આર્યન બીમ : ઈઝરાયેલની સસ્તી છતાં સક્ષમ એર ડિફેન્સ સિસ્ટમ

- ચારે તરફથી દુશ્મનોથી ઘેરાયેલા ઈઝરાયેલી દેશ પર અવારનવાર થતા આકાશી હુમલાથી બચવા નવી ઢાલ વિકસાવી
- ઈઝરાયેલે જાહેરાત કરી કે તેની આર્યન બીમ સિસ્ટમનું પરીક્ષણ સફળ રહ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં તેને ઈઝરાયેલની સરહદો પર તૈનાત કરી દેવાશે. આ દુનિયાનું પહેલું હાઈપાવર લેઝર ઈન્ટરસેપ્શન પ્લેટફોર્મ છે જે વાસ્તવિક યુદ્ધમાં ઉપયોગમાં લઈ શકાશે : બે વર્ષ પહેલાં હમાસે ઈઝરાયેલ ઉપર હુમલો કર્યો હતો ત્યારે એક સાથે 3000 રોકેટ છોડયા હતા. આ ઘટનાએ ઈઝરાયેલને બોધપાઠ આપી દીધો હતો કે, માત્ર મિસાઈલ બેઝ્ડ ડિફેન્સ સિસ્ટમ લાંબા સમય સુધી કામમાં લઈ શકાય તેમ નથી : આ સિસ્ટમ માત્ર ચાર જ સેકન્ડમાં દુશ્મનના રોકેટ, ડ્રોન અને મોર્ટાર જેવા એરિયલ હથિયારોને હવામાં જ બાળીને ભસ્મ કરી નાખશે. દુશ્મનના હથિયારો આંખના પલકારામાં નષ્ટ થઈ જશે. જાણકારો માને છે કે, તેની કિંમત અને તેની પાછળ થતો ખર્ચ પારંપરિક ડિફોન્સ સિસ્ટમની સરખામણીએ ખૂબ જ ઓછો છે
ઈઝરાયેલ દ્વારા તાજેતરમાં જે નવું હથિયાર વિકસાવવામાં આવ્યું છે અને તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તેણે દુનિયાની યુદ્ધ કલાની છબી જ બદલી નાખી છે. અત્યાર સુધી આપણે હોલિવૂડની સાઈફાઈ ફિલ્મોમાં જે જાતભાતના શસ્ત્રો જોતા હતા કે, સ્ટારવોર્સ ફિલ્મમાં જેવા હથિયારો બતાવવામાં આવ્યા છે તે માત્ર કલ્પના લાગતા હતા. હવે ઈઝરાયેલ દ્વારા આવી જ એક કલ્પનાને સાકાર કરવામાં આવી છે. પોતાની એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ અને અન્ય ડિફેન્સ સિસ્ટમ માટે જાણીતા ઈઝરાયેલે તાજેતરમાં નવી એક ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે જે જૂની ડિફેન્સ સિસ્ટમ કરતા સસ્તી અને વધારે સચોટ ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે. ઈઝરાયેલે જાહેરાત કરી કે તેની આર્યન બીમ સિસ્ટમનું પરીક્ષણ સફળ રહ્યું છે અને તે આ વર્ષના અંત સુધીમાં તેને ઈઝરાયેલની સરહદોએ તહેનાત કરી દેશે. આ દુનિયાનું પહેલું હાઈપાવર લેઝર ઈન્ટરસેપ્શન પ્લેટફોર્મ છે જે વાસ્તવિક યુદ્ધમાં ઉપયોગમાં લઈ શકાશે. સંરક્ષણ ક્ષેત્રના જાણકારો માને છે કે, આર્યન બીમ એક વખત સેવામાં લેવામાં આવશે ત્યારબાદ તેની હાજરી વર્તમાન સમયના તમામ યુદ્ધ અને આધુનિક યુદ્ધની કલ્પના અને તસવીર બધું જ બદલી કાઢશે. આ સિસ્ટમ માત્ર ચાર જ સેકન્ડમાં દુશ્મનના રોકેટ, ડ્રોન અને મોર્ટાર જેવા એરિયલ હથિયારોને હવામાં જ બાળીને ભસ્મ કરી નાખશે. દુશ્મના હથિયારો આંખના પલકારામાં નષ્ટ થઈ જશે. જાણકારો માને છે કે, તેની કિંમત અને તેની પાછળ થતો ખર્ચ પારંપરિક ડિફોન્સ સિસ્ટમની સરખામણીએ ખૂબ જ ઓછો છે.
આ ટેક્નોલોજીનો પહેલો ઉપયોગ અને શરૂઆત ૨૦૧૪માં કરવામાં આવ્યો હતો. સિંગાપુર ખાતે એરશો દરમિયાન તેની રજૂઆત કરવામાં આવી હતી. ૨૦૧૪માં તેનો પહેલી વખત ઉપયોગ કરાયો ત્યારબાદ તેમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો હતો. સતત નવા સુધારા અને પરીક્ષણો બાદ તેના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવી રહ્યા હતા. તાજેતરમાં થોડા દિવસ પહેલાં સાઉથ ઈઝરાયેલ ખાતે તેનું અંતિમ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દ્વારા જાણવા મળ્યું કે, આ સિસ્ટમ હવે સંપૂર્ણ રીતે ઉપયોગમાં લેવા માટે સજ્જ છે.
જાણકારોના મતે ઓછી ખર્ચામાં વધારે નુકસાન પહોંચાડનારા હથિયારો બનાવવામાં ઈઝરાયેલની મહારત છે. તે ઘણા સમયથી એવા હથિયારો બનાવે છે કે, જે ઓછા ખર્ચે બને, તેનું મેન્ટેનન્સ ઓછું આવે અને પરિણામ પારંપરિક હથિયારો કરતા અનેક ગણું વધારે મળે. તેના આધારે જ ઈઝરાયેલે પોતાનું નવું શસ્ત્ર આર્યન બીમ તૈયાર કરી લીધું છે. ઈઝરાયેલનું આ નવું શસ્ત્ર ખરેખર તો યુદ્ધભૂમીમાં બ્રહ્માસ્ત્ર સાબિત થવાનું છે. તેના દ્વારા ઈઝરાયેલ ગમે તે દેશને હંફાવી શકે તેમ છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાયલે બુધવારે જ જાહેરાત કરી હતી કે, તેણે લેઝર ગાઈડેડ નવી ડિફેન્સ સિસ્ટમ આર્યન બીમનું સફળ પરીક્ષણ કરી લીધું છે. આ સિસ્ટમ હવે તેના ઉપયોગ માટે અને સરહદો ઉપર ગોઠવવા માટે સજ્જ છે.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આર્યન બીમના પરીક્ષણ દરમિયાન રોકેટ, મિસાઈલ, મોર્ટાર, ડ્રોન અને વિમાનને પણ સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યું છે. આ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પ્રકારના એરિયલ હુમલાથી બચવામાં સફળતા મળશે. ઈઝરાયેલ દ્વારા હવે આર્યન ડોમ, ડેવિડ્સ સ્લિંગ અને એરો સિસ્ટમની સાથે સાથે હવે આર્યન બીમને પણ ઈઝરાયેલની સરહદો ઉપર સજ્જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પણ ઈઝરાયેલ પાસે જે એર ડિફેન્સ સિસ્ટમ છે તે ખૂબ જ શક્તિશાળી અને અદ્વિતિય છે. તેના દ્વારા પણ દુશ્મનોના તમામ હવાઈ હુમલા ખાળી શકાયા જ છે. તેમ છતાં નવી સિસ્ટમ વધારે સુરક્ષિત, સચોટ અને ખાસ તો સસ્તી છે. હાલમાં જે સિસ્ટમ લગાવાઈ છે તેના દ્વારા ગાઝાથી હમાસ, લેબનોનથી હિઝબુલ્લાહ અને યમનથી હૂથી વિદ્રોહીઓ દ્વારા દાગવામાં આવેલા હજારો રોકેટ અને એરિયલ હુમલાને નષ્ટ કરવામાં સફળતા મળી છે. નવા હથિયારથી ઈઝરાયેલની હવાઈ સુરક્ષા વધારે મજબૂત બની જશે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે જણાવ્યું કે, ૨૦૨૫ના અંત પહેલાં આ ડિફેન્સ સિસ્ટમનું પહેલું યુનિટ એક્ટિવેટ કરી દેવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ અમીર બરામે જણાવ્યું કે દુનિયામાં પહેલી વખત બન્યું છે કે, કોઈ દેશના હાઈપાવર લેઝર સિસ્ટમ દ્વારા ફુલ ઓપરેશનલ ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવી હોય.
એલ્બિટ સિસ્ટમ અને રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમે સંયુક્ત રીતે આ આર્યન બીમ બનાવ્યું છે. રાફેલના ચેરમેને આ સિસ્ટમને આધુનિક યુદ્ધ સ્થિતિમાં ગેમ ચેન્જર સિસ્ટમ ગણાવી છે. બીજી તરફ એલબિટના સીસીઓએ જણાવ્યું કે, કંપની દ્વારા હવાઈ લેઝર ટેક્નોલોજી ઉપર પણ કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં સફળતા મળશે તો હવાઈ યુદ્ધ અને એર ડિફેન્સ સેક્ટરમાં ક્રાંતિકારી ફેરફાર આવી શકશે. હવે ઈઝરાયેલની આસપાસના વિસ્તારોમાંથી કોઈપણ પ્રકારનો હવાઈ હુમલો થશે તો આર્યન બીમ સિસ્ટમ તેને આકાશમાં જ નષ્ટ કરી દેશે. તેનો ખર્ચો નહીવત આવશે.
જાણકારોના મતે આર્યન બીમ ફાઈબર લેઝર ટેક્નોલોજીના આધારે કામ કરે છે. દુશ્મન દેશ દ્વારા કે અન્ય આતંકીઓ દ્વારા રોકેટ, ટ્રોન કે મોર્ટાર હવામાં છોડવામાં આવશે કે તરત જ આ સિસ્ટમનું રડાર તેને ટ્રેક કરી દેશે. ત્યારબાદ સિસ્ટમની અંદર રહેલા નાના નાના લેઝર બીમ ભેગા થઈને એક પોઈન્ટ ઉપર કેન્દ્રીત થશે. આ પ્રક્રિયા દરમિયાન હથિયારમાં જબરદસ્ત ઊર્જા ભેગી થાય છે અને માત્ર ચાર જ સેકન્ડમાં ટાર્ગેટ નષ્ટ કરી દેવામાં આવ્યો હશે. આ સિસ્ટમની રેન્જ ૧૦ કિલોમીટર સુધી છે જે શહેરો, સૈન્ય ઠેકાણાઓ અને રણીનિતિ જગ્યાઓની સુરક્ષા માટે સજ્જ કરવામાં આવશે. જાણકારોના મતે કંપની દ્વારા આર્યન બીમના ઘણા બધા વર્ઝન સજ્જ કરવામાં આવ્યા છે. આર્યન બીમ ૪૫૦ જે સૌથી શક્તિશાળી વર્ઝન છે તેને ગમે ત્યાં સુરક્ષા માટે ગોઠવી શકાય તેમ છે. ત્યારબાદ આર્યનબીમ એમ છે જે મોબાઈલ ટ્રેક માઉન્ટેડ સિસ્ટમ છે. તે ઉપરાતં લાઈટ બીમ છે જ આર્મર્ડ વ્હીકલ્સ ઉપર પણ લગાવી શકાશે. તે ઉપરાંત મેરિટાઈમ વર્ઝન પણ વિકસાવાયું છે જે સમુદ્રમાં જહાજોની સુરક્ષા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.
ભારત પાસે પણ પાંચ કિ.મીની રેન્જનું લેઝર હથિયાર છે
બીજી ખાસ વાત એ છે કે, ભારતની પાસે પણ ડિફેન્સ સિસ્ટમમાં આવું એક હથિયાર છે. ભારતે પણ ઈઝરાયેલની જેમ પોતાની આગવી ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે. ડીઆરડીઓ દ્વારા ૩૦ કિલોવોટનું લેઝર હથિયાર તૈયાર કરવામાં આવ્યું છે જે પાંચ કિલોમીટરની ક્ષમતા ધરાવે છે. તે કોઈપણ ડ્રોન, હેલિકોપ્ટર, મિસાઈલ અથવા રોકેટને હવામાં જ તોડી પાડવા માટે સક્ષમ છે. આ એક ઈલેક્ટ્રનિક વોરહેડ પણ છે જે દુશ્મનોના કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેટેલાઈટ સિગ્નલને પણ જામ કરી શકે છે. આ સિસ્ટમની ખાસિયત એવી છે કે, તેને જમીન ઉપર અને હવામાં બંને જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય તેમ છે. ભારતે પ્રારંભિક ટેક્નોલોજી વિકસાવી લીધી છે. તેનો સફળ ઉપયોગ થઈ શકે તેમ છે.
ભારત હવે ઈઝરાયેલની જેમ જ આ ટેક્નોલોજીને એડવાન્સ બનાવી રહ્યું છે. આ સિસ્ટમના એડવાન્સ અને અપગ્રેડેડ વેપન્સને વિકસિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. થોડા સમયમાં ભારત દ્વારા પણ સિસ્ટમ સુરક્ષા માટે સજ્જ કરી દેવામાં આવે તેવી શક્યતા છે.
ઈઝરાયેલની ઈન્ટરસેપ્ટર સિસ્ટમના માત્ર 1 ટકા ખર્ચમાં કામ પતી જશે
જાણકારોના મતે હાલમાં ઈઝરાયેલ દ્વારા પોતાની સરહદોની સુરક્ષા માટે જે એર ડિફેન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે તથા જે ઈન્ટરસેપ્ટર મિસાઈલ રાખવામાં આવી છે તેનો ખર્ચ અધધ આવે છે. એક ઈન્ટરસેપ્ટર મિસાઈલની કિંમત અંદાજે ૫૦ હજાર ડોલર હોય છે. બીજી તરફ આર્યન બીમ દ્વારા એક લેઝર શોટ રિલીઝ કરવામાં આવશે તેની કિંમત ૩ થી ૫ ડોલર જેટલી આવશે. તેનો અર્થ એ થયો કે, એક જ કામ માટે જે હજારો ડોલરનો ખર્ચ થતો હતો તે માત્ર એક ટકા ખર્ચમાં થઈ જશે. ખાસ કરીને ઈઝરાયેલ માટે આ એટલે યોગ્ય છે કે, તેની સરહદે અવારનવાર હજારોની સંખ્યામાં દુશ્મન દેશો દ્વારા મોર્ટાર, મિસાઈલ અને ડ્રોન દાગવામાં આવે છે. આ સંજોગોમાં ઈન્ટરસેપ્ટર ઝડપથી વપરાઈ જાય છે, તેનો ખર્ચ અધધ થઈ જાય છે અને તેનો જથ્થો ઓછો થવાથી ભય પણ લાગે છે. બીજી તરફ યોગ્ય પાવરસપ્લાય મળે એટલે આયર્ન બીમ સતત ફાયરિંગ કરી શકે છે અને ખૂબ જ સસ્તામાં ઈન્ટરસેપ્ટર જેવું જ એરિયલ વોર લડી શકે છે અને આકાશી હુમલાથી બચાવી શકે છે. બીજી વાત એવી છે કે, હાલમાં ઈઝરાયેલનું આર્યન ડોમ સિસ્ટમ ખૂબ જ ડિમાન્ડમાં છે. તેની સરખામણી તો આર્યન બીમ સાથે ન કરી શકાય છતાં બંને પોતપોતાની જગ્યાએ ઉપયોગી અને સરકારક છે. આર્યન ડોમ મધ્યમ અને લાંબા અંતરના રોકેટ્સ અને હવાઈ હુમલાને ઈન્ટસેપ્ટ કરીને નષ્ટ કરે છે. બીજી તરફ આર્યન બીમ નાના અંતરના અને ઓછા એડવાન્સ હથિયારોને ઓળખીને તેને નષ્ટ કરશે. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું હતું કે, આર્યનબીમ સિસ્ટમ વિકસિત કરવામાં આવી, તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું પણ તે કોઈને રિપ્લેસ નહીં કરે. હાલમાં જે એર ડિફેન્સ સિસ્ટમ લગાવી છે તેની સાથે જ આ ડિફેન્સ સિસ્ટમને એડજસ્ટ કરીને લગાવવામાં આવશે અને તમામ સ્તરે સુરક્ષા સજ્જ કરાશે. તેનાથી સુરક્ષામાં ઉમેરો થશે.
જાણકારોના મતે બે વર્ષ પહેલાં જ્યારે હમાસે ઈઝરાયેલ ઉપર હુમલો કર્યો હતો ત્યારે એક સાથે ૩૦૦૦ રોકેટ છોડયા હતા. આ ઘટનાએ ઈઝરાયેલને બોધપાઠ આપી દીધો હતો કે, માત્ર મિસાઈલ બેઝ્ડ ડિફેન્સ સિસ્ટમ લાંબા સમય સુધી કામમાં લઈ શકાય તે નથી. તેનાથી ખર્ચો વધશે અને જોખમ પણ વધશે. તેના કારણે જ લેઝર બીમ સિસ્ટમ વિકસાવવામાં આવી. આર્યનબીમ હવે તમામ સમસ્યાઓનું સમાધાન બની ગયું છે.








