Editorial

ટ્રમ્પનો વીઝા ટેરર : ભારતને દબાવવા ભારતીયોને પરેશાન કરવાની ઝેરી વૃત્તિ

By GS TEAM
21 Sep 20257 mins read
ટ્રમ્પનો વીઝા ટેરર : ભારતને દબાવવા ભારતીયોને પરેશાન કરવાની ઝેરી વૃત્તિ

- ટ્રમ્પે એકાએક H-1Bની ફી 1 લાખ ડોલર કરી નાખતા અમેરિકામાં આઈટી ઈન્ડસ્ટ્રી સહીત અનેક ઉદ્યોગોમાં ફફડાટ

- હાલમાં અમેરિકામાં અંદાજે 8.50 લાખ H-1B વીઝા ધારકો છે હવે તેમના માટે કંપનીઓએ પ્રતિ કર્મચારી 1 લાખ ડોલર આપવા પડે તો આંકડો 85 અબજ ડોલર પહોંચે છે, દર વર્ષે કંપનીઓને આટલી મોટી રકમ ભરવી પોષાય તેમ જ નથી : કંપનીઓ દ્વારા અમેરિકામાં એચ૧બી વીઝાધારકોને રોકવા હશે તો તેમને મોટો પગાર પણ આપવો પડશે અને તેમના વતી ૧ લાખ ડોલર ફી પણ ભરવી પડશે. આ સંજોગોમાં કંપનીઓ ઉપર આર્થિક બોજ ખૂબ જ વધી જશે : H-1B વીઝા ઉપર અમેરિકા આવતા લોકોમાં 71 ટકા લોકો ભારતના હોય છે. બીજી તરફ બીજા ક્રમે ચીન આવે છે જેના અંદાજે 12 ટકા લોકો હોય છે. દેખીતી રીતે ટ્રમ્પે ભારતીયોને જ પરેશાન કરવા માટે, ભારતીય આઈટી કંપનીઓને નુકસાન કરવા અને ટેરિફ મુદ્દે ભારતને દબાવવા માટે આ મેલી મથરાવટી ઘસી હોવાનું દેખાઈ રહ્યું છે

ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોરના નામે જે ધડમાથા વગરના નિર્ણયો કરી રહ્યા છે અને આદેશો આપી રહ્યા છે તે જણાવે છે કે, તેઓ ભારત સાથે અંગત દુશ્મની કાઢી રહ્યા લાગે છે. સતત ભારત વિરોધી અને અવિચારી નિર્ણયો લેનારા ટ્રમ્પે હવે H-1B વીઝાની ફી વધારીને ૧ લાખ ડોલર કરી નાખી છે. મેક અમેરિકા ગ્રેટના કપોળકલ્પિત સૂત્ર સાથે અમેરિકા માટે અને અમેરિકનો માટે કામ કરવાની વાતો કરનારા ટ્રમ્પે H-1B વીઝા લઈને આવતા વિદેશીઓ ખાસ કરીને ભારતીયો ઉપર વધારે બોજ આવે તે માટે આ વીઝાની ફી ૧ લાખ ડોલર કરી નાખી છે. ભારતના મોટાભાગના આઈટી પ્રોફેશનલ્સ અને અન્ય હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સ આ વીઝા ઉપર જ અમેરિકામાં આવતા હોય છે. ટ્રમ્પનું તૂત છે કે, મલ્ટિનેશનલ કંપનીઓ અમેરિકામાંથી કામ કરી રહી છે તો તેઓ અમેરિકનોને રોજગારી આપે નહીંતર તેમના વિદેશી કર્મચારી પેટે એક લાખ ડોલરની ફી ભરે. આ માટેની ફી ભરવાનો આદેશ તાત્કાલિક અમલ કરી દીધો છે. ૨૧ સપ્ટેમ્બરે મધરાતથી આ નિયમ અમલમાં આવી જશે અને આઈટી ઈન્ડસ્ટ્રી ફસાઈ જશે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે તાકીદે એક સરકારી આદેશ જારી કરી દીધો છે અને H-1B વીઝા ફીમાં તોતિંગ વધારો ઝિંકી દીધો છે. આ વીઝાની ફી ૧ લાખ ડોલર એટલે કે અંદાજે ૮૮ લાખ રૂપિયા કરી નાખી છે. અમેરિકાના સ્થાનિક અને હાઈલી ક્વોલિફાઈડ લોકોને રોજગારી મળી રહે અને વિદેશથી આવતા લોકોનો ધસારો ઓછો થાય. જાણકારોના મતે હાલમાં અમેરિકામાં અંદાજે ૮.૫૦ લાખ જેટલા એચ૧બી ધારકો રહે છે. ૨૦૧૯માં આ આંકડો ૬ લાખની આસપાસ હતો. હવે જો દરેક કર્મચારીની ૧ લાખ ડોલરની ફી વિચારીએ તો અમેરિકામાં કામ કરતી કંપનીઓએ કુલ ૮૫ અબજ ડોલરની ફી ચુકવવાની આવે. તેનાથી બચવા માટે તેમણે ઈમિગ્રન્ટ કર્મચારીઓને છોડીને સ્થાનિક કર્મચારીઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રીત કરવું પડે. ટ્રમ્પનું કહેવું છે કે, આપણી નોકરીઓ આપણા જ નાગરિકોને આપવામાં આવે. કંપનીઓ અમેરિકનોને નોકરી આપે, તેમને તાલિમ આપે અને યોગ્ય રોજગારી ઊભી કરે. વિદેશીઓને નોકરી ઓછી આપે.

મહત્ત્વની વાત એ છે કે, જો અમેરિકન કંપનીઓ અને મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા અમેરિકામાં એચ૧બી વીઝાધારકોને રોકવા હશે તો તેમને મોટો પગાર પણ આપવો પડશે અને તેમના વતી ૧ લાખ ડોલર ફી પણ ભરવી પડશે. આ સંજોગોમાં કંપનીઓ ઉપર આર્થિક બોજ ખૂબ જ વધી જશે. તેની સામે અમેરિકી ક્વોલિફાઈડ યુવાનોને તાલિમ આપીને નોકરી રાખવાનું વધારે સસ્તું પડશે. બીજી ગંભીર બાબત એવી છે કે, ટ્રમ્પે જારી કરેલા નવા નિયમ પ્રમાણે એચવનબી વીઝા છ વર્ષ માટે જ માન્ય રહેશે. નવી અરજી કરી હોય કે રીન્યૂ કર્યું હોય તે છ વર્ષ માટે જ માન્ય ગણાશે. ત્યારબાદ તેના માટે નવેસરથી પ્રોસેસ કરવાની રહેશે કે શું કરવાનું રહેશે તે જણાવાયું નથી. ટ્રમ્પનો દાવો છે કે, આ વીઝાનો મોટાપાયે દૂરુપયોગ થઈ રહ્યો છે અને તેનાથી અમેરિકી અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે. અમેરિકનોને રોજગારી મળશે તો અમેરિકન અર્થતંત્ર પણ સુધરશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અમેરિકા દ્વારા ૮૫,૦૦૦ લોકોને નવા H-1B વીઝા આપવામાં આવે છે. હવે આ વીઝા ક્વોટામાં સૌથી વધારે કર્મચારીઓ ભારતમાંથી આવતા હોય છે. જાણકારોના અહેવાલ પ્રમાણે H-1B વીઝા ઉપર અમેરિકા આવતા લોકોમાં ૭૧ ટકા લોકો ભારતના હોય છે. બીજી તરફ બીજા ક્રમે ચીન આવે છે જેના અંદાજે ૧૨ ટકા લોકો હોય છે. દેખીતી રીતે ટ્રમ્પે ભારતીયોને જ પરેશાન કરવા માટે, ભારતીય આઈટી કંપનીઓને નુકસાન કરવા અને ટેરિફ મુદ્દે ભારતને દબાવવા માટે આ મેલી મથરાવટી ઘસી હોવાનું દેખાઈ રહ્યું છે. 

વાત એવી છે કે, કંપનીઓ ભારતીયોને અમેરિકા કામ કરવા માટે લાવે છે. તેમની પાસે એચવનબી વીઝા થકી જવા સિવાય ખાસ વિકલ્પ નથી. તેઓ ગ્રીન કાર્ડ મેળવી શકે છે પણ તેમાં વેઈટિંગ ખૂબ જ મોટું છે. તેમાં ઘણો સમય જાય તેમ છે. તે સિવાય તમામ લોકોને એચવનબી વીઝા હેઠળ જ કામ કરવું પડશે. તે ઉપરાંત વારંવાર તેને રિન્યૂ કરવાની પણ ફરજ પડશે. આ દર વખતે રિન્યૂ કરવા જશે ત્યારે તેને ૧ લાખ ડોલર ભરવાના આવશે. બીજી વાત એવી છે કે, કંપનીઓએ અથવા તો નિમણુક કરનારાઓ દર વખતે પેમેન્ટ કર્યા બાદ તેના પુરાવા સાચવી રાખવા પડશે. તે ઉપરાંત રાજ્યના સચિવ પાસે તેની ખાતરી કરાવવી પડશે. જે કર્મચારીઓની પેમેન્ટ કરવામાં આવ્યું નહીં હોય તેમને હોમલેન્ડ સુરક્ષા વિભાગ અથવા રાજ્ય વિભાગ અમેરિકામાં પ્રવેશ કરતા રોકી શકશે અથવા પરત મોકલી શકશે. એક બાબત સારી છે કે, નવો નિયમ ૨૧ સપ્ટેમ્બર મધરાતથી લાગુ થવાનો છે અને ત્યારબાદ જે લોકો એચવનબી વીઝા લઈને અમેરિકા આવી રહ્યા છે તેમને જ આ નિયમ લાગુ થવાનો છે, જૂના લોકોને જરાય લેવાદેવા નથી. 

હાલમાં જો અમેરિકન આઈટી અને અન્ય સેક્ટરમાં એચવનબી વીઝા ઉપર અમેરિકામાં રહેલા વિદેશીઓની સંખ્યા જઈએ તો ભારતીય કંપનીઓ કરતા અમેરિકન કંપનીઓમાં વધારે છે. ખાસ કરીને ભારતીયોને નોકરી ઉપર રાખવાનું પ્રમાણ એમેઝોન અને માઈક્રોસોફ્ટ દ્વારા સૌથી વધારે જોવા મળ્યું છે. આ વર્ષે અમેઝોન દ્વારા ૧૨,૦૦૦થી વધુ કર્મચારીઓને રાખવામાં આવ્યા છે. તેવી જ રીતે ટીસીએસ દ્વારા ૫,૫૦૫ કર્મચારીઓ, માઈક્રોસોફ્ટ દ્વારા ૫,૧૮૯ કર્મચારીઓ, મેટા દ્વારા ૫,૧૨૩ લોકો, એપલ ઈન્કમાં ૪,૨૦૨, ગુગુલ એલએલસીમાં ૪,૧૮૧, કોગ્નિઝન્ટ ટેક્નોલોજી સોલ્યુશનમાં ૨,૪૯૩, જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીમાં ૨,૪૪૦ તથા વોલમાર્ટમાં ૨,૩૯૦ અને ડેલોઈટ કન્સલ્ટિંગમાં ૨,૩૫૩ કર્મચારીઓ છે. હાલમાં પણ એમેઝોન અને માઈક્રોસોફ્ટમાં એચવનબી ઉપર ભારતીયોને હાયર કરવાનું ચલણ વધારે છે.

મૂળ ભારતીય કંપનીઓએ પોતાના સ્ટાફમાં ધરખમ ઘડાટો કર્યો છે 

ટ્રમ્પે જે અવિચારી અને ઉતવાળીયો નિર્ણય કરીને ભારત, ભારતીયો તથા ભારતીય આઈટી સેક્ટરને દબાવવાનો પ્રયાસ કર્યો છે તે પ્રયાસ અવળો સાબિત થાય તેમ છે. ભારતીય કંપનીઓ કરતા અમેરિકન કંપનીઓમાં એચવનબી વીઝા ધારકોની સંખ્યા વધારે છે અને હાલમાં પણ તેઓ વધારે લોકોને લઈ રહ્યા છે. થોડા સમય પહેલાં જ આવેલા અહેવાલમાં જણાવાયું હતું કે, ૨૦૧૫થી ૨૦૨૩ના ફિસ્કલ યર દરમિયાન ભારતીય કંપનીઓએ પોતાના કર્મચારીઓ એચવનબીથી બોલાવવાનું પ્રમાણ ૫૬ ટકા જેટલું ઘટાડી નાખ્યું છે. ભારતની ટોચની સાત આઈટી કંપનીઓએ હવે અમેરિકામાં ભરતી કરવામાં એચવનબી ધારકોની સંખ્યા ૬૭૦૦ની આસપાસ કરી દીધી છે. તે મોટાભાગે સ્થાનિક કર્મચારીઓની જ ભરતી કરી રહી છે. ઈન્ફોસીસ અને ટીસીએસ જેવી કંપનીઓએ પણ પોતાની ભરતીમાં ૫૦ ટકાથી વધારેનો ઘટાડો કરી દીધો છે. ટીસીએસે જણાવ્યું હતું કે, દર વર્ષે જાન્યુઆરીમાં તેમને એચવનબી કેટેગરીમાં ભરતી મળે છે પણ તેમણે હવે ભરતીનો આંકડો ૩ થી ૪ હજાર સુધી જ ફિક્સ કરી નાખ્યો છે. તેઓ વધારે કર્મચારીઓને લાવવા માગતા જ નથી. આ વર્કફોર્સ  તેમની કુલ વર્કફોર્સનો ખૂબ જ નાનો ભાગ છે. તેમણે સ્થાનિક કર્મચારીઓની સંખ્યા ખૂબ જ વધારી છે. ટીસીએસ સજ્જ છે કે, જો એચવનબી વીઝામાં વધારે સમસ્યા થશે તો તે ભારતમાં ભરતી વધારશે અને અહીંયા સ્ટાફની સંખ્યા મોટી કરશે. બીજી તરફ એચસીએલ ટેક અને વિપ્રોએ પણ પોતાના એચવનબી કર્મચારીઓની સંખ્યા ૮૦ ટકા સુધી ઘટાડી દીધી હોવાના અહેવાલ છે. 

એચસીએલ ટેકે જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે ૫૦૦થી ૧૦૦૦ કર્મચારીઓ જ એચવનબી ઉપર હાયર કરે છે. તેવી જ રીતે વિપ્રોએ પણ જણાવ્યું કે, દર વર્ષે જેટલા કર્મચારીઓની જરૂર છે તેમાંથી ૩૦ ટકા જ એચવનબી વીઝા ઉપર બોલાવવામાં આવે છે બાકી તમામની ભારતી ભારતમાં જ કરવામાં આવે છે.

અમેરિકન આડોડાઈ સામે આત્મસન્માન અને આત્મનિર્ભરતાનું મોદીનું વલણ યોગ્ય 

બિઝનેસ ક્ષેત્રના જાણકારો માને છે કે, અમેરિકા દ્વારા સ્પષ્ટ રીતે ભારતને દબાવવા માટે જ જાતભાતના પેંતરા કરવામાં આવી રહ્યા છે. ભારત જે ઝડપથી આર્થિક વિકાસ કરી રહ્યો છે અને વૈશ્વિક ધોરણે નવા જોડાણ કરી રહ્યો છે તેના કારણે તેને દબાવવા અમેરિકાએ નવી પદ્ધતિ અપનાવી છે. ખાસ કરીને રશિયા સાથેના જોડાણ અને ક્રૂડની ખરીદીને ટાર્ગેટ બનાવીને પહેલાં ટેરિફો કોરડો વિંઝવામાં આવ્યો. ત્યારબાદ ભારતીયો સાથે દુર્વ્યવહાર, એચવનબી વીઝાનો નવો નિયમ અને બીજા ઘણા પગલાં લેવામાં આવ્યા છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ માટે પણ નવા નિયમો લાવવામાં આવ્યા છે. અમેરિકા ભારતને કોઈપણ રીતે દબાવીને ઘુંટણીયે લાવવા માગે છે અને બીજી તરફ ભારતીય વડા પ્રધાને અમેરિકાને જવાબ આપવાનું જ ટાળ્યું છે. અમેરિકાના કોઈપણ એક્શનનું રિએક્શન આપવાના સ્થાને પોતાનું કદ મોટું કરવા અન્ય જોડાણો મજબૂત કરવામાં મહેનત વધારી છે. એશિયામાં ચીન અને રશિયા સાથે જોડાઈને એશિયાને મજબૂત કરવાની પહેલ કરી હતી. તે ઉપરાંત વડા પ્રધાને હવે તહેવારોની સિઝનમાં જીએસટી ઘટાડીને તથા સ્વદેશી વસ્તુઓ અપનાવીને વધારેમાં વધારે વેપાર સ્થાનિક સ્તરે થાય અને આત્મનિર્ભરતા વધે તે માટે પ્રયાસ કર્યા છે. સ્વદેશીનો ઉપયોગ અને આત્મનિર્ભરતાનો પ્રયાસ જ અમેરિકાની આડોડાઈનો જડબાતોડ જવાબ છે. એક વખત ભારતીય ઉત્પાદનો, ભારતીય ભાવમાં જ ભારતીયો ખરીદતા થઈ જશે તો વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ ઉપર લગામ લાગશે તથા ભારતીય વેપાર મજબૂત બનશે. સ્થાનિક રોજગારી વધશે અને અર્થતંત્ર વધારે મજબૂત બનશે. અમેરિકાનો વિરોધ કરવા કરતાં શાંતિ જાળવવાનું ભારતીય વડા પ્રધાનનું વલણ જ હાલમાં ભારતને મજબૂત બનાવશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.