુમલા ચાલુ રાખ્યા અને પોતાના યુદ્ધના અનોખા કૌશલ્ય દ્વારા હમાસને હંફાવી દીધા. તેમ છતાં યુદ્ધ તો પૂરું થયું જ નથી. જ્યારે કાંકરીચાળો થાય કે તરત જ હવાઈ હુમલા શરૂ કરી દેવામાં આવે છે. આ એક એવું યુદ્ધ બનીને રહી ગયું છે જેમાં મોસાદ દ્વારા ગાઝા અને વિદેશમાં રહેલા હમાસના તમામ કમાન્ડરોનો ખાતમો બોલાવી દેવાયો છે પણ હમાસ લડવૈયાઓ હજી પણ લડત આપી રહ્યા છે. આ વિષમ યુદ્ધ ચાલ્યા જ કરવાનું છે.
હવેના સમયમાં ટાર્ગેટેડ મિસાઈલ મારો, મોટી ઇમારતો, શહેરના વિસ્તારોને નષ્ટ કરી શકશે. કહેવાતું યુદ્ધ વર્ષો સુધી ચાલ્યા કરશે. વૉર - વેપન્સના વેચાણથી અમુક ચોક્કસ દેશોની સમૃદ્ધિ પણ આવા યુદ્ધનું કારણ હશે !
આ જ દિશામાં બીજો વિચાર કરીએ તો રશિયા અને યૂક્રેન વચ્ચે જે વિવાદ અને યુદ્ધ ચાલે છે તે વર્તમાન વિશ્વમાં ચાલેલું સૌથી મોટું યુદ્ધ છે. તે હજી પણ ત્રણ વર્ષ પૂરા થવા છતાં ચાલુ જ છે. તેમાં દુશ્મનનો ધીમે ધીમે ખાતમો બોલાવવાની એક વૃત્તિ સમાયેલી છે. તેની સામે ભારતે જે પાકિસ્તાન સાથે કર્યું હતું અથવા તો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જે થયું તેને ક્વિક ઓપરેશન્સ વોર કહી શકાય તેમ છે. કદાચ ભવિષ્યમાં પણ આવા જ મોડલ ઉપર યુદ્ધ લડાતા થઈ જશે અને લાંબા તથા કંટાળાજનક અને દુશ્મનને ધીમે ધીમે મારવાની વૃત્તિ ધરાવતા નિરસ યુદ્ધકાળનો અંત આવી જશે. આવા જ લાંબા અને કંટાળાજનક યુદ્ધની વાત કરીએ તો અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં જે કરવામાં આવ્યું હતું તે યુદ્ધ છે. અમેરિકા દ્વારા ઓક્ટોબર ૨૦૦૧માં તાલિબાનોનો ખાતમો બોલાવવા માટે અફઘાનિસ્તાનની ધરતી ઉપર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું. તેના ૨૦ વર્ષ બાદ ઓગસ્ટ ૨૦૨૧માં એકાએક અમેરિકન આર્મી અફઘાનિસ્તાનમાંથી જતી રહી. અફઘાનિસ્તાનને તાલિબાનોના હાથમાં છોડીને અમેરિકા જે રીતે નીકળ્યું તે દર્શાવે છે કે, લાંબા, ખર્ચાળ અને કંટાળજનક યુદ્ધોમાં હવે દુનિયાને રસ નથી.
બીજી એક રસપ્રદ બાબત પણ એવી સામે આવી છે કે, લોકોને પાયદળમાં જોડાવામાં રસ ઓછો થવા લાગ્યો છે. રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં જે થયું ત્યારબાદ ઘણા લોકો સૈન્યમાં જોડાવા માગતા નથી. તેમાં મોત થવાની શક્યતાઓ અને કંટાળાજનક રીતે લાંબા સમય સુધી એક સ્થળે ફસાયેલા રહેવું, બંદી બનવું કે પછી સામાન લઈને ચાલ્યા કરવું યુવાનો ટાળી રહ્યા છે. રશિયાને જ સૈનિકો મેળવવામાં તકલીફ પડી હતી જેના કારણે નોર્થ કોરિયાના સૈનિકો તેની વહારે આવ્યા હતા.
રશિયાએ જેલમાંથી અને બીજા ઘણા સ્થળેથી તથા ગુનેગારોને સૈનિકો બનાવીને યૂક્રેનમાં મોકલ્યા હતા. આવી જ સ્થિતિ યૂક્રેનની પણ થઈ હતી. તેમાં સામાન્ય લોકો ક્યારેક ક્યારેક હથિયારો લઈને યુદ્ધના મોરચે જતા હતા પણ સૈનિક બનવા યુવાનો તૈયાર થતા નહોતા. તેમણે પણ ચોક્કસ હિંસક જૂથ, આતંકીઓ, ગુનેગારોને યુદ્ધ લડવા મોકલ્યા હતા. તે સિવાય વિદેશના પણ આવા જૂથો તેમના માટે લડવા માટે આવ્યા હતા.
જાણકારોના મતે હવે નવી પેઢીના સૈનિકો અને લડવૈયાઓને પણ આધુનિક અને ઝડપી હથિયારોનો ચસકો લાગેલો છે. તેઓ પરંપરાગત બંધૂકો અને બોમ્બને ખાસ પસંદ કરતા નથી. તેમના માટે તો ડ્રોેન્સ, રોકેટ લોન્ચર, મિસાઈલ્સ અને બીજા આધુનિક હથિયારો જ શ્રેષ્ઠ સાધનો છે. તેમાંય હવે તો અનમેન્ડ એરિયલ વ્હિકલનો જમાનો આવી ગયો છે. રશિયા દ્વારા યુક્રેેન સામે કે પછી ઈરાન અને ઈઝરાયેલ દ્વારા એકબીજાની ઉપર અથવા તો પછી ભારત દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન ઉપર હુમલા કરવા માટે આવા ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જાણકારો માને છે કે, મોટી સંખ્યામાં સૈનિકો મોકલવા, તેમને રાખવા, તેમની સુરક્ષા, તેમના રખરખાવ અને બીજા ઘણા ખર્ર્ચા કરવા, તેમની વ્યવસ્થાઓમાં સમય અને પૈસા વાપરવા કરતા ઝડપથી હુમલા કરવા માટે ડ્રોન્સ અને મિસાઈલ્સને વધારે પસંદ કરવામાં આવી રહ્યા છે.
દુશ્મનને ઘુંટણીયે લાવવા માટે માનવરહિત ડ્રોન્સ, મિસાઈલ્સ અને અન્ય એરિયલ વ્હિટકલ થકી એક નાનકડા રૂમમાં બેસીને પણ કામ કરી શકાય છે.
આમ સમજીએ તો મૂળ વાત સ્પષ્ટ છે કે, હાલમાં ભલે લોકોને હવાઈ યુદ્ધ પસંદ આવતા કે પછી કરવામાં આવતા પણ પારંપરિક યુદ્ધો ક્યારેય ભુલાયા નથી અને ભુલાશે પણ નહીં. હાલમાં હવાઈ હુમલાથી કામગીરી ઝડપથી પૂરી થઈ જાય છે પણ આવા યુદ્ધ લાંબા ચાલતા નથી.
સામ સામી લડાઈઓ લાંબી ચાલે છે અને કદાચ લાંબા સમય સુધી યાદ પણ રહે છે.
બીજી તરફ ભારતનું પાકિસ્તાન સામેનું ઓપરેશન સિંદૂર, ઈઝરાયેલનું ઈરાન સામેનું ઓપરેશિન રાઈઝિંગ લાયન કે પછી અમેરિકાનું ઓપરેશન હેમર હેડ તમામ ઓપરેશન એવા છે જે આધુનિક શસ્ત્રો, લાંબા પ્લાનિંગ, ચોક્કસ ટાર્ગેટ ઉપરના હવાઈ હુમલા અને માનવ રહિત સાધનો દ્વારા સફળ ઓપરેશન પાર પાડવાની કળા. આ બધું જ ઝડપી કામગીરી અને ઝડપી પરિણામ આપનારું છે. તે કેટલું લાંબું ચાલશે તેનાથી તેને કોઈ લેવાદેવા નથી.
અત્યાધુનિક સેવાઓ દ્વારા દુશ્મનોની શોધ અને તેમનો ખાતમો
વર્તમાન સમયમાં ચાલતા યુદ્ધોની એક સૌથી મોટી હકારાત્મક બાબત એવી છે કે, હવે દુશ્મનોની ભાળ લેવા માટે, આતંકીઓને શોધવા માટે કે પછી તેમને ઠાર કરવા માટે નવા જ પ્રકારના નેટવર્ક ગોઠવવામાં આવી રહ્યા છે. સૌથી પહેલાં તો જાસુસો દ્વારા દિવસો સુધી શોધખોળ કરીને ગુપ્ત માહિતી ભેગી કરવામાં આવતી હતી. હવે તો સેટેલાઈટ ઈમેજિસ, હિટ સેન્સિંગ વેપન્સ, રડાર અને બીજા ઘણા સાધનો આવી ગયા છે જેના દ્વારા દુશ્મનોની માહિતી મળી જાય છે. ઓપરેશન મિડનાઈટ હેમરની જ વાત કરીએ તો અમેરિકાએ તમામ સ્તરે માહિતી ભેગી કરીને સબમરિનમાંથી ટોર્પિડો ફાયર કર્યો અને બીટૂ સ્ટિલ્થ પ્લેન દ્વારા બોમ્બમારો કર્યો. આ રીતે તેણે દુનશ્મનોની છાવણીઓ નષ્ટ કરી દીધી. તે ઉપરાંત માનવરહિત ડ્રોન્સ અને મિસાઈલ્સ દ્વારા દુશ્મનોની ડિફેન્સ સિસ્ટમ, એર ડિફેન્સ સિસ્ટમ અને બીજા ઘણા મહત્ત્વના સ્થાનોનો ખાતમો બોલાવીદીધો જેથી દુશ્મન ઘુંટણીયે આવે. તે ઉપરાંત અમેરિકાને પોતાને સૈનિકો ગુમાવવા ન પડયા અને સરળતાથી તથા ઝડપથી ઓપરેશન પણ પૂરું થઈ ગયું. તેના સંશાધનો અને સાધનોને પણ આ કામગીરીમાં ખાસ નુકસાન થયું નથી. આવી જ રીતે ઓપરેશન સિંદૂરમાં પણ પાઈલટ્સ અને કન્ટ્રોલર સુખરૂપ ઘરે પરત આવી ગયા હતા. ભારતને ક્યાંય કોઈ જીવ ગુમાવવો પડયો નહોતો. ઈરાને પણ જ્યારે ઈઝરાયેલ ઉપર વળતો હુમલો કર્યો ત્યારે તેણે પણ ડ્રોન્સ અને મિસાઈલ્સ દ્વારા જ હુમલા કર્યા જેથી સૈનિકે નુકસાન ન જાય અને વળતો જવાબ પણ આપી શકાય. ડ્રોન્સની કિંમત પણ એટલી બધી નથી હોતી જેટલી સૈન્યને મોકલવાની, રાખવાની, ભોજન કરાવવાની કે પછી બાકીના સાધન સામગ્રી આપવાની જહેમત પાછળ ખર્ચવી પડે છે. તેમાં જવાનો શહિદ થવાનું જોખમ રહેલું છે જે હવાઈ હુમલામાં ખૂબ જ ઓછું છે.









