એક પ્રાચીન શિવ મંદિરના કારણે થાઈલેન્ડ-કમ્બોડિયા સામસામે

- પ્રિય વિશ્વકર્મા મંદિરની આસપાસનો ભાગ થાઈલેન્ડની નજીક છે પણ કમ્બોડિયાની સરહદ ગણાય છે તેના કારણે વિવાદ ઊભો થયો છે
- ફ્રાન્સ કોલોનિયાલિઝમ સમયે કમ્બોડિયા, થાઈલેન્ડ અને લાઓસ તેના શાસન હેઠળ હતા, 1953માં આ ત્રણેય દેશો મુક્ત થયા પણ તેમની સરહદો વિશે ત્યારે કોઈ નક્કર નિર્ણય લેવાયો નહોતો અને તેના પગલે આજદિન સુધી વિવાદ ચાલતો આવ્યો છે: આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા ૧૯૬૨માં ચુકાદો અપાયો હતો કે, આ શિવ મંદિર કમ્બોડિયાનું ગણાશે અને થાઈલેન્ડે ત્યારથી વિરોધ શરૂ કરી દીધો હતો: આ શિવ મંદિર ઉપરાંત અન્ય બે ત્રણ મંદિરો અને તેની આસપાસના વિસ્તારો એવા છે જે થાઈલેન્ડ અને કમ્બોડિયાના આઝાદી પહેલાંના નકશા પ્રમાણે વિવાદમાં ઘેરાયેલા છે: 2008માં આ મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયું હતું અને ત્યારથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હતું, આ મંદિર હાલમાં પણ ખંડેર હાલતમાં જ છે
થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે ભયાનક તણાવ વકર્યો છે. સરહદ ઉપર લડાઈ શરૂ થઈ ગઈ છે. બંને દેશો દ્વારા એકબીજા ઉપર સરહદે ગોળીબાર કરાઈ રહ્યો છે અને હવાઈ હુમલા દ્વારા તોપગોળા વરસાવાઈ રહ્યા છે. તેના કારણે થાઈલેન્ડમાં ૧૨ લોકોનાં મોત થયા છે. આમ તો ઘણા વખતથી થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે સરહદી વિવાદ ચાલે છે પણ તાજેતરનો વિવાદ થોડો વધી ગયો છે. તાજેતરમાં ફરીથી બંને દેશો વચ્ચે સરહદ વિવાદ વકર્યો છે અને બંને હિંસાના રસ્તે જતા રહ્યા છે. એક કમ્બોડિયા દ્વારા રોકેટ છોડવામાં આવ્યા તો થાઈલેન્ડ દ્વારા ગોળીબાર કરીને અને પછી એફ-૧૬ જેવા ફાઈટર પ્લેન દ્વારા વળતો હુમલો કરવામાં આવ્યો. જાણકારોના મતે આ બંને દેશોના વિવાદનું કારણ સરહદે આવેલું એક પ્રાચીન હિન્દુ શિવ મંદિર છે.
ઉલ્લેખનીય છે કે, ૧૯મી સદીમાં વિયેતનામ, થાઈલેન્ડ અને લાઓસને ફ્રાન્સે પોતાની વસાહત ગણાવીને ફ્રેન્ચ ઈન્ડોચાઈના ભાગ ગણાવ્યો હતો. ત્યારબાદ છેલ્લાં અંદાજે ૭૦-૭૫ વર્ષના સંઘર્ષ તથા બીજા વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે આ પ્રદેશો છોડવા પડયા હતા. વિયેતનામ અને કમ્બોડિયાને ૧૯૫૩-૫૪માં આઝાદી મળી. ફ્રાન્સનું શાસન આ દેશો ઉપરથી દૂર થતાં જ બંને દેશો વચ્ચે સરહદનો વિવાદ શરૂ થઈ ગયો હતો. થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે અંદાજે ૮૧૭ કિ.મી લાંબી સરહદ છે જેનો મોટાભાગનો પ્રદેશ ૨૦મી સદીની શરૂઆતમાં ફ્રાન્સના વસાહતી યુગના નકશાથી જ પ્રભાવિત છે. નકશામાં ઘણી જગ્યઓનું સિમાંકન એવું છે જે આજે પણ વિવાદાસ્પદ છે. તેના કારણે જ બંને દેશો વચ્ચે વિવાદ ચાલતો રહે છે. પ્રાચીન પ્રેહ વિહિયર, તા મોઆન થોમ અને તા મુએન થોમ જેવા પ્રાચીન મંદિરોની આસપાસ વિવાદ વધારે વકરેલો છે.
જાણકારોના મતે આ વખતે પ્રેહ વિહિયર મંદિરના નામે વિવિદ વકર્યો છે. ખમેર સામ્રાજ્ય દરમિયાન ડાંગરેક પર્વતોની એક વિશાળ શિલા ઉપર આ મંદિર બનાવવામાં આવ્યું હતું. ૯મી સદીમાં બનાવવામાં આવેલું આ એક વિશાળ હિન્દુ શિવ મંદિર વર્તમાન વિવાદના કેન્દ્રમાં છે. આ શિવ મંદિર ભૌગોલિક રીતે થાઈલેન્ડની પાસે આવેલું છે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય અદાલતે ૧૯૬૨માં ચુકાદો આપ્યો હતો કે, આ મંદિર કમ્બોડિયાનું છે. થાઈલેન્ડને આ ચુકાદો મંજૂર નહોતો પણ તેણે સ્વીકાર્યા સિવાય વિકલ્પ નહોતો. તેણે ચુકાદો સ્વીકારી લીધો પણ ત્યારથી બંને દેશો વચ્ચે વિવાદ ચાલ્યા કરે છે.
પ્રીહ વિહિર મંદિરને પ્રસાત પ્રીહ વિહિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખમેર સામ્રાજ્ય દરમિયાન રાજા ઉદયાદિત્યવર્મન બીજાએ આ શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ૨૦૦૮માં જ્યારે કમ્બોડિયાએ પ્રેહ વિહિયરને યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવા માટે અરજી કરી તો તેમની અરજી મંજૂર કરવામાં આવી હતી. યુનેસ્કોએ અરજીને મંજૂર રાખી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે વિવાદ વધી ગયો હતો. થાઈલેન્ડે આ મુદ્દે સખત વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે, પ્રસ્તાવિત માનચિત્ર મંદિરની આસપાસ ૪.૬ કિ.મીના વિવાદિત વિસ્તાર ઉપર અતિક્રમણ કરવામાં આવ્યું છે. તેના કારણે થાઈલેન્ડમાં રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો થયા હતા, કામગીરી અટકી હતી અને સરહદ ઉપર હિંસક અથડામણો પણ થઈ હતી.
૨૦૦૮થી ૨૦૧૧ દરમિયાન આ વિવાદ હિંસક બની ગયો અને સ્થિતિ એટલી વણસી ગઈ કે, ૨૦૧૧માં એક અઠવાડિયા સુધી સામ સામી સરહદે ગોળીબાર પણ થયો. તેમાં એક ડઝન કરતા વધારે લોકોનાં મોત થયા હતા. બંને દેશોની સરહદે વસેલા ગામડાના લોકોએ પલાયન કરવું પડયું હતું. બંને દેશોએ એકબીજાની સામે આક્રમકતા દાખવવાના અને એકબીજાની સંપ્રભુતાને ભયમાં નાખવાના આરોપ મુક્યા હતા. ૨૦૧૩માં આંતરરાષ્ટ્રીય અદાલતે સ્પષ્ટીકરણ કરવું પડયું અને જાહેર કરવામાં આવ્યું કે, પ્રેહ વિહિયર મંદિર અને તેની આસપાસના વિસ્તારની સંપ્રભુતા કંબોડિયાની છે. થાઈલેન્ડની સેનાને આ વિવાદિત વિસ્તારમાંથી ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો. થાઈલેન્ડે તેનું પાલન કર્યું પણ નકશા, સૈન્ય પેટ્રોલિંગ અને પોતાના સંપ્રભુતાના સ્મારકો ઉપર આ વિસ્તારમાં મતભેદ ચાલુ રાખ્યો.
પ્રીહ વિહિયરની સાથે સાથે થાઈલેન્ડના સુરિન પ્રાંતમાં કમ્બોડિયાના ઓદ્દાર મીનચેની સરહદે આવેલા મોઆન થોમ તથા તા મુઆન થોમ જેવા પ્રાચીન મંદિરો પણ બે દેશો વચ્ચેના સંઘર્ષનું કારણ બન્યા હતા. આ મંદિરો પણ અસ્પષ્ટ સરહદો ઉપર આવેલા હોવાની બંન દેશોની ફરિયાદ છે. આ બંને સ્થળો આ બંને દેશો માટે ઉંડા રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને પ્રતિકાત્મકતા મુદ્દે મહત્ત્વ દર્શાવે છે. વર્તમાન વિવાદની વાત કરીએ તો બે મહિના પહેલાં જ મે ૨૦૨૫માં જ્યારે અમરાલ્ડ ટ્રાયેન્ગલ પાસે જ્યાં કમ્બોડિયા, થાઈલેન્ડ અને લાઓસની સરહદો ભેગી તાય છે ત્યાં તણાવ વધ્યો હતો. ત્યાં ગોળીબારની ઘટના બની હતી જેમાં કમ્બોડિયાનો સૈનિક મૃત્યુ પામ્યો હતો. આ ઘટનામાં બંને પક્ષો દ્વારા રાષ્ટ્રવાદી આક્રોશને વેગ આપવામાં આવ્યો હતો. આ આક્રોશ સરહદો સળગાવવા માટે પૂરતો હતો. તેના કારણે બંને વચ્ચે વિવાદ વધવા લાગ્યો.તેનું પરિણામ એ આવ્યું કે, ૧૭ જુલાઈના રોજ એક વિવાદિત વિસ્તારમાં લેન્ડ માઈન્સમાં વિસ્ફોટ થયો અને તેના કારણે થાઈલેન્ડના ત્રણ સૈનિકો ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઉપરાંત એક સૈનિકનો પગ કપાઈ ગયો હતો. તેના એક અઠવાડિયા બાદ ૨૩ જુલાઈએ ઉબોન રાત્ચાથાની પ્રાન્તમાં કથિર રીતે લેન્ડ માઈન વિસ્ફોટ થયો અને તેમાં પણ તાઈલેન્ડના એક સૈનિકનો પગ કપાઈ ગયો હતો. તેના કારણે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. થાઈલેન્ડે આરોપ મુક્યો હતો કે, વિવિધ ખાણ ધરાવતા રસ્તા ઉપર મોનિટરિંગ અને સુરક્ષા માટે રશિયન બનાવટના એન્ટિ પર્સનલ માઈન્સ રાખવામાં આવ્યા હતા. બંને દેશો દ્વારા એકબજાની સુરક્ષાને ધ્યાનમાં આ મુદ્દે સહમતી સાધ્યા બાદ કામગીગી કરવામાં આવે છે. આ વખતે થાઈ સેનાએ કમ્બોડિયાને ઓટાવા સંધિનો ભંગ કરવાનો આરોપ મુકીને સજા નક્કી કરવા જણાવાયું હતું. તેણે એન્ટી પર્સનલ માઈન્સના ઉપયોગ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ મુકવાની માગ કરી હતી. કમ્બોડિયાએ આ પ્રતિબંધનો વિરોધ કરતા જણાવ્યું કે, વિસ્ફોટ હકીકતે તો તેમના વિસ્તારમાં થયો છે. આતંકીઓ દ્વારા કરાયેલો વિસ્ફોટ તેના પ્રીહ વિહિગર વિસ્તારમાં તેનો થયો છે. ઘણા વખત પહેલાંથી આ વિવાદ શરૂ થયો હતો.. આ વખતે કમ્બોડિયાએ એવું પણ જણાવ્યું કે, પ્રીહ વિહિયર પ્રાન્તમાં યુદ્ધ સમયના ઘણા જીવતા કારતૂસ અને બોમ્બ મળી આવ્યા હતા. આ વિસ્તારમાં કોઈ લેન્ડ માઈન્સ ન હોવાની લોકોને રાહત થઈ.
ફાઈટર જેટ્સથી હુમલા કરાવ્યા અને સ્થિતિ વણસી ગઈ
૨૪ જુલાઈના રોજ થાઈલેન્ડે તા મોઆન થોમ મંદિરની નજીક કમ્બોડિયાના સૈન્ય ઠેકાણાઓ ઉપર હુમલો કરવા માટે એફ-૧૬ ફાઈટર જેટ સજ્જ કરી દેતાં વિવાદ વધી ગયો અને સ્થિતિ સંઘર્ષમાં પરિણમી. ત્યાં બીજી તરફ થાઈલેન્ડ અને કમ્બોડિયાની સેનાઓ વચ્ચે સામસામે ગોળીબાર, માર્ટારમારો, રોકેટ મારો અને તોપમારો શરૂ થઈ ગયો. તેના કારણે સમગ્ર સરહદી વિસ્તારમાં ભય ફેલાઈ ગયો. કમ્બોડિયા દ્વારા ભારો તોપમારો કરવામાં આવ્યો અને બીએમ-૨૧ ગ્રેડ રોકેટ લોન્ચર દ્વારા રોકેટ છોડવામાં આવ્યા. તેના કારણે થાઈલેન્ડના સી સા કેત પ્રાન્તમાં નાગરિકોને વ્યાપક નુકસાન થયું. તે સિવાય ૧૨ થાઈ નાગરિતોના મોત થયાના પણ સમાચાર આવ્યા. આ હિંસાના કારણે થાઈલેન્ડ-કમ્બોડિયાના સંબંધો અત્યાર સુધીના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયા છે. બંને દેશોએ તો પોતાના રાજદૂતોને પણ પાછા બોલાવી દીધા છે. બંને દેશો વચ્ચેનો વેપાર અને યાત્રા-પ્રવાસ પણ અટકી ગયા છે. કમ્બોડિયાએ તો થાઈલેન્ડની ફિલ્મો અને ટીવી શો ઉપર પણ પ્રતિબંધ મુકી દીધો છે. આ ઉપરાંત ફળો અને શાકભાજીની આયાત ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. થાઈલેન્ડના ઈન્ટરનેટ અને વીજળીના કનેક્શનોનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. થાઈલેન્ડથી ઈંધણની આયાત પણ રોકી દેવામાં આવી છે. જાણકારો માને છે કે, આ સ્થિતિનો ઝડપથી ઉકેલ આવી જાય તેમ છે. થાઈલેન્ડના રાજા કિંગ મહા વજિરાલોંગકોંગ (રામા એક્સ) હાલમાં બેંકોકમાં છે. તાજેતરમાં જ ૩ જુલાઈના રોજ તેમણે નવા મંત્રીમંડળને શપથ લેવડાવ્યા છે. બે દિવસ બાદ ૨૮ જુલાઈએ તેમનો જન્મ દિવસ છે. તેઓ થાઈલેન્ડમાં જ હાજર રહેવાના છે.
ત્રણ રાજાઓએ ભગવાન શિવનું આ અનોખું મંદિર બનાવ્યું હતું
જાણકારોના મતે આ હિન્દુ શિવ મંદિર આ વિસ્તારનું અત્યંત જાણીતું અને પ્રાચીન મંદિર છે. ખમેર સામ્રાજ્યના ત્રણ રાજાઓ યશોવર્મન પહેલો, સૂર્યવર્મન પહેલો અને સૂર્યવર્મન બીજો એમ કુલ ત્રણ રાજાઓ દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું. ભારતીય હિન્દુ ધર્મ, વાસ્તુકલા, સંસ્કૃત શાસ્ત્રો, સંસ્કૃતિ અને શાસન પદ્ધતિને અપનાવીને આ રાજાઓને પોતાની સંસ્કૃતિ અને સ્થાપત્યોને અત્યંત સમૃદ્ધ બનાવ્યા હતા. આ રાજાઓ દ્વારા જ અંગકોરવાટના મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. તેનું નામ પ્રીહ વિહિયર મંદિર છે. તેને પ્રિય વિશ્વકર્મા મંદિર પણ કહેવામાં આવે છે. ડાંગેક પર્વતશ્રેણીમાં ૫૨૫ મીટર ઉંચા ખડક ઉપર આ મંદિર બનાવાયું છે. આ મંદિરનું નિર્માણ થયું ત્યારે તેને શિખરેશ્વર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. સુર્યવર્મન પહેલા અને સૂર્યવર્મન બીજાએ આ મંદિરનો વિસ્તાર કર્યો અને તેના સુશોભનનું કાર્ય કરાવ્યું. તેમાં જટિલ નકશીકામ, ગોપુરમ અને પર્વતના ઢોળાવ ઉપરની સીડીઓની રચના તત્કાલિન સંસ્કૃતિ અને વાસ્તુકલા તથા સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ગણાય છે.
નવાઈની વાત એ છે કે, ખમેર સામ્રાજ્યમાં અહીંયા બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધ્યો હતો. મંદિરમાં પણ બૈદ્ધ સાધુઓ અને ભિક્ષુકોની અવરજવર હતી છતાં આ મંદિર નિર્માણ સમયથી અત્યાર સુધી હિન્દુ મંદિર અને શિવ મંદિર જ કહેવાયું છે. ૨૦૦૮માં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલું આ મંદિર હાલમાં ખંડેર હાલતમાં પડેલું છે.








