Editorial

ઈથેનોલ : 20 ટકા ઓછું પેટ્રોલ, વધુ કિંમત અને વાહનને નુકસાન

By GS TEAM
19 Aug 20257 mins read
ઈથેનોલ : 20 ટકા ઓછું પેટ્રોલ, વધુ કિંમત અને વાહનને નુકસાન

- પોલ્યુશન કન્ટ્રોલના નામે સરકાર ખર્ચો બચાવે છે, પ્રજા પાસેથી તો 100 ટકા પેટ્રોલના જ પૈસા વસુલાય છે અને વાહનોને નુકસાન થવાની કોઈ વાત જ કરતું નથી

- પેટ્રોલમાં છેલ્લાં એક દાયકામાં ૧૦ ટકાથી માંડીને 20 ટકા સુધી ઈથેનોલ ભેળવીને પેટ્રોલ આપવાનું કામ કરાઈ રહ્યું છે : આગામી સમયમાં પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ 27 ટકા લઈ જવાની ચર્ચાએ જોર પકડયું હતું પણ હવે તેના ઉપર હાલ સરકારે ઠંડુ પાણી રેડી દીધું છે : મકાઈ અને શેરડીમાંથી ઈથેનોલ બનાવી તો લેવાય છે સરકાર દ્વારા એક દાયકામાં કરોડો રૂપિયાની બચત પણ કરી લેવાઈ છે. નવી ઈ27 પોલિસી લાગુ કરવામાં આવશે તો પેટ્રોલમાં 27 ટકા ઈથેનોલ ઉમેરાશે અને પ્રજાને પેટ્રોલના પૂરા પૈસા ચૂકવીને 27 ટકા ઓછું પેટ્રોલ મળશે : હાલમાં બીએસઆઈ માનકોના જે વાહનો છે તે પણ ઈ-20 પોલિસીને અનુકુળ થતા નથી તો નવી પોલિસીમાં તો કેવી હાલત થશે તે વિચારવું જ રહ્યું

થોડા સમયે પહેલાં જ સરકાર દ્વારા પેટ્રોલ બાબતે ઈ૨૭ પોલિસી લાગુ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. આ મુદ્દે સરકાર દ્વારા સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું હતું. લોકોને આ વાત ભલે હાલ પૂરતી ગળે ઉતરી ગઈ હોય પણ ઈથેનોલની હકિકત તરફ હજી પ્રજાની નજર જ ગઈ નથી અથવા તો આ મુદ્દે કોઈ ચર્ચા કરવા માગતું જ નથી. વાસ્તવિકતા એ છે કે, પેટ્રોલમાં ઈથેનોલ ભેગું કરવાના કારણે એન્જિન ઉપર દબાણ વધે છે અને લાંબાગાળે એન્જિન ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે. અત્યાર સુધીમાં પેટ્રોલમાં ૧૦ ટકાથી માંડીને ૨૦ ટકા સુધી ઈથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં તેનું પ્રમાણે ૨૭ ટકા સુધી કરવાની વિચારણા ચાલી રહી છે. સવાલ એ ઊભો થાય છે કે, હાલમાં ભારતમાં જે વાહનો ચાલે છે, બને છે અને આગામી સમયમાં બનશે તે આવા પેટ્રોલ માટે સજ્જ છે. સરકાર ક્રૂડની વિદેશી આયાત ઉપર આધાર રાખવાનો ઓછો આવે અને પેટ્રોલ વધુ સાચવી શકાય તે માટે ઈથેનોલ મિશ્રણની પોલિસી તો લઈ આવી છે પણ તેની અસરો અંગે સ્પષ્ટતા થઈ નથી. તેનાથી પ્રદુષણ ઓછું થાય છે તેવું કહેવામાં આવે છે પણ તેનાથી વાહનોને કેટલું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં કેટલું થશે તેના વિશે કોઈ વાત કરતું નથી. વર્તમાન સમયમાં પેટ્રોલપંપો ઉપર ઈ૨૦ પોલિસી હેઠળ ૨૦ ટકા ઈથેનોલ ભેગું કરવામાં આવી રહ્યું છે. તેના કારણે પેટ્રોલની ટાંકી, પેટ્રોલની પાઈપ, એન્જિન અને બીજા ઘણા પાર્ટ્સ ડેમેજ થઈ રહ્યા છે જે સરેરાશ લોકોના ખિસ્સા ઉપર બોજ વધારી રહ્યું છે જેના તરફ લોકોનું ધ્યાન જ નથી. આ ઉપરાંત ૨૦ ટકા ઈથેનોલ ધરાવતું પેટ્રોલ ખરીદીને પણ લોકો ૧૦૦ ટકા પેટ્રોલની જ કિંમત ચુકવે છે અને તેનાથી વાહનોની માઈલેજ પણ ઘટી ગઈ છે. એકંદરે જોઈએ તો સરકારના આયાતના પૈસા બચે છે અને બીજી તરફ જનતાના ખિસ્સામાંથી પણ પૈસા આવી રહ્યા છે. એકંદરે સામાન્ય માણસ જ પિસાઈ રહ્યો છે અને પોલિસીના નામે સરકાર કમાણી કરી રહી છે. 

સરકારે તાજેતરમાં લોકોના મનમાં રહેલો ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેનાથી ખાસ ઉકેલ મળે તેમ નથી. સરકારનું કહેવું છે કે, પર્યાવરણ, ખેડૂતો અને ભારતની આર્થિક પ્રગતિ માટે ઈથેનોલનું મિશ્રણ કરવાની પોલિસી લાગુ કરવામાં આવી છે. હકિકતે ઈથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ જ છે. તે મકાઈ, અનાજ અને શેરડી જેવા પાકના અવશેષોમાંથી બનાવવામાં આવે છે. દુનિયાભરમાં મકાઈમાંથી તેનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. આ એક નવા યુગનું ઈંધણ કહેવામાં આવે છે. તેના કારણે જીવાશ્મ આધારિત ઈંધણો ઉપરની નિર્ભરતા ઓછી થાય છે તેવું માનવામાં આવે છે. 

ભારતની વાત કરીએ તો અહીંયા ડ્રાય મિલિંગ દ્વારા ઈથેનોલ બનાવવામાં આવે છે. સૌથી પહેલાં મકાઈને ખાંડીને તેનું પાઉડર જેવું રૂપાંતરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેનો રસ કાઢવામાં આવે છે. તેમાંથી સ્ટાર્ચ દૂર કરવામાં આવે છે અને તેમાંથી ગાઢ ચાસણી બનાવાય છે જે કામમાં લેવામાં આવે છે. ત્યારબાદ મકાઈના જે કુચા વધ્યા હોય છે તેને પાણીમાં ભેગા કરીને પાણી ગરમ કરવામાં આવે છે. તેમાં એક કેમિકલ મેળવવામાં આવે છે જે કુદરતી હોય છે. આ કેમિકલ મકાઈમાં વધેલા સ્ટાર્ચને તોડીને તેને ખાંડમાં પરિવર્તિત કરે છે અને આ સમગ્ર મિશ્રણ જાડું પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. 

આ જાડા પ્રવાહીમાં ત્યાબાદ અન્ય એન્ઝાઈમ્સ અને કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ વધેલા સ્ટાર્ચને ગ્લુકોઝમાં પરિવર્તિત કરવામાં આવે છે. તેના માટે જરૂરી કેટલાક પદાર્થો અને યીસ્ટ તેમાં ઉમેરવામાં આવે છે. આ યીસ્ટ ઉમેર્યા બાદ ફર્મેન્ટેશનની કામગીરી થાય છે. યીસ્ટ ઉમેરવાથી ધીમે ધીમે ચાસણીમાંથી કાર્બન ડાયોક્સાઈડ છૂટો પડે છે અને ધીમે ધીમે ઈથેનોલ બનવા લાગે છે. આ પ્રક્રિયા લગભગ ૨થી ૩ દિવસ જેટલી ચાલે છે. આ પ્રવાહીને આ પ્રોસેસ દરમિયાન ૩૦થી ૩૫ ડિગ્રી સુધી ગરમ રાખવામાં આવે છે. તેમાં છેલ્લે જે પ્રવાહી વધે છે તેમાં ૧૫ ટકા જેવું ઈથેનોલ હોય છે અને બાકીનું પાણી અને અન્ય પદાર્થો હોય છે.  હવે આ મિશ્રણને ફરીથી ગરમ કરવામાં આવે છે જેથી તેમાંથી ઈથેનોલ છુંટું પડી જાય. ઈથેનોલ પાણી કરતા ઓછા તાપમાને ઉકળવા લાગે છે. તેની વરાળ બનીને ઉપર જાય છે. આ વરાળને ભેગી કરવામાં આવે છે જે ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. આ પ્રવાહીને જ ઈથેનોલ કહેવાય છે. તે ૯૯ ટકા શુદ્ધ ઈથેનોલ હોય છે. ભારતમાં શેરડી અને મકાઈમાંથી વર્ષે કરોડો લીટર ઈથેનોલ બનાવાયા છે. તેના દ્વારા ખેડૂતોને મોટો લાભ થવા લાગ્યો છે. હવે સમજવાની વાત એ છે કે, આ ઈથેનોલ તો તૈયાર થઈ ગયો પણ તેને પેટ્રોલમાં કેવી રીતે ભેળવવામાં આવે છે. આ ઈથેનોલને સૌથી પહેલાં ડિનેચર્ડ કરવામાં આવે છે જેથી લોકો તેનો આલ્કોહોલ તરીકે ઉપયોગ ન કરવા લાગે. ત્યારબાદ તેની બ્લેન્ડિંગની પ્રોસેસિંગ શરૂ કરવામાં આવે છે અને તે પેટ્રોલમાં ભેગું થાય છે. ડિનેચર્ડ કરવા દરમિયાન તેમાં કેમિકલ ભેગા કરાય છે જેથી તે આલ્કોહોલ તરીકે ઉપયોગમાં ન લેવાય. ત્યારબાદ તેને પેટ્રોલની સ્ટોરેજ ટેન્કરો સુધી પહોંચાડવામાં આવે છે. હાલમાં ઈ૨૦ પોલિસી લાગુ થયેલી છે તેથી ૨૦ ટકા ઈથેનોલ પેટ્રોલના માપ પ્રમાણે ભેગું કરવામાં આવે છે. બ્લેન્ડિંગ મશિનો દ્વારા આ પેટ્રોલ અને ઈથેનોલ ભેગા કરાય છે જેમાં ૮૦ ટકા પેટ્રોલ હોય છે.

BS3 અને BS4 માનકો ધરાવતા વાહનોને પણ સમસ્યા થાય છે

ઓટો ઈન્ડસ્ટ્રીના જાણકારોના મતે હાલમાં જે વાહનો બજારમાં મળે છે તે ઈ૨૦ પોલિસી હેઠળ ડિઝાઈન કરવામાં આવેલા છે. ભારતમાં અત્યારે પણ કરોડો વાહનો એવા છે જે ઈ૧૦ અને ઈ૨૦ પોલિસી સુધી જ સિમિત છે અને આગામી સમયમાં ઈ૨૭ પોલિસી આવશે તો આ વાહનોના એન્જિનમાં ઘણી સમસ્યા સર્જાશે. મહત્ત્વની વાત એ છે કે, હાલમાં પણ હજારો વાહનો એવા છે જે BS3 અને BS4 માનકો ધરાવતા હોવા છતાં ઈ૨૦ પોલિસીના પેટ્રોલમાં કામ કરી શકતા નથી. આ વાહનોના એન્જિનના કોમ્પોનન્ટ ખરાબ થઈ રહ્યા છે. લોકોના વાહનોનો ખર્ચ વધી ગયો છે. જાણકારોના મતે ઈથેનોલ કોરોસિવ એટલે કે કાટ લાગે તેવો પદાર્થ છે. તેના કારણે ફ્યૂઅલ ટેન્ક, ફ્લૂઅલ લાઈન, ગિયર શિફ્ટિંગ અને અન્ય પાર્ટ્સને ધીમે ધીમે ખરાબ કરી શકે છે. તેના કારણે એન્જિનમાં પણ કાટ લાગવાની અને ખરાબ થવાની શક્યતાઓ રહેલી છે. સૂત્રોના મતે મર્સિડિઝ, બીએમડબ્લૂ અને અન્ય લક્ઝુયરિયસ ગાડીઓ પણ ઈથેનોલનું મિશ્રણ ધરાવતા પેટ્રોલથી ચલાવવા માટે બનાવાઈ જ નથી. આવી ગાડીઓમાં જો નવી પોલિસીનું પેટ્રોલ ઉપયોગમાં લેવામાં આવશે તો એન્જિન મોટાપાયે ડેમેજ થવાની શક્યતાઓ રહેલી છે. લોકોની પણ ફરિયાદો આવી રહી છે કે, સરકાર ૨૦ ટકા ઈથેનોલ નાખીને ૧૦૦ ટકા પેટ્રોલની જ કિંમત વસુલે છે.

બીજી તરફ વાહનોની માઈલેજ પણ ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને એન્જિનમાં સમસ્યાઓ આવી રહી છે. સરકારે નવી પોલિસી લાગુ કરતાં પહેલાં વાહનોની સ્થિતિ જાણી લેવી જોઈએ જેના કારણે સામાન્ય પ્રજાને વધારે ભોગવવાનું ન આવે.

સરકારે ઈથેનોલ બ્લેન્ડિંગથી અંદાજે 1.50 લાખ કરોડ રૂપિયા બચાવ્યા

ઈથેનોલ બ્લેન્ડિંગનો પ્રોગ્રામ છેલ્લાં ઘણા વર્ષોથી ભારતમાં ચાલે છે અને સરકારી તિજોરીને તેનાથી મોટો ફાયદો થયો છે. જાણકારોના મતે છેલ્લાં એક દાયકામાં એટલે કે ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન સરકારે દેશના અર્થતંત્રને મોટો ફાયદો કરાવ્યો છે. ઈથેનોલના બ્લેન્ડિંગ થકી સરકારે અંદાજે ૧.૫૦ લાખ કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચાવ્યું છે જે દેશ માટે મોટા ફાયદા સમાન છે. તેના દ્વારા ક્રૂડની આયાત પણ ઘટી ગઈ છે અને બીજી તરફ પર્યાવરણને પણ ઓછું નુકસાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં ઈથેનોલ બ્લેન્ડિંગ માત્ર ૧-૨ ટકા હતું. ૨૦૨૪માં તે ૧૫ ટકા અને ૨૦૨૫માં ૨૦ ટકા સુધી પહોંચાડી દેવાયું છે. તેના દ્વારા સરકારે અંદાજે ૨૪૫ લાખ મેટ્રિક ટન ક્રૂડની બચત કરી લીધી છે. તેના પરિણામે જ વિદેશી ક્રૂડ ઉપર દેશને આધાર રાખવાનું ઓછું થઈ ગયું છે. સૂત્રોના મતે આ જે ક્રૂડ ઓછું આયાત કરાયું તેના કારણે સરકારને ૧.૫૦ લાખ કરોડની આસપાસ બચત થઈ ગઈ છે. આ સિવાય ઈથેનોલના ઉપયોગથી છેલ્લાં એક દાયકામાં ૭૩૬ લાખ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઈડનું ઓછું ઉત્સર્જન થયું છે. પેટ્રોલ કરતા ઈથેનોલ ૩૦ ટકા ઓછું પ્રદુષણ કરતું હોવાથી આ મોટો ફાયદો થયો છે. ૩૦ કરોડ વૃક્ષો થકી આ ફાયદો થાય તેટલો ફાયદો ઈથેનોલના ઉપયોગથી થયો છે. તે ઉપરાંત મકાઈની ખેતી વધી છે. ખાસ કરીને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ખેડૂતો જે આત્મહત્યા કરવા મજબૂર બનતા હતા તે મકાઈની ખેતી દ્વારા સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યા છે.

ગત વર્ષે જ ખેડૂતોને અંદાજે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી મકાઈ અને શેરડી માટે કરવામાં આવી હોવાના અહેવાલ છે. તેના દ્વારા ગામડાઓનું અર્થતંત્ર સુધર્યું છે અને વિકાસ કરી રહ્યું છે.