Editorial

વિશ્વમાં 59 ઘર્ષણ ચાલે છે જેમાં 98 દેશો સંકળાયેલા છે

By GS TEAM
24 Jun 20258 mins read
વિશ્વમાં 59 ઘર્ષણ ચાલે છે જેમાં 98 દેશો સંકળાયેલા છે

- વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાન,ઈઝરાયેલ, રશિયા, યુક્રેન જેવા યુદ્ધગ્રસ્ત દેશો ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં સૌથી પાછલા ક્રમે

- ઈતિહાસમાં પહેલી વખત રશિયા વિશ્વનો સૌથી અશાંત દેશ જાહેર, યૂક્રેન સાથે ત્રણ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને પરિણામે રશિયા આ વર્ષે પીસ ઈન્ડેક્સમાં 163મા ક્રમે, યૂક્રેન 162મા ક્રમે : ભારતની સ્થિતિમાં સામાન્ય સુધારો થયો, ગત વર્ષ કરતા એક ક્રમ ઉપર 115મા ક્રમે આવ્યું, પાકિસ્તાન 4 ક્રમ ગગડીને 144મા ક્રમે પહોંચ્યું, તાજેતરમાં ચાલી રહેલી હિંસા અને ગૃહયુદ્ધ બાંગ્લાદેશને નડયા, 33 ક્રમ નીચે 123મા ક્રમે જતું રહ્યું : જગતજમાદારી કરનારા અમેરિકાની સ્થિતિ પણ ખરાબ, ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં 128મા ક્રમે : વિશ્વના સૌથી શાંત દેશોની યાદીમાં આઈસલેન્ડ મોખરે, ત્યારબાદ આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડ અનુક્રમે ટોચના પાંચ દેશ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દરરોજ મોટા ધડાકા થઈ રહ્યા છે. ગત રવિવારે અમેરિકા દ્વારા ઈરાન ઉપર હુમલો કરવામાં આવતા વિશ્વ કદાચ ત્રીજા વિશ્વયુદ્ધની એરણે આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રશિયા અને યૂક્રેન વચ્ચે તો સંઘર્ષ ચાલુ જ છે ત્યાં રશિયા અને ચીને ઈરાનને ટેકો આપીને યુદ્ધમાં ઉતરવાની તૈયારી બાતવી છે. બીજી તરફ ઈઝરાયેલ માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ બાંયો ચડાવીને બેઠા છે. આ તમામ સંઘર્ષો અને હિંસા વચ્ચે ગ્લોબલ પીસ ઈન્ડેક્સ બહાર આવ્યો છે. આ ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં એક પણ મોટો દેશ કે મહાસત્તા સારી કહેવાય તેવી સ્થિતિમાં નથી. 

તાજેતરમાં જારી થયેલા ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લાં સત્તર વર્ષમાં વિશ્વમાં વિસ્તારવાદ અને વિવાદને કારણે ઘણા યુદ્ધ લડાયા, લડાઈઓ થઈ અને હિંસક વિરોધ અને વિદ્રોહ જોવા પડયા. આ ભયાનક સ્થિતિને પગલે  વિશ્વમાં લાખો લોકોનાં મોત થયા છે. તાજેતરમાં આવેલા આ પીસ ઈન્ડેક્સમાં જણાવાયું છે કે, દોઢ દાયકામાં લાખો લોકોનાં યુદ્ધ અને હિંસાના કારણે મોત થયા છે. તેમાં ૨૦૨૪માં જ ૧.૫૨ લાખ લોકોનાં મોત થયા છે. જાણકારોના મતે આ આંકડા માત્ર સરકારો દ્વારા નોંધાયેલા હોઈ શકે છે, સાચા આંકડા તો આનાથી ઘણા વધારે હોવાની શક્યતા છે. જાણકારો માને છે કે, વૈશ્વિક શાંતિ માટે ઘણા પ્રયાસ થઈ રહ્યા છે પણ હવે આ દિશામાં વધારે નક્કર પ્રયાસ થાય તે જરૂરી છે. 

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે વિશ્વમાં હાલમાં ૯૮ દેશો તેમના દેશની બહાર સરહદ માટે કે અન્ય કોઈ મુદ્દે એકબીજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જાણકારોના મતે ૨૦૦૮થી દુનિયામાં વિવિધ દેશો વચ્ચે વિખવાદ ચાલુ રહ્યા છે. તેમાંય ૨૦૨૦ બાદ વૈશ્વિક સ્તરે સ્થિતિ વણસવા લાગી છે. તેમાં છેલ્લાં ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે જે ચાલી રહેલી સ્થિતિ છે તે ભયાનક છે. ૨૦૨૩ના વર્ષથી વિશ્વમાં અનેક મુદ્દે યુદ્ધ અને લડાઈની સ્થિતિ આવી ગઈ છે. વિશ્વના ઘણા દેશો આમને સામને આવી ગયા છે. હાલમાં વૈશ્વિક સ્તરે ૫૯ જેટલા યુદ્ધ અને સંઘર્ષ ચાલી રહ્યા છે જેમાં ૯૮ દેશો લડાઈ લડી રહ્યા છે અને કદાચ આગામી સમયમાં આ આંકડો મોટો થશે પણ ઘટવાની શક્યતા હાલમાં ઓછી જણાઈ રહી છે. મહાસત્તાઓનું જિયોપોલિટિક્સ તથા નાના દેશોને દબાવીને રાખવાનું વલણ અને મિડલ ઈસ્ટમાં જે વણસેલી સ્થિતિ છે તે વધારે ખરાબ થશે તો યુદ્ધ  વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 

ગ્લોબલ પીસ ઈન્ડેક્સ જણાવે છે કે, છેલ્લાં ૧૭ વર્ષથી વૈશ્વિક સ્તરે જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે તે બીજા વિશ્વ યુદ્ધ બાદની સૌથી ખરાબ સ્થિતિ છે. બીજા વિશ્વ યુદ્ધ પહેલાના ચાર વર્ષોમાં પણ આવી સ્થિતિ નહોતી જે હાલના સમયે જોવા મળી રહી છે. અહેવાલો જણાવે છે કે, ૧૭ જેટલા દેશોમાં યુદ્ધ અને સંઘર્ષના કારણે સરેરાશ ૧૦૦૦ લોકોનાં મોત થયા છે. દુનિયાના ૭૮ જેટલા દેશો સરહદ પારના યુદ્ધમાં વ્યસ્ત છે. તેઓ પોતાના પાડોશીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેના કારણે સ્થિતિ એવી આવી છે કે, શાંતિની શક્યતાઓ સાવ વામણી લાગી રહી છે. છેલ્લાં ૧૭ વર્ષના સમયગાળામાં આ સતત ૧૩મું વર્ષ છે જેમાં ગ્લોબલ પીસફુલનેસમાં ઘટાડો થયો છે. આ વખતે પણ સરેરાશ ગ્લોબલ પીસફુલનેસ ૦.૩૬ ટકા ઘટી છે. આ વખતે ૭૪ દેશોમાં શાંતિ બાબતે સ્થિતિ સુધરી છે જ્યારે ૮૭ દેશોમાં નવા સંઘર્ષે જન્મ લીધો છે. 

આ અહેવાલની વાત કરીએ તો તેમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ઈરાન અને ઈઝરાયેલ તો પાછળ ધકેલાયા છે પણ આ વખતે રશિયા અને યૂક્રેનનો પણ હિંસક દેશોમાં સમાવેશ થઈ ગયો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં આ પીસ ઈન્ડેક્સમાં પહેલી વખત રશિયાને વિશ્વનો સૌથી અશાંત અને હિંસક દેશ જાહેર કરાયો છે. રશિયા શાંતિ મુદ્દે ૧૬૩માં ક્રમે છે. તેનાથી એક જ ક્રમ પાછળ યૂક્રેન છે. આ બંને ત્રણ વર્ષથી એકબીજા સાથે શિંગડા ભેરવી રહ્યા છે. બીજી રાહતની વાત એવી છે કે, તાજેતરમાં પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતે હથિયાર હાથમાં લેવા પડયા હતા છતાં તેના ક્રમમાં એક અંકનો સુુધારો થયો છે. ભારત આ વખતે ૧૧૫મા ક્રમે રહ્યું છે. બીજી તરફ અડવીતરું પાકિસ્તાન ૪ ક્રમ ગગડીને ૧૪૪મા ક્રમે પહોંચી ગયું છે. આ અહેવાલમાં અન્ય આશ્ચર્યજનક બાબત એવી છે કે, જગતજમાદાર થઈને ફરતા અમેરિકાને પણ શાંતિ મુદ્દે ૧૨૮મો ક્રમ આપવામાં આવ્યો છે. 

આ યાદીમાં આઈસલેન્ડને વિશ્વનો સૌથી શાંત દેશ જાહેર કરાયો છે. તે ૨૦૦૮થી સતત આ યાદીમાં ટોચના ક્રમે જ રહ્યો છે. માત્ર અંદાજે ૪ લાખ કરતા પણ ઓછી વસતી ધરાવતા આઈસલેન્ડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કાબુમાં અને વ્યવસ્થિત છે. અહીંયા પોલીસ પણ હથિયારો રાખતી નથી. લોકો પોતાની રીતે જ કાયદો અને વ્યવસ્થાને માન આપે છે. શ્રેષ્ઠ શિક્ષણ, રોજગારી, લાઈફસ્ટાઈલ અને વેલફેર સિસ્ટમના કારણે આઈસલેન્ડમાં ગુનાખોરી વિકસી જ નથી. તેથી આ ખૂબ જ શાંત દેશ છે. આ જ યાદીમાં આયર્લેન્ડ બીજા ક્રમે, ન્યૂઝીલેન્ડ ત્રીજા ક્રમે, ઓસ્ટ્રિયા ચોથા ક્રમે અને સ્વિટ્ઝર્લેન્ડ પાંચમા ક્રમે રહ્યા છે. ટોચના દસ દેશોની વાત કરીએ તો સિંગાપુર છઠ્ઠા, પોર્ટુગલ સાતમા, ડેનમાર્ક આઠમા, સ્લોવેનિયા નવમા અને ફિનલેન્ડ ૧૦મા ક્રમે આવે છે. 

દુનિયાના સૌથી અશાંત દેશોની યાદીમાં રશિયા મોખરે છે. આ યાદીમાં યૂક્રેન બીજા ક્રમે છે. ત્યારબાદ સુદાન ત્રીજા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ચોથા ક્રમે આવે છે. યેમેન આ યાદીમાં પાંચમા ક્રમે છે. અફઘાનિસ્તાનમાં હિંસા વ્યાપક છે તેને બે ક્રમનો ફાયદો થયો છે છતાં દુનિયાના સૌથી હિંસક દેશોની યાદીમાં તે છઠ્ઠા ક્રમે છે. સતત ગૃહયુદ્ધો અને આતંકી સંઘર્ષોમાં અટકેલું સિરીયા આ યાદીમાં સાતમા ક્રમે છે. સાઉથ સુદાન પણ આઠમા ક્રમે છે. ઈરાન સાથે બાથ ભીડનારું અને તે પહેલાં ગાઝામાં નરસંહાર કરનારા તથા આતંકીઓ સાથે સતત સંઘર્ષમાં વ્યસ્ત રહેનાર ઈઝરાયેલ આ વર્ષે પણ ૧૫૫મા ક્રમે છે. તે દુનિયાના સૌથી હિંસક દેશોમાં નવમા ક્રમે આવે છે. ઈઝારેયેલ બાદ હિંસા મામલે માલી ૧૦મા ક્રમે છે. ત્યાં પણ સતત હિંસા અને આતંકી હુમલાના કારણે લોકો જીવ ગુમાવતા રહ્યા છે. ત્યારબાદ મ્યાંમાર, બુર્કિના ફાસો, સોમાલિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને નોર્થ કોરિયાનો પણ દુનિયાના હિંસક અને યુદ્ધખોર દેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

અહેવાલોમાં નોંધવામાં આવ્યું છે કે, આ દેશોમાં આંતરિક રીતે ચાલતા સંઘર્ષોમાં પણ લોકોનાં મોતનો આંકડો વધવા લાગ્યો છે. ખાસ કરીને છેલ્લાં ૧૭ વર્ષમાં આંતરિક સંઘર્ષ અને ગૃહયુદ્ધમાં નિર્દોષ લોકોનાં મોતનો આંકડો ૪૩૮ ટકા વધ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક છે. દુનિયામાં સરેરાશ ૧૭ દેશો એવા છે જેમની પાંચ ટકા વસતી વિસ્થાપિત થઈ ગઈ છે અથવા તો રેફ્યુજી તરીકે રઝળી રહી છે. આ યુદ્ધ અને હિંસાઓના કારણે દુનિયાને ગત વર્ષે ૧૯.૯૭ ટ્રિલિયન ડોલરનું નુકસાન ગયું હતું. આ આંકડો વૈશ્વિક જીડીપીના ૧૧.૬ ટકા જેટલો થાય છે. ગત વર્ષે યુદ્ધ અને હિંસાના કારણે વ્યક્તિદિઠ ૨૪૫૫ ડોલરનું નુકસાન ગયું છે. આ નુકસાન તેની પણ આગળના વર્ષના નુકસાન કરતા ૩.૮ ટકા વધારે છે. જાણકારોના મતે ૨૦૨૩માં ૫૯ જેટલા સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિમાં વિશ્વ અટવાયેલું હતું. તે આંકડામાં આજ સુધી કોઈ ફેરફાર થયો નથી. આજે પણ ૫૯ જેટલા સંઘર્ષ ચાલે છે અને તેમાં ભાગ લેનારા દેશોની સંખ્યામાં વધારો થયો છે. 

આ ઉપરાંત આ સંઘર્ષોના કારણે થતાં મોતમાં છેલ્લાં ૩૨ વર્ષમાં ૨૦૨૨માં સૌથી વધુ મોત થયા હતા. હવે તેમાં થોડો ઘટાડો થયો છે છતાં સરેરાથ દોઢ લાખ લોકોનાં છેલ્લાં બે વર્ષમાં થયેલા મોત ચિંતાજનક જ છે. વિસ્તારવાદની નીતિ અને જિયોપોલિટિક્સમાં પોતાનો હાથ ઉપર રાખવાની મમત દુનિયાને કદાચ ત્રીજા વિશ્વયુદ્ધના દ્વારે ખેંચી જાય તો નવાઈ પામવા જેવું નથી. 

12.2 કરોડ લોકો ઘરબાર વગરના થઈ ગયા : એક જ વર્ષમાં 1.20 કરોડનો ઉમેરો

વિશ્વમાં ચાલી રહેલી હિંસક ઘટનાઓની મોટી અસરો દેખાવા લાગી છે. છેલ્લાં દોઢ દાયકામાં જે ખાનાખરાબી થઈ તેના કારણે કરોડો લોકોને જાનમાલનું પણ નુકસાન થયું છે. પીસ ઈન્ડેક્સમાં જણાવ્યા પ્રમાણે આ દોઢ દાયકાના યુદ્ધજ્વરમાં ૧૨.૨ કરોડ લોકોને પોતાના ઘરબાર ગુમાવવાનો વારો આવ્યો છે. આ લોકો શરણાર્થીઓની જેમ ભટકી રહ્યા છે અથવા તો પોતાના જ દેશોમાં બધું જ ગુમાવીને પીડિતની જેમ જીવન પસાર કરી રહ્યા છે. તેમની તરફ જોનાર કોઈ નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે, એક જ વર્ષમાં વિસ્થાપિત થનારા અને રેફ્યુજી થનારા લોકોની સંખ્યામાં ૧.૨૦ કરોડનો વધારો થયો છે. આ અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, રશિયા અને યૂક્રન દુનિયાના સૌથી વધુ અશાંત વિસ્તારો છે. આ સિવાય ગત વર્ષે જે ૧.૫૨ લાખ લોકોએ જીવ ગુમાવ્યા તેમાંથી ૬૩ ટકા લોકો માત્ર રશિયા, યૂક્રેન અને પેલેસ્ટાઈનના હતા. પીસ ઈન્ડેક્સ પ્રમાણે મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકાના વિસ્તારો સૌથી વધુ અશાંત વિસ્તારો છે. દુનિયાના દર દસ અશાંત વિસ્તારોમાંથી ચાર વિસ્તારો આ પ્રદેશોના છે. આ અહેવાલમાં એવા પણ સંકેત આપવામાં આવ્યા છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ દુનિયાના મોટાભાગના દેશો મિલિટરાઈઝેશનની દિશામાં આગળ વધી રહ્યા છે. મોટાભાગના દેશો હથિયારો અને દારૂગોળા વધારવા અને ખરીદવાની હોડમાં લાગ્યા છે. એક સમય હતો જ્યારે સૈનિકોની સંખ્યા વધારવામાં આવતી હતી પણ હવે સૈનિકોની સંખ્યા નહીં પણ હથિયારો અને આધુનિક ટેક્નોલોજીથી ચાલતા સાધનો અને હથિયારોની સંખ્યા વધારવાની હોડ જામી છે.

 વર્તમાન ઈન્ડેક્સ પ્રમાણે અમેરિકાની સૈન્ય તાકાત ચીન કરતા અનેક ગણી વધારે છે. બીજી તરફ રશિયા પોતાની તાકાત વધારવા માટે સતત પ્રયાસ કરીને આગળ વધી રહ્યું છે. યુદ્ધ વચ્ચે ઘેરાયેલું હોવા છતાં તે આગળ વધી રહ્યું છે.