બ્રિટિશ રાજકારણમાં ભૂકંપ : 10 વર્ષમાં 6 વડાપ્રધાન બદલાયા

- લંડન બ્રિજ ઈઝ ફોલિંગ ડાઉન : ડેવિડ કેમરૂનના 2016ના બ્રેક્ઝિટના નિર્ણય સાથે જ બ્રિટિશ રાજકારણના વળતા પાણી શરૂ થઈ ગયાના અહેવાલો
- સ્ટારમરે તમામ ટોચના મંત્રીઓ, રાજકીય સલાહકારો, ઉદ્યોગપતિઓ, લેબર પાર્ટીની આલાકમાન, ટ્રેડ યુનિયનોના વડાઓ અને અન્ય લોકો સાથે મુલાકાતો કરી હતી. કોઈપણ સંજોગોમાં તેઓ સરકાર ચલાવી શકે અથવા બચાવી શકે તે સ્થિતિમાં હતા નહીં અને તેના પગલે તેમણે રાજીનામું આપ્યું : મહત્ત્વની વાત એ છે કે, બ્રિટન અત્યારે આર્થિક રીતે પછટાડ ભોગવી રહ્યો છે, તેનું અર્થતંત્ર ડગમગી ગયું છે, તેના ઉપર દેવાઓનો ખડકલો થઈ ગયો છે અને બીજી તરફ જિયોપોલિટિક્સમાં પણ અત્યંત પરિવર્તન દેખાઈ રહ્યું છે ત્યારે બ્રિટનમાં વડા પ્રધાન બદલવામાં આવે તે આંચકાજનક છે : સ્ટારમરની પહેલાં બીજા પાંચ પીએમ છે જેમણે એક જ દાયકામાં સત્તા ગુમાવી છે. કેમરૂનથી શરૂ કરીને રિશી સુનાક સુધી છ વડાપ્રધાન પણ બ્રેક્ઝિટથી શરૂ કરીને આંતરિક વિખવાદ અને પાર્ટી ગેટ તથા અન્ય કારણોસર સત્તા ગુમાવી બેઠા છે
બ્રિટનના વધુ એક વડાપ્રધાને પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે. કીર સ્ટ્રારમરે ડાઉનિંગ સ્ટ્રીટની બહાર પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના પદ છોડવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બ્રિટનમાં છેલ્લાં એક દાયકમાં છઠ્ઠા વડા પ્રધાને રાજીનામું આપ્યું હતું અથવા તો તેમનું પદ ગયું હતું. હવે સાતમા વડા પ્રધાનની રાહ જોવાઈ રહી છે. બ્રિટનના રાજકીય ઈતિહાસમાં આધુનિક સદીમાં આ પહેલો એવો દાયકો છે જેમાં બ્રિટનમાં રાજકીય ભૂકંપ આવ્યો છે અને તેના આંતરિક રાજકારણના વળતાપાણી શરૂ થયા છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન માટે દુનિયાભરમાં એવી છબી છે કે, ત્યાં કોઈપણ વડા પ્રધાન પોતાની સત્તાના પાંચ વર્ષ પૂર્ણ કરી શકતા નથી. હવે આ રાજકીય સ્થિતિ ધીમે ધીમે બ્રિટનની થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. જાણકારોના મતે બ્રિટન દ્વારા એક દાયકા પહેલાં બ્રેક્ઝિટ માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી તેની રાજકીય, આર્થિક અને સામાજિક પડતીની શરૂઆત થઈ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. જાણકારોના મતે છેલ્લાં ઘણા સમયથી સ્ટારમર સરકારમાં આંતરિક વિખવાદ વધી ગયા હતા. તેના પગલે સ્ટારમર ઉપર રાજકીય દબાણ વધી ગયું હતું. જાણકારો તો એવું પણ માને છે કે, છેલ્લાં બે દિવસ દરમિયાન તેમણે તમામ ટોચના મંત્રીઓ, રાજકીય સલાહકારો, ઉદ્યોગપતિઓ, લેબર પાર્ટીની આલાકમાન, ટ્રેડ યુનિયનોના વડાઓ અને અન્ય લોકો સાથે મુલાકાતો કરી હતી. કોઈપણ સંજોગોમાં તેઓ સરકાર ચલાવી શકે અથવા બચાવી શકે તે સ્થિતિમાં હતા નહીં અને તેના પગલે તેમણે રાજીનામું આપ્યું.
ઉલ્લેખનીય છે કે, સોમવારે બ્રિટિશ પીએમ કીર સ્ટારમરે પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ જ ભાવુક થઈને પોતાના પદનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી જેથી નવા પીએમની પસંદગી અને જાહેરાત કરી શકાય. જાણકારોના મતે લેબર પાર્ટીમાં જ છેલ્લાં ઘણા સમયથી સ્ટારમર વિરુદ્ધ નારાજગી વધી ગઈ હતી. પક્ષમાં જ બે ભાગ પડી ગયા હતા. ઘણા મંત્રીઓ અને સાંસદો ઈચ્છતા હતા કે, સ્ટારમર સત્તા ઉપર રહે જ્યારે બીજો પક્ષ તેના વિરોધમાં હતો. પક્ષની આંતરિક વિસંગતતાના પગલે બ્રિટનના રાજકારણ ઉપર તેની મોટી અસર પડી રહી હતી. તેમાંય ૧૦૦ જેટલા સાંસદો દ્વારા સંસદમાં જ સ્ટારમર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
મહત્ત્વની વાત એ છે કે, સ્ટારમરને આ બાબતનો અંદાજ હતો. તેમણે રાજીનામુ આપવા દરમિયાન પોતાની પીડા પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારા પક્ષને લાગે છે કે, હું તેમના દળનો નેતા બનવા માટે કે આ દેશને આગળ લઈ જવા માટે નેતૃત્વ પૂરું પાડી શકું તેમ નથી. આગામી ચૂંટણીમાં પણ હું તેમનું સફળ નેતૃત્વ કરી શકું તેવું તેમને લાગતું નથી. હું તેમની લાગણીનો સ્વીકાર કરું છું. મારી કામગીરી અને મારા નેતૃત્વ અંગે મારી પાર્ટીને સવાલો કરવામાં આવ્યા હતા અને તેના જવાબો મેં સાંભળ્યા છે. હું આ તમામ જવાબોનો સ્વીકાર કરું છું. મેં અત્યાર સુધી આ પદ ઉપર રહીને જે નિર્ણયો કર્યા છે તે મારા પ્રથમ પ્રેમ એવા મારા દેશને આગળ વધારવા માટે લીધા હતા. કદાચ પક્ષનું તેને સમર્થન નથી. તેના પગલે જ હું લેબર પાર્ટીના પક્ષના નેતા તરીકે અને દેશના પીએમ પદેથી પણ રાજીનામું આપું છું.
જાણકારોના મતે સ્ટારમર હાલમાં તો દેશના પીએમ પદે ચાલુ રહેશે. તેમની જગ્યાએ એકાદ-બે દિવસ કે પછી અઠવાડિયામાં નવા વડા પ્રધાનની જાહેરાત કરાશે ત્યાં સુધી સત્તા તેમની પાસે રહેશે. બીજી તરફ એવો પણ મત છે કે, સ્ટારમરના સ્થાને સત્તા સંભાળી શકે તેવી વ્યક્તિની પસંદગી પહેલેથી કરી લેવાઈ છે. સ્ટારમરને માત્ર ખસેડવાના હતા અને તે કામગીરી પૂરી થઈ ગઈ છે. મહત્ત્વની વાત એ છે કે, બ્રિટન અત્યારે આર્થિક રીતે પછટાડ ભોગવી રહ્યો છે, તેનું અર્થતંત્ર ડગમગી ગયું છે, તેના ઉપર દેવાઓનો ખડકલો થઈ ગયો છે અને બીજી તરફ જિયોપોલિટિક્સમાં પણ અત્યંત પરિવર્તન દેખાઈ રહ્યું છે ત્યારે બ્રિટનમાં વડા પ્રધાન બદલવામાં આવે તે આંચકાજનક છે.
ડેવિડ કેમરૂન : આ પડતીની શરૂઆત ડેવિડ કેમરૂનના કાર્યકાળમાં શરૂ થઈ હતી. જૂન ૨૦૧૬માં કેમરૂને બ્રેક્ઝિટ માટે મતદાન કર્યું હતું. જેમાં ૫૨-૪૮ની સરેરાશથી બ્રિટન હવે યુરોપીયન યૂનિયન છોડી દેશે તેવું નક્કી થયું હતું. તેના સાથે જ વિશ્વ રાજકારણ અને બ્રિટનના આંતરિક રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટન આ નિર્ણયને પગલે પોતાના સૌથી મોટા રાજકીય સંકટ તરફ ધકેલાઈ ગયો હોવાનું મનાય છે. આ સમસ્યાના પગલે ડેવિડ કેમરૂને રાજીનામુ આપ્યું અને તેમના ઉત્તરાધિકારી તરીકે થેસેરા મેની પસંદગી કરવામાં આવી હતી.
થેરેસા મે : થેરેસા મે સત્તામાં આવ્યા ત્યારે તેઓ માનતા હતા કે, બ્રેક્ઝિટ માટે જે નિર્ણય લેવાયો છે તે યોગ્ય છે. તેના સમર્થનને ધ્યાનમાં રાખીને જ તેમણે રાજકારણની દિશા બદલવાનો પ્રયાસ કર્યો. તેમણે સત્તામાં આવતા જ વહેલી ચૂંટણીની જાહેરાત કરી. જુલાઈ ૨૦૧૬માં જ તેમણે ચૂંટણી યોજવાવી અને બહુમત સાથે સત્તામાં આવ્યા. તેઓ જુલાઈ ૨૦૧૯ સુધી સત્તામાં રહ્યા. બ્રિટનના ઈતિહાસમાં માર્ગરેટ થેચર બાદ થેરેસા બીજા મહિલા વડા પ્રધાન હતા. જો કે, બ્રિટિશ સંસદમાં બ્રેક્ઝિટ કેવી રીતે કરવામાં આવશે તેના દસ્તાવેજો, કામગીરી અને સંસાધનોની વહેંચણી બાબતે રજૂ કરાયેલા દસ્તાવેજોની ચર્ચામાં મડાગાંઠ સર્જાઈ હતી. સંસદમાં ઊભી થયેલી આ સમસ્યાએ તેમની પ્રતિષ્ઠા પણ છીનવી લીધી હતી. આ મડાગાંઠ ઉકેલાઈ નહીં અને તેમણે રાજીનામુ આપવું પડયું.
બોરિસ જોન્સન : બોરિસ જોન્સન પણ બ્રેક્ઝિટના સમર્થક હતા. તેમના નેતૃત્વમાં જ બ્રિટનનું યુરોપ છોડો નામનું અભિયાન શરૂ થયું હતું. થેરેસા મે પછી સફળ નેતા સાબિત થવામાં તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીની આંતરિક સ્પર્ધા તો જીતી લીધી હતી અને તેમણે પણ વહેલી ચૂંટણીની હાકલ કરી. તેમણે ગેટ બ્રેક્ઝિટ ડન નામનું સૂત્ર આપીને ચૂંટણીનું બ્યૂગલ ફુંકી દીધું. જાણકારોના મતે ૧૯૮૭માં માર્ગરેટ થેચરના નેતૃત્વમાં જે ભવ્ય જનાદેશ મળ્યો હતો ત્યારબાદ જોન્સનના નેતૃત્વમાં પક્ષને મળ્યો હતો. ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બ્રેક્ઝિટ સફળ રહ્યું. તેમણે અલગ વેપાર અને અન્ય સોદાઓના કરાર કરીને ઔપચારિક રીતે બ્રિટનને યુરોપથી અલગ કરી દીધું. જોન્સને સત્તામાં રહેવા દરમિયાન વિવિધ પાર્ટીઓનું આયોજન કર્યું હતું જેના કારણે લોકો નારાજ હતા. તેમાંય કોરોના દરમિયાન પણ તેમણે આવી પાર્ટીઓ ચાલુ રાખી અને પાર્ટી ગેટ વિવાદને પગલે તેમની સામે આક્રોશ વધવા લાગ્યો અને જુલાઈ ૨૦૨૨માં તેમણે સત્તા ગુમાવવી પડી.
લિઝ ટ્રસ : લિઝ ટ્રસ પણ જોન્સનના અનુગામી તરીકે આવ્યા. આ રેસમાં રિશિ સુનાક પણ તેમની સાથે સ્પર્ધામાં હતા. જો કે તેમને હરાવીને લિઝ ટ્રસ સત્તા ઉપર આવ્યા. તેમના અવિચારી બેજટ અને વધતા જતા દેવાને પગલેજનતા નારાજ થવા લાગી હતી. તેમની નાણાકિય નીતિઓએ બજારમાં ભૂકંપ લાવી દીધો હતો. તેના કારણે બજારમાં ઉધારી વધવા લાગી હતી. ખાસ કરીને કોવિડ મહામારી બાદ બ્રિટિશ અર્થતંત્ર મોંઘવારી, બેકારી, દેવામાંથી બહાર આવવા મથતું હતું ત્યાં લિઝ ટ્રસે અવિચારી નીતિઓ અમલમાં મૂકી હતી. તેના પગલે પ્રજાનો રોષ ભભૂકિ ઉઠયો અને ઓક્ટોબર ૨૦૨૨માં તેમણે રાજીનામું આપી દીધું. તેઓ માત્ર ૪૪ દિવસ જ સત્તા ઉપર રહી શક્યા હતા.
રિશિ સુનક : ટ્રસના ગયા બાદ ઓક્ટોબર ૨૦૨૨માં ભારતીય મૂળના રિશિ સૂનકને સત્તા સોંપવામાં આવી. એક સમયે તેઓ બોરિસ જોન્સનની કેબિનેટના નાણામંત્રી હતા. બ્રિટનનું અર્થતંત્ર ખોરંભે ચડયું હતં ત્યારે તેમણે સત્તા સંભાળી. તેમણે પૂરોગામીઓની જેમ જ બ્રિટનને પાટે ચડાવવાની વાત કરી હતી. તેમણે ગેરકાયદે ઈમિગ્રેશનમાં સુધારાથી શરૂ કરીને સ્વાસ્થ્ય સેવાઓમાં પરિવર્તન સહિત પાંચ સુધારા જાહેર કર્યા હતા. ફેબુ્રઆરી ૨૦૨૩માં સુનકે ઉત્તર આયર્લેન્ડ અને યુરોપ સાથે કેટલાક કરાર પણ કર્યા. તેમની નીતિઓએ ખાસ અસર જન્માવી નહીં અને તેમના બાકીના વાયદા પણ પ્રજાને ખાસ પસંદ આવ્યા નહોતા. તેના પગલે જુલાઈ ૨૦૨૪માં વહેલી ચૂંટણીની હાકલ કરવામાં તેમણે પણ સત્તા ગુમાવવાનો વારો આવ્યો.
1979થી 2007 સુધીમાં બ્રિટનમાં માત્ર ત્રણ વડા પ્રધાન સત્તામાં હતા
બ્રિટનના રાજકારણની કરૂણતા ગણો કે નિયતી પણ તેમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. એક સમયે સમગ્ર દુનિયા ઉપર રાજ કરનારા દેશની રાજકીય હાલત જ કફોડી થઈ ગઈ છે. બ્રિટનમાં એક સમય એવો પણ હતો ત્યાં દાયકાઓ સુધી એક જ વડા પ્રધાન સત્તા ઉપર રહેતા હતા અને હવે દરે દોઢ-બે વર્ષે વડા પ્રધાન બદલાઈ જાય છે. બ્રિટનનો એક યુગ એવો પણ હતો જેમાં ૧૯૭૯થી ૨૦૦૭ સુધી માત્ર ત્રણ વડા પ્રધાન સત્તા ઉપર હતા. માર્ગરેટ થેચર, જોન મેજર અને ટોની બ્લેર દ્વારા ૨૮ વર્ષ સુધી એકાધારી સત્તા સંભાળવામાં આવી હતી.
ધીમે ધીમે બ્રિટનના રાજકારણમાં પરિવર્તન આવ્યું. જાણકારો માને છે કે, બ્રેક્ઝિટની જાહેરાતની સાથે જ બ્રિટનના રાજકારણમાં પલિતો ચંપાઈ ગયો હતો.
ત્યારબાદ યુરોપથી અલગ થયેલા બ્રિટનના રાજકારણમાં, અર્થતંત્રમાં અને સત્તાના માળખામાં જે ભૂકંપ આવ્યો તેમાંથી હજી આ દેશ બહાર નીકળી શક્યો નથી.








