Editorial

વિશ્વના સૌથી મોટા, સૌથી ઝડપથી વિકસતા ડેરી ક્ષેત્રને FTAથી બહાર જ રાખવું જોઈએ

By GS TEAM
22 Jul 20256 mins read
વિશ્વના સૌથી મોટા, સૌથી ઝડપથી વિકસતા ડેરી ક્ષેત્રને FTAથી બહાર જ રાખવું જોઈએ

- ભારતના આઠ કરોડ પરિવારની એકમાત્ર રોજીરોટી પશુપાલન ઉપર દુનિયાની નજર

- દુનિયાના ચોથા ભાગનું એટલે કે વર્ષે 240 અબજ લીટર દૂધ ઉત્પાદન કરતા ભારતના ડેરી ક્ષેત્ર ઉપર દુનિયાની નજર છે. વિદેશી મૂડીરોકાણ કરી ભારતના પશુપાલક પાસેથી ખરીદી કરી, અહીં જ પ્રોસેસિંગ અને વિતરણ વ્યવસ્થાના બદલે પાછલા માર્ગે વગર ડયુટીએ પોતાની અબજો ડોલરની સબસિડી વાળું દૂધ કે ડેરી પ્રોડક્ટ ભારતમાં વેચવા માટે યુનાઈટેડ કિંગડમ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ભારતમાં પ્રવેશવા ઉત્સુક છે. જોકે, જે દેશો સાથે એફટીએ માટે વાટાઘાટ ચાલે છે તેમને કૃષિ અને ડેરી ઉદ્યોગમાં કોઇપણ બાંધછોડ નહીં કરવા ભારત મક્કમ છે. ખાદ્યતેલની આયાતની છૂટ આપી ભૂતકાળમાં કરેલી ભૂલ ભારત હવે કરે એમ નથી. બીજું, સ્થાનિક ઉત્પાદકોની રોજી, પ્રજાની ખાદ્ય સુરક્ષા અને અબજો ડોલર ચૂકવી વિદેશી શક્તિઓ સામે ફરીથી ગુલામી કરવાની ભારતની કોઈ ઈચ્છા નથી. 

ભારત વિશ્વમાં સૌથી મોટો ડેરી ઉદ્યોગ ધરાવે છે અને ડેરી પ્રોડક્ટમાં વેલ્યુ એડિશન (એટલે કે દૂધની બનાવટમાંથી માખણ, ચીઝ, દૂધનો પાવડર) જેવી ચીજોનો પૂર્ણ વિકસિત પણ છે. જોકે,  ભારતના કરોડો પશુપાલકોને રોજી આપતા ડેરી ક્ષેત્ર ઉપર દુનિયાની નજર છે. અમેરિકા ભારત સાથેની વ્યાપાર સંધિમાં કૃષિ અને ડેરી ક્ષેત્રમાં અમેરિકન કંપનીઓને બેરોકટોક પ્રવેશ મળે એ માટે પ્રયત્નશીલ છે. ચીન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા સહિતના ૧૫ સભ્યોનું બનેલું સંગઠન રિજ્યોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ (આરસેપ)માં પણ ભારત જોડાયેલું હતું. વર્ષો સુધી વાટાઘાટ પછી ભારતના કૃષિ અને ડેરી ઉદ્યોગના રક્ષણ માટે ૨૦૧૯માં તેમાંથી નીકળી ગયું. એવી જ રીતે એશીયાઇ દેશો અને ઓસ્ટ્રેલિયા પણ પોતાની સંધિમાં આ ક્ષેત્રનો સમાવેશ થાય ત્યાંના ઉત્પાદકોને અહીં ઓછા ટેક્સ કે ડયુટી વગર પ્રવેશ મળે એ માટે પ્રયત્નશીલ છે.

ડેરી ક્ષેત્ર ભારતના જીડીપીમાં પાંચ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. વર્ષે ૨૪૦ અબજ લીટર દૂધનું ઉત્પાદન કરે છે. ડેરી ક્ષેત્રનો વાર્ષિક વિકાસ દર ૧૦ થી ૧૪ ટકા વચ્ચે છે. સામે, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક જેવા અન્ય દેશોમાં તેની વૃદ્ધિનો દર માત્ર બે થી પાંચ ટકા છે. અમેરિકા તેના ઉત્પાદનનું ૨૫ ટકા નિકાસ કરે છે, ન્યૂઝીલેન્ડમાં આ પ્રમાણ ૭૦ ટકા કરતા વધારે છે. સ્થાનિક ઉદ્યોગના ધીમા વિકાસ દરના કારણે અમેરિકા, યુરોપ અને અન્ય દેશો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ કે મુક્ત વ્યાપાર કરાર) માટે ભારતના ડેરી ક્ષેત્ર ઉપર મીટ માંડી રહ્યા છે. આટલી સંભાવના બીજા ક્યાં મળે, આટલી મોટી બજાર બીજે ક્યાં હોય?

ભારત જયારે એફટીએ માટે કોઈ દેશ સાથે વાતચીત શરૂ કરે છે ત્યારે સૌથી સંવેદનશીલ મુદ્દો કૃષિ અને ડેરી ક્ષેત્રનો ઉપસ્થિત થાય છે. સ્થાનિક ખેડૂત અને પશુપાલકોના રક્ષણ માટે ભારત હમેશા આવા કરારમાંથી કૃષિ અને ડેરીને બાકાત રાખવા માટેના પક્ષે હોય છે. ભારત અત્યરે વિશ્વના સેંકડો દેશો સાથે એફટીએ માટે વાટાઘાટ ચલાવી રહ્યું છે. યુનાઈટેડ કિંગડમ સાથે કરાર થઇ ગયા છે. 

ઓસ્ટ્રેલિયા, સ્વીત્ઝરલૅન્ડ, નોર્વે, યુરોપીયન સંઘ અને અમેરિકા સાથે મંત્રણા ચાલુ છે. આ દરેક દેશો સાથે અત્યારસુધીની ચર્ચામાંથી ભારતે ડેરી પ્રોડક્ટ અને ઉદ્યોગને બાકાત રાખવા માટે સ્પષ્ટતા કરેલી છે. જોકે, ટ્રમ્પ ભારત ઉપર ડેરી અને કૃષિ સહિતની ચીજો માટે કરાર કરવા દબાણ કરી રહ્યા છે પરંતુ, ભારત નમતું જોખે એવી કોઈ શક્યતા જણાતી નથી. નમતું જોખવું એ પગ પર કુહાડો મારવા સમાન હશે એવું જાણકારોનું માનવું છે. 

ભારતમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કરોડો પશુપાલકોની રોજીરોટી દુધ અને તેની બનાવટ સાથે જોદયેલ્લી છે. જો વિદેશી કંપનીઓ સસ્તા દૂધ અને તેની બનાવટો સાથે ભારતમાં પ્રવેશ કરે તો દેશને અબજો રૂપિયાનું નુકસાન થાય. ઉદાહરણ તરીકે, અમેરિકા સાથે અત્યરે ટ્રેેડ એગીમેન્ટ માટે વાટાઘાટ ચાલી રહી છે. અમેરિકા પોતાના કૃષિ ક્ષેત્રને કરોડો ડોલરની સબસિડી આપે છે તેના કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઇકોનોમિક રિસર્ચ અનુસાર અઢી કરોડ લીટર અમેરિકન દૂધ ભારતમાં વેચાય તો દેશને સ્થાનિક રીતે એક લાખ કરોડ રૂપિયાનો ફટકો પડી શકે!

આજથી પાંચ દાયકા પહેલા અમેરિકામાં છ લાખ જેટલા ખેડૂતો પશુપાલન ઉપર નભતા હતા. ડેરીને અમેરિકામાં ઉદ્યોગનો દરજ્જો મળેલો છે. અમેરિકા વર્ષે દહાડે અબજો ડોલરની સબસિડી ચૂકવે છે. રાષ્ટ્રના સરેરાશ ભાવથી નીચે ભાવ જ્યાં તો ડેરી માર્જિન કવરેજની સ્કીમ હેઠળ દૂધ ઉત્પાદકોને ૩.૭ કરોડ ડોલર વર્ષ ૨૦૨૪માં ચૂકવ્યા હતા. આ સ્કીમ હેઠળ છેલ્લા છ વર્ષોમાં ૩.૩ અબજ ડોલર સરકારે ચૂકવ્યા હતા. આ સિવાય બીજી અનેક સ્કીમમાં અનેક રાહતો મળે છે. ઉદ્યોગનો દરજ્જો મળતા અમેરિકામાં નાના દૂધ ઉત્પાદકોનું સ્થાન મોટા ઉત્પાદકોએ લીધું છે, એટલે પશુપાલકોની સંખ્યા ઘટી ૩૦,૦૦૦ જેટલી થઇ છે અને સરેરાશ તેમની પાસે ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ દુધાળા પશુ હોય છે. ભારત અલગ છે, અહીં બેથી ૫૦ પશુ ધરાવતા પાલકોની સંખ્યા મોટી છે. 

બીજું, સહકારી ક્ષેત્ર ઉપર ચાલતા ભારતના ડેરી ક્ષેત્રમાં સરકાર તરફથી કોઈ સબસિડી નથી. મંડળીઓ ખેડૂતોને ફેટ ઉપર પૈસા કે બોનસ ચૂકવે છે. આ સ્થિતિમાં જંગી સબસિડી ધરાવતા અમેરિકા કે અન્ય દેશોના દૂધ કે તેની બનાવટ ભારતમાં આવે તો સસ્તી પડે અને ભારતને મોટું નુકસાન થઇ શકે. 

ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ અને અમૂલના પૂર્વ મેનેજીંગ ડિરેક્ટર ડૉ. આર. એસ. સોઢી માને છે કે ભારત સરકાર સ્થાનિક પશુપાલકોને વિદેશી સ્પર્ધા સામે રક્ષણ આપે એ યોગ્ય છે. છેલ્લા પાંચ દાયકાથી ભારતની નીતિમાં કોઈ બદલાવ આવ્યો નથી અને વર્તમાન રણનીતિ યોગ્ય છે. 'ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ વિદેશની ડેરી પ્રોડક્ટ ભારતમાં આવે નહીં તે માટે ત્રણ મુખ્ય પરિબળ છે - દેશના પશુપાલકોની રોજી, દેશની પ્રજાની ખાદ્ય સુરક્ષા અને આયાત થાય તો અબજો ડોલરના ફોરેકસની જરૂરીયાત ઉભી થાય,' એમ ડૉ.  સોઢી જણાવે છે. 

દેશમાં અત્યારે આઠ કરોડ કુટુંબો માત્ર પશુપાલન ઉપર નભે છે એટલે કે લગભગ ૪૦ કરોડ લોકો પશુપાલન અને દૂધ ઉત્પાદનથી થતી આવક ઉપર નભી રહ્યા છે. વિદેશથી સસ્તું દૂધ આવે તો આ ઉત્પાદકોની આવક ઉપર મોટો ફટકો પડે, પશુપાલનનો વ્યવસાય બંધ થઇ જાય. દેશની ૧૪૦ -૧૪૫ કરોડની વસતી પોતાના ખાવાના ખર્ચમાં ૨૨ ટકા જેટલો ઉપયોગ માત્ર દૂધ કે તેની બનાવટ ઉપર કરે છે. 

દેશની પ્રજાના ખોરાકમાં દૂધ એક મહત્વનો હિસ્સો ધરાવે છે. આયાતની સ્થિતિમાં ભારત વિદેશી શક્તિઓ, તેમની મનસૂફી અને શરતોને આધીન થઇ જાય અને તેમની ખાદ્ય સુરક્ષા ઉપર મોટું જોખમ ઉભું થઇ શકે. ત્રીજું અને મહત્વનું પરિબળ છે કે જો ભારતની આયાત શરૂ થાય તો સંભવ છે કે ક્રૂડ ઓઈલ કરતા વધારે ડોલર માત્ર દૂધની આયાત બિલ ચૂકવવા માટે જોઈએ. આર્થિક સ્વાધીનતા માટે પણ આયાત થવા દેવી જોઈએ નહીં. 

જોકે, ભારત જરૂરિયાત પ્રમાણે અને સ્થાનિક રીતે ઉપલબ્ધ નથી એવી દૂધની બનાવટની આયાત કરે છે. આયાતની છૂટ પણ છે પરંતુ તેના ઉપર ડયુટી લાદવામાં આવે છે. અંદાજ અનુસાર, ભારતની રૂ.૨૫૦૦ કરોડની ડેરી ચીજોની નિકાસ સામે માત્ર રૂ.૮૦૦ કરોડની આયાત થાય છે.

 ભારત સૌથી વધુ સ્કીમ્ડ મિલ્ક પાવડર કે ચીઝની આયાત કરે છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા અનુસાર ન્યુઝીલેન્ડ, પોલેન્ડ અને યુનાઈટેડ આરબ અમીરાત ખાતેથી ભારતે સૌથી વધુ આયાત કરી છે.

ઈતિહાસનું પુનરાવર્તન : ખાધતેલની આયાતનો કડવો અનુભવ

ભારત ખાદ્યતેલની આયાત કરતું હતું પણ તે નજીવું હતું. ૧૯૯૪માં ઓપન જનરલ લાયસન્સ હેઠળ ખાદ્યતેલની આયાતની પરમિશન મળતા વિદેશી તેલથી ભારતીય બજાર ઉભરાઈ રહ્યા છે. પામ, સોયા અને અન્ય સસ્તા ખાધતેલની સામે ભારતના મોંઘી પડતર વાળા ઉત્પાદક ટકી શકતા નથી. આજે દેશ તેની કુલ જરૂરીયાતના ૫૦ થી ૬૦ ટકા આયાત ઉપર નિર્ભર છે.

 વર્ષે રૂ.૧.૨૦થી રૂ.૧.૩૦ લાખ કરોડનું તેલ ભારત આયાત કરે છે. સ્થિતિ એવી છે કે ડયુટીના માળખામાં ફેરફાર કરી ભારતે સ્થાનિક સોયા, રાયડો કે અન્ય તેલીબિયાંના ખેડૂતો અને તેલ મિલોને રક્ષણ આપવું પડે છે. દોઢ દાયકાથી ભારતમાં પણ પામનું વાવેતર થાય અને સ્થાનિક ઉત્પાદન થાય એ માટે સરકારે વિવિધ સ્કીમ બનાવી પડે છે!

વિદેશી મૂડીરોકાણ ભલે આવે પણ એફટીએ તો નહીં જ

ભારતમાં ફૂડ પ્રોસેસિંગ હેઠળ ડેરી ઉદ્યોગમાં સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ છે. ભારતમાં આ ક્ષેત્રમાં મૂડીરોકાણ આવી પણ રહ્યું છે. વિદેશી મૂડીરોકાણમાં સ્થાનિક પશુપાલક પાસેથી દૂધની ખરીદી, સ્થાનિક જ પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન થાય તો દેશના પશુપાલકને ફાયદો થઇ શકે છે. એફટીએ હેઠળ નહીંવત કે શૂન્ય ડયુટીથી દૂધ કે તેની બનાવટ આવે તો સ્થાનિક 

દુધના પાવડરની ભારતમાં આયાત

વર્ષ

ટનમાં આયાત

૨૦૨૧

૨૬૯.૪

૨૦૨૨

૩૫૪.૩૪

૨૦૨૩

૧૨૫૮.૮

૨૦૨૪

૩૧૭.૨૨