Editorial

ઈરાન ફંડ : પૈસા ખાડી દેશોના, રોકાણ કંપનીઓનું અને વાહવાહી અમેરિકાની !

By GS TEAM
20 Jun 20267 mins read
ઈરાન ફંડ : પૈસા ખાડી દેશોના, રોકાણ કંપનીઓનું અને વાહવાહી અમેરિકાની !

- અમેરિકા ઈરાનને જે 300 અબજ ડોલર આપવાનું છે તે પોતાના કોષમાંથી નહીં પણ ખાડી દેશોની કંપનીઓ દ્વારા રોકાણ સ્વરૂપે આપવાનું છે જેનો ઉપયોગ ઈરાનને પાછું ઊભું કરવા થશે

- જીનીવા ખાતે બંને દેશો વચ્ચે જે ઐતિહાસિક સમજૂતી થવાની છે. તેના ઉપર ઔપચારિક સહીઓ થયા બાદ 60 દિવસનો પ્લાન બનાવવામાં આવશે. આ દરમિયાન કેવી રીતે ફંડ આવશે, કયા સેક્ટરમાં આવશે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવશે તેનું માળખું નક્કી કરવામાં આવશે. તેમાં સૌથી મોટી બાબત એ છે કે, જીનીવા ખાતે સમજૂતી દરમિયાન ઈરાન જો તમામ શરતો માનવા તૈયાર થશે તો જ તેને આ ભંડોળ મળશે : ઉલ્લેખનીય છે કે, ઈરાને નુકસાનની ભરપાઈ માટે 400 અબજ ડોલરની માગણી કરી હતી. તે સમયે ટ્રમ્પ અને અમેરિકી તંત્ર દ્વારા ઈરાનની માગણી ફગાવી દેવાઈ હતી. તેના પગલે સમજુતી અટકી ગઈ હતી. આખરે આ મુદ્દે બંને વચ્ચે સહમતી સધાઈ અને ઈરાનને પૂન:નિર્માણ અને વિકાસના નામે એક ફંડ આપવાનું નક્કી કરવામાં આવ્યું : ખાનગી કંપનીઓ દ્વારા રોકાણ કરવામાં આવશે. અમેરિકા સિવાય એશિયા અને આફ્રિકાના કેટલાક દેશોની કંપનીઓને પણ રોકાણ કરવાના આદેશ અપાયા હતા. સાઉથ કોરિયા, જાપાન, સિંગાપુર, મલેશિયાની કેટલીક કંપનીઓના નામ પણ બહાર આવ્યા હતા. 

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ અટકાવવા જે સોદા થયા છે તેમાં અમેરિકાના આયોજન પ્રમાણે જ થયા છે. અમેરિકાએ પહેલાં ઈરાન સાથે યુદ્ધ કર્યું, આખી દુનિયાને ભેખડે ભરાવી અને પોતે થાકીને પલાયન કરવા લાગ્યું ત્યારે અન્ય દેશોને હવે સમાધાનમાં ફસાવી દીધા છે. વાત એવી છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે ઈરાનને ૩૦૦ અબજ ડોલર આપવામાં આવશે. આ પૈસા અમેરિકા આપશે તેવી વાતો ચાલે છે પણ જાણકારોના મતે અમેરિકા તો કોઈનેય કાણો પૈસો આપવાના મૂડમાં નથી. અમેરિકી પ્રેમુખે યુદ્ધ દરમિયાન અનેક વખત કહ્યું પણ હતું કે, અમેરિકા ક્યારેય કોઈને ફંડ કે લોન આપશે નહીં. 

જાણકારોના મતે ઈરાનને જે ૩૦૦ અબજ ડોલર મળવાના છે તે અમેરિકા નહીં પણ ખાડી દેશો દ્વારા આપવામાં આવશે તેવું પડદા પાછળ ગોઠવાયું છે. આ ગોઠવણ પણ અમેરિકા દ્વારા જ કરવામાં આવી છે. કેટલાક લોકો માને છે કે, આ ડીલમાંથી અડધી રકમની ચુકવણી ઈરાનને કરી દેવાઈ છે. બીજી તરફ કેટલાક લોકો માને છે કે, અમેરિકાએ આયોજનપૂર્વક ખાડી દેશોને આ ડીલમાં ફસાવી દીધા છે. વર્ષો સુધી ઈરાનનો ભય ગણાવીને અમેરિકાએ ખાડી દેશોમાં પોતાની કંપનીઓના રોકાણો કર્યા અને સૈન્ય ઠેકાણા સ્થાપ્યા. તેમાંથી કરોડો ડોલરની કમાણી કરી છે. હવે જ્યારે આ યુદ્ધ શાંત કરવાની વાત આવી છે ત્યારે અમેરિકાએ ફરી એક વખત ભયનું શસ્ત્ર ઉગામ્યું છે. અમેરિકાએ ખાડી દેશોને ઈરાનના નામે ડરાવીને તેને ૩૦૦ અબજ ડોલર રોકાણ સ્વરૂપે આપવાની ગોઠવણ કરી દીધી છે. તેનો અર્થ એવો છે કે, રોકાણ કરશે ખાડી દેશો અને એશિયાના કેટલાક દેશોની કંપનીઓ અને પૈસા મળશે ઈરાનને અને વાહવાહી થશે અમેરિકાની.

ઉલ્લેખનીય છે કે, આ સમજૂતી થઈ ત્યારે ઈરાન દ્વારા પોતાને થયેલા નુકસાનની ભરપાઈ માટે ૪૦૦ અબજ ડોલરની માગણી કરવામાં આવી હતી. તે સમયે ટ્રમ્પ અને અમેરિકી તંત્ર દ્વારા ઈરાનની માગણી ફગાવી દેવાઈ હતી. તેના પગલે સમજુતી અટકી ગઈ હતી. આખરે આ મુદ્દે બંને વચ્ચે સહમતી સધાઈ અને ઈરાનને પુન:નિર્માણ અને વિકાસના નામે એક ફંડ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ ભંડોળને ઈન્વેસ્ટમેન્ટ ફંડ નામ આપવામાં આવ્યું છે. તેમાં કતાર, સાઉદી અરેબિયા, કુવૈત અને યુએઈ જેવા ખાડી દેશો દ્વારા ફંડ જારી કરવામાં આવશે તેવું પણ નક્કી કરાયું છે. થોડા સમય પહેલાં જ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી. વાન્સે જણાવ્યું હતું કે, ઈરાન સમજૂતી માટે સજ્જ થશે તો તેને ખાડી દેશો ૩૦૦ અબજ ડોલરનું ફંડ પૂરું પાડવામાં આવશે.

એક અહેવાલ પ્રમાણે અમેરિકાએ જ્યારે સોદા દરમિયાન આ રકમ આપવાની મનાઈ કરી દીધી હતી ત્યારે કતાર સૌથી પહેલાં ફંડ આપવા માટે તૈયાર થયું હતું. ત્યારબાદ અન્ય ખાડી દેશો સાથે ચર્ચા કરવામાં આવી અને ૩૦૦ અબજ ડોલરનું ફંડ આપવા માટે ગોઠવણ કરવામા આવી. આ ઉપરાંત ખાનગી કંપનીઓ દ્વારા રોકાણ કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકાની પણ કંપનીઓ તેમાં રોકાણ કરશે તેવા અહેવાલો છે. આ સિવાય એશિયા અને આફ્રિકાના કેટલાક દેશોની કંપનીઓને પણ રોકાણ કરવાના આદેશ અપાયા હતા. જાણકારોના મતે સાઉથ કોરિયા, જાપાન, સિંગાપુર, મલેશિયાની કેટલીક કંપનીઓના નામ પણ બહાર આવ્યા હતા. ઈરાનના લોજિસ્ટિક, મેન્યુફેક્ચરિંગ અને ટ્રાન્સપોર્ટેશન જેવા સેક્ટરમાં આ રોકાણ કરવામાં આવશે તેવું પણ નક્કી કરી લેવામાં આવ્યું છે.

મહત્ત્વની વાત એ છે કે, જીનીવા ખાતે બંને દેશો વચ્ચે જે ઐતિહાસિક સમજૂતી થવાની છે. તેના ઉપર ઔપચારિક સહીઓ થયા બાદ ૬૦ દિવસનો પ્લાન બનાવવામાં આવશે. આ દરમિયાન કેવી રીતે ફંડ આવશે, કયા સેક્ટરમાં આવશે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવશે તેનું માળખું નક્કી કરવામાં આવશે. તેમાં સૌથી મોટી બાબત એ છે કે, જીનીવા ખાતે સમજૂતી દરમિયાન ઈરાન જો તમામ શરતો માનવા તૈયાર થશે તો જ તેને આ ભંડોળ મળશે, બાકી તેને ફંડ આપવામાં આવશે નહીં. આ અંગે પણ વાન્સે થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે, જો તહેરાનને હવે વોશિંગ્ટન સાથે સમજૂતી કરવી હશે તો તમામ શરતોનું પાલન કરવું પડશે. તેણે પરમાણુ કાર્યક્રમ બંધ કરી દેવો પડશે, સંવર્ધિત ન્યૂક્લિયરના જથ્થાનો નાશ કરવો પડશે, પોતાના ભંડાર ખાલી કરવા પડશે અને જે નિરિક્ષણ વ્યવસ્થા છે તેનો સ્વીકાર કરીને તે રીતે વર્તન કરવું પડશે. આ ઉપરાંત હોર્મુઝની ખાડીને સંપૂર્ણ ખુલ્લી મુકી દેવી પડશે અને કોઈપણ જહાજને મુશ્કેલી ન પડે તેની ખાતરી આપવી પડશે. ત્યારબાદ અમેરિકા ખાડી દેશોને ૩૦૦ અબજ ડોલરનું ફંડ આપવા માટે મંજૂરી આપશે.

અહીંયા સૌથી મોટો સવાલ જ એ થાય છે કે, યુદ્ધ તો અમેરિકા અને ઈરાન તથા ઈઝરાયેલ વચ્ચે થયું હતું તો પછી ભંડોળની રકમ ખાડી દેશો દ્વારા કયા કારણોસર આપવામાં આવશે. ખાડી દેશો પણ તેના માટે સહમત થઈ ગયા તે પણ મોટી વાત છે. જાણકારોના મતે આ યુદ્ધ ભલે ત્રણ દેશો વચ્ચે થયું પણ તેમાં નુકસાન ખાડી દેશોનો વધારે થયું છે. ખાડી દેશોનું સમગ્ર તંત્ર જ ક્રૂડ અને ગેસના આધારે ચાલે છે. યુદ્ધમાં તમામ બંદરો બંધ થઈ ગયા, પ્રોડક્શન અટકી ગયું, અનેક સ્થળે ઈરાને હુમલાકરી દીધા અને બધું જ બરાબદ થઈ ગયું. વેપાર, રોજગાર, ધંધા, રોકાણ, પ્રવાસન બધું જ અટકી ગયું. ખાડી દેશોને ફરીથી આ વિસ્તારમાં શાંતિ, સલામતી, વેપાર અને ટ્રાન્સપોર્ટેશન યથાવત થાય તેની જરૂર હતી. તેથી જ તેઓ આ ફંડ માટે રાજી થયા હોવાનું કહેવાય છે.

આ ઉપરાંત હોર્મુઝની ખાડી ખોલવી તે પણ સૌથી મોટી જરૂરીયાત હતી. માત્ર ખાડી દેશો જ નહીં પણ દુનિયાભરન દેશો માટે હોર્મુઝની ખાડી ખુલવી તે જીવાદોરી સમાન હતી. આ યુદ્ધમાં ત્રણ મહિનાથી આ ખાડી બંધ હતી અને તેની સૌથી મોટી અસર ખાડી દેશોને જ થઈ છે. દુનિયાભરના ૨૦ ટકા ક્રૂડ અને ગેસનો જથ્થો આ રસ્તે દુનિયાભરમાં જાય છે. હોર્મુઝની ખાડી યુદ્ધને પગલે બંધ થઈ જતા જહાજો દરિયામાં અટવાઈ ગયા હતા. ખાડી દેશોમાં યુદ્ધની અસર હતી. ક્રૂડનું ઉત્પાદન ઘણા દેશોમાં ધીમું થઈ ગયું હતું તો ઘણા દેશોમાં બંધ કરવું પડયું હતું. તેના પગલે ક્રૂડની કિંમતોમાં તોતિંગ વધારો થયો હતો. આ ઉપરાંત ખાડીદેશોના અર્થતંત્રને વ્યાપક નુકસાન ગયું હતું. તેઓ આ તણાવ ઓછો કરવા માગતા હતા અને આ સમજૂતીમાં જોડાવા રાજી થયા હતા.

રોકાણ અને વેપાર દ્વારા મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાવી મુશ્કેલ બાબત છે 

જાણકારોના મતે મિડલ ઈસ્ટમાં માત્ર રોકાણ અને વેપારના નામે શાંતિ સ્થપાય તે મુશ્કેલ જણાઈ રહ્યું છે. હાલમાં પણ ઈરાનની પહેલી ડિમાન્ડ છે કે, લેબેનોનના સંરક્ષણ અંગે પૂરતો પ્લાન તૈયાર કરવામાં આવે. ઈઝરાયેલને શાંત કરીને લેબેનોનમાં શાંતિ સ્થાપવામાં આવે. ઈરાનની આ શરતને કારણે ઘણી વખત સમજૂતી પાછી ઠેલાઈ છે. આ વખતે ટ્રમ્પે બારોબાર સમજૂતી કરી છે પણ જો ઈઝરાયેલ હુમલા ચાલુ રાખશે તો ઈરાન પલટી જશે અને સ્થિતિ વધારે ખરાબ થશે. હકિકતે ઈઝરાયેલને આ સમજૂતીથી જ સાવ કોરાણે કરી દેવાયા છે. નેતન્યાહુને આ સમજૂતી અને સોદાની શરતો વિશે પણ કોઈ માહિતી નથી કે તેમને તેમાં ભાગ લેવા પણ બોલાવાયા નથી. હકિકતે તો આ યુદ્ધમાં સૌથી અસરગ્રસ્ત ઈઝરાયેલ જ છે. ગાઝા, લેબેનોન અને ઈરાનની મિસાઈલો અને તેના ઉપયોગ જેવા મુદ્દે ઘણા વખતથી મતભેદ ચાલ્યા કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સોદામાં જો આ મિસાઈલોને ન્યૂટ્રલાઈઝ કરવાની વાત નહીં હોય તો પણ ઈઝરાયેલ છંછેડાશે અને ફરી યુદ્ધની સ્થિતિ આવી જશે. આ ઉપરાંત અમેરિકાએ હાલમાં તો ઈરાનથી બચવાના નામે ખાડી દેશો પાસે રોકાણ કરાવી લીધું પણ ખરેખર તેમના રક્ષણ અને વેપાર વૃદ્ધિ માટે કોઈ બાંયધરી આપવામાં આવી નથી. તેના કારણે ગમે ત્યારે આ સમજૂતી નબળી પડી શકે તેમ છે. 

અમેરિકાના દબાણને કારણે ખાડી દેશોએ રોકાણ કર્યું હોવાના અહેવાલો 

ઉલ્લેખનીય છે કે, ખાડી દેશો દ્વારા ૩૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાની તૈયારી બતાવી તેની પાછળ ઘણા કારણો છે. તેમ છતાં અમેરિકાએ તેના માટે દબાણ કર્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. અમેરિકાએ યુદ્ધનો અંત લાવવા અને મિડલ ઈસ્ટમાં ફરીથી શાંતિ સ્થાપવા માટે ખાડી દેશોને ઈરાનના નામ ધમકાવ્યા અને દબાણ કરીને સંબંધો સુધારવાના નામે ૩૦૦ અબજ ડોલર આપવા માટે રાજી કરાવ્યા હોવાના પણ અહેવાલો છે. બીજી તરફ એવું પણ કહેવાય છે કે, ઈરાનને આ રકમ રોકાણના નામે જ અપાય છે. ખાનગી કંપનીઓ દ્વારા આ પૈસા રોકાશે અને ત્યારબાદ તેનો આર્થિક લાભ લેવામાં આવશે. ઈરાનને પણ લાભ થશે અને જે-તે દેશની કંપનીને પણ લાભ થશે. ઉલ્લેખનીય છે કે, ખાડી દેશો પણ ઈરાન સાથે સંબંધો સામાન્ય કરવા માગે છે. મિડલ ઈસ્ટમાં ઈરાન જ એક એવો દેશ છે જે બધાથી અલગ પડે છે. ખાડી દેશો હવે તેની સાથે તણાવ ઓછો કરીને સંબંધ સામાન્ય કરવા માગે છે અને વેપાર રોજગાર સારી રીતે ચાલતા રહે તેના માટે આયોજન કરવા માગે છે.