મહાસત્તાઓ માટે 'યુદ્ધ' એ વોર વેપન્સનો ધીકતો ધંધો

- ઇઝરાયેલ - હમાસ શસ્ત્રવિરામની કે યુક્રેન રશિયાના યુદ્ધની માત્ર વાતો જ છે દુનિયાના 110 દેશોમાં શસ્ત્ર લડાઈઓ ચાલી રહી છે
- વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓએ સુરક્ષાના નામે શસ્ત્રો વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. અમેરિકા છેલ્લાં 80 વર્ષથી ડિફેન્સ માર્કેટમાં ટોચ પર છે. ગ્લોબલ મિલિટરી ટ્રેડ માર્કેટમાં અમેરિકાનો હિસ્સો 40 ટકા જેટલો છે. ટોપ-100 મિલિટરી કંપનીઓમાંથી 41 કંપનીઓ અમેરિકન છે. રશિયાએ 24 ટકા માર્કેટ શેર સાથે બીજો નંબર જાળવી રાખ્યો. ફ્રાન્સ પાસે ગ્લોબલ મિલિટરી માર્કેટનો 16 ટકા જેટલો મોટો હિસ્સો છે. 2025ની સ્થિતિ પ્રમાણે ચીન પાસે વૈશ્વિક હથિયારના વેપારમાં 6 ટકા હિસ્સો છે. ચીન અમેરિકા-રશિયા-ફ્રાન્સ પછી ચોથા ક્રમે આવી પહોંચ્યું છે
૨.૭ ટ્રિલિયન ડોલર.
આ આંકડો છે દુનિયાના ડિફેન્સ બજેટનો.
જગતમાં ૨૦૦ દેશોમાંથી ભારત સહિત માત્ર આઠ દેશોનું અર્થતંત્ર આ ગ્લોબલ ડિફેન્સ બજેટથી વધારે છે. એના પરથી કલ્પના થઈ શકે કે વિશ્વમાં શસ્ત્રોની દોડ કેટલી વધી ગઈ છે. દુનિયામાં યુદ્ધો વધ્યા તેના કારણે અજંપાનું વાતાવરણ સર્જાયું. ભયનો માહોલ બન્યો. 'જો આપણી પાસે શસ્ત્રો નહીં હોય તો આપણો વિનાશ થઈ જશે' એવું સામાન્ય નાગરિકોના દિમાગમાં શસ્ત્રોના સોદાગરો, રાજકારણીઓએ ઠસાવ્યું. વિકસિત અને વિકાસશીલ દેશોની સરકારોએ સતત ડિફેન્સ બજેટ વધારવાની પૉલિસી લાગુ પાડી. યુદ્ધનો ભય બતાવીને દુનિયામાં શસ્ત્રોનો મોટો વેપાર વિકસ્યો છે.
ને એમાં શસ્ત્રોના મોટા વેપારીઓ છે - અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, જર્મની, બ્રિટન જેવા દેશો. દુનિયામાં શસ્ત્રો અને લશ્કરી સામગ્રીનો ધંધો ધમધોકાળ ચાલે છે. વિશ્વયુદ્ધ પછી મહાસત્તા દેશોએ સુરક્ષાના નામે શસ્ત્રો વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. એકબીજા દેશોને લડાવીને એના પર શસ્ત્રોના વેપારની ઈમારત ઉભી કરનારા દેશોમાં અમેરિકા છેલ્લાં ૮૦ વર્ષથી ટોચ પર છે. ગ્લોબલ મિલિટરી ટ્રેડ માર્કેટમાં અમેરિકાનો હિસ્સો ૪૦ ટકા જેટલો છે. આ આંકડો અમેરિકાનો દબદબો દર્શાવવા માટે પૂરતો છે. શસ્ત્રોના વેપારમાં ટોપ-૧૦૦ મિલિટરી કંપનીઓમાંથી ૪૧ કંપનીઓ અમેરિકન છે. વિશ્વમાં શસ્ત્રો અને લશ્કરી સામગ્રીનું વાર્ષિક માર્કેટ ૬૫૦ અબજ ડોલરનું છે અને એમાંથી ૩૨૦ અબજ ડોલરનો વેપાર અમેરિકન કંપનીઓ પાસે છે. અમેરિકાએ રાજદ્વારી વ્યૂહ અજમાવીને, જગત જમાદારી બતાવીને, માતબર લોન ઓફર કરીને, યુદ્ધોમાં હથિયારોના પરીક્ષણો કરીને હરીફ કંપનીઓ પર ભારે પડયા પછી આ દબદબો બનાવ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની સીધી સ્પર્ધા રશિયા સાથે હતી. તે વખતે અમેરિકા તેમના સાથી દેશોને લોન પર હથિયારો આપતું હતું. તો રશિયા પણ કેટલાય દેશો સાથે લશ્કરી સહયોગ કરીને પ્રોડક્શન કરતું હતું. દોઢ દશકા સુધી અમેરિકા-રશિયા વચ્ચે ગ્લોબલ મિલિટરી ટ્રેડ પર અધિકાર જમાવવા લડાઈ ચાલતી રહી. પરંતુ દુનિયાભરના સંરક્ષણ સંશોધકોને પોતાના દેશમાં યોગ્ય માહોલ આપીને, સન્માન આપીને, વળતર આપીને અમેરિકાએ આકર્ષ્યા અને ડિફેન્સ ટેકનોલોજી રશિયાથી બહેતર બનાવી એમાં રશિયાના હાથમાંથી આ બાજી સરકી ગઈ. અમેરિકાએ પહેલો ક્રમ મેળવી લીધો ને પહેલા ક્રમે આવવાના પ્રયાસો કરતા રશિયાએ ૨૪ ટકા માર્કેટ શેર સાથે બીજો નંબર જાળવી રાખ્યો. આજેય ગ્લોબલ મિલિટરી ટ્રેડમાં રશિયા બીજા નંબરે છે. હથિયારો, લડાકુ વિમાનો, સબમરીન, લશ્કરી હેલિકોપ્ટર્સ વગેરેના આ ધંધામાં અમેરિકા-રશિયા ઉપરાંત ફ્રાન્સ, બ્રિટન અને જર્મની પણ બિગ પ્લેયર્સ છે. ફ્રાન્સ પાસે ગ્લોબલ મિલિટરી માર્કેટનો ૧૬ ટકા જેટલો મોટો હિસ્સો છે અને ભવિષ્યમાં રશિયાને ટક્કર આપે તો નવાઈ નહીં. એ બધામાં છેલ્લાં થોડા વર્ષોમાં ધ્યાન ખેંચી રહેલું નામ છે ચીન.
અમેરિકા-રશિયા-ફ્રાન્સ-બ્રિટન-જર્મની-ઈઝરાયલ જેવા દેશો પાસેથી શસ્ત્રો ખરીદવાનું બધા દેશોનું ગજું ન હતું. અમેરિકા સામે ગ્લોબલ મિલિટરી ટ્રેડની બેટલ હાર્યા પછી રશિયાએ મધ્યમ આવક ધરાવતા વિકાસશીલ દેશોને હથિયાર આપવાનું શરૂ કર્યું. તેમ છતાં એવા અસંખ્ય દેશો હતા, જેમને શસ્ત્ર-સરંજામની જરૂર તો હતી પરંતુ બજેટ ન હતું. એ દેશોને ધ્યાનમાં રાખીને ચીને હથિયારો બનાવ્યા. પ્રોડક્ટ ડિઝાઈનની કોપી કરવામાં કુખ્યાત ચીને અમેરિકા-રશિયા-ફ્રાન્સના યુદ્ધજહાજો, સબમરીન, લડાકુ વિમાનો, બંદૂકો, તોપો વગેરેની ડિઝાઈન કોપી કરી અને એ સસ્તાં ભાવે વેચવાનું શરૂ કર્યું. એના શરૂઆતના ઘરાક બન્યા - પાકિસ્તાન, શ્રીલંકા, મલેશિયા, થાઈલેન્ડ, ઈરાક, સર્બિયા, કઝાકિસ્તાન વગેરે.
અમેરિકા-રશિયાની વિદેશ નીતિમાં શસ્ત્રોનો વેપાર બહુ જ મહત્ત્વનો રહેતો આવ્યો છે. અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદતા દેશોના હિતો જાળવવા દરેક અમેરિકન પ્રમુખ કટિબદ્ધ રહે છે, બીજી તરફ કોલ્ડ વૉર સુધી જ્યારે અમેરિકા-રશિયા વચ્ચે સ્પર્ધા હતી ત્યાં સુધી રશિયા પાસેથી જે દેશો શસ્ત્રો ખરીદે તેનું હિત જાળવવા રશિયા પણ મહેનત કરતું હતું. એકબીજાના શસ્ત્રો ચડિયાતા છે એ બતાવવા માટે તો કેટલાય નિર્દોષ દેશોના આ બંને દેશોએ બેટલ ફીલ્ડ બનાવી દીધા હતા. કોરિયા મહાદ્વિપનું વિભાજન જ અમેરિકા-રશિયાની રાજકીય-સંરક્ષણ મહત્ત્વાકાંક્ષાના કારણે થયું. બંને દેશોએ આ 'ભાઈઓ'ને લડાવીને શસ્ત્રોના પરીક્ષણો કર્યા. એવા જ પરીક્ષણો વિએટનામથી માંડી સીરિયા સુધી થઈ ચૂક્યા છે.
આ શસ્ત્રોના વેપારની બુનિયાદ પર દુનિયામાં યુદ્ધ છમકલા થઈ રહ્યાં છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિના નોબેલ પારિતોષિકની મહત્ત્વાકાંક્ષાના કારણે મધ્યસ્થી કરાવીને ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ સ્થાપી, પણ એ શાંતિ કેટલું ટકે એ કહી શકાય તેમ નથી. એ યુદ્ધવિરામ અસ્થિર છે એની સાબિતી તો એક જ સપ્તાહમાં મળી ગઈ. કેટલાય લોકો ફરીથી બંને તરફના હુમલામાં માર્યા ગયા છે. હજુય સામ-સામી ધમકીનો સિલસિલો અટક્યો નથી. મિડલ ઈસ્ટમાં ભારેલો અગ્નિ છે અને ગમે ત્યારે ભભૂકી ઉઠે એવી દહેશત છે. એકથી વધુ દેશો વચ્ચે ભારે તંગદિલીનો માહોલ છે ને અધૂરામાં પૂરું આતંકવાદી-બળવાખોર જૂથો પણ હાહાકાર મચાવે છે. ઈઝરાયલ-હમાસ ઉપરાંત ઈઝરાયલ-ઈરાન જેવા દેશો વચ્ચેય ગમે ત્યારે મિસાઈલ મારો થઈ જાય છે. ઈઝરાયલ, પેલેસ્ટાઈન, ઈરાન, લેબેનોન, સીરિયા, તુર્કી, યમનમાં હિંસા થઈ રહી હોવાથી હજારો લોકોએ જીવ ખોયો છે. વેસ્ટર્ન સહારામાં પણ મોરોક્કો અને સહરાબી આરબ ડેમોક્રેટિક રિપબ્લિક વચ્ચે ટેરેટરીનો વિવાદ ચાલે છે. દાયકાઓથી આ વેસ્ટર્ન સહારામાં પ્રભુત્વની લડાઈ ચાલતી હોવાથી સેંકડો લોકો પ્રભાવિત થયા છે. કેટલાયને દર દર ભટકતા રહેવું પડે છે. મિડલ ઈસ્ટ પછી બીજો કોઈ સૌથી સળગતો વિસ્તાર હોય તો એ આફ્રિકા છે. આફ્રિકાના જુદા જુદા દેશોમાં લગભગ ૩૫ જેટલા સશસ્ત્ર સંઘર્ષો ચાલી રહ્યા છે. એમાંથી ઘણાં આંતરરાષ્ટ્રીય સ્તરના નથી એટલે બહુ ચર્ચા થતી નથી. આમાંથી ઘણાં આંતરિક ઝઘડા છે, પણ તેમાં લાખો નિર્દોષ લોકોનું લોહી વહી રહ્યું છે. બુર્કિના ફાસો, કેમેરોન, સેન્ટ્રલ આફ્રિકા રિપબ્લિક, કોંગો, ઈથિયોપિયા, માલી, મોઝામ્બિક, નાઈજીરિયા, સેનેગલ, સોમાલિયા, સુડાન, સાઉથ સુડાન જેવા દેશોમાં વર્ષોથી ચાલતી હિંસાની આગ ઠરવાનું નામ લેતી નથી. આમાંથી ઘણાં દેશોમાં બળવાખોર જૂથોએ સરકાર સામે મોરચો માંડયો છે. ઘણાં ઉગ્રવાદી જૂથો એકબીજા સામે જ બાખડી રહ્યા છે અને સરકારો એવા માથા ફરેલા જૂથોને કાબૂમાં લઈ શકતી નથી. તો કેટલાક દેશો વચ્ચે કોઈને કોઈ બાબતે વિવાદ હોવાથી ચકમક ઝર્યા કરે છે.
એશિયામાં દેશો વચ્ચે કે બળવાખોર જૂથો વચ્ચે ૨૧-૨૨ સશસ્ત્ર લડાઈઓમાં રક્તપાત થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ છે. થાઈલેન્ડ-કોલંબિયા વચ્ચે પણ જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. યુરોપમાં રશિયા-યુક્રેન યુદ્ધ ઉપરાંત અન્ય સશસ્ત્ર લડાઈઓમાં લોહીની નદીઓ વહે છે. યુરેશિયાના દેશો - આર્મેનિયા અને અજરબૈઝાન વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. લેટિન અમેરિકામાં અડધો ડઝન જંગ ખેલાઈ રહ્યા છે. એમાં મેક્સિકો અને કોલંબિયા મુખ્ય છે. આ બંને દેશોના લશ્કરે ઉગ્રવાદીઓ અને ડ્રગ્સની ટોળકી સામે સતત ખૂની ખેલ ખેલવો પડે છે.
દુનિયાભરમાં બે દેશો વચ્ચે ૪૩ લડાઈઓ ચાલે છે. યુએન માન્ય દેશો વચ્ચે ઝઘડો થાય તેને આંતરરાષ્ટ્રીય લશ્કરી વિવાદ કહે છે. એ સિવાય સત્તાવાર રીતે બે દેશો વચ્ચે સીધી લડાઈ ન હોય, પરંતુ કોઈ એક દેશના લશ્કરને અન્ય દેશ સમર્થિત આતંકવાદી જૂથ કે બળવાખોરો સામે લડાઈ ચાલતી હોય તેને કે બે દેશોના બળવાખોર જૂથો બાખડતા હોય એ બધી મળીને જગતમાં ૧૧૦ લોહિયાળ લડાઈઓ થઈ રહી છે.
વેલ, ટ્રમ્પ તો હમાસ-ઈઝરાયલ ઉપરાંત આઠ યુદ્ધો અટકાવ્યાનો દાવો કરી રહ્યા છે અને એ વાતમાં કેટલું તથ્ય છે તે કોઈ કહી શકે તેમ નથી. પરંતુ એ હકીકતથી આંખ મિચામણા થઈ શકે તેમ નથી કે આજની તારીખે - ઈઝરાયલ-હમાસનું યુદ્ધ અટકી ગયું છે એમ માનીએ લઈએ તો પણ - નાની-મોટી ૧૧૦ શસ્ત્ર લડાઈઓ ચાલી રહી છે ને એમાં સેંકડો લોકોના લોહી વહી રહ્યા છે. એનું કારણ માત્ર એટલું છે કે મહાસત્તાઓને શાંતિ સ્થાપના નહીં, શસ્ત્રો વેચવામાં વધારે રસ છે. આપણે ત્યાં દિવાળી-નૂતન વર્ષનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, પણ દુનિયામાં અત્યારેય યુદ્ધની અસ્થિરતાથી ચારેબાજુ હોળી સળગી રહી છે. જાણે દુનિયાના અસંખ્ય લોકોની આ વેદના રજૂ કરતા હોય એમ કવિ ખલીલ ધનતેજવીએ લખ્યું છેઃ
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે
તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે
વાર તહેવારે જિદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે
મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.
મિડલ ઈસ્ટમાં સૌથી વધુ બળવાખોર જૂથો સક્રિય
પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ યુરોપમાં શરૂ થયું હતું, પરંતુ તેની તીવ્ર અસર મિડલ ઈસ્ટમાં થઈ હતી. ઓટોમન સામ્રાજ્યના પતન થવામાં પ્રથમ વિશ્વયુદ્ધની ચાવીરૂપ ભૂમિકા હતી. બીજા વિશ્વયુદ્ધ પછી ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની રચના થઈ તેની દુનિયામાં લાંબાંગાળાની અસરો થઈ હતી. વર્ષો સુધી આરબ વર્લ્ડ અને ઈઝરાયલ વચ્ચે જંગ જામ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી મિડલ ઈસ્ટના ઓઈલ પર અમેરિકા અને રશિયા બંનેની નજર હતી, પરિણામે કોલ્ડવોરની આ વિસ્તારમાં વ્યાપક અસર પડી હતી. તેમની પાવરગેમના પરિણામે જ ઓપેક, આરબ લીગ અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન જેવા સંગઠનો રચાયા. અમેરિકાએ જે દેશો સાથે કરારો થયા તે કર્યા, ન થયા ત્યાં આંતરિક સંઘર્ષ કરાવ્યો. જેના કારણે બળવાખોર જૂથો આખાય વિસ્તારમાં દાયકાઓથી આતંક મચાવતા રહ્યા છે. મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ-હમાસ ઉપરાંત હિઝબુલ્લાહ-ઈઝરાયલ વચ્ચે પણ સંઘર્ષ થતો રહે છે. સીરિયામાં બળવાખોરોના જૂથે બશર-અલ-અસદની સત્તા ઉથલાવી દીધી હતી. યમનના હૂથી બળવાખારો રાતા સમુદ્રમાં હાહાકાર મચાવતા રહે છે. ઈરાનમાં એકથી વધુ આતંકી અને બળવાખોર જૂથો હુમલા કરે છે. અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ્સ જેવા સંગઠનો પણ મધ્યપૂર્વના ઘણાં દેશોમાં સક્રિય છે. મિડલ ઈસ્ટમાં સૌથી વધુ બળવાખોર અને આતંકવાદી સંગઠનો સક્રિય હોવાથી ત્રીજું વિશ્વયુદ્ધ આ વિસ્તારમાંથી ફાટી નીકળે એવી ભીતિ રહે છે.









