Editorial

ઈચ્છા શક્તિ અને આયોજન : કેરળમાં આવી 100 ટકા ડિજિટલ સાક્ષરતા

By GS TEAM
26 Aug 20258 mins read
ઈચ્છા શક્તિ અને આયોજન : કેરળમાં આવી 100 ટકા ડિજિટલ સાક્ષરતા

- ભારત સરકારે 2015માં ડિજિટલ ઈન્ડિયા મિશન શરૂ કર્યું હતું પણ કેરળમાં થોડા સમય પહેલાં જ શરૂઆત થઈ હતી

- કેરળમાં ડિજિટલી સાક્ષરતા આવી ગઈ અને અહીંયા દરેક વ્યક્તિને ઓછામાં ઓછું કમ્પ્યૂટર, મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું કૌશલ્ય આવડી ગયું છે : નવાઈની વાત એ છે કે, જે લોકોએ સરકારી સાક્ષરતાનો અભ્યાસ કર્યો છે તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે. 13 લાખ મહિલાઓ, 8 લાખ પુરુષો અને 1,644 ટ્રાન્સજેન્ડર લોકોએ કેરળ સરકારનો ડિજિટલ સાક્ષરતા અભ્યાસ પૂરો કર્યો છે  : કેરળની પંચાયત પ્રણાલી ખૂબ જ મજબૂત છે. તેણે દરેક ગ્રામ પંચાયતમાં ડિજિટલ સાક્ષરતા કેન્દ્રની સ્થાપના કરાવી. પંચાયતના સ્તરે જ નેતૃત્વ આપીને ગામના વડીલો, મહિલાઓ અને ખેડૂતોને ટેક્નોલોજની સમજ અને શિક્ષણ આપવામાં આવ્યા : અન્ય રાજ્યોએ પણ બાળકોને સ્કૂલમાં જ ડિજિટલ સાક્ષર બનાવવા પડે, પંચાયતોમાં ડિજિટલ સેવાઓ અને યોજનાઓ લાગુ કરવી પડે. મહિલાઓ તથા વરિષ્ઠ નાગરિકોને ખાસ તાલિમ આપવી જોઈએ. તેમને ડિજિટલે સાક્ષર અને સક્ષમ બનાવવા જોઈએ

ભારતમાં એક દાયકા પહેલાં ડિજિટલ ઈન્ડિયા નામનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકોને ડિજિટલી એજ્યુકેટ કરવા, એક્ટિવ કરવા અને એક્ટિવ રાખવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. લોકોને વિકસાવવાની આવી દેશવ્યાપી ઝુંબેશ પહેલી વખત શરૂ થઈ હતી. બીજી તરફ જોઈએ તો લોકોને ડિજિટલી સક્ષમ બનાવવાની દિશામાં કેરળ દ્વારા થોડા સમય પહેલાં કામ શરૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં તેનું પરિણામ સકારાત્મક આવ્યું છે. તાજેતરમાં જ જાહેર કરાયું છે કે, કેરળ ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે જ્યાં ૧૦૦ ટકા ડિજિટલ સાક્ષરતા છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે, અહીંયા દરેક વ્યક્તિને પાયાગત સ્તરે કમ્પ્યૂટર, સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા આવડે છે. કેરળના તમામ નાગરિકોને એવા ૨૧.૮૭ લાખ લોકો છે જેમણે રાજ્ય સરકારનો ડિજી કેરલ ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમ પૂરો કરી લીધો છે. તેના દ્વારા કેરળમાં સંપૂર્ણ રીતે ડિજિટલ સાક્ષરતા આવી ગઈ છે. તાજેતરમાં જ કેરળના સએમ પિનારાઈ વિજયને પોતાના ભાષણમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. બીજી નવાઈની વાત એ છે કે, જે લોકોએ સરકારી સાક્ષરતાનો અભ્યાસ કર્યો છે તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે. ૧૩ લાખ મહિલાઓ, ૮ લાખ પુરુષો અને ૧,૬૪૪ ્રટ્રાન્સજેન્ડર લોકોએ કેરળ સરકારનો ડિજિટલ સાક્ષરતા અભ્યાસ પૂરો કર્યો છે. મોટી ઉંમરના આધારે જોઈએ તો ૬૦ થી ૭૫ની વચ્ચે ૧.૭૭ લાખ લોકો, ૭૬થી ૯૦ વર્ષની વચ્ચેના ૧.૩૫ લાખ લોકો અને ૯૦ વર્ષથી ઉપરના ૧૫,૨૨૧ લોકોએ ડિજિટલ સાક્ષરતા મેળવી છે.

કેરળની ડિજિટલ સાક્ષરતાની વાત રાજ્યની રાજધાની તિરુવનંતપુરના ગ્રામ્ય વિસ્તારથી શરૂ થઈ. તિરુવનંતપુરમથી લગભગ ૨૫ કિ.મી દૂર એક પહાડી ગ્રામ્ય વિસ્તાર પુલ્લમપારા ખાતે તેની શરૂઆત કરવામાં આવી હતી. પુલ્લમપારાના મૂળ નિવાસી એવા સરકારી અધિકારીઓના એક જૂથે પંચાયતની કેટલીક બેન્કોની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો જોઈ. તેઓ નિયમિત રીતે ગ્રાહકોની આવી લાંબી લાઈનો જોતા હતા. તેમાંથી ઘણા તો મનરેગાના મજૂરો હતા જે માત્ર ને માત્ર દરરોજ પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરવા માટે આવતા હતા. તેના માટે પણ તેઓ લાંબું અંતર કાપીને આવતા હતા.

આ દરમિયાન સ્થાનિક સ્વશાસન વિભાગમાં ફરજ બજાવતા મહિલા કલ્યાણ અધિકારીને લાગ્યું કે, આ લોકોને રોજિંદી કામગીરીમાં પણ ઘણી મુશ્કેલી નડી રહી છે. તેના કારણે આ લોકોને રોજિંદા કામ માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શીખવવું જોઈએ. તેના આધારે ડિજી પુલ્લમપારાનો જન્મ થયો. તેના પગલે ડિજી કેરળનો પ્રોજેક્ટ પણ શરૂ થયો. અહીંયાનો સૌથી મોટો કિસ્સો એ છે કે, કુરણાકર પણિક્કર નામની વ્યક્તિ જેમની ઉંમર ૧૦૩ વર્ષ છે તેમણે પોતાના ૬૯ વર્ષના પુત્ર સાથે ડિજી પુલ્લમપારાના લેક્ચર ભર્યા અને તેઓ રોજિંદા કામમાં સ્માર્ટફોનનો કેવી રીતે ઉપયોગ કરવો તે શીખ્યા. તેમની આંખો નબળી પડી ગઈ છે તેથી તેઓ ટ્રાન્ઝેક્શન તો નથી કરી શકતા પણ પોતાના દીકરા સાથે બેસીને ફોન ઉપર ગીતો અને સમાચાર સાંભળે છે. 

કેરળમાં ડિજિટલ સાક્ષરતા આવવા પાછળું એક કારણ તેની સરકારના પ્રયાસો પણ છે. ૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ કેરળની તત્કાલિન ડાબેરી સરકારે જાહેરાત કરી કે ઈન્ટરનેટ કનેક્શન રાજ્યની દરેક વ્યક્તિનો પાયાગત અધિકાર ગણાય છે. લોકોને ઈન્ટરનેટનો અધિકાર આપનાર પણ કેરળ દેશનું પહેલું રાજ્ય બની ગયું. હાલમાં પણ કેરળ ભારતનું એકમાત્ર જ રાજ્ય છે જેણે ભોજન, પાણી, શિક્ષણની જેમ ઈન્ટરનેટને પણ રાઈટ ઓફ એક્સેસ તરીકે માન્યતા આપી છે. રાજ્ય સરકાર દ્વારા  'ણ-ર્ખહ' નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું જેથી ગરીબ પરિવારોને મફત ઈન્ટરનેટ કનેક્શન મળી રહે. ડિજિટલ સાક્ષરતાનો અર્થ માત્ર ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકવો તેમ નથી. તેના દ્વારા લખી, વાંચી શકવું, ઈન્ટરનેટ દ્વારા માહિતી શોધવી, ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવો અને બીજા ઘણા કામ કરવા તેમ થાય છે. તે ઉપરાંત ઈમેલ કરવા, વાંચવા, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો, તેની જવાબદારી દાખવવી, સાઈબર સુરક્ષાની સમજ કેળવવી, ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો જેવી તમામ બાબતે ડિજિટલ સાક્ષતામાં આવે છે.

કેરળની વાત કરીએ તો તે ભારત માટે સામાન્ય સંજોગોમાં પણ સૌથી સાક્ષર રાજ્ય રહ્યું છે. અહીંયા સાક્ષરતાનો દર ૯૬ ટકાથી વધારે છે. અહીંયા પારંપરિક શિક્ષણ મજબૂત છે તેથી ડિજિટલ શિક્ષણ લાગુ કરવાનું ખૂબ જ સરળ બની ગયું હતું. અહીંયા ૨૦૦૨માં માલપ્પુરમ જિલ્લામાં અક્ષય કેન્દ્ર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ગામડે ગામડે ડિજિટલ વસ્તુઓની તાલિમ આપવામાં આવતી હતી. તે ઉપરાંત મહિલાઓ માટે તેમને સંગઠિત કરીને ડિજિટલ આપ-લે કરવાની અને ઈન્ટરનેટની સમજ અને શિક્ષણ આપવાની કુડુંબશ્રી યોજના શરૂ કરવામાં આવી હતી. સ્કૂલોમાં પણ આઈટી પ્રોજેક્ટ ફરજિયાત કરાયા અને બાળકોને ડિજિટલ સાધનોની સમજ અને અભ્યાસ કરાવવાનું ફરજિયાત કરાયું. ૨૦૧૮થી રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી સેવાને ઓનલાઈન ઉપલબદ્ધ કરાવવાનું શરૂ કરાયું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, કેરળની પંચાયત પ્રણાલી ખૂબ જ મજબૂત છે. તેણે દરેક ગ્રામ પંચાયતમાં ડિજિટલ સાક્ષરતા કેન્દ્રની સ્થાપના કરાવી. પંચાયતના સ્તરે જ નેતૃત્વ આપીને ગામના વડીલો, મહિલાઓ અને ખેડૂતોને ટેક્નોલોજની સમજ અને શિક્ષણ આપવામાં આવ્યા. સૌથી મોટી બાબત એ થઈ કે, કોરોના મહામારી દરમિયાન બધું જ કામ ઓનલાઈન ચાલતું હતું તેથી લોકોને અભ્યાસથી માંડીને તમામ કામગીરી માટે ડિજિટલ માધ્યમોની સમજ કેળવવી ફરજિયાત થઈ ગઈ હતી. 

આ ઉપરાંત કેરળનું સામાજિક માળખું છે તે પણ થોડું અલગ છે. અહીંયા એનઆરઆઈની સંખ્યા વધારે છે. અહીંયા ઘણા પરિવારોના લોકો ખાડી દેશોમાં કામ કરે છે. તેઓ પરિવારને પૈસા મોકલાવવા ઓનલાઈન માધ્યમોનો જ ઉપયોગ કરે છે. 

તેમને ડિજિટલ પેમેન્ટ કરવામાં આવે છે તેથી તેની માહિતી માટે પણ લોકોએ આ માધ્યમ શીખવું પડયું છે. તેના પગલે જ અહીંયા ડિજિટલ સંસ્કૃતિ ઝડપથી વિકસી ગઈ હતી. આ સંદર્ભમાં અન્ય રાજ્યોની સ્થિતિ જોઈએ તો કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર પણ ઉચ્ચ ડિજિટલ સાક્ષરતા ધરાવતા રાજ્યો છે. અહીંયા આઈટી ઈન્ડસ્ટ્રી, શહેરીકરણ જેવા મુદ્દે ડિજિટલ સાક્ષરતા વધારે છે.

દિલ્હી અને ગોવા જેવા રાજ્યોમાં ઈન્ટરનેટનો વ્યાપ અને ઉચ્ચ શિક્ષણ દર છે તેથી અહીંયા પણ ડિજિટલ સાક્ષરતા વધારે આવેલી છે. બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યો આ મુદ્દે પાછળ છે. અહીંયા લોકોમાં ઉત્સાહ નથી, તો ક્યાંક સવલતો નથી તો ક્યાંક ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રશ્ન આવે છે અને સાથે સાથે અહીંયા શિક્ષણનું સ્તર પણ નીચું છે તેના કારણે ડિજિટલ સાક્ષરતા જોઈએ તેવી આવી નથી.

શિક્ષણ, અર્થતંત્ર, સમાજ અને સરકાર તમામ સ્તરે કેરળને લાભ થયો

કેરળમાં ૧૦૦ ટકા ડિજિટલ સાક્ષરતા આવવાના કારણે રાજ્યને અને લોકોને ઘણો લાભ થયો છે. તેની સૌથી મોટી અસર શિક્ષણ, અર્થતંત્ર, સમાજ અને સરકારી તંત્ર ઉપર જોવા મળી છે. સૌથી પહેલાં જો તંત્રની વાત કરીએ તો ઈ-ગવર્નન્સ ખૂબ જ સરળ થઈ ગયું છે. જન્મ-મૃત્યુનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પેન્શન, જમીનના દાખલા જેવા તમામ કામ ઓનલાઈન જ થઈ જાય છે. ઓનલાઈન સિસ્ટમને પગલે દરેક અરજી અને તેના ઉપરની કામગીરીનો રેકોર્ડ મળી રહે છે. લોકો જાતે જ પોતાની અરજી અને તેની સ્થિતિને ટ્રેક કરી શકે છે. સરકારી કર્મચારીઓની કામગીરી ઉપર પણ નિરિક્ષણ રહે છે. નાનકડા કામ માટે જ્યાં પહેલાં આખો દિવસ પસાર થતો હતો તે ગણતરીની મિનિટોમાં પૂરા થઈ જાય છે. સરકારી તંત્રની સાથે સાથે શિક્ષણમાં પણ ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે. ડિજિટલ ક્લાસરૂમ બની ગયા છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન લેક્ચરની સુવિધા મળે છે, ઈબુક્સ મળે છે. કોરોના દરમિયાન તો તમામ લોકો ઓનલાઈન જ અભ્યાસ કરતા હતા. 

કેરળમાં તો કોવિડ પહેલાં જ બાળકો ડિજિટલ લર્નિંગ શીખી ગયા હતા. તેના સિવાય યુવાનોમાં પણ વિવિધ સેક્ટરમાં અભ્યાસ અને નોકરીના અવસરો વધી ગયા. ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ સામાન્ય થઈ ગયું. નાનકડી દુકાન, ખેડૂતો, મહિલાના સ્વસહાય જૂથો, મંડળીઓ બધા જ યુપીઆઈ અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ અપનાવવા લાગ્યા. તેના કારણે રોકડ ઉપર આધાર ઘટયો અને ઝડપી તથા સુરક્ષિત આર્થિક વ્યવહારો સાકાર થવા લાગ્યા. આ ઉપરાંત કેરળનો મુખ્ય આધાર પર્યટન ઉપર પણ રહેલો છે. અહીંયા ડિજિટાઈઝેશન થવાના કારણે લોકોને હોટેલ બુકિંગ, કેબ બુકિંગ, ગાઈડ, ટિકિટ જેવી સુવિધાઓ ઓનલાઈન મળવા લાગી. એપ દ્વારા તમામ કામગીરી પાર પડવા લાગી. તેથી લોકોની ભીડ પણ વધવા લાગી. આ સિવાય કુડુંબશ્રી મિશન અને અક્ષય કેન્દ્રો દ્વારા લાખો મહિલાઓને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શીખવવામાં આવી. હવે તેઓ બેકિંગની સાથે સાથે નાના-નાના વેપાર-રોજગાર પણ સંભાળતી થઈ ગઈ છે. વડીલો પણ પોતાનું પેન્શન, સારવાર અને ટિકિટ બુકિંગ જેવી સુવિધાઓનો ઉપયોગ જાતે અને ઝડપથી કરતા થઈ ગયા છે. આમ એકંદરે કેરળમાં તમામ રીતે ડિજિટલ સાક્ષરતાનો મોટો ફાયદો થયો છે.

અન્ય રાજ્યો પણ ડિજિટલ રોડમેપ તૈયાર કરીને લાભ લઈ શકે

જાણકારોના મતે અન્ય રાજ્યો પણ કેરળની જેમ પોતાના રાજ્યની ડિજિટલ સાક્ષરતાની યોજના બનાવે, તેનો રોડમેપ તૈયાર કરે તો તેને પણ લાંબાગાળે આવા અને કદાચ આના કરતા વધારે લાભ મળી શકે તેમ છે. સૌથી પહેલાં તો પ્રાથમિક સ્તરે બાળકોને સ્કૂલમાં જ ડિજિટલ સાક્ષર બનાવવા પ્રયાસ કરવા જોઈએ. પંચાયતોમાં ડિજિટલ સેવાઓ અને યોજનાઓ લાગુ કરવી પડે. મહિલાઓ તથા વરિષ્ઠ નાગરિકોને ખાસ તાલિમ આપવી જોઈએ. તેમને ડિજિટલે સાક્ષર અને સક્ષમ બનાવવા જોઈએ. આ ઉપરાંત વન સ્ટોપ ડિજિટલ પોર્ટલ બનાવીને નાગરિકોને તમામ સેવાઓ મોબાઈલમાં એક જ એપમાં આપી દેવી જોઈએ. બીજા રાજ્યોએ પણ સસ્તા અને ટકાઉ પબ્લિક વાઈફાઈ નેટવર્ક અને સબ્સિડાઈઝ ઈન્ટરનેટ પ્લાનને પ્રાથમિકતા આપવી જોઈએ. કેરળની જેમ બીજા રાજ્ય પણ પોતાના પ્રાદેશિક ભાષામાં એપ્સ, પોર્ટલ અને અન્ય સામગ્રી ઉપલબ્ધ કરાવે તો સામાન્ય લોકો સુધી પહોંચી શકાશે અને ગ્રામીણ તથા નિરક્ષર લોકોને પણ સરળતાથી જોડી શકાશે. અન્ય રાજ્યો જે લાંબાગાળાની યોજનાનો વિચાર કરીને તેમાં રોકાણ કરે તો કેરળની જેમ અહીંયા પણ ડિજિટલ રોડમેપ બને તેમ છે અને તેના થકી વિકાસ ઝડપથી રાજ્યમાં ફેલાઈ શકે છે.