Editorial

યુદ્ધ લડવા અને અધુરા છોડી દેવા અમેરિકીની ફિતરતમાં છે!

By GS TEAM
19 Jun 20267 mins read
યુદ્ધ લડવા અને અધુરા છોડી દેવા અમેરિકીની ફિતરતમાં છે!

- પ્રથમ વિશ્વયુદ્ધથી અત્યાર સુધીમાં અમેરિકાએ 35 જેટલા યુદ્ધ કર્યા અથવા સૈન્ય અભિયાનો હાથ ધર્યા અને બધા જ અધૂરા છોડી દીધા, ક્યાંક સમાધાન તો ક્યાંક પલાયન કરી લીધું

- આ સદીમાં એટલે કે 19 અને 20મી સદીમાં તેણે 10 જેટલા સૈન્ય ઓપરેશન હાથ ધર્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ તમામ લડાઈઓ કે પછી યુદ્ધ કે ઓપરેશન કાયમ અમેરિકા અધૂરા જ છોડીને જતું રહ્યું છે. આ પહેલાં ઘણી વખત અને તેમાંય છેલ્લા પાંચ મોટા યુદ્ધમાં અમેરિકાને મોટો આઘાત મળેલો છે. તેણે પાંચ વખત હારવાની સ્થિતિમાં આવીને યુદ્ધ અટકાવવું પડયું હતું  : 24 ઓગસ્ટ 1814ના રોજ બ્રિટનની સેનાએ ચેસાપીક ખાડી પાસેથી હુમલો કરીને વોશિંગ્ટન ઉપર કબજો જમાવી લીધો હતો. તેમણે વ્હાઈટ હાઉસ, કેપિટોલ અને અન્ય ઈમારતો સળગાવી દીધી હતી. અમેરિકી રાજધાની ઉપર આ દુર્લભ હુમલો હતો. ત્યારબાદ અમેરિકા અપમાનજનક સ્થિતિમાં મુકાયું અને તેણે યુદ્ધ વિરામ કરવો પડયો હતો : ઈરાનમાં સત્તા પલટો લાવવો હોય કે, ધાર્મિક વિચાસરણી બદલવી હોય કે પછી ઈરાનના યૂરેનિયમ પર કબજો જમાવવો હોય અથવા તો તેના મિસાઈલ સિટીને નષ્ટ કરવું હોય અથવા તો ઈરાનમાં ગૃહયુદ્ધ શરૂ કરાવવું કે પછી હોર્મુઝની ખાડી ખોલાવવી હોય આ વખત અમેરિકાને કોઈએ દાદ આપી નહીં 

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકી પ્રમુખ હવે સમજૂતી અને કરારનો જશ ખાટવા હવાતિયા મારી રહ્યા છે. આ પહેલાં આક્રમક યુદ્ધ કરીને ઈરાનને નષ્ટ કરવા, ત્યાં સત્તા પલટો કરવા તથા તેના ન્યૂક્લિયર પાવર પ્રોજેક્ટ્સને બરબાદ કરવાના ટ્રમ્પના અભરખાં અધુરાં રહી ગયા હતા. ઈરાને મજબૂત રીતે અમેરિકા અને ઈઝરાયેલના હુમલાનો સામનો કર્યો હતો અને જવાબ આપ્યો હતો. તેમાંય જ્યારે ઈરાને ક્રૂડ ઓઈલ અને ગેસનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે જગત જમાદારની સાન ઠેકાણે આવી ગઈ હતી. ત્રણ મહિના સુધી હોર્મુઝની ખાડી બંધ રહેવાથી દુનિયાભરમાં જે રીતે ક્રડ અને ગેસની અછત થવા લાગી, મોંઘવારી વધવા લાગી તેના પગલે વિશ્વભરમાં આ યુદ્ધને વખોડવાની શરૂઆત થઈ ગઈ હતી. 

અમેરિકામાં પણ મોંઘવારી, ક્રૂડની અછત અને અન્ય રાજકીય અને આર્થિક મુશ્કેલીઓ વધતા તથા બજારમાં વ્યાપક નુકસાન જવા લાગતા અમેરિકી પ્રમુખ નરમ પડયા હતા. તેમણે યુદ્ધ અકાવીને શાંતિ કરાર કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પેન્ટાગોન દ્વારા પણ ઈરાન સાથે શાંતિ મંત્રણા કરવા ઉપર ભાર મુકાવા લાગ્યો હતો. તેના પગલે જ અમેરિકાએ આખરે ઈરાન સાથે સંધિ કરી લીધી. અમેરિકા અને ઈરાનની આ સંધી પાછળ જાણકારોનું માનવું છે કે, આ યુદ્ધ પણ કોઈની જીત કે હાર વગર સમાપ્ત થઈ ગયું છે. અમેરિકાએ તેની ફિતરત પ્રમાણે અન્ય દેશમાં સૈન્ય પગલાં લઈને કે યુદ્ધ કરીને ત્યાંના બજારને, સમાજ જીવનને અને અર્થતંત્રને નુકસાન પહોંચાડીને નાસવાની વૃત્તિ રાખી છે. ઈરાન સાથે પણ યુદ્ધ કરીને અમેરિકા હવે પલાયન કરી રહ્યું છે. તેને ભૂતકાળમાં પણ ઘણા યુદ્ધ અધૂરા છોડી દીધા છે અથવા તો પરાજયના ભયથી પલાયન કરી લીધું છે. 

મહત્ત્વની વાત એ છે કે, પ્રથમ વિશ્વ યુદ્ધથી શરૂ કરીને અત્યાર સુધીમાં જોઈએ તો અમેરિકાએ ૩૫ જેટલા મોટા યુદ્ધ લડયા છે અથવા તો સૈન્ય ઓપરેશન કર્યા છે. તેમાંય આ સદીમાં એટલે કે ૧૯ અને ૨૦મી સદીમાં તેણે ૧૦ જેટલા સૈન્ય ઓપરેશન હાથ ધર્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ તમામ લડાઈઓ કે પછી યુદ્ધ કે ઓપરેશન કાયમ અમેરિકા અધૂરા જ છોડીને જતું રહ્યું છે. હાલમાં પણ અમેરિકાએ ઈરાન સાથેના યુદ્ધમાં આવું જ કર્યું છે. મિડલ ઈસ્ટના દેશોનો સોથ વાળ્યા બાદ, તેમના અર્થતંત્રને હચમચાવી દીધા બાદ હવે પોતે સમાધાન ઉપર ઉતરી આવ્યું. 

આ પહેલાં ઘણી વખત અને તેમાંય છેલ્લા પાંચ મોટા યુદ્ધમાં અમેરિકાને મોટો આઘાત મળેલો છે. તેણે પાંચ વખત હારવાની સ્થિતિમાં આવીને યુદ્ધ અટકાવવું પડયું હતું. દુનિયા માને છે કે આ તમામ તબક્કે અમેરિકા હારી જ ગયું હતું અને એકાએક સરકી ગયું હતું. હાલમાં ઈરાન સામે પણ આવી જ સ્થિતિમાં આવ્યું છે. ટેકનિકલી એવું કહી શકાય કે કોઈપણ દેશે અમેરિકાને સીધો પરાજય આપ્યો નથી. લાંબા સમય સુધી ચાલેલા સંઘર્ષ, હથિયારોની અછત, રણનીતિની નિષ્ફળતાઓ, મોટા આર્થિક નુકસાનને કારણે અમેરિકાએ પીછેહટ કરી હોય અથવા તો યુદ્ધ અધુરું છોડવું પડયું હોય તેવી આ ઘટનાઓ છે.

ભૂતકાળની વાત કરીએ તો બ્રિટન સામેના યુદ્ધમાં પણ અમેરિકાને ભોગવવાનું આવ્યું હતું. અમેરિકાએ ૧૮ જૂન ૧૮૧૨થી ૨૪ ડિસેમ્બર ૧૮૧૪ સુધી બ્રિટન સાથે યુદ્ધ કર્યું હતું. બ્રિટને જબરદસ્તી નાવિક ભરતી કરી અને કેનેડાની સરહદે બ્રિટિશ સમર્થન ધરાવતા મૂળ નિવાસીઓ માટે ભય ઊભો કર્યાનો આરોપ મુકીને અમેરિકાએ જંગ શરૂ કરી હતી. અમેરિકી પ્રમુખ જેમ્સ મેડિસન દ્વારા યુદ્ધ જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે કેનેડા કબજે કરવા માટે અમેરિકા તલપાપડ થતું હતું. તે સમયે કેનેડા બ્રિટનનો ભાગ ગણાતું હતું. ડેટ્રોઈટ, ક્વીનસ્ટન હાઈટ્સ જવા અભિયાનોમાં બ્રિટિશ, કેનેડાઈ મિલિશિયા અને મૂળ નિવાસીઓની સેનાએ અમેરિકાને પરાજય આપ્યો હતો. ૨૪ ઓગસ્ટ ૧૮૧૪ના રોજ બ્રિટનની સેનાએ ચેસાપીક ખાડી પાસેથી હુમલો કરીને વોશિંગ્ટન ઉપર કબજો જમાવી લીધો હતો. તેમણે વ્હાઈટ હાઉસ, કેપિટોલ અને અન્ય ઈમારતો સળગાવી દીધી હતી. અમેરિકી રાજધાની ઉપર આ દુર્લભ હુમલો હતો. ત્યારબાદ અમેરિકા અપમાનજનક સ્થિતિમાં મુકાયું અને તેણે યુદ્ધ વિરામ કરવો પડયો હતો. આ ઉપરાંત વિયેતનામ યુદ્ધમાં પણ અમેરિકાએ છેવટે તો બધું ગુમાવવાનો વારો આવ્યો હતો. ઈતિહાસકારો નોંધે છે કે, અંદાજે બે દાયકા સુધી વિયેતનામ ખાતે યુદ્ધ લડયા બાદ અમેરિકા અને તેના સાથીઓ થાકી ગયા હતા. તેમણે પીછેહઠ કરવી પડી હતી. ૧૯૫૫થી ૧૯૭૫ સુધી અમેરિકા અને વિયેતનામ વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો હતો. આખરે આ સંઘર્ષમાં અમેરિકા ખસ્યું અને વિયેતનામનો વિજય થયો હતો. ૨૦ વર્ષ સુધી વિયેતનામ અને તેની વિરુદ્ધ ચાલતું રહ્યું હતું. તેમાં અમેરિકાએ પરમાણુ હથિયારો સિવાય તમામ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરી લીધો હતો. 

આ યુદ્ધમાં અમરિકાએ ૫૮,૦૦૦ સૈનિકો ગુમાવ્યા હતા જેમાં મોટા અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. અંદાજે ૧૧ અમેરિકી જનરલનાં આ યુદ્ધમાં મોત થયા હતા. ૧૯૬૫થી ૭૩ વચ્ચે આ યુદ્ધ ઉપર અંદાજે ૧૨૦ અબજ ડોલરનો ખર્ચ થયો હતો જેના કારણે અમેરિકી અર્થતંત્રમાં વ્યાપક રીતે ફુગાવો વધ્યો હતો. જાણકારોના મતે વર્તમાન સમયમાં આ આંકડો ૧ ટ્રિલિયન ડોલરને પાર થાય તેમ છે. તેમ છતાં અમેરિકાને અહીંયાથી ખાલી હાથે જવું પડયું હતું. સમગ્ર વિશ્વ માને છે કે, આ યુદ્ધમાં અમેરિકાને મોટી પછડાટ મળી હતી અને તેનો ઘમંડ, તેનું અભિમાન તૂટી ગયું હતું. તેને વૈશ્વિક સ્તરે અપમાન શરમમાં મુકાવું પડયું હતું. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં પણ અમેરિકા સાથે આવું જ થયું હતું. અફઘાનિસ્તાનમાં ઘુસીને તાલિબાનો સામે ૨૦૦૧થી યુદ્ધની શરૂઆત કરવામાં આવી હતી. અહીંયા પણ બે દાયકા સુધી યુદ્ધ ચાલતું રહ્યું. ૨૦૨૧માં એકાએક અમેરિકી સેનાઓ અફઘાનિસ્તાન છોડીને જવા માંડી. શરૂઆતમાં અમેરિકાને અફઘાનિસ્તાનમાં આંશિક સફળતા મળી પણ ત્યારબાદ ધીમે ધીમે સ્થિતિ કાબુમાં આવી જ નહીં. અમેરિકાની રણનીતિનો અહીંયા કારમો પરાજય થયો હતો. બે દાયકા બાદ અમેરિકા સેના એકાએક રફુચક્કર થઈ ગઈ હતી અને અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ પાછું આવી ગયું હતું. મહત્ત્વની વાત એ છે કે, વિયેતનામ અને અફઘાનિસ્તાન જ નહીં અન્ય ત્રણ યુદ્ધોમાં પણ અમેરિકાની હાલત ખરાબ થઈ ગઈ હતી. 

તેને પરાજય જેવો સ્વાદ ચાખવા મળ્યો હતો અને યુદ્ધ અધુરું છોડી દેવું પડયું હતું. ૧૯૬૧માં ક્યૂબા સામે બે ઓફ પિગ્સ આક્રમણ કરવામાં આવ્યું હતું. તે વખતે ફિદેલ કાસ્ત્રોને સત્તાથી દૂર કરવા માટે યુદ્ધ કરવામાં આવ્યું હતું પણ તેમાં સફળતા મળી નહોતી. તેવી જ રીતે ૧૯૧૮માં અમેરિકાએ એક યુદ્ધ બ્રિટનની સામે પણ લડયું હતું જેમાં તેને મોટો આઘાત સહન કરવો પડયો હતો. તેમાં કેનેડા ઉપર પણ નિષ્ફળ આક્રમણનો સમાવેશ થાય છે. તે વખતે વોશિંગ્ટન ડીસી પણ ભડકે બળ્યું હતું. આ યુદ્ધનો અંત એક સંધિ દ્વારા લાવવામાં આવ્યો હતો. તેવી જ રીતે અમેરિકાએ કોરિયાને એક કરવા માટે ૧૯૫૦માં યુદ્ધ કર્યું હતું. તેણે તમામ તાકાત લગાવી દીધી પણ નિષ્ફળ ગયું હતું. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બે દેશ અસ્તિત્વમાં આવ્યા હતા. અમેરિકાએ યુદ્ધ વિરામ જાહેર કરવો પડયો હતો.

ઈરાન સામેના યુદ્ધમાં પણ અમેરિકાનો દેખીતી રીતે પરાજય જ થયો છે 

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલા યુદ્ધનો પણ અકાળે અને અનિર્ણિત અંત આવ્યો છે. તેમ છતાં જાણકારો માને છે કે, આ યુદ્ધમાં અમેરિકાનો ઘણા સમય પહેલાં જ પરાજય થઈ ગયો હતો. તેણે યુદ્ધ અધુરું છોડયું પણ હકિકતે તેના મનસુબા પાર પડયા નહીં. 

સૌથી પહેલાં તો ઈરાનમાં સત્તા પલટો કરવાના અમેરિકાના જે ઉધામા હતા તે શાંત થઈ ગયા. ટ્રમ્પને આશા હતી કે, અયાતુલ્લા ખામેનેઈને માર્યા  બાદ ઈરાન પડી ભાંગશે પણ તેવું થયું નહીં. ત્યાં સત્તાનું જે રીતે માળખું છે તે રીતે અમેરિકાના અરમાનો અધૂરા રહ્યા અને ત્યાંની વર્તમાન સરકાર સાથે જ અમેરિકાએ સમાધાન કરવું પડયું. 

આ યુદ્ધના કારણે જે સ્થિતિ સર્જાઈ, જે જાનહાની થઈ, વૈશ્વિક ધોરણે મોંઘવારી વધી તેના પગલે અમેરિકાનો અને તેની અવિચારી નીતિઓનો ચારેકોર વિરોધ થવા લાગ્યો. ઈરાનમાં પણ અમેરિકાને કોઈ સમર્થન મળ્યું નહીં. આ ઉપરાંત ઈરાનની મિસાઈલ સિટીનો આજે પણ અમેરિકા કે ઈઝરાયેલને પત્તો નથી. તે જ્યાં છે ત્યાં સુરક્ષિત છે. બંનેને આશા હતી કે, અઢળક હુમલા બાદ આ મિસાઈલ સિટી નષ્ટ થઈ જશે પણ તેવું થયું નહીં. ઈરાનના શસ્ત્રાગારો આજે પણ સુરક્ષિત છે. સૌથી મોટો પરાજય તો એને જ ગણી શકાય કે ડીલ સાઈન થયા પહેલાં ઈરાને ધરાર હોર્મુઝની ખાડી ખોલી નહીં અને ખોલવા દીધી નહીં. અમેરિકાએ કરાર કરવા પડયા અને હવે ખાડી ખોલવાની જાહેરાત કરાશે. તે સિવાય ઈરાનનો પરમાણુ કાર્યક્રમ પણ રદ થયો નથી. તેના અંગે ૬૦ દિવસ બાદ અલગથી ચર્ચા-વિચારણા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય ખાડી દેશોને પણ અમેરિકા સુરક્ષા ન આપી શક્યું. અમેરિકાને મદદ કરનારા ખાડી દેશોમાં ઈરાને કેર વર્તાવી દીધો હતો. અમેરિકા તેને પણ અટકાવી શક્યું નહોતું. આમ જોઈએ તો તમામ મોરચે અમેરિકાનો જ પરાજય થયો છે.