દુનિયાનો પહેલો દેશ : ભારત હિંદ મહાસાગરમાં રેર મેટલ્સ શોધશે

- રિન્યૂએબલ એનર્જી, બેટરી, માઈક્રોચીપ માટેના રેર મિનરલ્સ અને મેટલની શોધ માટે હવે મહાસાગરોમાં ડૂબકી
- ભારત હિંદ મહાસાગરના કાર્લ્સબર્ગ રિજમાં આ એક્સપ્લોરેશન શરૂ કરશે. સૂત્રોના મતે ભારતે જમૈકામાં આવેલા આઈએસએના કાર્યાલય ખાતે અરજી કરીને સીબેડ ઓથોરિટી સાથે કરાર કર્યા હતા. ૧૫ સપ્ટેમ્બરના રોજ આ કરાર કરવામાં આવ્યા હતા : હાઈડ્રોથર્મલ વેન્ટ એરિયામાં આવા ખનીજનું નિર્માણ થતું હોય છે. સમુદ્રની અંદરના ગરમ પાણીના પ્રવાહ જ્યારે સમુદ્રના ખારા પાણી સાથે ભેગા થાય છે ત્યારે નાના નાના ગોળા અથવા અનિયમિત આકારના ખનીજોની ગાંઠો જેવા આકાર સર્જાય છે. તેને નોડયુલ્સ કહેવામાં આવે છે. તેમાં તાંબુ, સીસુ, નિકલ, સોનું અને ચાંદી પણ હોય છે. તે ઉપરાંત કોબાલ્ટ અને પ્લેટિનમ ગુ્રપ મેટલ્સ પણ જોવા મળે છે : દરિયાઈ પેટાળ અને સૃષ્ટી ખૂબ જ સંવેદનશીલ છે. આ પ્રકારના માઈનિંગથી દરિયાઈની બાયોડાયવર્સિટીને મોટાપાયે નુકસાન થાય તેમ છે. દરિયાના તળીયે આવેલી આ જીવ સૃષ્ટીને ખનન દ્વારા વ્યાપક નુકસાન થવાની ભીતિ છે તેથી શોધ કરાશે પણ ખનન કરવું હાલ અશક્ય
ભારતે ચંદ્રના દક્ષિણધુ્રવ ઉપર ચંદ્રયાન ઉતારીને કે પછી મંગળ મિશન હાથ ધરીને દુનિયાને આશ્ચર્યમાં મૂક્યું હતું તેવું જ એક આશ્ચર્ય ફરીથી કરવા સજ્જ થયું છે. ભારત દ્વારા હિંદ મહાસાગરમાં કિમતી ધાતુઓ શોધવાનું કામ કરવાનું છે. ભારત આવું કરનારો દુનિયાનો પહેલો દેશ બનશે. ભારત દ્વારા આ માટે ઈન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી પાસેથી લાઈસન્સ લઈ લેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ભારત હિંદ મહાસાગરના કાર્લ્સબર્ગ રિજમાં આ એક્સપ્લોરેશન શરૂ કરશે. સૂત્રોના મતે ભારતે જમૈકામાં આવેલા આઈએસએના કાર્યાલય ખાતે અરજી કરીને સીબેડ ઓથોરિટી સાથે કરાર કર્યા હતા. ૧૫ સપ્ટેમ્બરના રોજ આ કરાર કરવામાં આવ્યા હતા. તેના આધારે ભારત હવે રેર અને અત્યંત કિમતી ધાતુઓનું એક્સ્પ્લોરેશન શરૂ કરશે.
જાણકારોના મતે ભારત દ્વારા હિંદ મહાસાગરના તળીયેથી પોલીમેટાલિક સલ્ફર નોડયુલ્સની શોધ કરવામાં આવશે. આ એક પ્રકારનું ખનિજ સંયોજન છે જે દરિયાના ઉંડા પેટાળમાં જોવા મળે છે. મોટાભાગે હાઈડ્રોથર્મલ વેન્ટ એરિયામાં આવા ખનીજનું નિર્માણ થતું હોય છે. સમુદ્રની અંદરની ગરમ પાણીના પ્રવાહ જ્યારે સમુદ્રના ખારા પાણી સાથે ભેગા થાય છે ત્યારે નાના નાના ગોળા અથવા અનિયમિત આકારના ખનીજોની ગાંઠો જેવા આકાર સર્જાય છે. તેને નોડયુલ્સ કહેવામાં આવે છે. આ ગાંઠો અથવા ગોળામાં પાઈરાઈટ, ચેલ્કોપિરાઈટ, ગૈલેના, સિનાબર, સ્કટેરાઈટ જેવા વિવિધ ધાતુઓ હોય છે. તેના કારણે જ તેને પોલી મેટાલિક સલ્ફર નોડયુલ્સ કહેવામાં આવે છે. તે વિવિધ ધાતુઓના સંયોજનથી સર્જાય છે.
આ નોડયુલ્સમાં અન્ય મોટી અને જાણીતી કિમતી ધાતુઓ પણ જોવા મળે છે. તેમાં તાંબુ, સીસુ, નિકલ, સોનું અને ચાંદી પણ હોય છે. તે ઉપરાંત કોબાલ્ટ અને પ્લેટિનમ ગુ્રપ મેટલ્સ પણ જોવા મળે છે. તેના દ્વારા જ સમજી સકાય છે કે, આ ધાતુનું નોડયુલ્સ કેટલું કિમતી કહેવાય છે. જાણકારોના મતે ભવિષ્યમાં જ્યારે ધરતી ઉપર ધાતુઓની અછત ઊભી થશે તો આ નોડયુલ દ્વારા કિમતી ધાતુઓની આપૂર્તિ કરી શકાશે. અહીંયા સવાલ એવો પણ થાય કે, સોના-ચાંદી અથવા તાંબુ કે જસત સિવાય પણ એવા કયા ધાતુ છે જે ખરેખર કિમતી ગણાય છે અને તેનો ઉપયોગ શું છે. જાણકારોના મતે પોલીમેટાલિક સલ્ફર નોડયૂલ્સમાં મળનારી અન્ય ધાતુઓનો ઉપયોગ ઉદ્યોગોમાં, એનર્જી સેક્ટરમાં, ઈલેક્ટ્રોનિક્સ, કન્સ્ટ્રક્શન, મેડિકલ અને પર્યાવરણ પ્રોદ્યોગિકીમાં થાય છે. આ ધાતુઓ વગર વર્તમાન સમયમાં ઘણી વસ્તુઓનું નિર્માણ થઈ શકે તેમ નથી. તે ઉપરાંત ઘણા સાધનો ચાલી શકે તેમ હતી.
અહીંયા સમજવા જેવી વાત એ છે કે, ભારતના પોતાના ક્ષેત્રમાં હિંદ મહાસાગર આવે છે છતાં તેણે સીબેડ ઓથોરિટી પાસેથી લાઈસન્સ લઈને જ કામગીરી કરવી પડે છે. હકિકતે ભારતની આસપાસ આવેલા દરિયા અને મહાસાગરો આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. સૌથી પહેલો ભાગ ટેરેટોરિયલ વોટર કહેવાય છે. તે દરિયા કિનારાથી દરિયામાં અંદર ૨ માઈલ સુધી હોય છે. ત્યારબાદ કોંટિજિયસ ઝોન કહેવાય છે. તે સમુદ્ર કિનારાથી ૨૪ માઈલ સુધી અંદર હોય છે. ત્યારબાદ આવે છે એક્સ્ક્લ્યુઝિવ ઈકોનોમિક ઝોન જે દરિયા કિનારથી ૨૦૦ માઈલ અંદર હોય છે. ભારતના અધિકારક્ષેત્રમાં આ ત્રણેય ભાગ આવે છે. ત્યારબાદ જે વિસ્તાર છે તેને ઈન્ટરનેશનલ હાઈ સીઝ અને ઈન્ટરનેશનલ સીબેડ એરિયા કહેવામાં આવે છે. તે કોઈપણ દેશના અધિકારક્ષેત્રમાં આવતો નથી.
આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ૨૦૦ દરિયાઈ માઈલ એટલે કે એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનની બહાર આવેલો સમુદ્રનો પેટાળ કોમન હેરિટેજ ઓફ મેનકાઈન્ડ જાહેર કરવામાં આવેલો છે. તેનું સંચાલન આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ થાય છે અને ઈન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે. કોઈપણ દેશે ત્યાં કામગીરી કરવા માટે આ ઓથોરિટીની મંજુરી લેવી પડે છે. પોલીમેટાલિક સલ્ફાઈડ નોડયુલ્સ મોટાભાગે સમુદ્રમાં મધ્યભાગમાં મીડ ઓશન રીજમાં અથવા તો હાઈડ્રોથર્મલ વેન્ટ્સની આસપાસ જ જોવા મળે છે. મોટાભાગના એવા નોડયુલ્સ છે જે એક્સક્લ્યુઝિવ ઈકોનોમિક ઝોનની બહાર અને આંતરરાષ્ટ્રીય સમુદ્ર ક્ષેત્રમાં આવેલા છે. તેના કારણે કોઈપણ દેશ ત્યાં સીધી રીતે કામ કરી શકતો નથી. હાઇડ્રોથર્મલ રિઝ મહાસાગરના તળિયે આવેલી એક લાંબી પર્વતમાળા છે. અહીંયાથી જ ભારતીય અને અરબની બે ટેક્ટોનિક પ્લેટો અલગ થાય છે. તેના કારણે નીચે મહાસાગરમાં નવું ક્રસ્ટ બને છે. અહીંયાથી જ ગરમ પાણીનો પ્રવાહ સમુદ્રના ખારા પાણીમાં ઠલવાય છે. આ હાઈડ્રોથર્મલ વેન્ટમાંથી બહાર આવીને ખનિજયુક્ત સ્લફાઈડ જમા થવા લાગે છે.
કાર્લ્સબર્ગ રીજ અરબ સાગરથી શરૂ કરીને ઈન્ડિયન ઓશિન સુધી ફેલાયેલી છે. આ રીઝ ખનિજનો મોટો ભંડાર માનવામાં આવે છે. વૈજ્ઞાાનિક સંશોધનો માટે આ જગ્યા ખૂબ જ મહત્ત્વની પણ ગણવામાં આવે છે. ડેનમાર્કના કાર્લ્સબર્ગ ફાઉન્ડેશન દ્વારા આ જગ્યાનું નામ કાર્લ્સબર્ગ રીજ રાખવામાં આવ્યું હતું. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં ડેનમાર્કના સંશોધકો દ્વારા હિંદ મહાસાગરમાં આ સ્પ્રેડિંગ સેન્ટરને શોધવામાં આવ્યું હતું. તેના કારણે તેમના માનમાં આ રિજનું નામ કાર્લ્સબર્ગ રિજ રાખવામાં આવ્યું હતું.
મહત્ત્વની વાત એ છે કે, દુનિયાના ૨૦ જેટલા દેશો દ્વારા દરમિયાન એક્સપ્લોરેશન કરવામાં આવી રહ્યું છે. ભારત જે મેટલ્સ માટે અને જે વિસ્તારમાં ડીપ સી એક્સપ્લોરેશન કરવાનું છે તે એકમાત્ર છે.
ઈન્ટરનેશનલ સીબેડ ઓથોરિયા દ્વારા અત્યાર સુધીમાં ૨૦ જેટલા દેશો સાથે ૩૦થી વધારે એક્સપ્લોરેશન કોન્ટ્રાક્ટ કરવામાં આવેલા છે.
પોલીમેટાલિક નોડયુલ્સ, પોલિમેટાલિક સલ્ફાઈડ અને કોબાલ્ટ રીચ ફેરોમેંગેનીઝ ક્રસ્ટ વગેરેના એક્સપ્લોરેશન માટેના કોન્ટ્રાક્ટ છે. ભારત, ચીન, રશિયા, જાપાન, સાઉથ કોરિયા, યૂરોપીયન સંઘ, નોર્વે, કેનેડા, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમ સહિત ૨૦ દેશો પાસે તેના કોન્ટ્રાક્ટ છે. દુનિયાનું સૌથી મોટું સીબેડ એક્સપ્લોરેશન સેન્ટર ક્લેરિયન ક્લિર્ટન ઝોન છે. તેમાં પોલિમેટાલિક નોડયૂલ્સ મળવાને સંદર્ભે વિચારીએ તો સૌથી મોટો વિસ્તાર ગણવામાં આવે છે.
તે અંદાજે ૪.૫ લાખ વર્ગકિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે. ભારતે સેન્ટ્રલ ઈન્ડિયન રિજમાં પણ પોલિમેટાલિક સલ્ફાઈડના સંશોધન માટે પણ લાઈસન્સ મેળવેલું છે.
દરિયામાં કોમર્શિયલ માઈનિંગ શરૂ થતાં એકાદ-બે દાયકાનો સમય લાગશે
જાણકારોના મતે ભારતને હાલમાં માત્ર આ રિજમાં સર્વે અને સંશોધન કરવા માટેની જવાબદારી આપવામાં આવી છે. ભારત અહીંયા રેર મેટલ્સ અને મિનરલ્સનો જથ્થો શોધ્યા પછી પણ દરિયામાં માઈનિંગ કરી શકશે નહીં.
ભવિષ્યમાં તે દરિયામાં માઈનિંગ કરે તેવી શક્યતાઓ છે. સૂત્રોના મતે હાલમાં આ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે અને ત્યાં સારકામ કરવું ખૂબ જ જોખમી અને દરિયાઈ સૃષ્ટિને નુકસાન કરનાર સાબિત થઈ શકે છે. બીજી તરફ વાત એવી છે કે, દુનિયાભરના પર્વતો, ખાણોમાંથી દુનિયાભરના દેશો દ્વારા ખનીજો કાઢવામાં આવ્યા છે અને હાલમાં પણ સારકામ મોટાપાયે ચાલુ છે. તેના કારણે તાંબુ, જસત, નિકોલ, કોબાલ્ટ જેવા ધાતુઓની ખાણ ખાલી થઈ રહી છે. તેનો જથ્થો ઘટી રહ્યો છે. વર્તમાન સમયમાં વાહનોની બેટરી, ઈલેક્ટ્રોનિક સાધનોની બેટરી, રિન્યૂએબલ એનર્જી સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક્સ અને એરોસ્પેસ જેવી આધુનિક ટેક્નોલોજીમાં આ ધાતુઓની માગ ખૂબ જ વધી છે. તેના કારણે તેના વધારેમાં વધારે સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેના કારણે હવે દુનિયાભરના દેશો રેર મેટલ્સ અને મિનરલ્સ શોધવા માટે દરિયા તરફ વળ્યા છે.
દરિયાઈ પેટાળ અને સૃષ્ટી ખૂબ જ સંવેદનશીલ છે. આ પ્રકારના માઈનિંગથી દરિયાઈની બાયોડાયવર્સિટીને મોટાપાયે નુકસાન થાય તેમ છે. ખાસ કરીને દરિયાના પેટાળમાં એવા અજ્ઞાાત જીવો રહે છે જેના પરિચય આજ સુધી દુનિયાને થયો નથી. દરિયાના તળીયે આવેલી આ જીવ સૃષ્ટિને ખનન દ્વારા વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. તેના કારણે જ સંશોધકો અને વૈજ્ઞાાનિકો વચ્ચે મતમતાંતર ચાલી રહ્યા છે. દરિયાઈ સૃષ્ટીમાં સર્વે અને સંશોધન ચાલી રહ્યા છે પણ મેટલ્સ અને મિનરલ્સ કાઢવા માટે ખનન ક્યાંય શરૂ કરાયું નથી. જાણકારો માને છે કે, તમામ માહિતી ભેગી કર્યા પછી પણ દરિયામાં ખનન કરવા માટે ઓછામાં ઓછા એકથી બે દાયકાનો સમય લાગી શકે છે.
દરિયાના પેટાળમાં બે કરોડ ટન સોનાનો જથ્થો પડયો હોવાની ધારણા
વૈજ્ઞાાનિકો માને છે કે, દરિયાના પેટાળમાં માત્ર રેર મિનરલ્સ કે મેટલ્સ જ નહીં પણ સોનાનો પણ વિશાળ જથ્થો રહેલો છે. સંશોધકો માને છે કે, દરિયાના પેટાળમાં ૨ કરોડ ટન સોનાનો જથ્થો રહેલો છે. તેની અંદાજે કિંમત ૨૦૦૦ લાખ કરોડ જેટલી થાય તેમ છે. આ સોનું કાઢવા માટે ઈલેક્ટ્રોકેમિકલ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે તેમ છે. તેમાં સમય વધારે અને ખર્ચ અનેકગણો લાગે તેમ છે. હાલમાં આ પદ્ધતિ વ્યાજબી નથી. દુનિયાભરના દરિયામાં સોનાનું પ્રમાણ વધી ગયું છે પણ તે એકાએક થયેલી ઘટના નથી. લાખો વર્ષોથી ચાલતી કુદરતી પ્રક્રિયાને કારણે આમ થયું છે. સૌથી વધારે તો જમીનનું ધોવાણ અને જંગલોનો નાશ છે. તેના કારણે વરસાદમાં નદીઓ કોતરો અને પર્વતો તોડીને વહે છે અને તેની અંદર અન્ય મેટલ સહિત સોનાના કણો પણ ઊમેરાય છે. આ બધા આખરે સમુદ્રમાં ભેગા થાય છે.
આ ઉપરાંત સમુદ્રના પેટાળમાં આવેલા હાઈડ્રોથર્મલ વેન્ટ દ્વારા ગરમ પાણી ઉપરની તરફ ધકેલવામાં આવે છે. તેમાં પણ સોનું અને ચાંદી જેવી ધાતુઓ હોય છે. આ ધાતુઓના નોડયુલ બનીને સમુદ્રના પેટાળમાં ભેગા થતા હોય છે. ઘણી વખત પર્વતો અને જમીનમાં રહેલા સોનાના કણો પવન દ્વારા ઉડીને દૂર જાય છે અને નદી કે દરિયાના પાણીમાં પડીને સંગ્રહિત થવા લાગે છે. આ જથ્થો આખરે મહાસાગરો સુધી પહોંચે છે. પાણીમાં ભળેલા સોનાને કાઢવા માટે જે કામ કરવું પડે તે ખૂબ જ સમય માંગી લે તેવું અને ખર્ચાળ છે.








