પાકિસ્તાનના સમર્થક લીન્ડસે ગ્રેહામની ભારતને કચડી નાખવાની ધમકી

- ટ્રમ્પ માનસિક રીતે અસ્થિર, ધર્માંધ હોવાનું કહેનાર, 500 ટકા ટેરિફનો ખરડો લાવનાર વ્યક્તિની કુંડળી જાણો
- રશિયા સાથે સંબંધ ધરાવતા હોવાના કારણે અમેરિકન સરકાર અત્યારે વારંવાર ચીન, ભારત અને બ્રાઝિલની ટીકા કરી રહી છે. ટ્રમ્પ આ દેશો ઉપર અને બ્રિકસ સાથે વ્યાપાર કરતા દેશો ઉપર ટેરિફ લાદવાની વાત કરી ચૂક્યા છે. પણ સૌથી ઉગ્ર ટીકા રિપબ્લિકન સેનેટર લીન્ડસે ગ્રેહામ કરી રહ્યા છે. દાયકા પહેલા ગ્રેહામે ટ્રમ્પને માનસિક રીતે અસ્થિર લેખાવ્યા હતા પણ અત્યારે ટ્રમ્પના સૌથી મોટા ટેકેદાર છે! એપ્રિલમાં રશિયન ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો ઉપર 500 ટકા ટેરિફ લાદવાનો ખરડો લાવનાર ગ્રેહામ હવે ભારત, ચીન અને બ્રાઝિલના અર્થતંત્રને કચડી નાખવાની ધમકી આપી રહ્યા છે. અચાનક ટ્રમ્પને પુતિનની દોસ્તી પસંદ નથી આવી રહી, યુક્રેનને હથિયાર વેંચવા છે. આ તકનો લાભ ઉઠાવી અને પોતાની 2026ની સેનેટર તરીકેની ચૂંટણીમાં ટ્રમ્પનો સાથ ઈચ્છતા સ્વાર્થી ગ્રેહામ જણાવે છે કે આ ત્રણ દેશો રશિયા પાસેથી 80 ટકા ક્રૂડ ખરીદી યુક્રેન સામેના યુદ્ધમાં નાણા આપી રહ્યા છે. ભારત વિરોધી અને પાકિસ્તાનના સમર્થક ગ્રેહામની કુંડળી જાણવા જેવી છે.
રિપબ્લિકન પાર્ટીના સેનેટર લીન્ડસે ગ્રેહામ અત્યારે ભારત વિરોધી ઝેર ઓકી રહ્યા છે. રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ભારત, ચીન અને બ્રાઝિલના અર્થતંત્રને કચડી નાખવાની ધમકી આપી રહ્યા છે. ગ્રેહામે અમેરિકન ચેનલ ફોકસ ન્યૂઝને આપેલી મુલાકાતમાં રશિયા સાથે વ્યાપાર કરવા માટે ભારત, ચીન અને બ્રાઝિલ ઉપર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની વાત કરી છે. ગ્રેહામે જૂન મહિનામાં અમેરિકન સંસદમાં એક ખરડો રજૂ કર્યો છે. આ ખરડો રશિયા સાથે વ્યપાર કરનાર દરેક દેશ ઉપર ૫૦૦ ટકા ટેરિફ લાદવા કાયદો ઘડવાનો પ્રસ્તાવ રજૂ કરે છે.
આ લીન્ડસે ગ્રેહામ કોણ છે? ૭૦ વર્ષીય લીન્ડસે ગ્રેહામ ૨૦૨૨થી સાઉથ કેરોલીના બેઠક ઉપરથી રિપબ્લિકન પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાઈ આવતા અમેરિકન સેનેટર છે. એમની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન અમેરિકન સરકાર અને સેનેટની વિવિધ કમિટીના વડા તરીકે કાર્યરત રહ્યા છે અત્યારે ટ્રમ્પ વહીવટીતંત્રની સૌથી મહત્વની બજેટ કમિટીના અધ્યક્ષ છે. રાજકરણમાં આવ્યા પહેલા ૩૩ વર્ષથી મિલિટરી સેવા સાથે જોડાયેલા છે. અમેરિકન એરફોર્સમાં સૈનિક તરીકે અને પછી નેશનલ ગાર્ડ, એરફોર્સમાં અનામત તરીકે કામગીરી કરી છે. ઈરાક એ અફગાનિસ્તાનના યુદ્ધમાં પણ ટૂંકાગાળાની લડાઈમાં ભાગ લીધો હતો.
જોકે, ગ્રેહામના વિચારો કટ્ટર રહ્યા છે. તડ અને ફડમાં બોલવાની અને નિવેદનો આપવાની વાતો કરવામાં પંકાયેલા છે. સેનેટરના વિચારો ભારત વિરોધી માત્ર રશિયાના કારણે નથી. અગાઉ, પણ ભારતને નુકસાન થાય એવા નિવેદનો અને કામગીરી તેમણે કરેલી છે. કારકિર્દી દરમિયાન સેનેટર તરીકે ગ્રેહામે પાકિસ્તાનની લગભગ એક ડઝન વખત મુલાકાત લીધી હોવાના દસ્તાવેજી પુરાવા અમેરિકન કોંગ્રેસમાં મોજૂદ છે. વર્ષ ૨૦૧૯માં ગ્રેહામ સેનેટની આર્મડ સર્વિસીઝ કમિટીના વડા તરીકે બે વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તત્કાલીન પાક વડાપ્રધાન ઇમરાન ખાનથી બહુ પ્રભાવિત હતા અને તેમણે ટ્રમ્પને ખાન સાથે મુલાકાત કરી પાકિસ્તાનને ફરી મિત્ર બનાવી અફઘાનિસ્તાન સામેની લડાઈમાં જોડવા માટે અનુમોદન કરેલું!
'અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધો ગાઢ બને એ માટે ઇમરાન ખાન પ્રવૃત્ત છે. ઇમરાન ખાન એશિયાના આ ક્ષેત્રમાં શાંતિ સ્થપાય, પાકિસ્તાનના ટ્રાઈબલ એરિયામાં વિકાસના કાર્યો થઇ રહ્યા છે તે પ્રશંસનીય છે. મારી દ્રષ્ટિએ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇમરાન ખાન સાથે મુલાકાત કરવી જોઈએ. ક્ષેત્રની વર્તમાન સ્થિતિથી એમણે ગર્વ થશે,' એવા સૂર સાથેના નિવદેન તેમણે ખાન સાથે બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં એ સમયે આપ્યા હતા. પાકિસ્તાની સેનાના એ સમયના વડા જનરલ બાજવા સાથે પણ તેમણે બેઠક કરી હોવાનું સત્તાવાર રીતે પાક સેનાએ જાહેર કર્યું હતું. ઇમરાન ખાન અને જનરલ બાજવાની બેઠકમાં કાશ્મીર મુદ્દો પણ ઉછળ્યો હોવાની ચર્ચા પાકિસ્તાની અને આરબ મીડિયામાં એ સમયે થઇ હતી. ગ્રેહામે ટ્રમ્પને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધો વધારવા માટે પણ સૂચન કર્યું હતું!
ફેબ્રુઆરી ૨૦૨૦માં અચાનક જ તેમણે પાક પ્રેરિત કાશ્મીરનો રાગ આલાપવાની શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા હતા એ પહેલા જ તેમણે તેમાં ફાચર મારવાનો પ્રયાસ કરેલો. અમેરિકાના ચાર સેનેટરે એ સમયે વિદેશ મંત્રી માઈક પોમ્પીયોને એક પત્ર લખ્યો હતો. ભારતમાં સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો કાયદો બન્યો અને કાશ્મીરમાં સ્થિતિ તેમજ બંધારણના અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ નાબૂદ થયા તેના ઉપર ચિંતા વ્યક્ત કરતો આ પત્ર લખવામાં લીન્ડસે ગ્રેહામ ઉપરાંતના સેનેટરોમાં ક્રીસ વાન ઓલેન, તોડ યંગ અને ડીક દર્બિનનો સમાવેશ થતો હતો.
કાશ્મીરમાં શાંતિ ડહોળાય નહીં એ માટે ભારત સરકારે ઇન્ટરનેટ બંધ કરવાની જાહેરાત કરી હતી તેની સામે વિરોધ કરતા આ ચારે લખ્યું હતું કે, આ પગલાંથી કાશ્મીરના ૭૦ લાખ લોકોના શિક્ષણ, મેડીકલ અને બિઝનેસ ઉપર અસર પડી છે. અમેરિકાના વિદેશ મંત્રીને ભારત સરકારે સ્થાનિક લોકોની ધરપકડ માટે તપાસ કરવા અને સીએએના કારણે પ્રજા નાગરિક મટી ગઈ હોવાની રજૂઆત કરી હતી. જોકે, ટ્રમ્પ સરકારે ભારત સાથેના ઉષ્માભર્યા સંબંધોમાં કોઈ ફેરફાર નહીં થાય એવું સત્તાવાર નિવેદન આપી આ પત્રને નજરઅંદાજ કર્યો હતો.
ટ્રમ્પ સરકાર તરફથી નાલેશી પછી પણ ગ્રેહામની પૂંછડી સીધી ન રહી. તેમણે ટ્વીટર (હવે નામ બદલાઈ એક્સ થયું છે) ઉપર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને કાશ્મીર મુદ્દે ટોણો માર્યો હતો. 'કાશ્મીરનો મુદો છે ત્યાં સુધી એનો કેવી રીતે અંત આવશે એ મનથ ખ્યાલ નથી પણ બન્ને લોકશાહી (એટલે કે ભારત અને પાકિસ્તાન)નો અંત અલગ હશે.
લોકશાહીનો વિચાર સિદ્ધ કરવા માટે આ શ્રેષ્ઠ રસ્તો છે,' એમ ગ્રેહામે કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવા અંગેનો મુદ્દો ઉઠાવતા પોસ્ટ કર્યું હતું. જોકે, વિદેશ મંત્રી એસ જયશંકરે તેનો જડબાતોડ જવાબ આપતા જણાવ્યું, 'સેનેટર તમે ચિંતા કરો નહી. એક લોકશાહી આ સ્થિતિ સુલ્ઝાવશે. અને તમે જાણો છો કે એ લોકશાહી કઈ.'
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદાર તરીકે ઠેકો લઇ ફરતા લીન્ડસે ગ્રેહામ એક તબક્કે પોતાની જ પાર્ટીના આ રાષ્ટ્રપતિના કટ્ટર વિરોધી હતા! વર્ષ ૨૦૧૫-૧૬માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા ટ્રમ્પે જાહેરાત કરી ત્યારે ગ્રેહામ પણ મેદાનમાં હતા. એ સમયે ટ્રમ્પની માનસિક સ્થિરતા અંગે ટકોર કરતા એમણે જણાવેલું કે તે અમેરિકન સેનાના કમાન્ડર ઇન ચીફ બનવાને લાયક નથી. ગ્રેહામના ખાસ મિત્રો એવા સેનેટર જોન મકેઇન અંગે ટ્રમ્પના નિવેદનથી પણ નારાજ હતા. ગ્રેહામે ટ્રમ્પને ધર્માંધ, વિદેશીઓ તરફ ધૃણાસ્પદ વિચારધારા ધરાવતા વ્યક્તિ તરીકે ઉલ્લેખ્યા હતા! જોકે, સાઉથ કેરોલીનામાં બીજા જ દિવસે પોતાના પ્રચાર કરતા, વળતા જવાબમાં ટ્રમ્પે ગ્રેહામને ઈડિયટ લેખાવ્યા હતા! ત્યારબાદ, ગ્રેહામે ચૂંટણી લડવાનું માંડી વાળી જાહેરાત કરી હતી કે પોતે ટ્રમ્પ કે સ્પર્ધક હિલેરી ક્લીન્ટન કોઈને ટેકો આપતા નથી. એ સમયે રિપબ્લિકન પાર્ટી સાથે છેતરપિંડી થઇ રહી હોવાની વાત પણ તેમણે કરી હતી. આ સિવાય ટ્રમ્પના એબોર્શન સામેની નીતિઓ સહિતની બાબતોમાં પણ ગ્રેહામે વિરોધ નોંધાવેલો હતો. એક તબક્કે તા. ૬ જન્યુઆરી ૨૦૨૧ના અમેરિકન કેપિટલ હિલ ઉપર ટ્રમ્પ સમર્થકના હુમલા સંદર્ભે પણ સેનેટરે ટીકાઓ કરી હતી.
પરંતુ, અચાનક જ હવે બન્ને વચ્ચે દોસ્તી થઇ ગઈ! સ્વાર્થનો આ સોદો ગ્રેહામની રાજકીય કારકિર્દી સાથે જોડાયેલો છે. ગ્રેહામે ૨૦૨૬માં ફરીથી સેનેટની ચૂંટણી લડવા ઈચ્છે છે અને તેના માટે રાષ્ટ્રપતિના આશીર્વાદ અનિવાર્ય છે. 'ફરીથી જીતવા માટે આ જરૂરી છે,' એમ ગ્રેહામે ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવેલું! ઇઝરાયેલે ઈરાન ઉપર હુમલા કર્યા અને પછી ઈરાનના પરમાણુ કેન્દ્રો ઉપર અમેરિકાના યુદ્ધ વિમાનોએ બોમ્બ વર્ષા કરી તેનો શ્રેય પોતે લઇ રહ્યા છે, 'મેં આ માટે ટ્રમ્પ ઉપર દબાણ કરેલું,' એવી વાતો ટીવી ચેનલોને કરી રહ્યા છે.
ગ્રેહામ આમ તો ૨૦૧૮થી ટ્રમ્પ સાથે ફરી રહ્યા છે. ટ્રમ્પ સાથે ગોલ્ફ રમે છે, ૨૦૨૪ની ચૂંટણીમાં ટ્રમ્પને અનેક સભાઓમાં તેમણે હાજરી આપી છે, ટ્રમ્પ તરફી ભાષણ કર્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડેનનો વિરોધ કર્યો છે. પણ અત્યારે લીન્ડસે ગ્રેહામ રશિયા વિરોધી અમેરિકન સૂરના જન્મદાતા છે. પુતિનને પોતાના સારા મિત્ર ગણાવતા ટ્રમ્પ પણ હવે રશિયાના વિરોધી થયા છે અને આ વિરોધમાં ગ્રેહામનો ફાળો સૌથી વધુ છે.
ગ્રેહામે સેનેટમાં રજૂ કરેલા ખરડામાં શું જોગવાઈઓ છે?
તા. ૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ લીન્ડસે ગ્રેહામે અમેરિકન સેનેટમાં સ્પોન્સર્ડ (ભારતીય સંસદની પરિભાષામાં પ્રાઈવેટ) બિલ રજૂ કર્યું છે. આ સરકાર દ્વારા લાવવામાં આવેલો ખરડો નથી પણ એક સભ્ય તરીકે રજૂ થયેલો ખરડો છે એટલે સરકારની સત્તાવાર વિચારધારા કહેવાય નહીં. આ ખરડાને ૮૪ જેટલા અન્ય સેનેટરે ટેકો આપ્યો છે અને અત્યારે આ ખરડો ત્રણ વાર વંચાણે લીધા પછી સેનેટની બેન્કિંગ, હાઉસિંગ અને શહેરી બાબતોની કમિટી સમક્ષ વિચારણા હેઠળ છે.
સેનક્શનિંગ રશિયા એક્ટ, ૨૦૨૫ના નામના આ ખરડામાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. યુક્રેન સાથે શાંતિ સંધિમાં અવરોધ કરે, મંત્રણામાં ભાગ ન લે, શાંતિ સંધિનો ભંગ કરે, યુક્રેન ઉપર યુદ્ધ કરે કે યુક્રેન સરકારને ઉથલાવે તેવી રશિયા પ્રેરિત વ્યક્તિ કે રશિયાના ઈશારે ચાલતી વ્યક્તિ ઉપર અમેરિકન રાષ્ટ્રપતિને પેનેલ્ટી લાદવાની છૂટ આપે છે. બીજું, રશિયન સેનાને રક્ષણ આપવા માટે કોઇપણ વિદેશી વ્યક્તિ, રશિયાના રાષ્ટ્રપતિ કે રશિયન સેનાના કમાન્ડરના વિઝા રદ્દ કરવા, તેમની સંપત્તિ જપ્ત કરવાની સત્તા અમેરિકન રાષ્ટ્રપતિને આપે છે.
રશિયાથી અમેરિકા આવતી દરેક ચીજ ઉપર ૫૦૦ ટકા ટેરિફ લાદવામાં આવે. રશિયા પાસેથી ક્રૂડ, પેટ્રોલીયમ કે યુરેનિયમ ખરીદતા દરેક દેશોમાંથી અમેરિકા આવતી ચીજો ઉપર ૫૦૦ ટકા ટેરિફ લાદવામાં આવે, રશિયાની માલિકી કે રશિયન સરકારના કાયદા હેઠળ નોંધવામાં આવેલી દરેક સંસ્થા કે તેમની સાથે વ્યવહાર કરતી કોઇપણ સંસ્થાના નાણાકીય વ્યવહાર ઉપર અમેરિકામાં પ્રતિબંધ આવે અને અમેરિકામાં ઉત્પાદન થયું હોય એવી કોઈ એનર્જી પ્રોડક્ટની રશિયામાં નિકાસ કે અમેરિકાથી અન્ય દેશ થઇ ત્યાંથી રશિયામાં નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી જોગવાઈ આ ખરડામાં છે.








