Editorial

મુંબઈ ફ્લડ : સમયાંતરે થતા સુધારા જ શહેરને વધુ નડે છે

By GS TEAM
23 Aug 20257 mins read
મુંબઈ ફ્લડ : સમયાંતરે થતા સુધારા જ શહેરને વધુ નડે છે

- પારંપરિક માળખામાં ફેરફાર, વેટલેન્ડમાં ઘટાડો અને ક્લાઈમેટ ચેન્જ જેવા પરિબળો મુંબઈને ચોમાસામાં ઘમરોળે છે

- અહીંયાં બ્રિટિશરો દ્વારા વિકસાવવામાં આવેલી ડ્રેનેજ સિસ્ટમનો હાલમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, એગ્રેજો હતા તે સમયે કદાચ આ સિસ્ટમ કામ કરતી હતી પણ વર્તમાન સમયમાં તે સિસ્ટમ સાથ આપી શકે તેમ જ નથી : ગ્લોબલ વૉર્મિંગને કારણે જે ક્લાઈમેટ ચેન્જની સમસ્યા સર્જાઈ છે તેણે પણ મુંબઈ ઉપર ઘણી અસર કરી છે. અરબ સાગરમાં ગરમી વધી રહી છે. તેના કારણે પરિવર્તનની શરૂઆત થઈ છે  : મીઠી નદી કે જે મુંબઈના વોટર મેનેજમેન્ટમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેની પણ દુર્દશા કરવામાં આવી છે. તેના કિનારાઓ ઉપર દબાણ વધ્યું છે અને કચરાના ઢગલા જામ્યા છે : અણઘડ આયોજનને પગલે જ્યાં ત્યાં નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. તેના પગલે ખાડીઓ સાંકડી થઈ ગઈ છે, વેટલેન્ડ્સ ભરાઈ ગયા છે અને વરસાદી પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી

વરસાદની વાત આવે એટલે મોટાભાગે દેશભરમાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી જતી હોય છે પણ મુંબઈવાસીઓને તો પેટમાં તેલ રેડાય છે. ભારે વરસાદ શરૂ થતાં જ લોકોને ફાળ પડે છે કે, હવે બધું ખોટકાઈ જશે. મુંબઈ એક એવું શહેર જેના વિશે કહેવાય છે કે તે સતત ગતિમાન છે, ક્યારેય રોકાતું નથી પણ ચોમાસા દરમિયાન ભારે વરસાદ આ શહેરને થંભાવી દે છે. કેટલાક કલાકો માટે મુંબઈના રસ્તા ઉપર દરિયા જેવા દ્રશ્યો જોવા મળે છે. રસ્તા, રેલવે અને રનવે બધા ઉપર પાણી આવી જાય છે અને જનજીવન ખોરવાઈ જાય છે. રસ્તા પાણીમાં ડૂબી જાય છે, લોકોના કમર અને છાતી સુધી પાણી ભરાઈ જાય છે, મુંબઈની લાઈફલાઈન ગણાતી ટ્રેનો થંભી જાય છે. દુનિયાના સૌથી મોટા અને વ્યસ્ત શહેરોમાં સ્થાન ધરાવતા મુંબઈમાં જિંદગી જાણે કે એકાએક અટકી જાય છે. આમ જોવા જઈએ તો જૂની પરંપરાગત માળખાગત સુવિધાઓમાં ફેરફાર, વેટલેન્ડમાં ઘટાડો, ક્લાઈમેટ ચેન્જ અને બીજી ઘણી બાબતે ભેગી થઈને મુંબઈને ચોમાસામાં ઘમરોળી કાઢે છે.

ઉલ્લેખનીય છે કે, અરબ સાગરના કિનારે આવેલું આ શહેર કે જે ભારતની આર્થિક રાજધાની ગણાય છે તે અચાનક કલાકોમાં તો થંભી જાય છે. થોડા કલાકો પડતો વરસાદ મુંબઈ અને મુંબઈગરાઓને ઘુંટણીયે લાવી દે છે. દર વર્ષે દેશની આ માયા નગરી ચોમાસામાં બે-ચાર વખત પાણી નગરી બની જાય છે. મુંબઈમાં વારંવાર પૂર કેમ આવે છે, જળભરાવ શા માટે થઈ જાય છે તે જાણવા માટે તેના ભૂગોળને સમજવું વધારે જરૂરી છે. મૂળભૂત રીતે શહેર સાત દ્વીપોનો એક સમૂહ છે. સદીઓથી આ શહેર આવી રીતે જ જોડાયેલું છે અને વિવિધ યોજનાઓ દ્વારા એકબીજા દ્વીપો સાથે સંકળાયેલું છે. મુંબઈની બીજી સમસ્યા એ છે કે, તેની ડ્રેનેજ સિસ્ટમ મોટાભાગે સમુદ્ર ઉપર આધારિત હોય છે. શહેરનું પાણી નાળા દ્વારા સમુદ્રમાં જાય છે. મુંબઈમાં કેટલાક જ વિસ્તારો એવા છે જે સમુદ્રની સપાટીથી થોડા કહી શકાય તેવા ઉંચા છે. બીજી તફ દાદર, માહિ, કુર્લા અને બીજા કેટલાક ભાગ હાઈ ટાઈડના નિશાનથી નીચેના ભાગમાં આવેલા છે. હવે સ્થિતિ એ થાય છે કે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ તમામ વિસ્તારોમાં સમુદ્રનું સ્તર વધે છે અને નાળાઓના પાણી જવાના રસ્તા બંધ કરી દેવાય છે. સમુદ્રનું પાણી શહેરમાં ન આવે તેના ભયથી નાળા બંધ કરાય છે અને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોનું પાણી બહાર જતું નથી. આ સંજોગોમાં શહેરમાં પાણી ભરાવા લાગે છે. 

તાજેતરમાં આવી જ સ્થિતિ થઈ હતી. માયાનગરી મુંબઈની રફતાર વરસાદના કારણે થંભી ગઈ હતી. સ્થિતિ એટલી બધી વિકટ હતી કે, કોર્પોરેશનની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. દેશની આર્થિક રાજધાનીના અનેક ભાગોમાં હજુય સતત વરસાદ વરસી રહ્યો છે. અહીંયા ૧૫ ઓગસ્ટથી ૨૪ ઓગસ્ટ સુધી વરસાદનું એલર્ટ જારી કરવામાં આવેલું છે. સૂત્રોના મતે મુંબઈના ઘણા વિસ્તારોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે, અનેક જગ્યાએ ગાડીઓ ફસાઈ ગઈ છે. મુંબઈની અંધેરી સબવેમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અંધરી સબવે બંધ કરી દેવું પડયું. આ સિવાય પાણી ભરાઈ જવાના કારણે ચેંબુરની એક હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકો પોતાના બીમાર પરિજનોને પીઠ પર ઉચકીને બીજે લઈ જવા પડયા હતા. આ ઉપરાંત મુંબઈમાં ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. એરપોર્ટ સુધી જતા અનેક રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. વરસાદના કારણે અરાઇવલ અને ડિપાર્ચર બંનેમાં મોડું થઈ ગયું હતું.

મુંબઈની શહેર રચનાની વાત કરીએ તો ત્યાં સદીઓથી ડ્રેનજ સિસ્ટમ જૂની છે. અહીંયાં બ્રિટિશરો દ્વારા વિકસાવવામાં આવેલી ડ્રેનેજ સિસ્ટમનો હાલમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, તે સમયે જે ડ્રેનેજ સિસ્ટમ વિકસાવાઈ હતી તે ૨૫ મીમી વરસાદને સહન કરી શકે તેટલી જ હતી. અંગ્રેજો હતા તે સમયે કદાચ આ સિસ્ટમ કામ કરતી હતી પણ વર્તમાન સમયમાં તે સિસ્ટમ સાથ આપી શકે તેમ જ નથી. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે ૧૯૯૦ બાદ નવી વ્યવસ્થા કરવાનું શરૂ કરાયું હતું. તે વખતે બ્રિમનસ્ટોવોડ નામની એક અનોખી યોજના લાગુ કરવામાં આવી હતી. સ્થિતિ એવી થઈ કે, મુંબઈ પાલિકા અને મહારાષ્ટ્ર સરકારની આ મહત્વાકાંક્ષી યોજના અત્યંત ખર્ચાળ હતી અને લાંબો સમય માંગી લે તેવી હતી. તેના કારણે આ યોજના આટલા વર્ષો પછી પણ પૂર્ણ થઈ નથી. રાજકીય ખટરાગ, ભંડોળની અછત, બાબુશાહીમાં ડખા અને બીજા ઘણા કારણોને લીધે યોજના ખોટકાતી આવી છે. તેના પગલે જ જ્યારે મુંબઈમાં ભાર વરસાદ પડે છે ત્યારે લોકોને પૂરનો સામનો કરવો પડે છે. 

જાણકારો માને છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે જે ક્લાઈમેટ ચેન્જની સમસ્યા સર્જાઈ છે તેણે પણ મુંબઈ ઉપર ઘણી અસર કરી છે. અરબ સાગરમાં ગરમી વધી રહી છે. તેના કારણે પરિવર્તનની શરૂઆત થઈ છે. ગરમ થતા સમુદ્રો મોટા પ્રમાણમાં વરાળ ઉત્પન્ન કરે છે. આ વરાળ અચાનક જ પલટાય છે અને વાદળનું સ્વરૂપ લઈને વરસી જાય છે. 

મુંબઈમાં થોડા વર્ષો પહેલાં સુધી વરસાદ ચોક્કસ પેટર્નમાં આવતો હતો. હવે આ સિસ્ટમ અને પેટર્ન બદલાયા છે. હવે સ્થિતિ એવી થાય છે કે, ઘણી વખત સાવ સામાન્ય વરસાદ આવે છે અને ઘણી વખત અધધ વરસાદ પડી જાય છે જેના કારણે ડ્રેનેજ સિસ્ટમ અવરોધાઈ જાય છે. અરબ સાગરમાં સર્જાતા લો પ્રેશર સિસ્ટમ પણ અન્ય સિઝનલ સિસ્ટમ અને ચોમાસાના પવનોને વ્યાપક અસર કરે છે. તેમાં ઝડપ આવી જાય છે અને મુંબઈ ભારે વરસાદથી લપેટાઈ જાય છે. ઘણી વખત તો આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. જાણકારોના મતે ગ્લોબલ વોર્મિંગના કારણે ૧૯૫૦ના દાયકાની સરખામણીમાં મુંબઈમાં વર્તમાન સમયમાં વરસાદ, તોફાનો અને બદલાતા વાતાવરણમાં ત્રણ ગણો વધારો થયો છે. 

બીજી તરફ એક મત એવો પણ છે કે, મીઠી નદી કે જે મુંબઈના વોટર મેનેજમેન્ટમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેની પણ દુર્દશા કરવામાં આવી છે. તેના કિનારાઓ ઉપર દબાણ વધ્યું છે અને કચરાના ઢગલા જામ્યા છે. તેના કારણે નદીની પહોળાઈ અને ઉંડાઈ ઓછા થયા છે. તેના પગલે આ નદી પણ વરસાદનું વધારે પાણી પોતાનામાં સંગ્રહી શકતી નથી. આ ઉપરાંત મુંબઈના નાળાઓમાં મોટી પ્લાસ્ટિકની થોલીએ અને અન્ય કચરો જમા થઈ જાય છે તેના કારણે પણ પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય છે. દર વખતે ચોમાસા પહેલાં નાળાઓની સફાઈની વાતો કરવામાં આવે છે પણ તે કામ ક્યારેય પૂરું થતું નથી. આ વર્ષે પણ નાળાઓની સફાઈની સ્થિતિ એવી જ રહી છે. બીજી તરફ પાણી કાઢવા માટે જ્યાં આધુનિક પંપ લગાવવામાં આવ્યા છે ત્યાં પણ સમયસર પંપ ચાલુ કરાતા નથી અને પાણી ભરાવા લાગે છે. આવા બીજા ઘણા કારણોને લીધે મુંબઈમાં ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ ઊભી થાય છે.

અર્બન પ્લાનિંગમાં ખામીઓ તથા મેંગ્રોવનો નાશ પણ જવાબદાર 

જળવાયુ પરિવર્તન અને હવામાન સાથે સંકળાયેલા જાણકારો માને છે કે, આધુનિક મુંબઈના નિર્માણ દરમિયાન પાણીના નિકાલનો કોઈ વિચાર જ કરવામાં આવ્યો નથી. અણઘડ આયોજનને પગલે જ્યાં ત્યાં નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. તેના પગલે ખાડીઓ સાંકડી થઈ ગઈ છે, વેટલેન્ડ્સ ભરાઈ ગયા છે અને વરસાદી પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી. જાણકારો માને છે કે, નવા જે બાંધકામ કરવામાં આવી રહ્યા છે જેને આધુનિક બાંધકામ કહેવાય છે તેમાં પણ યોગ્ય આયોજન થતું નથી. પાણી શોષી લેનારી માટી ઉપર કોંક્રિટ પાથરી દેવાય છે તેથી પાણી જમીનમાં ઉતરતું નથી. આ ઉપરાંત રસ્તાના ઢોળાવ સરખા બનાવાતા નથી અને ફૂટપાથ ઉંચા અને અવ્યવસ્થિત હોય છે જેના કારણે વરસાદી પાણી રસ્તા ઉપર જ અટવાઈ જાય છે. આ ઉપરાંત બીજી બાબત એવી છે કે, શહેરીકરણ અને શહેરી વિકાસની આંધળી દોટમાં મેંગ્રોવ અને તળાવોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. દાયકાઓ સુધી કુદરતી સ્પંજ તરીકે કામ કરતા મેંગ્રોવ કાપી નાખવામાં આવ્યા છે અને હવે તેના પગલે પાણી રોકાતું નથી, પ્રદુષણ વધતું જાય છે અને ભરતી-ઓટની અસર વધારે તિવ્ર બનતી જાય છે. મેંગ્રોવ શહેરના રક્ષક તરીકે દરિયા કિનારાઓ ઉપર કામ કરતા હતા અને ખાડીઓને સાચવતા હતા પણ વિકાસની લાહ્યમાં ખાડીઓ પૂરાઈ ગઈ અને મેંગ્રોવનો નાશ કરી દેવાયો. છેલ્લાં કેટલાક દાયકામાં મુંબઈની આસપાસના ૪૦ ટકા મેંગ્રોવ ઓછા થઈ જયા છે. કુદરતી કામગીરી અને સર્જનમાં કરેલી આ છેડછાડ અને ચેંડાના પરિણામો હવે ભોગવવા પડી રહ્યા છે. મેંગ્રોવમાં જે પાણી અટવાઈ જતું હતું અને શોષાઈ જતું હતું તે હવે બેક મારે છે અને શહેરમાં જ ભરાઈ રહે છે તથા દરિયાનું પાણી પણ શહેરમાં ઠલવાય છે. તેથી મુંબઈગરાઓને બેવડો માર સહન કરવો પડે છે.