Editorial

તેજસ Mk1A થ દુશ્મનોને હંફાવતું ભારતનું સ્વદેશી બ્રહ્માસ્ત્ર

By GS TEAM
21 Oct 20258 mins read
તેજસ Mk1A થ દુશ્મનોને હંફાવતું ભારતનું સ્વદેશી બ્રહ્માસ્ત્ર

- મિગ-21 જેવા ધરખમ વિમાનો નિવૃત્ત થયા બાદ ભારતની સરહદો સાચવવા માટે સ્વદેશી શસ્ત્ર સજ્જ થઈ રહ્યું છે 

- નાસિક યુનિટમાં દર વર્ષે આઠ તેજસ માર્ક-૧એ ફાઈટર પ્લેનનું નિર્માણ કરવામાં આવશે. બેંગ્લુરૂ ખાતેના યુનિટમાં વર્ષે ૧૬ એરક્રાફ્ટનું પ્રોડક્શન કરવામાં આવશે. આ બંને પ્લાન્ટ દ્વારા વર્ષે કુલ ૨૪ ફાઈટર પ્લેનનું ઉત્પાદન થશે: તેજસ એમકે-૧એની વાત કરીએ તો તે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેને બિકાનેર પાસે આવેલા નાલ એરબેઝમાં તહેનાત કરવામાં આવશે. પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે ભારતની હવાઈ શક્તિ મજબૂત કરવા માટે આ પ્લેનને ત્યાં ડિપ્લોય કરવાનો નિર્ણય લેવાયો છે :  તેમાં અલ્ટ્રા મોર્ડન એવિયોનિક્સ, ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, આધુનિક રડાર સિસ્ટમ લગાવાયેલી છે. તે 2,200 કિમી પ્રતિ કલાકની ઝડપી ઉડી શકે છે.  તેજસ એમકે-૧એ દુનિયાનું સૌથી હળવું છતાં સૌથી ઘાતક પ્લેનમાં સ્થાન ધરાવતું ફાઈટર જેટ છે જે કોઈપણ સિઝનમાં કોઈપણ પ્રકારનું મિશન પૂરું કરી શકે છે 

ભારતીય એરફોર્સ પાસે વધુ એક શક્તિશાળી હથિયાર આવી ગયું છે. ઘણા દાયકા સુધી ભારતની હવાઈ સરહદોનું રક્ષણ કરનારા અને સ્વદેશી સાધનોની સુરક્ષા કરનારા મીગ ફાઈટર પ્લેનને નિવૃત્ત કરાયા બાદ હવે વધુ એક સક્ષમ અને આધુનિક પ્લેન ભારતને મળ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તાજેતરમાં નાસિક ખાતે એક કાર્યક્રમમાં આ પ્લેન રજૂ કરાયું હતું. તે દિવસે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં તેજસ એમકે૧એ નામના ફાઈટર પ્લેનની પહેલી ઉડાણ ભરવામાં આવી હતી. આ ઉડાણ સાથે જ ભારતના સ્વદેશી બ્રહ્માસ્ત્રના મંડાણ થઈ ગયા હતા. જાણકારો મતે આ ઓક્ટોબર મહિનાના અંત સુદીમાં ભારતીય વાયુસેનાને તેનું પહેલું તેજસ Mk1A ફાઈટર પ્લેન મળી જશે. ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતાની દિશામાં આ એક મોટું પગલું હશે. 

ઉલ્લેખનીય છે કે, આ પ્લેન ભારત અને વાયુસેન માટે ખાસ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ પ્લેનનું ઉત્પાદન કરતા ત્રીજા યુનિટનું ઉદઘાટન કર્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના આ ત્રીજા પ્રોડક્શન હાઉસમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ Mk1A બનાવવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, ભારત ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર થવા માગે છે અને તે દિશામાં આ મોટું પગલં્ છે. નાસિક ખાતે બનાવાયેલા એચએએલના આ પ્રોડક્શન યુનિટમાં દર વર્ષે આઠ તેજસ માર્ક૧એ ફાઈટર પ્લેનનું નિર્માણ કરવામાં આવશે. ખાસ વાત એવી પણ છે કે, બેંગ્લુરૂ ખાતે પણ તેજસ ફાઈટર જેટ બનાવવા માટે બે પ્રોડક્શન યુનિટ બનાવાયા છે. તેમાં વર્ષે ૧૬ એરક્રાફ્ટનું પ્રોડક્શન કરવામાં આવશે. નાસિકમાં જે પ્લાન્ટ ખુલ્લો મુકાયો છે તેને એટલો ઝડપી અને વિકસિત કરવામાં આવશે કે વર્ષે કુલ ૨૪ ફાઈટર પ્લેનનું ઉત્પાદન થશે. ૨૦૨૩માં નાસિક ખાતે આ પ્લાન્ટની શરૂઆત કરાઈ હતી અને તેને ફાસ્ટટ્રેક ઉત્પાદન માટે શરૂ કરી દેવાયો હતો.

ખાસ વાત એવી છે કે, ગત અઠવાડિયે જ નાસિક ખાતે એચએએલ દ્વારા બનાવવામાં આવેલા આ તેજસ માર્ક-૧એ ફાઈટર જેટનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. તેણે પહેલી ફ્લાઈટ ત્યાંથી જ ભરી હતી. આ સાથે જ ડિફેન્સ સેક્ટરમાં મેજર પ્રોડક્શન કરવાની દિશામાં ભારતના આત્મનિર્ભરતાના સંકલ્પને વેગ મળશે. બીજી બાજું વિચારીએ તો તેજસ માર્ક૧એ ખૂબ જ આધુનિક મલ્ટિરોલ ફાઈટર જેટ છે. તે સ્વદેશી બનાવટનું ૪.૫ જનરેશનનું ફાઈટર પ્લેન છે. તે દરેક સિઝનમાં અને વાતાવરણમાં ઓપરેટ કરી શકાય તે રીતે બનાવાયું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા બનાવાયેલું આ પ્લેન જ્યાં સૌથી વધારે ભયસ્થાનો રહેલા છે ત્યાં ડિપ્લોય કરવામાં આવશે. 

તેજસ મેક-૧ નામના ફ્લાઈટના વર્ઝન ઉપર ઘણું કામ કરવામાં આવ્યું અને તેને અપગ્રેડ કરીને તેને તેજસનું નવું તેજસ માર્ક-૧એ વર્ઝન બનાવાયું છે. તેમાં ઈઝરાયેલનું EL/M-2025 AESA Radar રડાર, એડવાન્સ ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યૂટ વિથ જામર, બિયોન્ડ વિઝયુઅલ રેન્જ કેપેબિલિટી જેવી સુવિધાઓ અપગ્રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વદેશી રીતે નિર્મિત ફ્લાય બાય વાયર ફ્લાઈટ કન્ટ્રોલ કમ્પ્યૂટર પણ તેજસમાં એડ કરવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમ દ્વારા પ્લેનના મિકેનિકલ ફ્લાઈટ કન્ટ્રોલ ઈલેક્ટ્રોનિક ઈન્ટરફેસ દ્વારા બદલાઈ જશે. આ કોમ્બેટ રેડી એરક્રાફ્ટમાં નવ જેટલા સાધનો અને ખાસિયતો છે જે વિવિધ હથિયારો તરીકે જોડાયા છે. તેમાં ઈઝરાયેલની ડર્બી મિસાઈલ અને તેના જેવી જ સ્વદેશી એસ્ટ્રા મિસાઈલ પણ જોડવામાં આવી છે.

તેજસ મેક-૧એમાં એડવાન્સ ઈલેક્ટ્રનિક રડાર સિસ્ટમ, વોરફેર્સ અને કોમ્યુનિકેશન સિસ્ટમ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વધારાની કોમ્બેટ કેપેબિલિટી તથા ઈમ્પ્રુવ્ડ મેઈન્ટેનન્સ ફિચર્સ લાગુ કરવામાં આવ્યા છે. આ ફાઈટર પ્લેનની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેના દ્વારા એર ડિફેન્સ થઈ શકે છે, મેરીટાઈમ ઓપરેશન પણ પાર પડી શકે છે અને સ્ટ્રાઈક મિશન્સમાં પણ તેનો બહોળો ઉપયોગ કરી શકાય છે. આમ જોવા જઈએ તો એલસીએ તેજસ એમકે-૧એના એડવાન્સ વર્ઝન એમકે-૧ એરક્રાફ્ટ દ્વારા આ વર્ષે ૨૮ માર્ચે પહેલી ટેસ્ટ ફ્લાઈટ પૂરી કરવામાં આવી હતી. આ નવા વર્ઝનની પહેલી ફ્લાઈટ ગત અઠવાડિયે જ પૂરી થઈ છે. આ મહિનાના અંતમાં તેને વાયુસેનાના બેડામાં જોડવામાં આવશે અને તેના થકી ભારતીય વાયુસેનાનું જોર બમણું થઈ જશે.

તેજસ એમકે-૧એની વાત કરીએ તો તે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેને બિકાનેર પાસે આવેલા નાલ એરબેઝમાં તહેનાત કરવામાં આવશે. પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે ભારતની હવાઈ શક્તિ મજબૂત કરવા માટે આ પ્લેનને ત્યાં ડિપ્લોય કરવાનો નિર્ણય લેવાયો છે. જાણકારો માને છે કે, તેજસ એમકે-૧એ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે. તેજસ એમકે-૧એને જૂના મિગ-૨૧ વિમાનનું એડવાન્સ વર્ઝન માનવામાં આવે છે. તેમાં અલ્ટ્રા મોર્ડન એવિયોનિક્સ, ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, આધુનિક રડાર સિસ્ટમ લગાવાયેલી છે. તે ૨,૨૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપી ઉડી શકે છે. તે ગણતરીની મિનિટોમાં દુશ્મનની સરહદ સુધી પહોંચીને વિનાશ વેરી શકે છે. તેમાં આધુનિક બ્રાહ્મોસ મિસાઈલ, એર ટુ એર અને એર ટુ ગ્રાઉન્ડ સ્ટ્રાઈકની કેપેસિટી ધરાવતી સુપર પાવર જેટ મિસાઈલ્સ લગાવાશે. તેજસ એમકે-૧એ દુનિયાનું સૌથી હળવું છતાં સૌથી ઘાતક પ્લેનમાં સ્થાન ધરાવતું ફાઈટર જેટ છે જે કોઈપણ સિઝનમાં કોઈપણ પ્રકારનું મિશન પૂરું કરી શકે છે. 

ભારતીય વાયુસેના માટે હાલમાં થોડો સમય કટોકટીનો છે. સપ્ટેમ્બરમાં મિગ-૨૧ના સ્ક્વોડ્રનને નિવૃત્ત કરવામાં આવ્યા જેના પગલે ભારતીય એરફોર્સમાં ફાઈટર પ્લેનની સ્ક્વોડ્રન માન્ય સ્ક્વોડ્રન કરતા ઘણી ઓછી છે. હાલમાં ભારતીય વાયુસેનાને ૪૨ સ્ક્વોડ્રનની જરૂર છે જેની સામે ૨૯ સ્ક્વોડ્રન જ છે. તેમાંય તેજસ ફાઈટર પ્લેનની ડિલિવરીમાં જે પ્રકારે મોડું થઈ રહ્યું છે તેના કારણે ભારતીય વાયુસેના ઉપર દબાણ વધી રહ્યું છે. ઉલ્લેખીય છે કે, ફેબુ્રઆરી ૨૦૨૧માં સંરક્ષણ મંત્રાલય દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે ૪૮,૦૦૦ કરોડની ડીલ કરવામાં આવી હતી જેમાં ભારતીય વાયુસેનાને ૮૩ તેસજ માર્ક-૧એ એરક્રાફ્ટ આપવાના હતા. ફેબુ્રઆરી ૨૦૨૪થી આ પ્લેનની ડિલિવરી શરૂ કરવાની હતી પણ તેમાં મોટો ડખો સર્જાયો હતો. અમેરિકાની જીઈ એરોસ્પેસ દ્વારા એફ૪૦૪ એન્જિનની ડિલિવરી મોડી કરવામાં આવતા ભારતમાં તેજસનું પ્રોડક્શન ખોરંભે ચડી ગયું. તેના વિશે થોડા સમય પહેલાં જ એરફોર્સના વડા એર ચિફ માર્શલ એ.પી.સિંહે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિ ભુખ્યો હોય અને તેને ભોજન માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ ભારતીય વાયુસેનાની છે. તેમણે કહ્યું હતું કે, દર વર્ષે ૩૦-૪૦ જેટ ધરાવતી બે સ્ક્વોડ્રન વાયુસેનામાં જોડવામાં આવે તો જ કામમાં થોડી ઝડપ આવે તેમ છે. તે આગામી કેટલાક વર્ષોમાં ભારતની તાકાત અન્ય દેશોની સરખામણીએ સરભર કરવા સુધી પહોંચી શકે તેમ છે. 

જાણકારોના મતે એચએએલ દ્વારા તેજસની ઉત્પાદન અને ડિલિવરીમાં ઝડપ કરવામાં આવી રહી છે તેવા અહેવાલ છે. તેઓ આગામી ચાર વર્ષમાં તમામ પ્લેનની ડિલિવરી કરી દેશે તેવું કહેવાઈ રહ્યું છે. સપ્ટેમ્બરમાં ડિફેન્સ મિનિસ્ટ્રીએ એચએએલ સાથે વધુ એક જોડાણ કર્યું હતું અને તેમાં ૯૭ એલસીએ એમકે૧એ જેટ કે જેમાં ૬૮ ફાઈટર્સ અને ૨૯ ટ્વીન સીટર્સ આપવાનું નક્કી કર્યું છે. તેના માટે ૬૨,૩૭૦ કરોડના કરાર કરવામાં આવ્યા છે. ડિફેન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે આ તમામ પ્લેનમાં ૬૪ ટકા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે અને બાકીની સામગ્રી બાહ્ય દેશોની ટેકનોલોજીની ઉપયોગમાં લેવાશે. તેમાંય સ્વદેશી ધોરણે વિકસાવેલી અત્યાધુનિક સિસ્ટમ ઉત્તમ,  એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે (એઈએસએ) રડાર, સ્વયમ રક્ષા કવચ, તથા કન્ટ્રોલ સર્ફેસ એક્ટોટર્સ જેવી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે જે ભારતના આત્મનિર્ભરતાના અભિયાનને સાર્થક કરશે. ઉત્તમ રડાર મલ્ટિપલ ટાર્ગેટને ટ્રેક કરી શકે છે તથા તેની ૨૦૦ કિ.મીની રેન્જ છે તથા તેના દ્વારા ૩૬૦ ડિગ્રી સ્કેન વ્યૂ મળે છે. આ તમામ એરક્રાફ્ટની ડિલિવરી ૨૦૨૭-૨૮થી શરૂ થશે અને આગામી છ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

વિશ્વની ટોચની એરફોર્સમાં ચીનને પછાડી ભારત ત્રીજા ક્રમે : અમેરિકા મોખરે, રશિયા બીજા ક્રમે 

તાજેતરમાં એવા પણ સમાચાર આવ્યા છે કે, એરફોર્સ મુદ્દે ભારતે હવે ચીનને પછાડયું છે. તાજેતરમાં એક અહેવાલ આવ્યો છે કે, અમેરિકા અને રશિયા બાદ ભારતીય વાયુસેના દુનિયાની ત્રીજા નંબરની સૌથી મજબૂત વાયુસેના છે. તેણે આ મુદ્દે ચીનને પછાડયું છે. વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોર્ડન મિલિટરી એરક્રાફ્ટના રેન્કિંગમાં ૨૪૨.૯ રેટિંગ સાથે અમેરિકા ટોચના ક્રમે છે. ત્યારબાદ ૧૧૪.૨ ટીવીઆર રેન્કિંગ સાથે રશિયા બીજા ક્રમે આવે છે. હવે આ યાદીમાં ૬૯.૪ ટીવીઆર રેટિંગ સાથે ભારત ત્રીજા ક્રમે આવી ગયું છે. ૬૩.૮ ટીવીઆર રેટિંગ સાથે ચીન ચોથા ક્રમે ગગડી ગયું છે. જાણકારોના મતે ઓપરેશન સિંદૂરમાં ભારતે જે કામગીરી કરી તેના કારણે તેની એરફોર્સની ક્ષમતાને દુનિયાએ જાણી અને વખાણી છે. તેના પગલે તેને રેન્કિંગમાં મોટો લાભ થયો છે. બીજી તરફ એક ચિંતા એવી પણ છે જેના વિશે ભારતે સજાગ રહેવું જ જોઈએ. ભારતની જે પ્રમાણેની ભૌગોલિક સ્થિતિ છે અને આસપાસ જે વાતાવરણ છે તે પ્રમાણે તેની પાસે સરેરાશ ૪૨.૫ સ્ક્વોડ્રન હોવા જોઈએ તેની સામે ખૂબ જ ઓછા બાકી રહેશે. પાકિસ્તાન પાસે જ ૨૫ સ્ક્વોડ્રન છે જેમાં ૩૨૦ની આસપાસ વિમાનો છે. બીજી તરફ પાકિસ્તાની એરફોર્સને ચીન પાસેથી ૪૦ જેટલા જે-૩૫એ પાંચમી પેઢીના જેટ્સ મળવાના છે. તેની સામે ભારતની ક્ષમતા ઓછી દેખાશે. આ ઉપરાંત ચીન પાસે ૧૩૦૦ જેટલા જેટ્સ છે. મોટાભાગના ચોથી પેઢીના અને નવા પાંચમી પેઢીના એરક્રાફ્ટ છે જે બોમ્બર અને મલ્ટિરોલ પ્લેન છે. હાલમાં મોટાભાગના યુદ્ધો હવાઈ યુદ્ધો જ થવા લાગ્યા છે ત્યારે ભારતે પોતાનો કાફલો મોટો કરવો પડશે. 

ભારતને હજી તો આગામી મહિને માત્ર બે તેજસ વિમાનની પહેલી ડિલિવરી મળશે. ત્યારબાદ બાકીના ૩૦ થી ૪૦ જેટ મળશે જેને આવતા થોડા વર્ષ લાગશે. આ વચ્ચે ભારતની સુરક્ષા અને અન્ય વિકટ સ્થિતિ માટે ભારતે વધારે સજ્જ થવું પડશે. ભારતે જે રીતે આતંકીઓ ઉપર બે વખત એરસ્ટ્રાઈક કરી હતી. તેમાંય થોડા સમય પહેલાં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું ત્યારબાદ સ્પષ્ટ સંદેશ ગયો છે કે, ભારતે એરફોર્સ ઉપર નિર્ભરતા વધારવી પડશે. આગામી યુદ્ધો આકાશી યુદ્ધો જ રહેવાના છે. તેના કારણે ૪૨.૫ સ્ક્વોડ્રન પણ પૂરતી નથી. ભારતે એરફોર્સ માટે પ્લેનનો કાફલો ખૂબ જ મોટો કરવો પડશે.

 ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો આસપાસ હોય ત્યારે ભારતે હવાઈ સુરક્ષા માટે વધારે નક્કર પગલાં લેવા પડશે. ભારત દ્વારા એરફોર્સમાં પ્લેનની સંખ્યા ઝડપથી વધારવામાં નહીં આવે તો ચીન અને પાકિસ્તાન જેવા દેશો આડોડાઈ કરીને ભારતની સમસ્યાઓ ગમે ત્યારે વધારી દેશે તેવી ભીતી રહેશે.