અયોધ્યાની જ નહીં, શીખ, જૈન અને બૌદ્ધની પણ દિવાળી પરંપરા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ધર્મ, આસ્થા, સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાઈને દેશ અને દુનિયામાં વિવિધ રીતે દિવાળીની ઉજવણી કરાય છે
Diwali 2025 : દિવાળીનો સૌથી પહેલો ઉલ્લેખ વાત્સ્યાયનના કામસૂત્રમાં મળે છે. ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીમાં તેની રચના થઈ હોવાનું મનાય છે. તેમના પુસ્તકમાં આ રાત્રીને યક્ષ રાત્રી કહેવાઈ છે. યક્ષોની રાત્રી, જેમાં મકાનો, દીવાલો, ઝરુખા અને અન્ય સ્થળોએ દીવા મુકીને આનંદ ઉજવાતો હતો ઃ કાશ્મીરના નીલમત પુરાણમાં પહેલી વખત દેવી લક્ષ્મીનો ઉલ્લેખ દિવાળીના ઉત્સવને કેન્દ્રમાં રાખીને આવે છે. નીલમત પુરાણની રચના ઈસવીસન 500થી 800ની વચ્ચે કાશ્મરીમાં થઈ હતી. કાશ્મીરી ગ્રંથોમાં દીપમાલા નામના એક તહેવારનો ઉલ્લેખ આવે છે જેને સુખસુપ્તિકા પણ કહેવાય છે ઃ શીખ ધર્મમાં દિવાળીને બંદી છોડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો સંબંધ 17મી શતાબ્દીના એક ઐતિહાસિક ઘટનાક્રમ સાથે છે. શીખ સંપ્રદાયના ગુરુ હરગોવિંદસિંહજીને આ દિવસે જહાંગીરની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
દિવાળીનો ઉત્સવ પ્રકાશ અને નવતર શરૂઆતનો તહેવાર ગણાય છે. અંધકારમાંથી અજવાળા તરફ ગતિ કરવાનો અવસર ગણાય છે. આ તહેવાર જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં ધામધૂમથી ઉજવાય છે. આ પ્રકાશપર્વ સાથે આપણું સૌથી મોટું જોડાણ ભગવાન શ્રી રામ છે. અન્યાય, અધર્મ, અંધરાક અને આસુરી શક્તિ ઉપર વિજય મેળવીને ભગવાન શ્રી રામ અયોધ્ય પરત ફર્યા તે દિવસે લાખો દીવા ઝગમગ્યા હતા. તે દિવસના માનમાં દિવાળીનો તહેવાર ઉજવાય છે. આ એક ભારત અને સનાતનની પ્રચલિત ધાર્મિક આસ્થા છે. બીજી તરફ જ આ તહેવારો વિશે અનેક માન્યતાઓ, ધાર્મિક આસ્થા અને પરંપરાઓ જોડાયેલી છે. તેની પાછળ અનેક ધાર્મિક, પારંપરિક કથાઓ અને દંતકથાઓ પણ જોડાયેલી છે. ઈતિહાસકારો જણાવે છે કે, દિવાળીનો સૌથી પહેલો ઉલ્લેખ વાત્સ્યાયનના કામસૂત્રમાં મળે છે. ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીમાં તેની રચના થઈ હોવાનું મનાય છે. તેમના પુસ્તકમાં આ રાત્રીને યક્ષ રાત્રી કહેવાઈ છે. યક્ષોની રાત્રી, જેમાં મકાનો, દીવાલો, ઝરુખા અને અન્ય સ્થળોએ દીવા મુકીને આનંદ ઉજવાતો હતો. તે સમયે આ તહેવારોમાં જુગટુ રમવાની પરંપરા પણ પ્રચલિત હતી. ખાસ વાત એવી છે કે, તે સમયે આ તહેવારને દિવાળી નામ નહોતું આપવામાં આવ્યું. પૌરાણિક કથાઓ અનુસાર યક્ષોનો સંબંધ ધનની દેવી લક્ષ્મી સાથે છે. વાત્સ્યાયનના કામસૂત્રમાં દિવાળીનું ખૂબ જ ભવ્ય અને દિવ્ય વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામ ૧૪ વર્ષના વનવાસ અને રાવણ સાથેના યુદ્ધ વિજય બાદ પરત અયોધ્યા આવ્યા તેથી તેને પ્રકાશોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભારતી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તેમાં અનેક ધર્મ અને સંપ્રદાય પોતાની માન્યતા અને ધાર્મિક કથા અનુસાર જોડાયેલો છે પણ તે દિવાળીની ઉજવણી અચૂક કરે છે.
એવું કહેવામાં આવે છે કે, કાશ્મીરમાં લક્ષ્મીજી ને દિવાળી વચ્ચે એક અલગ જ વાર્તા જોડાયેલી છે. કાશ્મીરના નીલમત પુરાણમાં પહેલી વખત દેવી લક્ષ્મીનો ઉલ્લેખ દિવાળીના ઉત્સવને કેન્દ્રમાં રાખીને આવે છે. નીલમત પુરાણની રચના ઈસવીસન 500થી 800ની વચ્ચે કાશ્મરીમાં થઈ હતી. દિવાળીનું નામ પણ નીલમત પુરાણ સાથે જ જોડાયેલું છે.
કાશ્મીરી ગ્રંથોમાં દીપમાલા નામનો એક તહેવારનો ઉલ્લેખ આવે છે જેને સુખસુપ્તિકા પણ કહેવાય છે. તે ચંદ્ર કેલેન્ડરની એ રાત્રે ઉજવવામાં આવતો હતો જે રાત્રે આજે આપણે દિવાળી ઉજવીએ છીએ. નીલમત પુરાણ અનુસાર કાર્તક મહિનાની અમાસની રાત્રે ભક્તોએ પોતાના ઘરેથી માટીના કોડીયા અને દીવા લઈને તેને પ્રગટાવીને માતા લક્ષ્મીની મંદિરમાં પૂરા કરવી જોઈએ. પૂજા-અર્ચના બાદ લોકોએ પોતાના પરિવાર અને મિત્રો સાથે ભોજન કરવું જોઈએ.
દિવાળીને શાબ્દિક અર્થ છે દીવાઓની પંક્તિ. તે અંધકાર ઉપર પ્રકાશનો, ખરાબ બાબત ઉપર સારી બાબતનો, અજ્ઞાાન ઉપર જ્ઞાાનનો, નિરાશા ઉપર આશાનો વિજય થયો તેનું આ પર્વ પ્રતિક છે. આ જ કારણ છે કે, હિન્દુ ધર્મના અન્ય પેટા સંપ્રદાયો જેવા કે જૈન ધર્મ, શીખ ધર્મ, કેટલાક અંશે બૌદ્ધ ધર્મમાં પણ દિવાળી ઉજવવાનું અનોખું મહાત્મ્ય છે અને તેના માટેના તેમના પોતાના કારણો પણ છે. આ એક જ તહેવાર એવો છે જેના મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક અને આધ્યાત્મિક કારણો અને તારણોના આધારે દિવાળી ઉજવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધર્મમાં તો ધનતેરસથી શરૂ કરીને ભાઈબીજ સુધી આપણે પાંચ દિવસના વિવિધ અનુષ્ઠાન, પરંપરા અને ઉત્સવ ઉજવીએ છીએ. દરેક સાથે વિવિધ ઘટનાઓ, આસ્થા અને ધાર્મિક વિધીઓ પણ જોડાયેલી છે. તેમ છતાં કહેવાય છે કે, ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ જ્યારે લંકાપતિ રાવણનો વધ કરીને માતા સીતાને છોડાવીને ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યા પરત આવ્યા ત્યારે અયોધ્યાવાસી પુલકિત થઈ ગયા હતા. તેમના આગમનને વધાવવા સમગ્ર અયોધ્યામાં લોકોએ દીવા પ્રગટાવ્યા હતા અને અમાસની કાળી રાત પ્રકાશમાન થઈ ગઈ હતી. તેના કારણે દિવાળી ઉજવાય છે. તેવી જ રીતે એવું મનાય છે કે, સમુદ્ર મંથન દરમિયાન દિવાળીના દિવસે જ દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા. તેથી જ દિવાળીએ દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશનું પૂજન થાય છે. દેવી લક્ષ્મી ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક છે. બીજી તરફ ભગવાન ગણેશ વિદ્યા, બુદ્ધિ અને શુભતાનું પ્રતિક મનાય છે. એ સિવાય દિવાળીના આગલા દિવસે એટલે કે છોટી દિવાલીએ ભગવાન કૃષ્ણને અત્યાચારી નરકાસુરનો વધ કર્યો હતો. તેની ૧૬,૦૦૦ બંધી બનાવેલી રાણીઓને બચાવી હતી. તેના કારણે દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.
દિવાળી વિશે એવું કહેવાય છે કે, જૈન ધર્મમાં તો આ તહેવાનું મહત્ત્વ અત્યંત વધારે છે. આ દિવસે ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ પણ કહેવાય છે. તે દિવસે તેમને મોક્ષની પ્રાપ્તી થઈ હતી. જૈન ધર્મના ૨૪મા તિર્થંકર ભગવાન વર્ધમાન મહાવીરને ઈસવીસન પૂર્વ ૫૨૭માં બિહારના પાવાપુરીમાં કાર્તક મહિનાની અમાસે મોક્ષની પ્રાપ્તી થઈ હતી. તેઓ મોક્ષ પામ્યા અને જન્મ-મરણના ચક્રથી મુક્ત થઈ ગયા. જૈનોએ ત્યારે પાવાપુરીમાં ભેગા થઈ નક્કી કર્યું કે, જ્ઞાાનની જીતી જ્યોત તો પરમધામમાં ગઈ છે પણ આપણે કૃત્રિમ જ્યોત પ્રકાશિત કરીશું. તે દિવસે જૈનો અનેક દીવા પ્રગટાવે છે. દેરાસરોમાં વિશે પૂજન,અર્ચન, ઉપવાસ, સ્વાધ્યાય કરવામાં આવે છે.
શીખ ધર્મમાં દિવાલીને બંદી છોડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો સંબંધ ૧૭મી શતાબ્દીના એક ઐતિહાસિક ઘટનાક્રમ સાથે છે. શીખ સંપ્રદાયના ગુરુ હરગોવિંદસિંહજીને આ દિવસે જહાંગીરની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યા હતા. ગુરુજીએ તેમની મુક્તિ સાથે એક શરત રાખી હતી કે, તેમની સાથે રહેલા ૫૨ હિન્દુ રાજાઓને પણ મુક્ત કરવામાં આવે. જહાંગીરે ગુરુજીને ફસાવવા કહ્યું કે, આ કિલ્લામાંથી એટલા જ રાજા બહાર નીકળી શકશે તે ગુરુજીની પહેરણને પકડીને બહાર નીકળી શકશે. ગુરુજીએ બધા રાજાઓને મુક્ત કરાવવા એવું પહેરણ બનાવડાવ્યું જેમાં ૫૨ છોગા લાગ્યા હતા. દરેક છોગાને પકડીને રાજાઓ બહાર નીકળી ગયા અને સ્વતંત્ર થઈ ગયા. ત્યારબાદ ગુરુજી અમૃતસર પાછા આવ્યા અને લોકોએ સમગ્ર શહેરને દીવાથી શણગારી દીધું. સ્વર્ણ મંદિરમાં પણ રોશની કરવામાં આવી. આ દિવસને તેઓ અદ્વિતિય ન્યાય અને વિજયનો દિવસ માને છે. તે દિવસે ગુરુદ્વારાઓમાં વિશેષ પૂજા અને લંગર રાખવામાં આવે છે.
તેવી જ રીતે બૌદ્ધ ધર્મમાં પણ દિવાળીની ઉજવણી કરાય છે. એશિયામાં ફેલાયેલા બૌદ્ધ ધર્મના દરેક પંથમાં હિન્દુ સંપ્રદાય જેવી ઉજવણી થતી નથી પણ કેટલાક પંથમાં થાય છે. નેવારી બૌદ્ધ અને ભારતીય બૌદ્ધ સ્થાનકોમાં તેની ઉજવણી થાય છે. તેની સાથે સમૃદ્ધ ઈતિહાસ જોડાયેલો છે. તેનો સંબંધ પ્રાચીનકાળના મહાન સમ્રાટ અશોક સાથે છે. ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં કલિંગ યુદ્ધ બાદ સમ્રાટ અશોકે હિંસાનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. કેટલાક ઈતિહાસકારોના મતે કાર્તકી અમાસના દિવસે જ અશોકે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને સંપૂર્ણ રીતે અપનાવી લીધા હતા. તે સમયે તેમણે સમગ્ર રાજ્યમાં ધમ્મ વિજય ઉત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવ શાંતિ અને કરુણાના પ્રચાર માટે પ્રતિક બની ગયો હતો.
- ભારતની જેમ જ દુનિયાના આ દેશોમાં પણ દિવાળી ધામધૂમથી ઉજવાય છે
ભારતની જેમ નેપાળમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અહીંયા પણ તિહારના સ્વરૂપે ઉજવાય છે. તેની પાંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવ જાનવરો અને સંબંધોનું સન્માન કરવાનો ઉત્સવ છે. કાગડા, કૂતરા, ગાય અને બળદ જેવા રોજિંદા જીવન સાથે જોડાયેલા પ્રાણીઓને આ તહેવાર સમર્પિત હોય છે જે જીવન અને પ્રકૃતિની તેમની ભૂમિકાને ઉજાગર કરે છે. તહેવારનો અંતિમ અને પાંચમો દિવસ ભાઈ ટીકા હોય છે જેમાં બહેન પોતાના ભાઈઓને તિલક કરીને તેમના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરે છે. લોકો ઘરમાં રંગબેરંગી દીવા કરે છે, રંગોળી કરે છે અને પારંપરિક નૃત્યો કરવામાં આવે છે. ભારતના બીજા પાડોશી દેશ શ્રીલંકામાં પણ ભગવાન રામનો વારસો જોડાયેલો છે. તેથી અહીંયા દિવાળી ધાર્મિક અને ઐતિહાસિક ઉંડાણ ધરાવતો તહેવાર છે. અહીંયાના તમીલો દ્વારા શ્રદ્ધા અને ઉત્સાહ સાથે તહેવાર ઉજવાય છે. લોકો ઘરની સાફસફાઈ કરે છે, દીવા પ્રગટાવે છે અને લક્ષ્મીજીનું પૂજન કરે છે. શ્રીલંકાના મંદિરોમાં વિશેષ પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. અહીંયા પણ દિવાળીને અસત્ય ઉપર સત્યના વિજય તરીકે ઉજવાય છે. મલેશિયામાં દિવાળીને હરિ દિવાળી કહેવાય છે અને આ દિવસે જાહેર રજા હોય છે. તેમાં તમિલ હિન્દુ સમુદાય દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે. અહીંયા પણ લોકો ઘરમાં સાફસફાઈ કરે છે, રંગરોગાન કરે છે. ઘરમાં માટીના દીવા પ્રગટાવવામાં આવે છે. લોકો મંદિરમાં પૂજા કરવા અને ભગવાનના આશીર્વાદ લેવા જાય છે. મુરુક્કુ અને લાડુ જેવા મિઠાઈઓ બનાવાય છે અને લોકોને વહેંચાય છે. આ તહેવાર એકતા અને સદભાવની ભાવના વ્યક્ત કરતો ઉત્સવ હોય તેમ ઉજવવામાં આવે છે. મલેશિયાની જેમ જ મોરેશિયસમાં પણ ભારતીય સમુદાયની મોટી વસતી છે. અહીંયા પણ દિવાળીએ જાહેર રજા હોય છે અને લોકો તેની ઉજવણી કરે છે. અહીંયા તમામ ધર્મના લોકો તેમાં ભેગા થાય છે. અહીંયા તેને વિવિધતામાં એકતાનો તહેવાર પણ કહેવાય છે. લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે, રોશની કરે છે, લાડુ અને બરફી જેવી મિઠાઈઓ બનાવે છે અને પોતાના મિત્રો, સ્વજનો અને પાડોશીઓને વહેંચે છે. રાત્રે આતશબાજી થાય છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે. સિંગાપુરના લિટલ ઈન્ડિયામાં પણ દિવાળીને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સ્થાનિક ભારતીય સમુદાય દ્વારા આ તહેવાર રંગેચંગે ઉજવાય છે. અહીંયા લિટલ ઈન્ડિયા જેવા વિસ્તારમાં રોશની કરાય છે, રંગબેરંગી લાલટેન અને તુક્કલ સળગાવાય છે. સરકાર આ તહેવાર દરમિયાન વિશેષ લાઈટઅપ ફેસ્ટિવલનું પણ આયોજન કરે છે. તેમાં સંગીત, સ્ટ્રીટ પ્લે અને પારંપરિક ભોજનના સ્ટોલ લગાવવામાં આવે છે. શ્રી વીરમાકાલીઅમ્મન મંદિર અને શ્રી મરિઅમ્મન મંદિર જેવા મંદિરોમાં હજારોની સંખ્યામાં લોકો પૂજા કરવા જાય છે. બ્રિટનમાં પણ દિવાળી હવે મુખ્ય સાંસ્કૃતિક ઉત્સવનો ભાગ બની ગઈ છે. ખાસ કરીને લંડન, લેસ્ટર, બર્મિંગહામ જેવા શહેરોમાં જ્યાં ભારતીયોની વસતી વધારે ચે. અહીંયા ટ્રાફલગર સ્ક્વેર ખાતે દિવાળીનું સૌથી મોટું આયોજન કરાય છે જે ભારત બહારનું દુનિયાનું સૌથી મોટું દિવાળી આયોજન કહેવાય છે. મેયર દ્વારા તેનું આયોજન ભારતીય સમુદાય માટે કરાય છે. અહીંયા સંગીત, નૃત્ય, ખાણીપીણીના સ્ટોલ, આતશબાજી અને બીજી ઘણી બાબતો સમાવિષ્ટ હોય છે. ભારતીય સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાના સંસ્કારોને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાય છે. અમેરિકામાં પણ ભારતીયો અને ગુજરાતીઓની વસતી ધરાવતા શહેરોમાં દિવાળીને ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.








