એક્સિઓમ મિશન 4 : 25 દિવસમાં 5 વખત અભિયાન રદ થયું

- ભારતના રાકેશ શર્મા 1984માં અવકાશયાત્રા કરીને પરત આવ્યા હતા અને હવે શુભાંશુ શુક્લા 40 વર્ષ બાદ અવકાશમાં પ્રયોગો કરીને આવશે
ભારત, પોલેન્ડ અને હંગેરીનું ઘણા વર્ષો બાદ સમાનવ અભિયાન હોવાથી આ દેશોમાં ચિંતાની લહેર દોડી ગઈ : શુભાંશુ શુક્લા આ મિશનમાં ઈન્ટરનેશલ સ્પેસ સ્ટેશનમાં જઈને ફૂડ ટેક્નોલોજી, ન્યૂટ્રિશન અને માઈક્રોગ્રેવિટી જેવી બાબતો ઉપર અભ્યાસ કરવના છે : ભારતના આગામી ગગનયાન મિશન માટે આ વ્યક્તિનું પરત આવવું કે પછી ડેટા મોકલાવવું ખૂબ જ સરળ છે : શુભાંશુની સાથે આ મિશનમાં છે નાસાના પૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટ્સન, યૂરોપીય સ્પેસ એજન્સીના પોલેન્ડના સ્લોવોશ ઉઝ્નાન્સકી અને હંગેરીના ટિબોર કાપુ પણ જોડાવાના છે
ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો ઐતિહાસિક પ્રવાસ ફરી એક વખત અટકી ગયો છે. અમેરિકાની પ્રાઈવેટ સ્પેસ કંપની એક્સીઓમ સ્પેસ અને નાસા દ્વારા સંયુક્ત રીતે Axiom Mission 4 મિશન લોન્ચ થવાનું હતું. ૨૨ જૂને કેટલાક પ્રવાસીઓ અવકાશમાં જવાના હતા અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો પ્રવાસ કરવાના હતા. નાસાએ જાહેરાત કરી હતી કે, આ મિશન ફરી એક વખત રોકવામાં આવ્યું છે. નાસા દ્વારા આ મિશનના લોન્ચિંગની શરૂઆત કરાયા બાદ લગભગ આ પાંચમી વખત મિશન રોકવામાં આવ્યું છે. તેના કારણે ભારત સહિત દુનિયાભરના અંતિરક્ષના ચાહકો અને સ્પેસ સાયન્ટિસ્ટોમાં નિરાશા વ્યાપી છે. નાસા દ્વારા તાકીદે નવી તારીખની જાહેરાત કરવામાં આવે તેવી રાહ જોવાઈ રહી છે. ભારત, પોલેન્ડ અને હંગેરી માટે આ યાત્રા ખૂબ જ ખાસ હતી કારણ કે ૪૦ વર્ષ બાદ આ દેશોમાંથી કોઈ અંતરિક્ષયાત્રી અવકાશના પ્રવાસે જવાનો હતો. આ અભિયાનમાં વારંવાર થઈ રહેલા વિલંબના કારણે હવે અભિયાન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ મિશન ભારત માટે ખૂબ જ મહત્ત્વનું છે. Axiom Mission 4 મિશન ભારત માટે માત્ર અભિયાન નહીં પણ માનવ અંતરિક્ષ ઉડાણ કાર્યક્રમના એક નવા યુગની શરૂઆત પણ છે. આ મિશન દ્વારા ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનારા પહેલા ભારતીય એસ્ટ્રોનોટ બનવાના છે. ભારતીય અવકાશ યાત્રીની વાત કરીએ તો આ પહેલાં ૧૯૮૪માં રાકેશ શર્માએ પહેલી વખત રશિયા સાથેના સંયુક્ત અભિયાનમાં અવકાશયાત્રા કરી હતી. તે વખતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અસ્તિત્વ ધરાવતું નહોતું. હવે સમગ્ર વિશ્વ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન થકી જ અવકાશી અભિયાનોનું કામ કરે છે તેથી શુભાંશુ શુક્લા અવકાશમાં જાય તે વધારે મહત્ત્વનું થઈ ગયું છે. તેઓ આ મિશનમાં ફૂડ ટેક્નોલોજી, ન્યૂટ્રિશન અને માઈક્રોગ્રેવિટી જેવી બાબતો ઉપર અભ્યાસ કરવના છે. આ સંશોધન દ્વારા તે ભવિષ્યના તમામ મિશનો અને ભારતના ગગનયાન મિશન સહિતાના તમામ મિશનો ઉપર દીર્ઘકાલિન છાપ છોડશે.
શુભાંશુની સાથે આ મિશનમાં પેગી વ્હિટ્સન છે જે નાસાના પૂર્વ અવકાશયાત્રી અને આ મિશનના માનવ ઉડાણ ક્ષેત્રના ડાયરેક્ટર છે. તે સિવાય યૂરોપીય સ્પેસ એજન્સીના પોલેન્ડના સ્લોવોશ ઉઝ્નાન્સકી અને હંગેરીના ટિબોર કાપુ પણ જોડાવાના છે.
સૌથી પહેલાં તો એ સમજી કે એક્સિઓમ મિશન ૪ એક ખાનગી સ્પેસ ટ્રાવેલ છે. તેના દ્વારા ચાર અંતરિક્ષ યાત્રીઓ ૧૪ દિવસ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પસાર કરશે. ત્યાં તેઓ વિવિધ બાબતે પ્રયોગ કરશે. શુભાંશુ શુક્લા આ અભિયાનમાં પાયલટની પણ ભૂમિકા ભજવવાના છે. મહત્ત્વનું એ પણ છે કે, ભારતે આ મિશન માટે ૫૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ભારતના આગામી ગગનયાન મિશનની તૈયારીના ભાગરૂપે આ મિશન જોવામાં આવી રહ્યું છે તેથી તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. આ મિશન છેલ્લાં કેટલાક દિવસોથી સતત વિલંબમાં પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ મિશન ૨૯ મે ૨૦૨૫ના રોજ લોન્ચ થવાનું હતું. તે સમયે આવેલી ટેકનિકલ ખામી બાત આ મિશનમાં વિલંબ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં તે પાંચ વખત રદ કરી દેવાયું છે.
આ મિશન લોન્ચ થવામાં જે વિલંબ આવે છે અને જે મોડું થઈ રહ્યું છે તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. તેમાં સૌથી પહેલાં તો ફાલ્કન ૯ રોકેટમાં ટેકનિકલ ખરાબી આવવાથી યાત્રા રદ થઈ હતી. આ રોકેટમાં લિક્વિડ ઓક્સિજન લીક થવાની સમસ્યાના કારણે મિશન રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈસરોએ સુચનો આપ્યા અને તે રીતે રોકેટનું રિપેરિંગ કરીને તેનું ચોક્કસ તાપામાન લિકેજ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ૧૪ જૂન સુધીમાં ઈસરો દ્વારા આ સમસ્યાનો ઉકેલ આવી ગયાની જાણ કરી દેવાઈ હતી. ત્યારબાદ બીજી એક બાબત આવી હતી કે, ખરાબ વાતાવરણને કારણે મિશનમાં મોડું થઈ રહ્યું છે. ૯ અને ૧૦ જૂને વાતાવરણ ખરાબ હોવાથી લોન્ચિંગ અટકાવી દેવાયું હતું. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં લોન્ચિંગ સમયે વાતાવરણ પ્રતિકુળ હોવાના કારણે લોન્ચિંગ રદ કરવામાં આવ્યું હતું.
તે સિવાય આઈએસએસના રશિયન ભાગમાં ઝ્વેઝ્દા સર્વિસ મોડયુલમાં મુશ્કેલી હતી. તેમાં રિપેરિંગ કરવામાં આવ્યું છતાં તેમાં પ્રેશર સિગ્નેચરની સમસ્યા જોવા મળી રહી છે. નાસા અને રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ તેની તપાસ કરી રહ્યા છે. તેના થકી પણ ખ્યાલ આવશે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નવા અંતરિક્ષ યાત્રીઓને આવકારવા અને ત્યાં રોકવા માટે સજ્જ છે કે નહીં. તેના રિપેરિંગ બાદ ડેટા ભેગો કરવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે પણ ચોક્કસ સમય જોઈએ તેથી મિશનના લોન્ચિંગમાં વિલંબ કરવામાં આવ્યો. મિશનના રોકેટ અને અન્ય પાસાઓની સુરક્ષા બાદ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના વિવિધ ભાગ પણ સુરક્ષિત અને સક્ષમ હોય તે જાણવું જરૂરી છે. તાજેતરમાં જે સમસ્યા થઈ હતી ત્યારબાદ નાસા ચકાસી રહી છે કે, આઈએસએસના બાકીના ભાગ સંપૂર્ણ સુરક્ષિત છે અને ત્યાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.
નાસાનું માનવું છે કે, આઈએસએસના જે મોડયુલમાં પ્રેશરની સમસ્યા છે તે દેખીતી રીતે નાની છે પણ તેને અવગણી શકાય નહીં.
આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં ન આવ્યો તો આઈએસએસ ઉપર હાલમાં રહેતા અને નવા આવનારા અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષાને મોટી અસર પડી શકે છે. આ નાનકડી ભુલ અથવા તો નાનકડું લીકેજ પણ મોટી સમસ્યા ઊભા કરી શકે છે. તેના કારણે સાવધાની રાખવી જરૂરી છે. ભારત, પોલેન્ડ અને હંગેરી દ્વારા ચાર દાયકા બાદ સમાનવ અભિયાનમાં જોડાવાનું સૌભાગ્ય લેવામાં આવ્યું છે. તેમાંય ભારતે તો સાત પ્રયોગો માટે સંવેદનશીલ નમૂના તૈયાર કર્યા છે.
અભિયાન જેટલી વખત રદ થાય છે અને લાંબું ખેંચાય છે તેટલી વખત નમૂનાને તાજા રાખવા અને સુરક્ષિત રાખવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ભારતે આ મિશનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે તેથી સમય જેમ વધશે તેમ આ રોકાણની રકમમાં પણ વધારો થશે જે ભારતને પરેશાન કરી શકે છે.
આ સિવાય બાબત એવી પણ છે કે, ટેક્સાસમાં થોડા સમય પહેલાં જ સ્પેસએક્સનું રોકેટ એક ગ્રાઉન્ડેડ ટેસ્ટ દરમિયાન વિસ્ફોટ થતા ખાખ થઈ ગયું હતું. તેના કારણે પણ નાસાને ચિંતા છે. આમ તો આ મિશન ફાલ્કન ૯ રોકેટ દ્વારા પાર પડવાનું છે પણ તેમાંય ટેકનિકલ ખામીઓ આવી હતી જેના કારણે નાસાની ચિંતાઓ વધી ગઈ હતી. નાસા દ્વારા એક્સિઓમ સ્પેસ મિશન ૪ માટે ૨૨ જૂનની તારીખ રદ કરાઈ છે. ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. હાલમાં ચારેય એસ્ટ્રોનોટ્સ ક્વોરન્ટાઈન છે. તેઓ લોન્ચિંગ માટે સજ્જ છે. આ ઉપરાંત ફાલ્કન ૯ રોકેટ અને ડ્રેગન સ્પેસક્રાફ્ટ પણ કેનેડી સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચપેડમાં સજ્જ છે. જે પણ ટેકનિકલ ખામીઓ છે તેને શોધીને તેનો ઉકેલ લાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. શુભાંશું શુક્લા આ મિશન દ્વારા અવકાશમાં જશે તે ભારત માટે ગર્વની બાબત છે પણ સાથે સાથે તેમાં જે વિલંબ થઈ રહ્યો છે તેના કારણે અનેક પડકારો પણ આવી રહ્યા છે. નાસા અને તેની સહયોગી સંસ્થા અવકાશયાત્રીઓ અને મિશનના સાધનોની સુરક્ષા માટે કોઈપણ સ્તરે બાંધછોડ કરવા માટે તૈયાર નથી. જ્યાં સુધી આઈએસએસના મોડયુલમાં અને ફાલ્કન ૯માં જે પણ સમસ્યાઓ છે તેનો નિકાલ નહીં થાય ત્યાં સુધી મિશનલ લોન્ચિંગમાં રાહ જોવી પડે તેમ જ છે. ભારત, પોલેન્ડ અને હંગેરી માટે આ વિલંબ નિરાશાજનક છે પણ તેમના દેશના અવકાશયાત્રીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.
એક્સિઓમ સ્પેસ મિશન 4ના લોન્ચિંગમાં થયેલા વિલંબની ટાઈમલાઈન પર નજર
એક્સિઓમ મિશન ૪ના લોન્ચિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવી અને તે વારંવાર રદ કરવામાં આવ્યું છે. આ મિશન રદ થવાની ટાઈમલાઈન ઉપર નજર કરીએ તો તે પણ ખાસ છે. ૨૯ મે ૨૦૨૫ના રોજ મિશન લોન્ચ થવાનું હતું. તે દિવસે સ્પેસએક્સના ફાલ્કન ૯ રોકેટમાં ટેકનિકલ ખરાબી આવી. તેના ક્રૂ ડ્રેગમ મોડયૂલમાં ઈલેક્ટિકલ હાર્નેસની સમસ્યા થઈ તેના કારણે લોન્ચિંગ સ્થગિત કરી દેવાયું. ત્યારબાદ લોન્ચિંગ સીધું જ ૮ જૂને લોન્ચ કરવાનું નક્કી કરાયું. ૮ જૂનના રોજ નવી તારીખે ફાલ્કન ૯ રોકેટ થકી લોન્ચિંગ થવાનું હતું પણ રોકેટમાં ટેક્નિકલ ખામી આવતા મિશન રદ કરવામાં આવ્યું. ત્યારબાદ બીજા દિવસે એટલે કે ૯ જૂને પણ ખરાબ વાતાવરણના પગલે મિશન રદ કરવાનો આવ્યો. તેના પણ બીજા દિવસે એટલે કે ૧૦ જૂને વાતાવરણ ખરાબ હોવાના પગલે લોન્ચિંગ રદ કરવામાં આવ્યું. ઈસરો દ્વારા લિક્વિડ ઓક્સિજન લીકની તપાસ કરવામાં આવી. આ તપાસ બાદ ઈસરોએ ફાલ્કન ૯ રોકેટમાં ઓક્સિજન લીકનું સમારકામ અને તાપમાન જાળવવા માટે કામ કરવામાં આવ્યું જેથી લોન્ચિંગ વિલંબમાં મુકાઈ ગયું. ૧૧ જૂને સ્થિતિ એવી થઈ કે, એક તરફ લિક્વિડ ઓક્સિજન લીક થવાની સમસ્યા અને બીજી તરફ આઈએસએસ મોડયુલમાં ટેમ્પ્રેચરમાં અનિયમિતતા દેખાઈ જેના કારણે મિશન ઉપર જવું વધારે જોખમી થઈ ગયું. ત્યારબાદ ૧૯ જૂને આ મિશન લોન્ચ થવાનું હતું. ફાલ્કન ૯ની ઓક્સિજન લીક થવાની સમસ્યાનો તો અંત આવી ગયો પણ બીજી તરફ નાસાના આઈએસએસ મોડયુલમાં ટેક્નિકલ ખામી સર્જાઈ જેના કારણે ફરીથી વિલંબ થયો. તેને વધુ ૩ દિવસ માટે લંબાવી દેવાયો.
૨૨ જૂનના રોજ મિશન લોન્ચ થવાનું હતું પણ હવે આઈએસએસના જ્વેઝ્દા મોડયુલમાં રિપેરિંગની જરૂર છે. લોકોએ આ વાત સ્વીકારી લીધી અને હવે તમામ અંતરિક્ષયાત્રીઓની સુરક્ષાની ખાતરી થયા બાદ જ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.








