Editorial

યુરોપીયન દેશોની પેલેસ્ટાઈનને માન્યતા : ભેંસ ભાગોળે ને છાશ છાગોળે

By GS TEAM
24 Sep 20258 mins read
યુરોપીયન દેશોની પેલેસ્ટાઈનને માન્યતા : ભેંસ ભાગોળે ને છાશ છાગોળે

- અમેરિકન અને યુરોપીયન મિત્ર દેશો પેલેસ્ટાઈનને દેશ તરીકે માન્યતા આપે છે પણ યુએનમાં આ ઠરાવ પસાર કરવો લગભગ અશક્ય છે

- યુએનમાં 150 દેશોના પ્રયાસ અને માન્યતા બાદ પણ જે પેલેસ્ટાઈનને અલગ દેશની માન્યતા નથી મળી તેને અચાનક યુરોપ અને અમેરિકાના કેટલાક મિત્ર દેશોની માન્યતાથી શું ફરક પડવાનો છે : પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપવા માટે પહેલાં તો ગાઝા પટ્ટી અને વેસ્ટ બેન્કને એક કરવા પડે. બંને ભેગા થાય પછી જ પેલેસ્ટાઈન કહી શકાય. આ બધાની વચ્ચે પૂર્વ જેરુસલેમનો પણ કેટલોક ભાગ છે જે તેમાં આવે છે. તેના ઉપર પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ બંને પોતાની માલિકીના દાવા કરે છે : આમ તો, પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત એક પ્રતિકાત્મક પગલું છે, ખાસ કરીને ગાઝા શહેરમાં જે નરસંહાર થયો છે અને થવાની જે શક્યતા છે તેને રોકવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યો છે

અમેરિકન અને યુરોપિયન મિત્ર દેશો દ્વારા તાજેતરમાં પેલેસ્ટાઈનને અલગ અને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ દેશોને અચાનક પેલેસ્ટાઈન પ્રેમ કેમ ઊભરી આવ્યો તેના પાછળ તો ઘણા કારણ જવાબદાર છે પણ અત્યારે જે થઈ રહ્યું છે તેની પણ સમજવું અને ગળે ઉતરવું થોડું અઘરું છે. આ દેશો એવું માને છે કે, તેમણે પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપી અને તેનું સમર્થન કર્યું તેના થકી યુએનમાં આ ઠરાવને વધારે મજબૂત બનાવી શકાશે અને તેને ઝડપી માન્યતા અપાવી શકાશે. આમ જોવા જઈએ તો દાયકાઓથી પેલેસ્ટાઈનની સ્વતંત્રતા અને તેની માન્યતા અંગે વિવાદ અને સંઘર્ષ ચાલી રહ્યા છે. ૧૯૪૮માં ઈઝરાયેલનું નિર્માણ થયું હતું. ઈઝરાયેલે પોતાના સ્વતંત્ર દેશ જાહેર કર્યો અને અમેરિકાએ ત્યારે તેને માન્યતા પણ આપી દીધી હતી. ત્યારબાદથી ગાઝાપટ્ટી અને આસપાસના તમામ પ્રદેશમાં ઉથલપાથલ ચાલી રહી છે. યુએનમાં ઘણા વર્ષોથી પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશની માન્યતા મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિચારવા જેવી બાબત એ છે કે, યુએનમાં ૧૫૦ દેશોના પ્રયાસ અને માન્યતા બાદ પણ જે પેલેસ્ટાઈનને અલગ દેશની માન્યતા નથી મળી તેને અચાનક યુરોપ અને અમેરિકાના કેટલાક મિત્ર દેશોની માન્યતાથી શું ફરક પડવાનો છે. ઈઝરાયેલે આઝાદ થયા પછી ગાઝા પટ્ટી અને પશ્ચિમી કિનારા ઉપરના વિવાદને યથાવત રહેવા દીધો અને તેણે ક્યારેય પેલેસ્ટાઈનને અલગ સ્વતંત્ર દેશ બનવા દીધો જ નહીં. તેણે તમામ તાકાત લગાવીને ત્યાં સંઘર્ષ ચાલુ રહેવા દીધો.મહત્ત્વનું એ છે કે, પેલેસ્ટાઈનનો મુદ્દો તેની જાતે જ એટલો વિકટ છે કે તે પોતે ઉકેલી શકે તેમ નથી. વેસ્ટ બેન્ક વિસ્તારમાં ફતેહનું શાસન છે. ત્યાં ફતેહની આગેવાનીમાં પેલેસ્ટાઈનની સરકાર ચાલે છે. છેલ્લાં ૩૭ વર્ષથી અહીંયા સરકાર ચાલે છે. તેની આગેવાનીમાં અહીંયા કોઈ હિંસાનો ઈતિહાસ રહ્યો નથી. પેલેસ્ટાઈનનો બીજો ભાગ જેને ગાઝા પટ્ટી કહે છે તેના ઉપર ૨૦૦૭માં હમાસ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. તેઓ ત્યારથી ગાઝા પટ્ટીમાં પોતાનું શાસન ચલાવવા લાગ્યા હતા. પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપવા માટે પહેલાં તો ગાઝા પટ્ટી અને વેસ્ટ બેન્કને એક કરવા પડે. બંને વિસ્તાર ભેગા થાય પછી જ તે પેલેસ્ટાઈન કહી શકાય તેમ છે. આ બધાની વચ્ચે પૂર્વ જેરુસલેમનો પણ કેટલોક ભાગ છે જે તેમાં આવે છે. તેના ઉપર પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ બંને પોતાની માલિકીના દાવા કરે છે.

ગાઝાની વાત કરીએ તો, છેલ્લાં ત્રણ વર્ષથી ઈઝરાયેલે ત્યાં હમાસ સામે યુદ્ધ શરૂ કરી દીધું છે. હવે ગાઝા શહેર ખાલી કરાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિસ્તારને ધ્વસ્ત કરીને તેની ઓળખનો જ નાશ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગાઝામાં પાંચ લાખ લોકો રહેતા હતા જેમની જિંદગી સાવ વેરવિખેર થઈ ગઈ છે. તેમને બે ટંક ભોજન માટે પણ વલખાં મારવા પડે છે. તેમને યોગ્ય સારવાર મળતી નથી. તેમણે ઘર છોડીને વારંવાર ભાગવું પડે છે. થોડા સમય પહેલાં આવેલા અનુમાને તો જણાવ્યું કે, સમગ્ર પેલેસ્ટાઈનમાં ૨૦ લાખ લોકો અસરગ્રસ્ત છે. તેમાંથી ૬૫,૦૦૦ લોકોનાં તો આ સ્થિતિમાં મોત થયા છે. દુનિયાના મોટાભાગના દેશો ઈઝરાયેલને શાંત રહેવા અને ગાઝામાં જે ચાલી રહ્યું છે તેને અટકાવી દેવા ઈઝરાયેલના પ્રમુખ નેતન્યાહુને અપીલ કરી રહ્યા છે. તેઓ આ અપીલ સાંભળવા કે સ્વીકારવા તૈયાર જ નથી. અમેરિકા મૂક દર્શક બનીને જોઈ રહ્યું છે, જાણે કે તે ઈઝરાયેલના મૂક સમર્થન આપી રહ્યું છે. તેની ભૂમિકા અંગે પણ વૈશ્વિક સવાલો ચર્ચામાં આવ્યા છે. નવાઈની વાત એવી છે કે, તાજેતરમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને પોર્ટુગલે પેલેસ્ટાઈનને માન્યતા આપી છે. થોડા વખત પહેલાં બેલ્જિયમ, ફ્રાન્સ અને કેટલાક યુરોપિયન દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપી હતી. આ બધું જ થવા છતાં પેલેસ્ટાઈન હજી સ્વતંત્ર દેશ બની શક્યો નથી. સૂત્રોમાં ચર્ચા જામી છે કે, અમેરિકાના મિત્ર દેશો દ્વારા એકાએક શા માટે પેલેસ્ટાઈનને માન્યતા આપવામાં આવી. આમ જોવા જઈએ તો પગલું અમેરિકા અને ઈઝરાયેલની વિરુદ્ધ માની શકાય તેવું છે છતાં હાલમાં કોઈ વિવાદ ઊભો થયો નથી. આમ તો, પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત એક પ્રતિકાત્મક પગલું છે, ખાસ કરીને ગાઝા શહેરમાં જે નરસંહાર થયો છે અને થવાની જે શક્યતા છે તેને રોકવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યો છે. પેલેસ્ટાઈનને માન્યતા આપવા માગતા દેશો ઈચ્છે છે કે, આ વિસ્તારમાં સ્થાયી સમાધાન નીકળે અને હિંસા તથા તણાવ ઓછા થાય અને લોકો ભયમુક્ત જીવન જીવી શકે. પેલેસ્ટાઈનને માન્યતા આપવી વધી રહેલી ડિમાન્ડ હકિકતે યુએનની મહાસભાની બેઠક યોજાવાની પહેલા શરૂ થઈ હતી. હમાસ સામેના ઈઝરાયેલના યુદ્ધમાં ત્યાંના સ્થાનિક નિર્દોષ લોકો ફસાઈ ગયા છે અને તેમના જીવને જોખમ આવી ગયું છે. તેમની પાસે બે ટંક ખાવાની પણ વ્યવસ્થા નથી.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ સામેનું યુદ્ધ તો હમાસ દ્વારા ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે સાઉથ ઈઝરાયેલ ઉપર અચાનક હુમલો કર્યો અને બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. ઈઝરાયેલે હમાસનો સફાયો જ કરવાનું નક્કી કરી લીધું. ઈઝરાયેલા પોતાના આ અભિયાનમાં ગાઝાનો એક આખો વિસ્તાર નષ્ટ કરી દીધો. તેના પગલે લાખો લોકો બેઘર થઈ ગયા. લોકો ભુખમરાની સ્થિતિમાં આવી ગયા. આમથી તેમ રઝળવા માટે મજબૂર થઈ ગયા. ઓગસ્ટમાં યુએન સમર્થિત સંસ્થાઓ જાહેરાત કરવી પડી હતી કે, ગાઝામાં અને તેની આસપાસમાં સંપૂર્ણ રીતે માનવસર્જિત દુષ્કાળ પડયો છે અને ભુખમરો ફેલાઈ રહ્યો છે. એક અહેવાલ કહે છે કે, ૨૦ લાખની વસતી ધરાવતા આ વિસ્તારમાં યુદ્ધ અને ભુખમરાના કારણે ૬૦ હજારથી વધુ લોકોનાં મોત થયા છે. યુરોપીયન દેશો ઈચ્છે છે કે, હવે આ નરસંહાર, સંઘર્ષની સ્થિતિ અટકે અને નક્કર સમાધાન નીકળે જેથી બાકીની માનવજાતને બચાવી શકાય.

બીજી તરફ એક અહેવાલ એવો છે કે, ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં જે કરવામાં આવી રહ્યું છે તેની સામે યુરોપમાં ઘણી નારાજગી છે. 

ઘણા દેશોની પ્રજા દ્વારા આંતરિક ધોરણે તેમની સરકાર ઉપર દબાણ વધારવામાં આવી રહ્યું છે કે, તેઓ ઈઝરાયેલને દબાવવા માટે અને ગાઝા તથા પેલેસ્ટાઈનને બચાવવા માટે નક્કર પગલાં ભરે અથવા તો આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરે. તેના કારણે પણ આ તમામ દેશો એકાએક ઈઝરાયેલની ટીકા કરવા લાગ્યા છે. આ દબાણમાં આવીને આ દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાનો નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે. 

જાણકારો માને છે કે, આ દેશોની સ્થાનિક સ્થિતિ એવી છે કે, તેમણે આ મુદ્દે કોઈ પગલાં લેવા પડે તેમ હતા. ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોમાં જ્યાં યહુદીઓની સંખ્યા કરતા મુસ્લિમોની સંખ્યા અનેક ઘણી વધારે છે ત્યાં પેલેસ્ટાઈનને માન્યતા આપવી તે માત્ર વિદેશનીતિ જ નહીં પણ આંતરિક નીતિનો પણ ભાગ હોઈ શકે છે. વર્તમાન સરકાર આ પગલાં દ્વારા મુસ્લિમોને આકર્ષવા માગે છે અને પોતાની વોટબેન્ક મજબૂત કરવા માગે છે તેવો પણ અર્થ સરે છે. અમેરિકા દ્વારા વિવિધ દેશોના આ પગલાની ટીકા કરવામાં આવી છે. એક અખબારી અહેવાલમાં જણાવાયું છે કે, અમેરિકાએ ઓગસ્ટમાં પેલેસ્ટાઈન પાસપોર્ટ ધરાવતા લોકોને વીઝા એટ એરાઈવલ બંધ કરી દીધું છે. વૈશ્વિક જાણકારો માની રહ્યા છે કે, અમેરિકા પણ પેલેસ્ટાઈનને અલગ અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જોવા ઈચ્છતું નથી. અમેરિકાના મિત્ર દેશો માત્ર માનવતાના રક્ષણ માટે અને એક મોટા જિયોપોલિટિકલ મુદ્દા તરીકે તેને જોઈ રહ્યા છે. ગાઝાનું સંકટ ટળી જાય અને લોકો સુરક્ષિત થાય તે માટે આ દેશો તેને માન્યતા અપાવવા મેદાને પડયા છે.

પેલેસ્ટાઈનને યુએનના સભ્ય થવા માટે ઘણા કપરાં ચડાણ ચડવા પડશે

જાણકારોના મતે માર્ચ સુધીમાં સંયુક્ત રાષ્ટ્રના ૧૯૩ સભ્યો દેશો દ્વારા ૧૪૭ દેશોએ રાજકીય રીતે પેલેસ્ટાઈનને માન્યતા આપી છે. આ દેશોની માન્યતાની સાથે વર્તમાન દેશોની માન્યતાને જોડીએ તો આંકડો ૧૫૧ પહોંચે છે. ગત વર્ષે જુલાઈના અંતમાં ફ્રાન્સ પહેલો દેશ હતો જેણે પેલેસ્ટાઈનને મંજૂરી આપ્યાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બ્રિટન, પછી કેનેડા,ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમે મંજૂરી આપી હતી. આ તમામ દેશોએ જણાવ્યું હતું કે, પહેલાં અહીંયાથી સેના દૂર કરવા પડશે, ચૂંટણી કરવી પડશે, હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોને છોડવા પડશે અને ભવિષ્યમાં આવું સંકટ નહીં આવે તેની ખાતરી આપવી પડશે ત્યારબાદ તેઓ આગળ સમર્થન આપશે. આ દેશોની જાહેરાત વચ્ચે આયર્લેન્ડ, નોર્વે અને સ્પેન સહિત ૧૫ દેશના વિદેશ મંત્રીઓએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનને હિંસા છોડીને સમાધાન કરવાની અને શક્ય બને તો તેમના થકી કરાવવાની પણ જાહેરાત કરી હતી. એ વાત સમજવી જોઈએ કે, યુએનનું સમર્થન હોવા છતાં પેલેસ્ટાઈન યુએનનું સભ્ય નથી.

 પેલેસ્ટાઈન હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેને સંપૂર્ણ સભ્યપદ મળ્યું નથી. ૨૦૧૨માં યુએનની મહાસભાએ મતદાન કરીને પેલેસ્ટાઈનને નોન મેમ્બર ઓબ્ઝર્વરનું સ્ટેટસ આપ્યું હતું. પેલેસ્ટાઈન યુએનની કેટલીક બેઠકોમાં ભાગ લઈ શકે છે. તેના પ્રતિનિધિ યુએનમાં ભાષણ કરી શકે છે, કોઈ મુદ્દે મંતવ્ય આપી શકે છે પણ યુએનની જરૂરી બાબતોમાં ક્યાંય વોટિંગ કરી શકતું નથી. પેલેસ્ટાઈનને યુએનનું પૂર્ણ સભ્યપદ મેળવવા ઘણા કપરાં ચડાણ ચડવા પડે તેમ છે. ગત એપ્રિલમાં પેલેસ્ટાઈનને આ માટે પ્રયાસ કર્યો હતો પણ અમેરિકાએ વિટો વાપરીને તેની અરજી રદ કરાવી દીધી હતી. સંયુક્ત રાષ્ટ્રના કાયમી સભ્ય થવા માટે કોઈપણ દેશે પહેલાં યુએનના મહાસચિવ પાસે અરજી કરવાની રહે છે. તેઓ આ અરજીને સુરક્ષા પરિષદને મોકલે છે. આ અરજીને યુએનની પરિષદના પંદર સભ્યોમાંથી ઓછામાં ઓછામાં ઓછા નવ સભ્યોની મજૂંરી મળવી જોઈએ। તે ઉપરાંત પાંચ સ્થાયી સભ્યોમાંથી કોઈપણ તેની વિરુદ્ધમાં વીટોનો ઉપયોગ ન કરે તે પણ જોવું પડે. 

આ પ્રક્રિયા પૂરી થયા બાદ આ અરજીને મહાસભા દ્વારા તેને વોટિંગ માટે બોર્ડ ઉપર લેવામાં આવે છે અને તેમાં બે તૃતિયાંશ મેમ્બસની મંજૂરી મળવી જોઈએ. આ તમામ કામગીરી થાય તો કોઈપણ દેશને નવા સભ્ય થવા તરીકે મંજૂરી અને પ્રવેશ મળી શકે તેમ છે.