Editorial

ચોમાસું અટકી ગયું : જૂન મહિનામાં 46 ટકા વરસાદની ઘટ

By GS TEAM
24 Jun 20267 mins read
ચોમાસું અટકી ગયું : જૂન મહિનામાં 46 ટકા વરસાદની ઘટ

- અલ નીનો તથા રાજસ્થાન-પાકિસ્તાન પાસે સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનને પગલે ઘણા દિવસોથી ચોમાસું આગળ વધી શકતું જ નથી

- અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો ઉત્તર ભારત તરફ જઈ રહ્યા છે. બીજી તરફ બંગાળની ખાડીમાંથી આવતા પૂર્વના ભેજવાળા પવનો હજી અટકેલા જ છે. જ્યારે આ બંને તરફના પવનો ભેગા થાય છે ત્યારે ઉત્તર-પશ્ચિમના રાજ્યોમાં વરસાદ થાય છે. હાલમાં આ બંને સ્ટ્રીમમાં ખાસ દબાણ જોવા મળ્યું નથી તેના પગલે ચોમાસું અટકેલું છે  : મહારાષ્ટ્રમાં જૂનમાં 85 ટકા ઓછો વરસાદ પડયો છે. બીજી તરફ ગુજરાતમાં પણ વરસાદની 84 ટકા ઘટ જોવા મળી છે. ત્રીજા ક્રમે વરસાદના ગઢ ગણાતા મેઘાલયમાં જૂન મહિનામાં 81 ટકા ઓછો વરસાદ પડયો છે. ગોવામાં 76 ટકા, છત્તીસગઢ અને ઝારખંડમાં 71 ટકા તથા મણીપુરમાં 73 ટકા વરસાદી ઘટ નોંધાઈ છે : ભૂતકાળમાં નજર કરીએ તો 1918માં ચોમાસું નિષ્ફળ રહ્યું હતું. આઝાદી પહેલાંની આ સ્થિતિ અત્યંત કફોડી હતી.

ચોમાસું છેલ્લાં ઘણા દિવસથી અટકી ગયું છે. તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું નથી. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમના રાજ્યો ચોમાસા વગર અસહ્ય ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે. વાસ્તવિકતા એવી છે કે, મોનસુન સાઈકલ ખોટકાઈ ગઈ છે. તે જ્યાં પહોંચ્યું છે ત્યાં પણ યોગ્ય વરસાદ પડતો નથી. જાણકારોના મતે અત્યાર સુધી ચોમાસું શરૂ થયાને જૂન મહિનો પૂરો થવા આવ્યો ત્યાં સુધીમાં ૪૦ ટકાની ઘટ જોવા મળી છે. જૂન મહિનામાં દેશભરમાં ચોમાસું જ્યાં વરસે છે તેમાં આટલો મોટો ઘટાડો ઘણા વર્ષો બાદ જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થળોએ સાઈક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે અને તેના પગલે ચોમાસું આગળ વધી શકતું નથી. હાલમાં રાજસ્થાનની ઉપર અને પાકિસ્તાન તરફ આ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે જેણે વરસાદી સ્ટ્રીમને અટકાવી રાખી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચોમાસું પ્રવેશ કરે ત્યારબાદ તેની બે ટ્રફ રેખાઓ ખેંચાય છે. તેની બે સ્ટ્રીમ બને છે. એક સ્ટ્રીમ હાલમાં પશ્ચિમ બંગાળ સુધી પહોંચી છે જ્યારે બીજી સ્ટ્રીમ છત્તીસગઢ અને તમિલનાડુની વચ્ચે છે. આ સ્ટ્રીમ જ ચોમાસાને ઉત્તર અને પશ્ચિમ તરફ ખેંચી જાય છે. હાલમાં અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો ઉત્તર ભારત તરફ જઈ રહ્યા છે. બીજી તરફ બંગાળની ખાડીમાંથી આવતા પૂર્વના ભેજવાળા પવનો હજી અટકેલા જ છે. જ્યારે આ બંને તરફના પવનો ભેગા થાય છે ત્યારે ઉત્તર-પશ્ચિમના રાજ્યોમાં વરસાદ થાય છે. તેના કારણે જ વરસાદ અટકેલો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, યુપીમાં ક્યાંક ક્યાંક છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે પણ તેને ચોમાસું બેસી ગયું ન કહેવાય.

જાણકારોના મતે અલનીનોના કારણે ચોમાસું અટકી ગયું છે. આમ જોવા જઈએ તો અલનીનો એકમાત્ર કારણ નથી. સામાન્ય રીતે દક્ષિણ હિન્દ મહાસાગરમાં એક હાઈપ્રેશર સિસ્ટમ સર્જાય છે અને તેના દ્વારા ચોમાસું આવે છે. તેને માસ્કારેન હાઈ પણ કહેવામાં આવી છે. બીજી તરફ પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગરમીના કારણે હીટ પ્રેશર સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે. સામાન્ય રીતે હવા હાઈ પ્રેશરમાંથી લો પ્રેશર તરફ ગતિ કરતી હોય છે. તેથી હિન્દ મહાસાગર ઉપર સર્જાયેલું પ્રેશર આગળ વધીને લો પ્રેશર તરફ જાય છે. ભૂમધ્ય રેખાને પસાર કર્યા બાદ આ પવનો અરબ સાગર તરફથી આગળ વધવા લાગે છે. તેના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું સર્જન થાય છે જેને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ. 

સામાન્ય રીતે હાઈ પ્રેશર સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમ મજબૂત રીતે સર્જાયેલા હોય તો ચામાસું ઝડપથી આગળ વધે છે અને ધોધમાર વરસાદ લાવે છે પણ આ વર્ષે હજી બંને સિસ્ટમ જોઈએ તેટલી મજબૂત થઈ નથી. તેના કારણે ચોમાસું અટકી ગયું છે. બીજી તરફ  સોમાલી જેટ પવનો પણ આ વખતે નબળા છે. આ પવનો જ હાઈ પ્રેશર સિસ્ટમ બનનારી સ્ટ્રીમ છે. મડાગાસ્કર અને સોમાલિયા પાસેથી પસાર થઈને તે અરબ સાગર સુધી આગળ વધે છે. આ હવા મજબૂત હોય તો ભારતના કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત જેવા પશ્ચિમી કિનારાના રાજ્યોમાં સારો વરસાદ લાવે છે. આ વખતે સોમાલી જેટ પણ નબળા પડેલા છે. તેના કારણે પશ્ચિમી ભારતમાં ચામાસું ધીમું પડી ગયું છે અથવા તો સાવ જ અટકી ગયું છે તેવું દેખાઈ રહ્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક પ્રદેશો જે જૂનના અંત સુધીમાં વરસાદથી તરબતર થઈ જતા હતા તે આ વર્ષે હજી સુધી સામાન્ય વરસાદનો અનુભવ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ તો હજી વરસાદ પણ પડયો નથી. ઘણી જગ્યાએ માત્ર છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે, ચોમાસાની શરૂઆત સારી થઈ હતી પણ ધીમે ધીમે તે મંદ પડી રહ્યું છે. તે છેલ્લાં ઘણા દિવસથી આગળ વધી રહ્યું નથી. જ્યાં જ્યાં ચોમાસું બેઠું છે ત્યાં પણ જોઈએ તેવો વરસાદ પડયો નથી. જાણકારોના મતે અત્યાર સુધીમાં જ્યાં જ્યાં વરસાદ પડયો છે ત્યાં સરેરાશ ૪૦થી ૮૦ મિલીમીટર જ પડયો છે. સામાન્ય રીતે જૂન મહિનામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે. આ વખતે ચિંતાજનક સ્થિતિ છે. જૂન મહિનો પૂરો થવા આવ્યો અને હજી વરસાદમાં ૪૬ ટકાની ઘટ છે. હાલમાં પણ જે સંકેત મળી રહ્યા છે તે જણાવે છે કે, ચોમાસું હજી આ અઠવાડિયું આગળ વધે તેવા કોઈ અણસાર નથી. આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સુન એક્ટિવિટી જેવો વરસાદ પડી શકે છે. બાકી સ્થિતિમાં કોઈ સુધારો નથી.

દેશમાં સૌથી વધારે વરસાદની જૂન મહિનાની અછત આ વખતે મહારાષ્ટ્રમાં જોવા મળી છે. ત્યાં ૮૫ ટકા ઓછો વરસાદ પડયો છે. બીજી તરફ ઓછા વરસાદમાં ગુજરાત પણ બીજા ક્રમે છે. અહીંયા જૂન મહિનામાં વરસાદની ૮૪ ટકા ઘટ જોવા મળી છે. ત્રીજા ક્રમે વરસાદના ગઢ ગણાતા મેઘાલયનું નામ આવે છે. અહીંયા જૂન મહિનામાં ૮૧ ટકા ઓછો વરસાદ પડયો છે. ત્યારબાદ ગોવામાં ૭૬ ટકા, છત્તીસગઢ અને ઝારખંડમાં ૭૧ ટકા તથા મણીપુરમાં ૭૩ ટકા વરસાદી ઘટ નોંધાઈ છે. 

ભૂતકાળમાં નજર કરીએ તો ૧૯૧૮માં ચોમાસું નિષ્ફળ રહ્યું હતું. આઝાદી પહેલાંની આ સ્થિતિ અત્યંત કફોડી હતી. દેશના ૪૦ ટકા ભાગમાં વરસાદની અછતને પગલે દુકાળ પડયો હતો. છેલ્લાં ૧૨૦ વર્ષમાં આવું ક્યારેય થયું નહોતું. તે સમયે ભોજન અને ઘાસચારાની સખત અછત ઊભી થઈ હતી. ત્યારબાદ ૧૯૭૨માં ભારતમાં વરસાદમાં ૨૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે વખતે મહારાષ્ટ્રની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. આજે પણ દેશમાં ચોમાસું નિષ્ફળ જાય તો ૧૯૭૨ના વર્ષની સ્થિતિ સાથે જ સરખામણી કરાય છે. તેને દેશના આધુનિક ઈતિહાસમાં નિષ્ફળતાનો બેન્ચમાર્ક ગણાવાય છે. ૧૯૮૭માં પણ દેશોમાં ચોમાસું નબળું રહ્યું હતું અને વરસાદમાં ૧૯ ટકાની ઘટ પડી હતી. તેના કારણે દેશની ૬૦ ટકા ખેતીને અસર થઈ હતી. અંદાજે ૯ કરોડ લોકોને દુકાળ અને ભુખમરાનો સામનો કરવાનો આવ્યો હતો. ૨૦૦૨માં પણ ૧૯ ટકા ઓછો વરસાદ પડયો હતો. આ વર્ષે કુલ વરસાદમાં ઘટ નહોતી પણ જુલાઈમાં ચોમાસું અટકી ગયું હતું અને તેના કારણે ખેતીને પિયત અને વાવણી બાદની સ્થિતિને ખૂબ જ નુકાસન થયું હતું. જળાશયો પણ ભરાયા નહોતા. દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતના પશ્ચિમી રાજ્યોનો દુકાળનો સામનો કરવાનો આવ્યો હતો. દેશના અર્થતંત્રને પણ મોટો ઝાટકો લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ ૨૦૦૯માં પણ ભારતમાં ચોમાસું નિષ્ફળ ગયું હતું. તે સમયે વરસાદમાં ૨૨ ટકાની ઘટ જોવા મળી હતી. તે સમયે અનાજ, શેરડી, કઠોળના પાકને ખૂબ જ નુકસાન ગયું હતું. ખેતીમાં નુકસાન ઉપરાંત પીવાના પાણીની પણ વ્યાપક અછત ઊભી થઈ હતી. તેના કારણે દેશના અર્થતંત્રને પણ વ્યાપક નુકસાન થયું હતું. ચોમાસાના નિષ્ફળ જવાના ઈતિહાસમાં ૨૦૧૫ છેલ્લું વર્ષ છે. એક દાયકા પહેલાં ૨૦૧૫માં ચોમાસામાં ૧૪ ટકાની ઘટ જોવા મળી હતી. તેમાં જૂનમાં અસહ્ય વરસાદ પડયો અને ત્યારબાદ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ પડયો. ત્યારે પણ અલનિનોની અસર આકરી થઈ હોવાથી વરસાદ યોગ્ય રીતે પડયો નહોતો. તાજેતરમાં પણ અલનિનોની સ્થિતિ અસર કરી રહી હોય તે દેખાઈ રહ્યું છે. ચોમાસું હાલમાં અટકી ગયું છે. તેના કારણે મહારાષ્ટ્ર, મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં વરસાદમાં વ્યાપક ઘટ જોવા મળી હોવાના અહેવાલો આવ્યા છે. 

ચિંતાજનક બાબત એ છે કે, આ વર્ષે જો અલ નિનોની અસર વધારે પ્રબળ બનશે તો આ વર્ષે ચોમાસું ખરાબ થવાની પૂરતી શક્યતાઓ જોવાઈ રહી છે. જૂનમાં તો વરસાદની ઘટ જોવા મળી જ છે, હવે જુલાઈ અને ઓગસ્ટમાં પણ વરસાદની ઘટ આવી તો તેના પરિણામો ખૂબ જ કપરાં આવશે. આગામી બે મહિનામાં જો વરસાદ યોગ્ય રીતે નહીં પડે તો પરિસ્થિતિ વધારે ખરાબ થાય તેમ છે. એક તરફ વૈશ્વિક પરિસ્થિતિ ડામાડોળ છે, યુદ્ધને પગલે મોંઘવારી વધી છે અને હવે જો ચોમાસું નિષ્ફળ ગયું તો પ્રજા ઉપર મોંઘવારીનો વધુ એક મોટો ડામ આવશે.

25-30 જૂન વચ્ચે ચોમાસું આગળ વધે તેવો જાણકારોનો મત

જાણકારોના મતે ચોમાસું હજી જોઈએ તેટલી ઝડપથી અને મજબૂતાઈથી આગળ વધે તેવો કોઈ વરતારો નથી. આગામી બે-ત્રણ દિવસ મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી-એનસીઆરમાં પ્રી-મોન્સુન જેવો માહોલ સર્જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ દરમિયાન છુટોછવાયો વરસાદ પડી શકે છે. ત્યારબાદ ૨૫થી ૩૦ જૂનની વચ્ચે મહારાષ્ટ્રમાં વિધિવત ચોમાસું બેસી જશે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ ચોમાસું આગળ વધીને ગુજરાતમાં અધિકારિક એન્ટ્રી મારશે. બીજી તરફ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરમાં પણ ચોમાસાનો પ્રારંભ થાય તેવું લાગી રહ્યું છે. 

આ બધા વચ્ચે ગરમી અને ઉકળાટની સ્થિતિ તો યથાવત્ જ રહેશે. જાણકારોનું એવું પણ માનવું છે કે, ઘણી વખત ચોમાસું અટકીને પછી વધારે ઝડપ અને મજબૂતી સાથે આગળ વધતું હોય છે. હાલમાં જો કે, એવા કોઈ સંજોગ દેખાતા નથી. આ ઉપરાંત અલનીનોની અસર વધી રહી છે. અત્યારે ચોમાસું નબળું પડી જશે કે સામાન્ય રહેશે તેનું પણ ઉતાવળે કોઈ તારણ ન આપવું તેવું જાણકારો માની રહ્યા છે. આગામી દસ દિવસમાં વરસાદની દેશભરમાં સ્થિતિ જોયા બાદ ચોમાસું કેવું રહેશે અને કેવી રીતે આગળ વધશે તેનો ખ્યાલ આવશે.