રશિયા-યુક્રેનનું યુદ્ધ ડોલરને ખતમ કરી નાખશે એવો અમેરિકાને ડર

- યુક્રેનના યુદ્ધ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રોજના નવા રંગ
- રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી થઇ રહી છે આ ખરીદીનો વ્યવહાર અમેરિકન ડોલરમાં નથી થઈ રહ્યો તેનું ટ્રમ્પને પેટમાં દુખે છે. રશિયાના ક્રૂડ અને ગેસના વિશ્વમાં ત્રણ સૌથી મોટા ખરીદદાર છે. યુરોપ, ચીન અને ભારત. યુક્રેન ઉપર આક્રમણ કરવાના ગુનામાં પશ્ચિમી દેશોએ રશિયાને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમમાંથી હાંકી કાઢયું છે એટલે રશિયાના વૈશ્વિક વ્યાપારનો વ્યવહાર ડોલરમાં નહીં અન્ય ચલણમાં થાય છે. યુરોપ યુરોમાં ચુકવણું કરે છે, ચીન પોતાના ચલણ યુઆનમાં અને ભારત રૂપિયામાં... વર્ષે 400 અબજ ડોલરનો રશિયાનો વ્યાપાર અન્ય ચલણમાં થઇ રહ્યો છે એટલે ટ્રમ્પ માટે આ યુદ્ધ તરત જ અટકે એ જરૂરી છે. અમેરિકાની જોહુકમી, જગત જમાદાર તરીકેની દાદાગીરીનું મુખ્ય કારણ ડોલર છે.
એપ્રિલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને વ્હાઈટ હાઉસમાંથી હાંકી કાઢયા બાદ, રશિયાને ડરાવવા યુક્રેનને મિસાઈલ વેચવાનો સોદો નાટો દેશ સાથે કરી આવ્યા હતા. પછી, પુતિન મિત્રના બદલે દુશ્મન હોવાનું ગાણું ગાઈ ક્રેમલિન ઉપર પ્રતિબંધની ધમકીઓ આપતા થયા. આ સમયગાળામાં બ્રિકસ દેશો ડોલરના દુશ્મન, ભારત રશિયાનું ક્રૂડ ખરીદે છે એટલે ટેરિફ લાદવાની જાહેરાત કરી. રોજ રંગ બદલતા ટ્રમ્પ અચાનક જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા પછી ત્રણ જ દિવસમાં યુરોપના દેશો અને યુક્રેનના ઝેલેન્સકીને વ્હાઈટ હાઉસના મહામૂલા મહેમાન બનાવ્યા. આ ઘટનાચક્ર થ્રીલર ફિલ્મને આંટે એવો છે. અમેરિકાનું વર્ચસ્વ ખતમ થાય, પોતાનું ચલણ ડોલર પાયમાલ થાય અને જગતજમાદારી બંધ થઇ જાય એવી જીયોપોલિટીકલ સ્થિતિ હોય એવું સ્પષ્ટ પુરવાર થયું છે.
ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન ઉપર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો પછી વિશ્વના બે ભાગ પડી ગયા છે. એક રશિયાના મિત્રો દેશો અને બીજા અમેરિકા, યુક્રેન, યુરોપ અને નેટોના સહયોગીઓ. ૪૨ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, પશ્ચિમી દેશોએ રશિયાના અર્થતંત્રની, યુદ્ધનો ખર્ચ વહન કરવાની શક્તિ ઉપર ૨૧,૬૯૨ પ્રતિબંધ લાદ્યા હોવા છતાં રશિયા વધુને વધુ આક્રમક રીતે યુક્રેન ઉપર હુમલા કર્યે રાખે છે. આ સ્થિતિ અમેરિકાને અકળાવે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કે રશિયા ખતમ કેમ નથી થઇ રહ્યું? રશિયાની આર્થિક વ્યવસ્થા કેમ સદ્ધર છે?
પ્રાથમિક આંકડાઓ દર્શાવે છે કે રશિયા ઉપર યુદ્ધના કારણે પ્રતિબંધ જાહેર થતા ચોક્કસ અસર થઇ છે પણ તે અમેરિકા કે પશ્ચિમી દેશોની અપેક્ષા જેટલી ખરાબ નથી. ડિસેમ્બર ૨૦૨૩ના ક્વાર્ટરમાં રશિયાની કુલ નિકાસ ૧૫૮.૨ અબજ ડોલર હતી તે માર્ચ ૨૦૨૫ના અંતે ઘટી ૧૦૧.૩ અબજ ડોલર થઇ છે. સામે આયાત આ સમયગાળામાં ૭૦થી ૭૫ અબજ ડોલર વચ્ચે સ્થિર છે. રશિયા જેટલી પુરાંત ધરાવતું હતું તેની સામે ઘટી છે પણ હજી પુરાંત તો છે જ! જાન્યુઆરી ૨૦૨૨ એટલે કે યુદ્ધ શરૂ થયું એના થોડાં દિવસ અગાઉ રશિયા પાસે કુલ ૬૩૦ અબજ ડોલરની વિદેશી હૂંડિયામણની અનામત (વિદેશી ચલણ, સોનું, અન્ય રોકાણ સહિત) હતી. જૂન ૨૦૨૫ના સેન્ટ્રલ બેંક ઓફ રશિયન ફેડરેશનના આંકડા અનુસાર ૪૧૧ અબજ ડોલરના વિદેશી ચલણ સહિત અત્યરે તેની પાસે ૬૮૮ અબજ ડોલરની અનામત છે. યુદ્ધના ખર્ચને પહોંચી વળ્યા પછી પણ ક્રેમલિનની તિજોરીમાં કાણું નથી પડયું, તે વધારે ભરાઈ છે!
બીજું, ચીન અને ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યા છે એટલે પુતિનની તિજોરી છલકાઈ રહી છે એવું કહેનારા આંખ આડા કાન કરી રહ્યા છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી યુરોપિયન સંઘના દેશોએ ૨૧૫થી ૨૩૫ અબજ ડોલરના ક્રૂડ, ગેસ અને કોલસો રશિયા પાસેથી ખરીદ્યા છે તેની સામે યુક્રેનને ૨૦૦ અબજ ડોલરની સહાય કરી છે. આમ, યુક્રેનને કરેલી સહાય કરતા રશિયાએ વધારે નાણા ચૂકવ્યા છે! વર્ષ ૨૦૨૨થી યુરોપીયન સંઘે પોતાની જરૂરીયાતના ૫૧ ટકા લિક્વિડ નેચરલ ગેસની ખરીદી રશિયા પાસેથી કરી છે. પાઈપ મારફત યુરોપ આવતો ૩૭ ટકા ગેસ રશિયા પૂરો પાડે છે. વર્ષ ૨૦૨૪માં રશિયા પાસેથી યુરોપિયન સંઘે ૨૫.૪ અબજ ડોલરના ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદી કરી હતી અને એ વર્ષમાં ૨૧.૬૯ અબજ ડોલરની સહાય યુક્રેનને કરી હતી.
દરમિયાન, વિશ્વના અન્ય દેશોની જેમ રશિયા પણ પોતાની રોકડ વિવિધ ચલણ, સોનું, વિદેશી સરકારના બોન્ડમાં રોકે છે. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકા અને ગ્રુપ ઓફ સેવન દેશોએ રશિયાનું આવું ૩૦૦ અબજ ડોલરનું રોકાણ જપ્ત કર્યું છે. રશિયા પાસે એ સમયે ૨૦૭ અબજ યુરો, ૬૭ અબજ અમેરિકન ડોલર, ૩૭ અબજ બ્રિટીશ પાઉન્ડ, ૩૬ અબજ જાપાનીઝ યેન સહિત અન્ય ચલણ હતા. રશિયન સેન્ટ્રલ બેંક ત્યારે જે ૬૩૦ અબજ ડોલરની અનામત જણાવે છે તેમાં આ જપ્ત થયેલી રકમ પણ સામેલ છે. પશ્ચિમી દેશોને વળતો જવાબ આપવા રાષ્ટ્રપતિ પુતિને એક ખાસ વટહુકમ બહાર પાડી રશિયામાં કાર્યરત અમેરિકા અને યુરોપની કંપનીઓની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કર્યું છે. રશિયાની સંપત્તિ જેટલો આ આંકડો મોટો નથી પણ રશિયા આ સંપત્તિનો પોતાના સ્થાનિક આર્થિક ઉપાર્જનમાં ઉપયોગ કરી વિશ્વની સામે ટકી રહ્યું છે.
યુદ્ધની સાથે અમેરિકા અને યુરોપે પોતાની જોહુકમી વાપરી બે સૌથી મોટા આર્થિક શસ્ત્રો ઉગામ્યા હતા. એક, રશિયાને વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમમાંથી હાંકી કાઢયું છે. બીજું, જે દેશો કે કંપનીઓ રશિયા સાથે વ્યાપાર કરે છે તેના ઉપર પણ પરોક્ષ પ્રતિબંધ મુકવામાં આવી રહ્યા છે. પેમેન્ટ સિસ્ટમમાંથી રશિયાને હાંકી કાઢતા ડોલરમાં થતો વૈશ્વિક વ્યાપાર અટકી ગયો છે અને તેના કારણે રશિયાને ફટકો પડયો છે. પરંતુ, એવું નથી. કારણ કે યુરોપ પોતની ક્રૂડ અને ગેસની જરૂરીયાત માટે રશિયાને પેમેન્ટ કરી રહ્યા છે. બીજું, ભારત, ચીન, તુર્કી જેવા દેશો પણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદી તેમને પેમેન્ટ કરી રહ્યા છે. ભારત, ચીન અને રશિયા માટે પેમેન્ટની વ્યવસ્થા અલગ છે અને તેમાં ડોલરનો સમાવેશ થતો નથી એટલે અમેરિકાને પેટમાં તેલ રેડાયું છે. વૈશ્વિક ચલણ તરીકે જગત જમાદાર અમેરિકાના ચલણનું શાસન ડગમગી રહ્યું છે!
યુદ્ધ પહેલા રશિયા અને ચીન વચ્ચે ૬૦ અબજ ડોલરનો વાર્ષિક વ્યાપાર હતો જે ૨૦૨૪માં વધી ૨૨૫ અબજ ડોલર થઇ ગયો છે. રશિયા ચીન પાસેથી આયાત કરે છે તેના કરતા નિકાસ વધારે કરે છે. આ વ્યાપાર ચીનના ચલણ યુઆનમાં થાય છે. અત્યારે રશિયાના ૪૦ ટકા વ્યાપારમાં યુઆનનો ઉપયોગ થાય છે. દ્વિપક્ષીય વ્યાપાર હોવાના કારણે બન્ને દેશોને એકબીજાના પેમેન્ટમાં તકલીફ પડતી નથી. બીજું, રશિયામાં યુદ્ધની સામગ્રી બનાવવા માટેના પાર્ટ્સ, મશીનરી માટે ચીન મુખ્ય સપ્લાયર છે!
કોરોના મહામારી પહેલા ભારત અને રશિયા વચ્ચે માત્ર ૧૦ અબજ ડોલરનો વ્યાપાર હતો જે ૨૦૨૪-૨૫ના વધી ૬૮.૭ અબજ ડોલર થયો છે. પેમેન્ટ સિસ્ટમમાંથી રશિયાને કાઢી મૂકતા, ભારતે પણ ચીનની જેમ રૂપિયામાં વ્યાપાર કરવાનું પસંદ કર્યું હતું. જોકે, ભારતની આયાત ૬૩.૮ ડોલર અને રશિયા સાથે નિકાસ માત્ર ૪.૯ ડોલર છે. આયાત કરતા નિકાસ વધારે હોવાથી રશિયા પાસે રૂપિયાની અનામતોનો ઢગલો થઇ ગયો છે. પણ દાયકાઓ જુના સંબંધોમાં ભારત રશિયાની મદદે ઉભું છે. રિઝર્વ બેંકે ભારતીય બેંકોને રૂપિયા સામે રશિયન ચલણ રુબલમાં ટ્રેડીંગ કરવાની છૂટ આપી છે. ખાસ ખાતા ખોલાવી રશિયાની રૂપિયાની અનામતો તેમાં જમા કરાવાની અને તેનું રોકાણ ભારતના શેરબજાર, બોન્ડ માર્કેટમાં કરવાની છૂટ પણ આપી છે. આ ઉપરાંત, ભારત અને ચીનની વ્યાપાર ખાધ મોટી હોવાથી યુઆનમાં પેમેન્ટ માટે રશિયા ભારતના રૂપિયાનો ઉપયોગ કરી પરોક્ષ રીતે ચીનને પેમેન્ટ કરતું હોવાનું પણ જાણવા મળ્યું છે.
રશિયા માટે ચલણ એ પહેલો પડકાર નથી
ડિસેમ્બર ૧૯૯૧માં સોવિયેત યુનિયનમાંથી દેશો છુટા પડયા અને તેની સાથે સદીઓથી ઉપયોગમાં લેવાતું ચલણ સોવિયેત રૂબલ પણ. આ સાથે ૧૫ સ્વતંત્ર દેશોનો જન્મ થયો અને દરેક દેશને પોતાનું ચલણ રાખવાની ઈચ્છા હતી. જોકે, પ્રાથમિક તબક્કામાં એટલે કે ૧૯૯૩ સુધી રૂબલ ઝોનની સ્થાપન કરતી સોવિયેત રૂબલ સ્વીકારવામાં આવતું હતું. આ સમયે વિશ્વના દેશોએ રશિયા સાથે પેમેન્ટમાં રૂબલના બદલે ચીજોમાં સોદાઓની પતાવટ કરી હતી.
બાર્ટર - એટલે કે પૈસાના બદલે એક ચીજની ખરીદી સામે ખરીદનાર બીજી ચીજ આપે એવી સૈકાઓ જૂની વ્યવસ્થા ફરીથી અસ્તિત્ત્વમાં આવી હતી. ૧૯૯૩માં રશિયાએ પોતાનો રૂબલ રજૂ કરી નવી ચલણની વ્યવસ્થા અમલમાં મૂકી હતી.
ઈરાન ઉપર પ્રતિબંધના સમયે એશિયન કલીયરિંગ યુનિયન જન્મ્યું!
એકવીસમી સદીની શરૂઆતમાં ઈરાન ઉપર અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ પરમાણુ કાર્યક્રમના લીધે પ્રતિબંધ લાદયા હતા.
આ સમયે ઈરાન એક ચોક્કસ માત્રામાં ક્રૂડ અને ગેસ વિશ્વના અન્ય દેશોને વેચી શકતું હતું પણ તેનું પેમેન્ટ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ ગેટ-વેથી થતું નહીં. આ માટે એશિયન કલીયરિંગ યુનિયનની રચના કરવામાં આવેલી. આ યુનિયનમાં એશીયાઇ દેશો એકબીજા સાથે ઈરાનને કરવાના પેમેન્ટના બદલા કરતા, એકબીજાના ચલણમાં ચુકવણું કરી ઈરાનને પૈસા પહોચાડતા હતા. વર્ષ ૨૦૧૦માં આ યુનિયન ભાંગી પડયું અને એ પછી અન્ય દેશોની મદદથી, આ પેમેન્ટ ક્રૂડ ઓઈલ માટે જ થઇ રહ્યું છે તેવી ગેરેંટીના આધારે વિશ્વની અન્ય બેંકોનો ઉપયોગ કરી પેમેન્ટ કરવામાં આવતું હતું.








