સ્લેપિંગ ડેમોક્રેસી : મહાત્મા ગાંધીથી રેખા ગુપ્તા સુધી હિંસાનું તાંડવ

- વિશ્વભરમાં લોકો નેતાઓની સાથે ગમે ત્યારે લાફાવાળી કરીને લોકશાહીને લજવે છે
- આઝાદી પહેલાં ગાંધીજી ડર્બન ગયા ત્યારે યુરોપિયન કોમ્યુનિટીએ તેમના ઉપર જાહેરમાં હુમલો કર્ર્યો હતો છતાં ગાંધીજીએ તેમને માફ કરી દીધા હતા: દિલ્હીની સીએમ રેખા ગુપ્તા દ્વારા પોતાના અધિકારિક નિવાસ્થાને જન દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક યુવાન તેમની પાસે આવ્યો, તેમને કેટલાક કાગળ આપ્યા અને અચાનક તેમના ઉપર હુમલો કરી દીધો : ગત વર્ષે જૂન મહિનામાં જ ભાજપની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને ચંડિગઢ એરપોર્ટ ઉપર સીઆઈએસએફના જવાન દ્વારા લાફો મારવામાં આવ્યો હતો. ખેડૂત આંદોલન વિશે કંગનાએ કરેલી ટીકાના કારણે તે ઉશ્કેરાયેલો હતો અને તક મળતા તેણે કંગના ઉપર હુમલો કરી દીધો: જ્યાં સુધી લોકોને અહિંસાના સાચો અર્થ નહીં સમજાય અને તેનું અનુસરણ નહીં થાય ત્યાં સુધી લોકશાહીમાં આવી જઘન્ય ઘટનાઓ બનતી રહેશે જે જાહેર નૈતિક મૂલ્યોને પણ આઘાત પહોંચાડશે
રાજકારણમાં હિંસા થવી સામાન્ય બાબત છે, પણ જ્યારે લોકશાહીમાં લોકો દ્વારા નેતાઓ સાથે હિંસા કરવામાં આવે ત્યારે ખૂબ જ મુશ્કેલ સ્થિતિ સર્જાતી હોય છે. નેતાઓને લાફા મારવા, પથ્થર મારવા, જૂતા ફેંકીને મારવા અને બીજા ઘણા પ્રકારની હિંસા થતી હોય છે જે લોકશાહી દેશો માટે ચિંતાજનક છે. ભારતની આઝાદી પહેલાં મહાત્મા ગાંધી ઉપર સાઉથ આફ્રિકામાં થયેલો હુમલાથી માંડીને વર્તમાન સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર થયેલા હુમલા અને વૈશ્વિક નેતાઓ ઉપર સમયાંતરે થયેલા હુમલા લોકોની હિન માનસિકતાની ચાડી ખાય છે. જ્યારે લોકો માટે, લોકો દ્વારા અને લોકો થકીની ભાવના સાથે લોકશાહીનું નિર્માણ કરવામાં આવ્યું હોય ત્યારે લોકો દ્વારા જ આવા કાર્યો કરવામાં આવે તે જરાય ચલાવી લેવાય નહીં. તમને કોઈનાથી મતભેદ હોઈ શકે, કોઈ મુદ્દે તમે નેતા કરતા કે અન્ય વ્યક્તિ કરતા વિભિન્ન વિચાર ધરાવતા હોઈ શકો પણ તેના લીધે નેતા ઉપર જાહેરમાં હુમલો કરવો કે તેની સાથે હિંસા કરવી તે યોગ્ય નથી. આવી હિંસાઓ ખરેખર તો લોકશાહી ઉપર થયેલો જઘન્ય હિંસા ગણી શકાય.
તાજેતરની વાત કરીએ તો દિલ્હીની સીએમ રેખા ગુપ્તા દ્વારા પોતાના અધિકારિક નિવાસ્થાને જન દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક યુવાન તેમની પાસે આવ્યો, તેમને કેટલાક કાગળ આપ્યા અને અચાનક તેમના ઉપર હુમલો કરી દીધો. સુરક્ષા જવાનો સતર્ક હોવાથી તરત જ હુમલાખોરને પકડી લેવાયો અને સીએમને પણ બચાવી લેવાયા. તેમજ તેમને મેડિકલ ચેક અપ માટે પણ લઈ જવાયા હતા. રેખા ગુપ્તા ઉપર થયેલા આ હુમાલને તમામ પક્ષના અને રાજકારણ સાથે જોડાયેલા નેતાઓ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો. ભાજપમાં તો આ ઘટનાના મોટા પ્રત્યાઘાત પડયા હતા. રેખા ગુપ્તા દ્વારા પીએમ મોદીના વિકસિત ભારત મિશન હેઠળ પોતાની સરકારના ૧૦૦ દિવસ પૂરા થયા અન્વયે વિકસિત દિલ્હી યોજનાની વાત કરવામાં આવી રહી હતી તે સમયે હુમલો કરાયો હતો. આ હુમલો ખૂબ જ ચર્ચામાં છે.
હકિકતે જોઈએ તો આવા હુમલા માણસને શારીરિક ઈજા કરવા કરતા માનસિક આઘાત વધારે પહોંચાડે છે. તેનાથી પણ આગળ વિચારીએ તો આવા હુમલા લોકશાહી વ્યવસ્થાના પાયાને તથા મુક્ત વિચારો અને વ્યક્તિ સ્વાતંર્ત્ર્યના વિચારોને મોટો આઘાત પહોંચાડે છે. આવી ઘટનાઓ ઘણી વખત એવું પણ સિદ્ધ કરતી હોય છે કે, લોકોમાં આક્રોશ છે, લોકોમાં તણાવ છે અને તેના કારણે તેઓ ગમે તેવું પગલું ભરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, જાણકારો આવી વૃત્તિ અને વિકૃતિ પાછળ ઘણા કારણોને જવાબદાર માને છે. ખાસ કરીને તેમના મતે વર્તમાન સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જે રીતે ડિપફેક વીડિયો અને ફોટો તથા સામગ્રી તૈયાર કરીને સોશિયલ મીડિયામાં ફરતી કરવામાં આવે છે અને તેને ઘણી વખત એક્સપર્ટ ઓપિનિયન અને લાઈવ ટેલિકાસ્ટ તરીકે રજૂ કરી દેવાય છે. આ વીડિયો અને માહિતીઓ કે તસવીરો સ્થિતિ વધારે કફોડી કરી નાખે છે અને રાજકીય આક્રોશ વધારે વ્યાપક બને છે. જાણકારો માને છે કે, ચૂંટણી સમયે અથવા તો કોઈ સામાજિક કે રાજકીય ઘટના વખતે એઆઈની મદદથી આવા વીડિયો અને તસવીરો વ્યાપક પ્રમાણમાં ફરતી કરવામાં આવે છે જેના કારણે પણ લોકોમાં આક્રોશ, વિરોધ અને હિંસા વધી જતા હોય છે. એઆઈ દ્વારા બનાવવામાં આવતા આવા વીડિયોમાં હવે નેતાઓના વીડિયોનો પણ સમાવેશ થઈ ગયો છે. તેના વીડિયો લઈને તેના મોઢે ગમે તે વાત રજૂ કરાવી દેવાય છે અને લોકો ઉશ્કેરાય છે અને નેતાઓ સાથે હિંસા કરી બેસે છે. જાણકારો માને છે કે, ઓનલાઈન માધ્યમોમાં કરવામાં આવતા આવા ચેડાં અને સોશિયલ મીડિયા થકી ફરતી માહિતીઓ ખરેખર લોકોને વ્યાપક રીતે ગેરમાર્ગે દોરી રહી છે. તેનાથી વાતાવરણ વધારે ખરાબ થઈ રહ્યું છે. લોકો સત્ય જાણ્યા વગર જ જોયેલી વાતને સાચી માનીને તેના આધારે નિર્ણય લઈ લે છે અને કોઈપણ પ્રતિક્રિયા આપી દે છે.
વર્તમાન સમયની વાત કરીએ તો, ઘણા હાઈપ્રોફાઈલ કિસ્સા બન્યા છે જેમાં રાજકારણીઓ અને નેતાઓ ઉપર જાહેરમાં હુમલા કરવામાં આવ્યા હોય અને તેની વૈશ્વિક ચર્ચા ચાલી હોય. ૧૩ જુલાઈ ૨૦૨૪ના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે સમયે તેઓ પેન્સિલવેનિયા ખાતે ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યાં તેમને ૨૦ વર્ષના એક યુવાન થોમસ મેથ્યુ ક્ક્સ દ્વારા ગોળી મારવામાં આવી હતી. તેમનું નસીબ સારું હતું કે, થોમસે છોડેલી ગોળી તેમના કાનને ઈજા પહોંચાડીને આગળ જતી રહી. થોડું જો આઘું પાછું થયું હોત તો ટ્રમ્પની સ્થિતિ ગંભીર થઈ જાત.
તે ઉપરાંત ૨૦૦૩માં આર્નોલ્ડ સ્ક્વાર્ઝનેગર ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. તેઓ કેલિફોર્નિયાના મેયરપદ માટે પ્રચાર કરતા હતા ત્યારે તેમને ઈંડું મારવામાં આવ્યું હતું. ૨૦૦૮માં અમેરિકી પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યૂ બુશ જ્યારે બગદારમાં પત્રકારો સાથે વાત કરતા હતા ત્યારે એક પત્રકારે તેમના ઉપર જૂતું ફેંક્યું હતું. તેવી જ રીતે ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયાના વડાં પ્રધાન જુલિયા ગિલાર્ડ ઉપર એક વિદ્યાર્થીએ સેન્ડવીચ ફેંકી હતી. તેનાથી મોટી ઘટના જૂન ૨૦૨૧માં બની હતી. જેમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંને જાહેરમાં એક વ્યક્તિએ લાફો મારી દીધો હતો.
ઈટાલીના પૂર્વ વડા પ્રધાન સિલ્વિઓ બર્લુસ્કોનીને એક લોખંડની મૂર્તિ ફટકારવામાં આવી હતી. તેવી જ રીતે બ્રાઝિલના પ્રમુખ બોલ્સોનારોને ૨૦૧૮માં ચૂંટણી પ્રચાર દરમિયાન ચપ્પુ મારવામાં આવ્યું હતું. તેના કારણે તેમની પોપ્યુલારિટી વધી હતી અને તેઓ વિજયી પણ બન્યા હતા.
2011માં શરદ પવારને મોંઘવારી મુદ્દે યુવાને લાફો માર્યો હતો
આવી જ રીતે ભારતમાં તો રાજકારણીઓ અને નેતાઓ ઉપર આવા અનેક હુમલા થયેલા છે. થોડા સમય પહેલાં મે ૨૦૧૯માં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને મોતિ નગરમાં રોડ શો દરમિયાન એક વ્યક્તિએ લાફો ઝિંકી દીધો હતો. તે સમયે એવું જાણવા મળ્યું હતું કે, સ્થાનિક સમસ્યાઓના કારણે તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે સીએમ ઉપર હુમલો કરી દીધો હતો. માત્ર કેજરીવાલ જ નહીં છેલ્લાં એક દાયકાની ઘટનાઓ જોઈએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ ઉપર આવા ઘણા હુમલા થયા છે. તેવી જ રીતે ૨૦૧૧માં તત્કાલિન કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારને એક યુવાને લાફો મારી દીધો હતો. મોંઘવારી અને ભાવવધારાના કારણે હરવિંદર સિંહ નામનો એક યુવાન ઉશ્કેરાટમાં હતો અને તેણે શરદ પવારને લાફો મારી દીધો હતો. તાજેતરની જ વાત કરીએ તો ગત વર્ષે જૂન મહિનામાં જ ભાજપની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને ચંડિગઢ એરપોર્ટ ઉપર સીઆઈએસએફના જવાન દ્વારા લાફો મારવામાં આવ્યો હતો. ખેડૂત આંદોલન વિશે કંગનાએ કરેલી ટીકાના કારણે તે ઉશ્કેરાયેલો હતો અને તક મળતા તેણે કંગના ઉપર હુમલો કરી દીધો. ત્યારબાદ આ જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ૨૦૦૯માં પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા ત્યારે તેમના ઉપર જૂતું ફેંકવામાં આવ્યું હતું. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો અંગે ચિદમ્બરમે જે વાત કરી હતી તેનો બદલો લેવા માટે ૨૦૦૯માં હુમલો કરવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે આક્રોશ અને અવસરના આધારે હુમલો કરાય છે
જાણકારોના મતે આવી તમામ ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે કે તપાસ કરવામાં આવે તો સમજાય છે કે, જે પણ લોકો દ્વારા હુમલો કરાયો છે તેમનામાં આક્રોશ ભરેલો હોય છે. તેમના આ આક્રોશની જ્યારે વ્યક્ત થવાનો અવસર મળે છે ત્યારે નેતાઓ ઉપર હુમલા થયા છે. વૈશ્વિક ઘટનાઓની જ વાત કરીએ તો ૨૦૨૧ સુધીમાં જ ચૂંટણી દરમિયાન પોલિટિકલ હિંસાના ૩૦૦ કેસ નોંધાયા હતા. યુરોપમાં પણ સ્થિતિ એવી છે કે, આર્થિક બાબતે નારાજગી અને વિચારોના મતભેદને પગલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધમકી આપવાના કિસ્સા અને તેમના ઉપર હુમલા કરવાના કિસ્સામાં દેખીતો વધારો નોંધાયો છે. આ એવા હિંસક અને ઝનુની હુમલાખોરો છે જે રાજકારણ કે લોકસેવાના ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છતા લોકોને ભયમાં મૂકે છે. તેના કારણે આ દિશામાં આવવાની લોકોની ઈચ્છા ઓછી થઈ રહી છે. ભારતની વાત કરીએ તો અહીંયા ચૂંટણી દરમિયાન એટલી વિશાળ જનમેદની ભેગી થતી હોય છે કે, નેતાઓનું રક્ષણ કરવું ખરેખર મોટો પડકાર સાબિત થતો હોય છે. આવી ઘટનાઓમાં મજબૂત પગલાં લેવાય અને આકરી સજા થાય તે મહત્ત્વનું છે. તેની સાથે સાથે આવી ઘટનાઓ પાછળ રહેલા ભેદભાવના તત્વો અને ખોટી માહિતીનો પ્રસાર જેવી બાબતોને પણ નાથવાની જરૂર છે. સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, મીડિયા અને સિવિલ સોસાયટીએ સાથે મળીને નાગરિક ફરજો અને નૈતિક મૂલ્યો વિશે સંવાદ કરવા જોઈએ અને લોકોને જાગ્રત કરવા જોઈએ.








