Editorial

અમેરિકાનું એકચક્રી શાસન : ટ્રમ્પની ઘેલછા દુનિયા માટે વિનાશકારી સાબિત થઇ શકે

By GS TEAM
21 Jun 20257 mins read
અમેરિકાનું એકચક્રી શાસન : ટ્રમ્પની ઘેલછા દુનિયા માટે વિનાશકારી સાબિત થઇ શકે

- પોતાને શાંતિદૂત તરીકે ચીતર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક જ યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યા છે

- વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે અમેરિકાની શાખ જોખમમાં છે. ચીન આર્થિક શક્તિ સાથે દુનિયા ઉપર રાજ કરી શકે એવો ડર અમેરિકાને સતાવી રહ્યો છે. આ ડરથી જાન્યુઆરીમાં સત્તારૂઢ થયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયા સામે મેદાને પડયા છે. દુનિયામાં 100 દિવસમાં શાંતિ સ્થાપશે, વિશ્વમાં અમેરિકા ફરી મહાન બનશે, અમેરિકા કહે એમ જ થાય એવી વાતો કરી તે આર્થિક, સામાજિક અને રાજકીય રીતે જંગે ચડયા છે. હકીકતે, અમેરિકાએ છેડેલા તમામ યુદ્ધથી દુનિયાએ હમેશા નુકસાન સહન કરવું પડયું છે, દુનિયાની અસ્થિરતા જોખમાઈ છે એવું ઈતિહાસ કહે છે. ઈરાન સામે ઇઝરાયેલના આક્રમણથી ટ્રમ્પને ગલગલી થઇ રહી છે. અમેરિકાના દરેક પડકાર, પ્રતિબંધ અને ધમકી વચ્ચે છેલ્લા પાંચ દાયકાથી અડગ રહેલું ઈરાન પરાસ્ત થઇ ગયું હોવાનું સપનું ટ્રમ્પ અને મિત્ર નેતાનયાહૂને આવી રહ્યું છે. જોકે, આ સપનું સાકાર કરવા માટેનો જંગ વિશ્વ માટે વિનાશકારી જોખમ લાવી શકે છે.

જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની પોલિટીકલ, સોશિયલ અને ઇકોનોમિક સ્થિતિ કે સ્થિરતાને અચાનક જ આંચકો આપે એવા નિર્ણયો છેલ્લા પાંચ મહિનાથી લઇ રહ્યા છે. પ્રથમ ટર્મમાં (૨૦૧૭-૨૦૨૧) પણ તેમણે દુનિયાને ત્રણ આચંકા આપ્યા હતા. મિત્ર રાષ્ટ્ર દક્ષિણ કોરિયાની ઈચ્છા વિરુદ્ધ ઉત્તર કોરિયાન શાસક કિંગ જોંગ ઉન સાથે સિંગાપોરમાં શિખર મંત્રણા કરવી, બીજું ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં ચીનને સીધો પડકાર આપી ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા સાથે કવાડ સંગઠનની રચના કરવી અને ચીનના આર્થિક આધિપત્યને પડકારી ટ્રેડ વોર શરૂ કરવું. નવેમ્બર ૨૦૨૦માં ચૂંટણીના પરિણામોએ ટ્રમ્પને આચકો આપ્યો અને પરાસ્ત થયા. આ પરાજય પચાવી નહીં શકતા તેમણે કેપિટલ હિલ ઉપર હુમલો કરાવ્યો, નઠારા તત્વો કોગ્રેસમાં ઘુસી ગયા. તા. ૬ જાન્યુઆરી ૨૦૨૧ની ઘટનાથી હવે રિપબ્લિકન રાજનેતા ટ્રમ્પ વધારે આક્રમક બન્યા. નવેમ્બર ૨૦૨૪ની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવી ફરી સત્તારૂઢ થયેલા ટ્રમ્પ શપથ લીધા પછી વધારે આકમક રીતે દુનિયાને બદલવા નીકળી પડયા છે. એ વાત શાંતિદૂત તરીકે કરે છે પણ એમનું વલણ યુદ્ધનું છે. સામ, ડામ, દંડ અને ભેદની રાજનીતિ સાથે ટ્રમ્પ વિશ્વને અસ્થિર બનાવી રહ્યા છે, જોખમ ઉભા કરી રહ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સૌથી નજીકના મિત્ર કેનેડાને અમેરિકામાં ભળી જવા માટે, ૫૧મું રાજ્ય બનવા માટે વાતો કરી. કેનેડા ઉપર ટેરિફ લાદયા. યુરોપને ટેરિફથી ધમકાવી રહ્યા છે. 

એપ્રિલમાં સમગ્ર દુનિયા ઉપર રેસીપ્રોક્લ ટેરિફ જાહેર કર્યા. ભારત સાથે ગાઢ મિત્રતાના દાવા વચ્ચે ભારત સામે પણ ટેરિફ વોર શરૂ કર્યું, ચીન સામે વધુ એક વાર ટેરિફ વોર શરૂ કર્યું. અમેરિકામાં વસ્તુ વેચવી હોય તો ઊંચા ટેક્સ ભરો અથવા અમેરિકામાં ઉત્પાદન કરો એવી નીતિ વિદેશો સામે તો અપનાવી પણ પોતાના દેશની દિગ્ગજ કંપનીઓને પણ આવી ધમકી આપતા થયા છે. આ ઉપરાંત, વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ, લડાઈ અને સંઘર્ષમાં પોતે ૧૦૦ દિવસમાં સંધિ કરાવશે, શાંતિ સ્થાપશે એવી વાતો કરી. તેમની કથની કરતા કરની જરા અલગ હોવાથી અત્યારે યુદ્ધ વધારે ફેલાય એવી સ્થિતિ ઉભી કરી છે. દુનિયા આર્થિક અને સામાજિક રીતે ડામડોળ થઇ ગઈ છે. 

ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા એ પહેલા રશિયા - યુક્રેન અને ઇઝરાયેલ - પેલેસ્ટાઇન (તેમજ હમાસ) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. હવે તેમાં ઇઝરાયેલ અને ઈરાનનો ઉમેરો થયો છે. ૧૯૭૮-૭૯માં ઈરાનના ઉદાર વિચારધારા ધરાવતા અને વોશિંગ્ટન સાથે ગાઢ સંબંધો ધરાવતા રાજા શાહને કટ્ટરપંથી સ્થાનિક મુસ્લિમોએ સત્તા ઉપરથી હટાવ્યા ત્યારથી ઈરાન અમેરિકાની આંખમાં કણાની માફક ખુંચે છે. જ્યોર્જ બુશ જુનિયરે ઈરાનને શેતાનની ધૂરા લેખાવી હતી. જોકે, તેમના અનુગામી બરાક ઓબામાએ ફ્રાંસ, રશિયા, ચીન, જર્મની, યુનાઈટેડ કિંગડમ સાથે મળી ૨૦૧૫માં ઈરાન સાથે પરમાણુ સોદો કર્યો હતો. ઈરાન ૯૦ દિવસમાં અમેરિકા અને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીને પોતાના પરમાણુ કાર્યક્રમની યાદી આપે, પરમાણુ પ્લાન્ટનું ઇન્સ્પેકશન કરવા દે તેની સામે ઈરાન ઉપર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધ દૂર કરવામાં આવ્યા હતા. જોકે, પ્રથમ કાર્યકાળમાં જ ટ્રમ્પે - વર્ષ ૨૦૧૮-માં આ સંધિ અમેરિકા વતી તોડી પાડી હતી અને ઈરાન પોતાનો પરમાણું કાર્યક્રમ સંપૂર્ણ બંધ કરે એવી માંગ સાથે ફરી વાટાઘાટ કરવાની જાહેરાત કરી હતી. ઈરાન સામેના વર્તમાન યુદ્ધમાં પણ ટ્રમ્પઆ માંગ દોહરાવી રહ્યા છે. આ સાથે મુસ્લિમ વિચારધારા અને કડક શિયા કાયદાના અમલ માટે જાણીતા ખેમેની સત્તા છોડે એવી મહેચ્છા પણ ટ્રમ્પની મહેચ્છા છે. ટ્રમ્પ ખેમેનીની શરણાગતી માટે ખુલ્લેઆમ બોલી રહ્યા છે. પરંતુ, ઈરાન ઉપર ચડાઇ કરનાર ઇઝરાયેલના વડાપ્રધાન નેતાનયાહૂ એમ કહે છે, 'ખેમેનીને સત્તા ઉપર દૂર કરવાનો કોઈ ઉદ્દેશ નથી પણ યુદ્ધનું તે પરિણામ હોય શકે.' એટલે અમેરિકા અને ઇઝરાયેલ એક જ દિશામાં આગળ વધી રહ્યા છે એમ ચોક્કસ કહી શકાય. 

શિયા અને સુન્ની મુસ્લિમ (જેમાં સાઉદી અરબ સહિત મોટાભાગના આરબ દેશો પણ આવી જાય) વચ્ચે સૈકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અખાત અને મધ્ય-પૂર્વના ક્ડ ઓઈલ, નેચરલ ગેસથી સમૃદ્ધ દેશોમાં વર્ચસ્વની આ લડાઈ વધારે જોવા મળી રહી છે. યમન, સિરિયા, ઈરાક આ લડાઈમાં ખુવાર થતા જોવા મળે છે. આ લડાઈના મૂળ પણ ૧૯૭૮માં ઈરાનની ક્રાંતિ સાથે જોડાયેલા છે. ઈરાનમાં ક્રાંતિ બાદ રુહોતોલ્લાહ ખેમેની (વર્તમાન ખેમેનીના પિતા)ના નેતૃત્ત્વમાં શિયા મુસ્લિમોના હાથમાં વધુ સત્તા આવી, ઈરાકમાં પણ આ જોવા મળ્યું સામે સાઉદી અરબના સુન્ની મુસ્લિમો અમેરિકાની સહાયથી આર્થિક રીતે સમૃદ્ધ થતા ગયા. ઈતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે, કમનસીબે, મિનરલ્સ, સંપત્તિ, ક્રૂડ ઓઈલ અને વર્ચસ્વની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાય રહ્યો છે. એક પણ ગોળી છોડયા વગર અમેરિકા પોતાની વગના જોરે, પોતાની લશ્કરી શક્તિનો ડર બતાવી ઈરાનનું નાક દાબી સત્તા પરિવર્તન ઈચ્છી રહ્યું છે. 

ઈરાન સામે અચાનક જ જંગે ચડેલા ઇઝરાયેલના ટેકામાં અમેરિકા ખુલ્લેઆમ ટેકો આપી રહ્યું છે. ટ્રમ્પે ઈરાનને પરમાણુ કાર્યર્કમ છોડવા, યુદ્ધ બંધ કરવા અને મંત્રણા શરૂ કરવા બે સપ્તાહનો સમય આપ્યો છે. આમ નહીં થાય તો અમેરિકન સેના ઈરાન ઉપર હુમલા શરૂ કરશે એવી ગર્ભિત ધમકી પણ ઉચ્ચારી છે. આંતરરાષ્ટ્રીય રીતે અત્યારે રશિયા એક જ એવો દેશ છે જેણે ઈરાનને ટેકો જાહેર કરી દીધો છે. ખાસ મિત્ર એવું ચીન જાહેરમાં મૌન છે. પાકિસ્તાની સેના પ્રમુખ ટ્રમ્પ સાથે ડિનર લઇ આવ્યા છે, એક દાયકા પછી ઇસ્લામાબાદને વોશીગ્ટનની 'ગુડ બુક'માં એન્ટ્રી મળી છે એટલે બહુ મદદ કરે એવી શક્યતા ઓછી છે. 

આ સિવાય અમેરિકા, સાથી દેશો, યહુદીઓ અને સુન્નીઓ સામે લડવા,  છેલ્લા ત્રણ દાયકાથી ઈરાને પોતાનું અલગ નેટવર્ક ઉભું કર્યું છે. આ નેટવર્કમાં લેબેનોનમાં હેઝબુલ્લાહ, યમનમાં હુથી, ઈરાકમાં કેટલાક સંગઠનો અને ગાઝા, વેસ્ટ બેંક, પેલેસ્ટાઈનમાં હમાસનો સમાવેશ થાય છે. મિસાઈલ, હેલીકોપ્ટર, ટેંક, આધુનિક શોથી સજ્જ ૨૦ લાખ જેટલા આ લડાકુઓ ઈરાનને મદદ કરી શકે. પરંતુ, અત્યારે હુથી અને હમાસને ઇઝરાયેલે લગભગ તોડી પડયા છે એટલે ઈરાનને બહુ મોટી મદદ મળવી શક્ય નથી. પરંતુ, ત્રાસવાદી નેટવર્ક ફરી એક્ટીવેટ થાય તો દુનિયામાં અમેરિકા, યુરોપ અને સાથી દેશો સામે હુમલા વધી શકે, વધારે અરાજકતા ફેલાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

અમેરિકાના લશ્કરી હસ્તક્ષેપ પછી દુનિયાને બરબાદી જ મળી છે!

ઈરાક પાસે પરમાણુ, રસાયણિક અને વિપુલ પ્રમાણમાં માનવ સંહારના હથિયાર છે એવા આક્ષેપ સાથે બ્રિટન, કેનેડા અને અન્ય સાથી દેશોના સહારે અમેરિકાએ ઈરાક ઉપર હુમલો કર્યો હતો. સદ્દામ હુસૈનને સત્તા પરથી હટાવી, ફાંસીના માંચડે ચડાવી પોતાના મિત્રોની સરકાર રચી હતી. ૨૦૦૩ના યુદ્ધથી આઠ વર્ષ સુધી સત્તા ઈરાક ભડકે બળતું રહ્યું. આ પછી ૨૦૧૭ સુધી આંતરિક યુદ્ધ થયા અને આજે પણ સ્થાનિક સંઘર્ષ ચાલુ જ છે. અફઘાનિસ્તાન ઉપર કટ્ટર તાલિબાન શાસનનો અંત લાવવા માટે ૨૦૦૧માં અમેરિકાએ હુમલો કર્યો. પછી નવી સરકાર સ્થાપી પણ ૨૦૨૦માં જેવું અમેરિકન સેના પરત ખેંચી લાવવામાં આવી ગણતરીના દિવસોમાં જ તાલિબાનોએ ફરી સત્તા હાંસલ કરી લીધી. સિરિયામાં રશિયાને ટેકેથી ચાલતી અસદ ફેમીલીની ત્રણ દાયકાની સરકાર હવે અમેરિકાએ ઉથલાવી છે અને તેના સ્થાને અમેરિકાએ પોતે જાહેર કરેલા મોસ્ટ વોન્ટેડ ટેરરીસ્ટ અને ટેરર સંગઠનની સરકાર સત્તા ઉપર આવી છે. 

લિબિયામાં ૨૦૧૧માં મુઆમાર ગદ્દાફીને અમેરિકન સેનાની મદદથી થયેલા વિદ્રોહમાં હટાવી દેવામાં આવ્યા, ગોળી મારી પતાવી દીધા પછી આજે ૧૪ વર્ષે પણ શાંતિ સ્થાપવામાં સફળતા મળી નથી. ઈજીપ્તને અમેરિકા લશ્કરી અને અન્ય રીતે હમેશ મદદ કરતું આવ્યું હતું. ઈજીપ્તમાં હોશની મુબારક સામે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા ત્યારે અમેરિકાએ પહેલા ટેકો આપ્યો અને પછી વિદ્રોહી સાથે હાથ મિલાવી લીધા. આવી જ ઘટના ૨૦૧૩માં મોરસી સત્તા ઉપર હતા ત્યારે બની છે. 

પરમાણુ મથકનું રેડીયેશન કેટલું જોખમી, કેટલું વિનાશકારી 

ઈરાન પાસે ૧૨ જેટલી જગ્યા ઉપર પરમાણુ હથિયાર, ઉર્જા કે યુરેનિયમ એનરિચમેન્ટ માટેના પ્લાન્ટ છે. ઈઝરાયેલે આમાંથી કેટલાક ઉપર હુમલા કર્યા છે. ત્યાં નુકસાન થયું છે અને તેનાથી રેડિએશનનો ખતરો પેદા થયો છે. જાપાનમાં પરમાણુ બોમ્બના હુમલા કે રશિયાના ચર્નોબિલમાં લિકેજથી કેટલું ભયાવહ નુકસાન થાય એનાથી વિશ્વ પરિચિત છે. ઇઝરાયેલના હુમલાની અસરથી રેડિએશન ફેલાય તેની ચિંતા વ્યક્ત થઇ રહી છે. યુરેનિયમના ઘટકો અને તેના એનરિચમેન્ટમાં વપરાતા ગેસથી ફેફસાં, ચામડીને ભારે નુકસાન સંભવ છે. આ સ્થિતિમાં ઇઝરાયેલ (કે અમેરિકા) યુદ્ધમાં આવા પ્લાન્ટ ઉપર હુમલા કરે તો વ્યાપક કે વિનાશકારી નુકસાન થઇ શકે છે.