Editorial

ભારત, રશિયા અને ચીનનું 'ટ્રોઈકા' અમેરિકા માટે સિરદર્દ બની શકે

By GS TEAM
20 Jul 20257 mins read
ભારત, રશિયા અને ચીનનું 'ટ્રોઈકા' અમેરિકા માટે સિરદર્દ બની શકે

- સૌથી વધુ વસતી, જમીન સાથે વિશ્વના સૌથી શક્તિશાળી લશ્કર, અર્થતંત્ર ભેગા થાય તો..?

- ટ્રમ્પનો એક જ ઉદેશ છે કે કોઇપણ ભોગે અમેરિકાની દુનિયા ઉપર જોહુકમી ચાલે. આ માટે ટેરિફ વોર શરૂ કર્યા પછી ઈરાન ઉપર બોમ્બવર્ષા કરી તેણે લશ્કરી શક્તિનો ઉપયોગ કરતા પોતે ખાચકાશે નહીં એવો દુનિયાને સંકેત આપ્યો છે. બીજી તરફ, રશિયા અને ચીન અમેરિકાની એકહથ્થુ સત્તા અને દુનિયાને સીધો પડકાર આપી રહ્યા છે. મોસ્કો અને બૈજીંગ ઈચ્છે કે ભારત પણ તેને સાથ આપે કારણ કે અમેરિકા ભારતને પણ દબડાવી રહ્યું છે. જો આ ત્રણ દેશ ભેગા થાય, ટ્રોઈકા બને તો અમેરિકા સામે ઈતિહાસનો સૌથી મોટો પડકાર ઉભો થઇ શકે. જોકે, ભારત અને ચીન વચ્ચે માત્ર ઉષ્માભર્યા સંબંધો સ્થાપવા કપરાં છે. ભારતને કડવા અનુભવનો ભૂતકાળ નડે છે.

અમેરિકા અને તેના ઈશારે નાચી રહેલા નાટોના કારણે દુનિયામાં સત્તા અને શક્તિની અસમાનતા ઉભી થઇ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દરરોજ દુનિયાને એક ધમકી આપે છે. અન્ય દેશો તો ઠીક, જે એમની નીતિનો વિરોધ કરે છે એવા સ્થાનિક લોકોને દેશનિકાલ કરવા, તેમની નાગરિકતા પરત લઇ લેવી અને બદનક્ષીનો કેસ કરી રહ્યા છે. કેનેડા, મેક્સિકો અને ચીનથી શરૂ થયેલું ટેરિફ યુદ્ધ હવે કોમ્બોડિયા જેવા ટચૂકડા દેશ સુધી વિસ્તર્યું છે. પોતે શાંતિના દૂત છે એવી વાતો વચ્ચે દુનિયા ઉપર શસ્ત્ર અને ટેરિફની ધાક જમાવી રાજ કરી રહ્યા છે. એવામાં ભાંગી પડવાના આરે આવેલા, હાંસિયામાં ધકેલાઈ ગયેલા નાટોને તણખલું મળ્યું છે અને ત્યાંથી પણ ટ્ર(મ્પેટ) વાગવી શરૂ થઇ છે. 

સત્તાની આ અસમાનતા દુનિયા માટે ખતરનાક છે. રશિયા અને ચીન નાટો અને અમેરિકાના મુખ્ય લક્ષ્ય છે. અને આ બન્ને દેશો સાથે મિત્રતા ધરાવતા, વ્યાપારી સંબંધો ધરાવતા દેશો ઉપર પણ ટ્રમ્પની ગાજ વરસે એ પહેલા નવી શક્તિ ઉભરે એ જરૂરી છે. આ ત્રણ દેશો ભેગા થાય તો શું શક્તિ ઉભી થાય? આ માટેના આંકડા જાણવા જરૂરી છે. રશિયા, ભારત અને ચીન ભેગા મળી ૨૫.૬ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બને જે વિશ્વના કુલ અર્થતંત્રનો ચોથો ભાગ થાય! લશ્કરી દ્રષ્ટિએ ત્રણ દેશ ભેગા મળી વિશ્વના કોઇપણ દેશ કરતા સૌથી મોટી સેના, સૌથી શક્તિશાળી શસ્ત્રો ધરાવે છે. ચીન વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર છે, રશિયા પાસે પુષ્કળ માત્રામાં ક્રૂડ, કોલસો અને નેચરલ ગેસ છે જ્યારે ભારત મેન્યુફેક્ચરિંગના ઉભરી રહેલા કેન્દ્ર સિવાય ઇન્ફર્મેશન ટેકનોલોજીનું વૈશ્વિક હબ છે. ટ્રોઈકાનો વૈશ્વિક વ્યાપારમાં હિસ્સો ૩૫ ટકા કરતા વધારે ગણાય. વિશ્વના કુલ ભૌગોલિક વિસ્તારનો પાંચમો ભાગ અને ૨૯૫ કરોડ લોકોની વસતી સાથે વિશ્વનો દર ત્રીજો કે વ્યક્તિ આ ત્રણ દેશોમાં વસવાટ કરે છે! આટલી વિરાટ શક્તિની અવગણના કરવી અમેરિકા સહિત વિશ્વના કોઇપણ દેશ કે સંસ્થા માટે શક્ય જ નથી.

પરંતુ, જેટલું સરળ લાગે છે એટલી ઝડપથી આ ત્રિશૂળ એક થઇ અમેરિકાને હંફાવે એવું શક્ય નથી. આ વિચાર નવો પણ નથી! રશિયા, ઇન્ડિયા અને ચીન (આરઆઈસી)નો ટ્રોઈકા ઉભો થાય એવો પ્રયાસ ૧૯૯૮માં થયેલો. સંજોગોવશાત તે અત્યારે સુષુપ્ત છે. 

 એ સમયે રશિયાના વડાપ્રધાન યર્ગેની પ્રીમાકોવે દુનિયા અને ખાસ કરીને યુરોપ એશિયા ઉપર અમેરિકાના એકધ્રુવીય (યુનિપોલાર) સામે સ્ટ્રેટેજિક ભાગીદારી અને મંત્રણા માટે આ ટ્રોઈકા (રશિયન શબ્દ છે જેની ઉત્પતિ એવી ગાડી જેણે ત્રણ ઘોડા ખેંચે એના ઉપરથી આવ્યો છે) એટલે કે ત્રણ શક્તિ, ત્રિશૂળ રચવાની વાત હતી. શરૂઆતમાં માત્ર રાજદ્વારી મંત્રણા માટેના મંચ તરીકે તે શરૂ થયું અને પછી સુરક્ષા, આર્થિક, ઉર્જા અને વૈશ્વિક સંસ્થાઓના રિફોર્મ માટે પણ તેમાં ચર્ચા શરૂ થઇ. 

ટ્રોઈકા બ્રિકસ કે જી૭ રાષ્ટ્રસમુહ જેવું સત્તાવાર પ્લેટફોર્મ ન હતું પણ ૨૦૦૨માં તેના વિદેશ મંત્રીઓની બેઠક મળી હતી. આ પછી ૨૦૦૬માં ત્રણેય દેશના ટોચના નેતાઓ વચ્ચે શિખર મંત્રણાના સ્વરૂપે મંત્રણા થઇ હતી. આર્જેન્ટીના ખાતે ૨૦૧૮માં જી૨૦ સમુહની બેઠક સાથે આ ત્રણ દેશોના વડા અને વિદેશ મંત્રીએ યુનો, આઈએમએફ, વર્લ્ડ બેંક જેવી બહુપક્ષીય સંસ્થાઓમાં બદલાવ માટે પ્રયત્ન કરવા માટે વિચાર કરવામાં આવ્યો હતો. આ પછી કોરોના મહામારી અને એ સમય દરમિયાન ભારત અને ચીનના વણસેલા સંબંધોના કારણે બેઠકો થઇ નથી. જોકે, ૨૦૨૪માં બ્રિકસ રાષ્ટ્રોની બેઠકમાં ફરી જળવાયુ પરિવર્તન, ઉર્જા અને વૈશ્વિક આર્થિક સ્થિરતા અંગે મંત્રણા થઇ હતી. 

સૌથી મોટી સમસ્યા છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોના સાત દાયકા ઉતાર-ચડાવ. જવાહરલાલ નેહરૂ અને ચીનના પ્રથમ પ્રીમિયર ઝૂ એન્લાઈ વચ્ચે પંચશીલ કરાર થયેલા. આ કરારનો ભારતમાં ભારે વિરોધ થયેલો અને ૧૯૫૪માં તિબેટ મુદ્દે બંને દેશ વચ્ચે પ્રથમ મતભેદ શરૂ થયા. જોકે, ચીનના રાષ્ટ્રપતિ માઓ અને નેહરૂએ સંધિ કરી એ વિવાદ ઉકેલ્યો. પણ એ પછી ભારત અને ચીન વચ્ચે ૧૯૬૧માં થયેલા યુદ્ધ બાદ રાજદ્વારી સંબંધોમાં ભારે ઓટ આવી હતી. 

ભારતે જયારે જયારે ચીન સાથે સારા આથક, રાજદ્વારી અને લશ્કરી સંબંધો બાંધવા પ્રયત્ન કરેલા છે ત્યારે પીઠમાં ખંજર ભોંકાયું છે! છેલ્લા સરકારે ચીન સાથે ગાઢ સંબંધો બાંધવા માટે હાથ લાંબો કર્યો ત્યારે ૨૦૨૦માં સરહદે બન્ને દેશોના સૈનિક વચ્ચે ફરી લડાઈ થઇ હતી. આ ઉપરાંત, લડાખ, અરૂણાચલ પ્રદેશ સહિત બંને દેશ વચ્ચે સરહદી વિવાદો પણ ઉભા જ છે. ભારતે ચીનનું મૂડીરોકાણ અટકાવેલું છે, ચીનના બદલે ભારત વૈશ્વિક રીતે ઉત્પાદનનું હબ બને એના માટે વિશ્વમાં પ્રચાર, પ્રસાર થઇ રહ્યો છે. 

આ સિવાય ભારતને સૌથી વધુ ખૂંચે એવી બાબત છે ચીનના પાકિસ્તાન સાથેના સંબંધો. ભારત સામે પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ હોય કે વૈશ્વિક સ્તરે કાશ્મીરનો મુદ્દો, ચીન હમેશા ઇસ્લામાબાદની પડખે ઉભું રહ્યું છે. એમાં પણ છેલ્લા એક દાયકામાં ચીને પાકિસ્તાનમાં જંગી મૂડીરોકાણ કર્યું છે, પાકિસ્તાનને મળતા ૮૦ ટકા શસ્ત્રો ચીન આપે છે જેનો ઉપયોગ ભારત સામે થાય છે. ત્રણ મહિના પહેલાં જ, ઓપરેશન સિંદુર સમયે ચીને પાકિસ્તાનને શસ્ત્રો (યુદ્ધ વિમાનો, મિસાઈલ, ડ્રોન, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ) ઉપરાંત ગુપ્તચર માહિતી આપી ભારત વિરોધી કામગીરી કરી હતી. એટલું જ નહીં, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશની બેઠકમાં સંયુક્ત ઘોષણા પત્રમાં પહેલગામ ઉપરના નૃસંશ ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ નહીં કરતા ભારતે વિરોધ કરી તેના ઉપર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. 

નવી દિલ્હી અને બૈજીંગ વચ્ચે 'કલ, આજ ઔર કલ' ત્રણેય કાળમાં અવિશ્વાસનું વાતાવરણ છે. જોકે, બન્ને દેશો બદલાયેલા વિશ્વમાં સંબંધો સુધારવા પ્રયત્નશીલ છે. ગલવામની ૨૦૨૦ની ઘટના પછી બન્ને દેશોએ સરહદે સૈનિકોને પરત બોલવી લીધા છે. ભારતે ચીન માટેની સીધી ફ્લાઈટ શરૂ કરી છે. પાંચ વર્ષ પછી પ્રથમ વખત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર તાજેતરમાં ચીનની મુલાકાતે ગયા હતા. વિદેશ મંત્રી સ્તરની બેઠક બાદ રાષ્ટ્રપતિ શી જીન્પીંગને પણ મળ્યા હતા. વિદેશ મંત્રી જયશંકરનો મત છે કે ભારત અને ચીન વૈશ્વિક વ્યાપાર અને અર્થતંત્રમાં એકબીજાના સ્પર્ધક છે પણ તેનાથી બન્ને વચ્ચે સંઘર્ષ ઉભો થવો જોઈએ નહીં. બન્ને દેશો એવું પણ માનતા થયા છે કે વધારે સહકારથી માત્ર બન્ને દેશો, એશિયા નહીં પણ સમગ્ર વિશ્વને ફાયદો થઇ શકે એમ છે. 

યોજના આયોગના સ્થાને આવેલા નીતિ આયોગે તાજેતરમાં એક અહેવાલમાં ભારત સરકારને ચીનના મૂડીરોકાણને ફરીથી આકર્ષવા માટે, ચીન ભારતની કંપનીમાં ફરી ૨૪ ટકા જેટલો હિસ્સો ખરીદી શકે એ માટે ભલામણ કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, સત્તાવાર જાહેરાત થઇ નથી. ચીનની ચીજોના બહિષ્કારથી મૂડીરોકાણ આકર્ષવા સુધીની સફરને ચોક્કસપણે સકારાત્મક કહી શકાય.

ટ્રોઈકાને ફરીથી જીવંત કરવામાં રશિયાએ ફરી પહેલ કરી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવારોવે ત્રણેય દેશો વચ્ચે મંત્રણા શરૂ થાય, વધારે સહકાર માટે કામગીરી થાય તેની હિમાયત કરી હતી. રશિયાએ ત્રણેય દેશ વચ્ચે સત્તાવાર મંત્રણા માટે શરૂઆત કરી હોવાની ચર્ચા પણ કરી હોવાનું ચર્ચામાં આવ્યું હતું પણ ભારતે જણાવ્યું છે અત્યારે બેઠક થવા માટે કોઈ સત્તાવાર આમંત્રણ નથી, જ્યારે એવી વાત હશે ત્યારે જાણ કરવામાં આવશે. પણ એટલું ચોક્કસ છે કે ભારત અને ચીન છેલ્લા પાંચ વર્ષથી એકબીજા સાથે વાત કરવા તૈયાર ન હતા, એકબીજા વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ હતું તે દૂર કરી ફરી સહકાર અંગે સહમત થયા છે. આ સ્થિતિમાં ત્રણેય દેશો આજે નહીં તો કાલે ફરીથી મળે એ શક્ય છે. એટલું જ નહીં અમેરિકાને હંફાવવા ત્રણ દેશો વિચારી રહ્યા હોય એ શક્યતા નકારી શકાય જ નહીં. 

ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ત્રાસવાદી સંગઠનની જાહેરાત ચીનથી ભારતને દૂર રાખવા અમેરિકાની ચાલ 

એશિયા અને દુનિયામાં ચીનને રોકવા માટે ભારતની જરૂર છે. રશિયાથી પણ ભારત દૂર થાય એવું અમેરિકા વારંવાર જણાવી રહ્યું છે. ક્રૂડ ઓઈલ ખરીદો નહીં, રશિયા પાસેથી શસ્ત્રો ન ખરીદો અને અમેરિકન શસ્ત્રો ખરીદો એવું અમેરિકા સત્તાવાર રીતે ભારતને જણાવી રહ્યું છે. દરેક રીતે હમેશા ખભો મિલાવી ઉભા રહેલા, ભારતની લશ્કરી, વૈજ્ઞાાનિક અને સ્પેસ તાકાતને ઉભી કરવામાં મોસ્કોનો સહકાર ભારત ભૂલે નહીં એ પણ એટલું જ સત્ય છે. દાયકાઓમાં સૌથી સારા સંબંધો હોવાનું જણાતા અમેરિકાનો ભારતની બજાર ઉપર ડોળો છે. ભારત અને ચીન ફરીથી નજીક આવી રહ્યા છે એ વાતથી અમેરિકા અજાણ નથી. રશિયા, ઇન્ડિયા અને ચીન ભેગા થઇ અમેરિકાને પડકાર આપી શકે એ વાતથી ટ્રમ્પ વહીવટીતંત્ર વાકેફ છે. પહેલગામના હુમલા અંગે પાકિસ્તાનનો પક્ષ લેનારા ચીનથી ભારત ઉશ્કેરાયેલું રહે એટલે જ અમેરિકાએ થોડા દિવસો પહેલા આ હુમલાની જવાબદારી લેનાર લશ્કર-એ-તૈયબાની પાંખ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને ત્રાસવાદી સંગઠન જાહેર ર્ક્યું છે. આ અમેરિકાની ચાલ છે કે ભારત ચીન અને રશિયાથી દૂર રહે.