Editorial

પૃથ્વી ઉપર હવે સૂર્યપ્રકાશનું બેલેન્સ પણ ડગમગી રહ્યું છે !

By GS TEAM
21 Jun 20267 mins read
પૃથ્વી ઉપર હવે સૂર્યપ્રકાશનું બેલેન્સ પણ ડગમગી રહ્યું છે !

- ગરમીમાં ક્યાંક વધારો તો ક્યાંક અત્યંત ઘટાડો નોંધાશે, જાણકારોના મતે ક્યાંક ધરતી ઉપર સૂર્ય દેખાશે જ્યારે ક્યાંક માત્ર અંધારું રહેશે અને પ્રકાશ કે ગરમી મળશે જ નહીં

- આર્કટિક અને એન્ટાર્કટિકા જેવા ઠંડા પ્રદેશોમાં ગરમી વધે તો વાદળોમાં પાણીનું સ્તર વધવા લાગે છે. પાણીથી ભરેલા વાદળો વધારે સફેદ અને ચમકદાર હોય છે. સૂર્યનો પ્રકાશ જ્યારે પૃથ્વી તરફ આવે છે ત્યારે આ સફેદ વાદળો જ તેને અવકાશમાં પરાવર્તિત કરવા લાગે છે. ધ્રુવીય પ્રદેશોમાં ભેજ, વરાળ અને તેના કારણે બનતા વાદળોને પગલે સૂર્યપ્રકાશ વધારે પરાવર્તિત થાય છે. તેથી અહીંયા ગરમી ઓછી લાગે છે ઃ જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણને પાર કરીને સીધો જ જમીન સુધી પહોંચે છે. તેને ડાઉનવર્ડ સરફેસ સોલાર રેડિયેશન કહેવાય છે. આ સૂર્યપ્રકાશ આકરો હોય છે. તે જમીનને ગરમ કરે છે અને બરફ ઓગાળવા લાગે છે. સોલાર ફાર્મ ચલાવવામાં આવી ગરમી ઉપયોગી સાબિત થાય તેમ છે પણ બાકીના વિસ્તારોની સ્થિતિ વધારે કફોડી થઈ જાય ઃ નોર્ધન મિડ લેટીટયૂડમાં આવેલા દેશોની સ્થિતિ ધુવ્રીય પ્રદેશો કરતા કફોડી થવાની છે. ખાસ કરીને આ વિસ્તારમાં નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયાના મોટાભાગના પ્રદેશોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભારત ઉપર પણ તેની આડઅસરો અને ઘાતક અસરો જોવા મળશે. 

પૃથ્વી ઉપર જીવન ટકાવવા અને ચલાવવામાં સૂર્ય પ્રકાશ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવામાનમાં ફેરફાર, વૃક્ષો અને અન્ય સજીવ સૃષ્ટિનું સંચાલન આ બધું જ સૂર્યપ્રકાશ ઉપર આધારિત છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, પૃથ્વી ઉપર તમામ જગ્યાઓએ સૂર્યનો પ્રકાશ સમયાંતરે એક સરખો આવતો રહે છે. તેના કારણે બધાને એક સરખી ગરમી અને ઊર્જા મળી રહે છે. તાજેતરમાં થયેલા સંશોધનોએ જણાવ્યું કે, પૃથ્વીનું સંતુલન ખોટકાયું છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે સૂર્ય પ્રકાશની પૃથ્વી ઉપર વહેંચણીમાં મોટાપાયે ફેરફાર આવ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિ વધારે ખરાબ થવાની છે. તેના કારણે પૃથ્વી ઉપર કેટલાક ભાગમાં અસહ્ય પ્રકાશ આવશે જ્યારે કેટલાક ભાગમાં અંધકાર જ રહેશે. 

ઉલ્લેખનીય છે કે, ચીનની ઓશન યુનિવર્સિટીમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સંશોધકોએ દુનિયાભરના એડવાન્સ ક્લાઈમેટ મોડલ્સનો ઉપયોગ કરીને સૂર્ય પ્રકાશ અને તેના વિસ્તરણનો અભ્યાસ કર્યો હતો. સંશધકો માને છે કે, સૂર્યપ્રકાશની વહેંચણીમાં જ તફાવત આવશે અને તેના કારણે હવામાન, સોલાર પાવર અને ખેતી ઉપર વ્યાપક અસર પડશે. છેલ્લાં કેટલાક સમયથી દુનિયાભરના કેટલાક પ્રદેશોમાં જે રીતે ગરમી વધી રહી છે અને કેટલાક પ્રદેશોમાં ઠંડીમાં સખત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આ અભ્યાસ હાથ ધરાયો હતો. ગ્લોબલ વોર્મિંગની સૂર્યપ્રકાશ ઉપર કેવી અને કેટલી અસર થઈ છે તે જોવા માટે એડવાન્સ મલ્ટિપલ ક્લાઈમેટ મોડલ્સની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત કમ્પ્યૂટર સિમ્યુલેશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

ચિંતાજનક બાબત એવી હતી કે, દુનિયાભરની લેબમાંથી વિવિધ ડેટા લેવામાં આવ્યા હતા. હવામાનના આ ડેટાને જ્યારે કમ્પ્યૂટર સિમ્યુલેશનની મદદથી અલગ અલગ એડવાન્સ ક્લાઈમેટ મોડલ્સ સાથે જોડવામાં આવ્યા તો તેના પરિણામો એક જેવા જ જોવા મળ્યા હતા. તેમાં જણાવાયું હતું કે, ધ્રુવીય વિસ્તારોમાં એટલે કે પોલ ઝોનમાં ધીમે ધીમે સૂર્યપ્રકાશ વધારે ઝાંખો થવા લાગશે. બીજી તરફ નોર્થ મીડ લેટીટયૂડ વિસ્તારોમાં સૂર્યપ્રકાશમાં અતિશય વધારો થઈ જશે. આ વધારાની અસર ઉનાળા દરમિયાન સૌથી વધારે વર્તાશે.

જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણને પાર કરીને સીધો જ જમીન સુધી પહોંચે છે. તેને ડાઉનવર્ડ સરફેસ સોલાર રેડિયેશન કહેવાય છે. આ સૂર્યપ્રકાશ આકરો હોય છે. તે જમીનને ગરમ કરે છે અને બરફ ઓગાળવા લાગે છે. સોલાર ફાર્મ ચલાવવામાં આવી ગરમી ઉપયોગી સાબિત થાય તેમ છે પણ બાકીના વિસ્તારોની સ્થિતિ વધારે કફોડી થઈ જાય. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ ઘણી વખત સૂર્યપ્રકાશની ગરમીમાં વધારો અને ઘટાડો નોંધાયો છે. તાજેતરની જ વાત કરીએ તો ૧૯૫૦થી ૧૯૮૦ સુધીમાં પૃથ્વી ઉપર આવતા સૂર્યપ્રકાશમાં ઘટાડો થયેલો હતો. ત્યારબાદ તેમાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો છે. તાજેતરનું સંશોધન ચેતવણી આપે છે કે, હવે જે રીતે વધારો અને ફેરફાર થઈ રહ્યા છે તે આગામી સમયમાં પૃથ્વી ઉપર ઉથલપાથલ લાવી દેશે.

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં સૂર્યપ્રકાશના સ્તરમાં ફેરફાર થવાનો છે. તેમાંય ધ્રુવીય પ્રદેશોમાં તેમાં ઘટાડો થવાનો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જ દુનિયાભરમાં આ પરિવર્તન આવવાનું છે. તેના પાછળ વોટર વેપર અને વાદળોની પણ મોટી ભૂમિકા રહેલી છે. સામાન્ય રીતે હવા જ્યારે ગરમ થાય છે ત્યારે તેમાં વોટર વેપર એટલે વરાળને રોકવાની ક્ષમતા વધી જાય છે. આ ભેજ આકાશમાંથી આવતા સૂર્યના કિરણોને જમીન સુધી પહોંચતા પહેલાં જ પોતાનામાં શોષી લે છે. તેના પગલે વાતાવરણ સાફ હોવા છતાં આકાશ સ્વચ્છ દેખાવા છતાં ભેજના કારણે તડકો ઓછો લાગે છે. જાણકારો માને છે કે, માત્ર ભેજ અને વરાળના કારણે આવું થતું હોત તો સમગ્ર વિશ્વમાં સૂર્યપ્રકાશની તિવ્રતા ઘટી ગઈ હોત. અહીંયા વાદળોની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની છે. આર્કટિક અને એન્ટાર્કટિકા જેવા ઠંડા પ્રદેશોમાં ગરમી વધે તો વાદળોમાં પાણીનું સ્તર વધવા લાગે છે. 

પાણીથી ભરેલા વાદળો વધારે સફેદ અને ચમકદાર હોય છે. સૂર્યનો પ્રકાશ જ્યારે પૃથ્વી તરફ આવે છે ત્યારે આ સફેદ વાદળો જ તેને અવકાશમાં પરાવર્તિત કરવા લાગે છે. ધ્રુવીય પ્રદેશોમાં ભેજ, વરાળ અને તેના કારણે બનતા વાદળોને પગલે સૂર્યપ્રકાશ વધારે પરાવર્તિત થાય છે. તેથી અહીંયા ગરમી ઓછી લાગે છે. 

ઉલ્લેખનીય છે કે, સૂર્યપ્રકાશ અને ગરમીનું જે અસંતુલન સધાયું છે તે ૨૦૮૦ કે તેના પછી વધારે આક્રમક દેખાશે તેવું નથી. તેની શરૂઆત ઘણા સમય પહેલાં થઈ ગઈ હતી અને આગામી સમયમાં તેની અસર વધારે આકરી થશે. છેલ્લાં બે દાયકામાં પણ તેની પેટર્નમાં તફાવત જોવા મળ્યો છે. સંશોધકોનું માનવું છે કે, ભવિષ્યમાં જે આકરી સ્થિતિ આવવાની છે તેની આ શરૂઆત છે. તેઓ સ્પષ્ટ માને છે કે, ભવિષ્યમાં ગરમી વધવાની છે તે કોઈ અનુમાન નથી પણ વાસ્તવિકતા છે અને તેનો અણસાર અત્યારથી આવવા લાગ્યો છે. સંશોધન દરમિયાન લો, મિડિયમ અને હાઈ ઈમિશનનો સિનારિયો જોવા મળ્યો હતો. દરેક સ્થિતિમાં આ પેટર્ન ખૂબ જ સ્પષ્ટ અને મજબૂત જોવા મળી હતી. આ સંશોધન બાદ ખાસ ટકોર કરવામાં આવી છે કે, જેમ જેમ ગ્લોબલ વોર્મિંગની અસર વધશે તેમ તેમ સ્થિતિ વધારે આકરી થતી જશે. સંશોધકોએ જણાવ્યું કે, જે લોકો હવામાનના જૂના ડેટાના આધારે ધારણા બાંધતા હશે તેમની ધારણા ખોટી પડશે. અત્યારે જ હવામાનના વરતારામાં મોટાપાયે ફેરફાર નોંધાઈ રહ્યા છે. તેના કારણે આગામી સમયમાં ગરમી અથવા તો ઠંડીની શું સ્થિતિ રહેશે તેનું ચોક્કસ અનુમાન કાઢી શકાય તેમ જ નથી. ભૂતકાળની પેટર્ન એક જ બાબત જણાવે છે કે, ગ્લોબલ વોર્મિંગ જેટલું આકરું થશે તેટલી સ્થિતિ વધારે ખરાબ થશે. 

બીજી તરફ સૂર્યનો પ્રકાશ ધરતીની સપાટી ઉપર આવે ત્યારે એનર્જીનો સૌથી મોટો સોર્સ હોય છે. તેમાં થનારા પરિવર્તનો સમગ્ર પૃથ્વીને અસર કરશે. આ ઉપરાંત વિશ્વભરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુદરતી પ્રક્રિયાઓને પણ અસર કરશે. ખાસ કરીને ધ્રુવીય પ્રદેશો ઉપર એવા સમયમાં સૂર્યપ્રકાશ ઘટવાના વરતારા છે જ્યારે ગરમીની સીઝન હોય અને બરફ ઓગળવાની શરૂઆત થઈ ગયો. હવે જો બરફ ઓગળવાની સીઝન દરમિયાન જ ગરમી ઘટશે તો પોલર એમ્પ્લિફિકેશન પ્રોસેસને અસર પડશે. આગામી સમયમાં આર્કટિકમાં દુનિયાના અન્ય ત્રણ ભાગ કરતા ગરમીમાં વધારો થશે. તેમ છતાં સૂર્ય પ્રકાશની ઝડપ અને વાદળોની સ્થિતિ આ બાબત નક્કી કરશે. આ સંશોધનથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, દુનિયાના કેટલાક વિસ્તારોમાં ગરમી ઘટવાથી ત્યાં ઠંડીનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ અસહ્ય રીતે વધી જશે. તેના કારણે રિવર ફ્લો, ગ્લેશિયરો, દરિયા, સોલાર પાવર આઉટપુટ વગેરેમાં પણ વ્યાપક તફાવત અને ફેરફાર જોવા મળશે. જાણકારોના મતે આ નવા ફેરફારોની અત્યારથી જ નોંધ લઈને તેના ઉપર કામ કરવામાં આવે તો નવો ડેટા બની શખે. આ તમામ ડેટાના આધારે નવું ફોરકાસ્ટ મોડલ બનાવી શકાય તેમ છે. 

૧૯૮૦ બાદ જે પણ સુધારા જોવા મળ્યા તેને ધ્યાનમાં રાખીને આગામી સદી સુધી વાતાવરણ કેવું રહેશે તેનો અભ્યાસ કરી શકાય તેમ છે. 

- ભારત સહિત એશિયા, અમેરિકા અને યુરોપમાં અસહ્ય ગરમીમાં વધારો નોંધાશે 

જાણકારોએ ચેતવણી ઉચ્ચારી છે કે, નોર્ધન મિડ લેટીટયૂડમાં આવેલા દેશોની સ્થિતિ ધુવ્રીય પ્રદેશો કરતા કફોડી થવાની છે. ખાસ કરીને આ વિસ્તારમાં નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયાના મોટાભાગના પ્રદેશોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભારત ઉપર પણ તેની આડઅસરો અને ઘાતક અસરો જોવા મળશે. 

અહીંયા ઘણા વખતથી વાતાવરણમાં અને ઋતુચક્રમાં ફેરફાર આવેલો છે ત્યાં હવે સૂર્યપ્રકાશના પ્રમાણમાં પણ ફેરફાર આવવાની શક્યતાઓએ લોકોની ચિંતા વધારી દીધી છે. આ વિસ્તારોમાં વાદળોનું સ્તર પાતળું હોવાથી અહીંયા ગરમી વધારે હોય છે. અહીંયા વાદળો ઓછા હોય છે અને જ્યાં હોય છે ત્યાં પાતળું સ્તર ધરાવે છે તેથી સૂર્યના કિરણો સીધા જ જમીન સુધી પહોંચી જાય છે. 

આકાશમાં રહેલો ભેજ કેટલીક ગરમી શોષી લે છે તેમ છતાં આકાશ સાફ હોવાના કારણે અહીંયા તડકો વધી જાય છે અને ગરમીનું પ્રમાણ અસહ્ય રીતે વધી જાય છે. તેના પગલે સોલાર એનર્જી અને હીટ બંનેમાં વધારો થાય છે. આ વિસ્તારો જ્યારે સૂર્ય તરફ સરકે છે ત્યારે અહીંયા ગરમી અને તડકાનું પ્રમાણ અસહ્ય રીતે વધી જશે. સંશોધનમાં સામે આવ્યું છે કે, હાઈ એમિશન ધરાવતા વિસ્તારોમાં આર્કટિકમાં ગરમીમાં ૧૫ ટકાનો ઘટાડો આવી શકે છે. તેવી જ રીતે એન્ટાર્કટિકાની ગરમીમાં પણ સાત ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. બીજી તરફ મિડ લેટીટયૂડવાળા દેશોમાં ગરમી અને ઠંડાના તફાવતમાં ૨ થી ૫ ટકા સુધીનો વધારો થઈ શકે છે. ચિંતાજનક વાત એ છે કે, મોટાભાગના ક્લાઈમેટ મોડલ દ્વારા આવી જ પેટર્ન રજૂ કરવામાં આવી હતી.