બ્રેઈન ઈટિંગ અમીબા : કેરળમાં અધધ 67 કેસ અને 18 લોકોનાં મોત

- બ્રેઈન ઈટિંગ અમીબાના કારણે તાજેતરમાં એક ૧૭ વર્ષીય કિશોરના મોત બાદ લોકોમાં અગમ્ય સંક્રમણનો હાહાકાર
- નેગ્લેરી ફાઉલેરી નામના એક ફ્રી લિવિંગ અમીબા છે. આમ જોવા જઈએ તો આ એક કોષિય જીવ છે. આ અમીબા ગરમ અને સ્થિર પાણીમાં જોવા મળે છે. તે પાણી થકી માણસના નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ગંભીર ઈન્ફેક્શન ઊભું કરે છે. તેના દ્વારા અમીબિક મેનિન્જોએન્સેફલાઈટિસ નામનું ઈન્ફેક્શન થાય છે : દર્દીની તબિયત એકાએક લથડી જાય છે. આ અમીબાનું સંક્રમણ થયા પછી વ્યક્તિને સખત માથુ દુ:ખે છે, ખૂબ જ તાવ આવે છે, ઉલટીઓ થાય છે, ગર્દન અકડઈ જાય છે, હેલ્યુસિનેશન થયા કરે છે. આ સંક્રમિત વ્યક્તિના મગજમાં સોજો આવે છે : નેગ્લેરિયા ફાઉલેરીનું સંક્રમણ થયાના 97 ટકા કિસ્સામાં દર્દીનું ઝડપથી મોત થયાનું જ સામે આવ્યું છે. નેગ્લેરિયા ફાઉલેરી ઈન્ફેક્શનની જાણકારી લેબ ટેસ્ટ દ્વારા જ થઈ શકે છે. આ સંક્રમણનું ટેસ્ટિંગ માત્ર દુનિયાભરના ગણતરીના દેશોની લેબમાં જ થાય છે. આ સંક્રમણ દુર્લભ હોવાથી તેનું ટેસ્ટિંગ અને સારવાર પણ ખૂબ જ લિમિટેડ છે
કેરળમાં બ્રેઈન ઈટર અમીબાએ કેર વર્તાવેલો છે. આ અમીબા લોકોના શરીરમાં ઘુસીને તેમના મગજ સુધી પહોંચી જાય છે. મોટાભાગના કિસ્સામાં યોગ્ય સમયે અને પૂરતી સારવાર ન મળવાના કારણે લોકોના મોત થયા હોય છે. કેરળમાં આ વર્ષે અત્યાર સુધીમાં બ્રેઈન ઈટિંગ અમીબાના કારણે ૬૭ લોકો બિમાર પડયા છે. તેમાંથી ૧૮ લોકોનાં મોત થઈ ગયા છે. તાજેતરમાં જ કેરળની રાજધાની તિરુવનંતપુર ખાતે ૧૭ વર્ષિય એક કિશોરનું અમીબાના સંક્રમણના કારણે મોત થયું હતું. હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, બ્રેઈન ઈટિંગ અમિબાના કારણે થનારું સંક્રમણ અમીબિક મેનિન્જોઈન્સેફલાઈટિસ તરીકે ઓળખાય છે. આ એક જવલ્લેજ થતું બ્રેન ઈન્ફેક્શન છે. આવી રેર કહી શકાય તેવી બિમારી કેરળમાં વકરી રહી છે અને તેના કારણે લોકોમાં ભય ફેલાયો છે. નવાઈની વાત એવી છે કે, ક્યારેક જ આવી બિમારી થાય છે છતાં કેરળમાં તેના ૬૭ કેસ છે.
જાણકારોના મતે નેગ્લેરી ફાઉલેરી નામના એક ફ્રી લિવિંગ અમીબા છે. આમ જોવા જઈએ તો આ એક કોષિય જીવ છે. તે પાણી થકી માણસના શરીરમાં પ્રવેશ કરે છે. તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ગંભીર ઈન્ફેક્શન ઊભું કરે છે. આ અમીબા ગરમ અને સ્થિર પાણીમાં જોવા મળે છે. તે મોટાભાગે નાક દ્વારા લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. તેના દ્વારા અમીબિક મેનિન્જોએન્સેફલાઈટિસ નામનું ઈન્ફેક્શન થાય છે. જાણકારે કહે છે કે, મોટાભાગે આવા કેસમાં દર્દીને પ્રાથમિક ખ્યાલ આવતો નથી અને તેના કારણે તેનું મોત જ થતું હોય છે. આ દુર્લભ સંક્રમણ ખરેખર જીવલેણ હોય છે. આ અમીબા દુષિત પાણી દ્વારા માણસના શરીરમાં પ્રવેશ કરે છે. મોટાભાગે લોકો સ્વિમિંગ કરવા જ્યાં ત્યાં પડે છે ત્યારે તેના પાણીમાં જન્મેલા અને વિસ્તરી રહેલા અમીબા લોકોના નાકમાં પ્રવેશ કરે છે. યોગ્ય રીતે સાફ ન કરેલા, ક્લોરિનેટ ન કરેલા સ્વિમિંગપુલના સ્થિર પાણીમાં પણ અમીબાનું સંક્રમણ વધાવાનો ખતરો રહેલો છે. જાણકારોના મતે આવા પાણીમાં કોઈપણ વ્યક્તિ તરવા માટે કે નહાવા માટે પડે છે ત્યારે તેના નાક થકી અમીબા શરીરમાં પ્રવેશ કરે છે અને નાકના આંતરિક ઉપરી ભાગ થતી કે મગજ સુધી પહોંચી જાય છે.
સૂત્રોના મતે બ્રેન ઈટિંગ અમીબાના ઈન્ફેક્શનની વાત કરીએ તેના લક્ષણો પ્રાથમિક સ્તરે જોવા મળતા જ નથી. તેમ છતાં દર્દીની તબિયત એકાએક લથડી જાય છે. આ અમીબાનું સંક્રમણ થયા પછી વ્યક્તિને સખત માથુ દુ:ખે છે, ખૂબ જ તાવ આવે છે, ઉલટીઓ થાય છે, ગર્દન અકડઈ જાય છે, હેલ્યુસિનેશન થયા કરે છે. આ સંક્રમિત વ્યક્તિના મગજમાં સોજો આવે છે. જાણકારોએ ચેતવણી આપી છે કે, કોઈને પણ સ્વિમિંગ કર્યા બાદ આવા લક્ષણ દેખાય તો તેમણે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કુદરતી તળાવો આવા સંક્રમણના મુખ્ય સોર્સ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, નેગ્લેરિયા ફાઉલેરી અમીબા માણસના નાકમાં ઘુસ્યા પછી અસર બતાવવાનું શરૂ કરે છે. તજજ્ઞાો માને છે કે, આવા કેસ ઓછા આવે છે પણ તે મોટાભાગે જીવલેણ હોય છે. અમેરિકામાં ૧૯૩૭માં નેગ્લેરિયા ફાઉલેરી અમીબાનો નાક દ્વારા પ્રવેશ કરીને બ્રેઈન ઈટિંગનો કેસ સામે આવ્યો હતો. દુનિયાનો આ પહેલો બ્રેઈન ઈટિંગ અમીબાના ઈન્ફેક્શનનો કેસ હતો. તે નાકમાં ઘુસ્યા પછી રેસ્પિરેટરી ટિશ્યૂ ખાવા લાગે છે. તેના કારણે સંક્રમણ ઝડપથી ફેલાવા લાગે છે અને જીવલેણ બની જાય છે. તે ઝડપથી પોતાનું સ્વરૂપ બદલીને શરીરના આંતરિક અવયવોમાં ગતિ કરે છે અને મગજ સુધી પહોંચી જાય છે. ત્યાં સંક્રમણ ફેલાવાનું અને મગજના કોષ ખાવાનું શરૂ કરી દે છે.
ખાસ વાત એ છે કે, જે લોકોને પણ જાહેર તળાવોમાં કે સ્વિમિંગપુલમાં સ્વિમિંગ કર્યા બાદ કે સ્નાન કર્યા બાદ આવા લક્ષણ જોવા મળે તો તેમણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગે ૧ દિવસથી માંડીને ૧૨ દિવસ સુધીમાં અમીબાનો ચેપ લાગ્યો હોય તો સંક્રમણના લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે બેક્ટેરિયલ ઈન્ફેક્શન મેનિન્જાઈટિસમાં જેવા લક્ષણો દેખાય છે તેવા જ લક્ષણો આ અમીબાના ચેપમાં પણ દેખાય છે. અહીંયા સૌથી મોટી ખામી એ છે કે, આ અમીબાના સંક્રમણને કારણે વ્યક્તિને ચોક્કસ બિમારી સમજાતી નથી અને તે એકાએક કોમામાં જતી રહે છે. બીજી ખાસ વાત એ છે કે, હાલમાં આ બિમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ હોવાના કોઈ કિસ્સા સામે આવ્યા નથી. તેથી જાણકારો માને છે કે, આ બિમારી ચેપી બિમારી નથી. એક વાત નક્કી છે કે, સંક્રમિત પાણીમાં વધારે લોકો પડયા હોય તો તેમાંથી ગમે તેને આ બિમારી થઈ શકે છે. આ ઈન્ફેક્શન જીવલેણ હોય છે અને ઘણા કિસ્સામાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળવાના કારણે વ્યક્તિ બચી પણ જતી હોય છે.
અમેરિકી સંસ્થા સીડીસીના જણાવ્યા પ્રમાણે ઘણી વખત અમીબા નળના પાણીમાં પણ આવી જાય છે. ઘણા કિસ્સામાં આવી રીતે ડિટેક્ટ પણ થયા છે. આવા અમીબા બ્રેઈન ઈન્ફેક્શન વધારે છે. તેના દ્વારા ભયાનક માથુ દુ:ખવું, ઉલટીઓ, ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે. આ અમીબાના સંક્રમણનો વ્યાપ એટલો ઝડપથી થાય છે કે, વ્યક્તિના શરીરની ઈમ્યુનિટીના આધારે તેનું ૧ થી ૧૮ દિવસની વચ્ચે મૃત્યુ પણ થઈ શકે છે. જાણકારોએ જણાવ્યું કે, નેગ્લેરિયા ફાઉલેરીનું સંક્રમણ થયાના ૯૭ ટકા કિસ્સામાં દર્દીનું ઝડપથી મોત થયાનું જ સામે આવ્યું છે. માત્ર ત્રણ ટકા કેસમાં લોકોને સારવાર મળે છે અને તેઓ લાંબા સમયે સાજા થાય છે. જાણકારો માને છે કે, મોટાભાગે ગરમીની સિઝનમાં જ્યારે સ્વિમિંગપુલ કે તળવા, ઝરણા, નદીનું પાણી હુફાળું થતું હોય છે ત્યારે તેમાં આવા અમીબા ફેલાતા હોય છે. મોટાભાગે પાણીનું સ્તર ઓછું અને તાપમાન વધારે હોય તેવા પાણીમાં આવા અમીબાનું સંક્રમણ ઝડપથી ફેલાય છે. આવા પાણીમાં નહાવાથી, તરવાથી કે ઘણી વખત માત્ર મોઢું અને નાક સાફ કરવાથી પણ શરીરમાં તેનું સંક્રમણ ફેલાઈ શકે છે.
ખાસ સમજવા જેવી બાબત એ છે કે, લોકોને માત્ર નાક દ્વારા જ આ અમીબાનું ઈન્ફેક્શન થઈ શકે છે. લોકો મોટભાગે પોતાનું નાક સાફ કરે અથવા તો સાઈનસ સાફ કરે છે અને તેમાં ખુલ્લું પાણી, નળનું પાણી, તળાવનું પાણી ઉપયોગમાં લે છે ત્યારે તેમાં રહેલા અમીબા લોકોના નાકમાં પ્રવેશ કરી જતા હોય છે. ઘણા લોકો સ્પ્લેશ પેડ અને સર્ફ પાર્કમાં ગયા હતા ત્યાં પણ સ્વિમિંગપુલના પાણીથી સંક્રમિત થયાના કિસ્સા પણ છે. તેનું કારણ એવું હતું કે, આવા પાણીને ક્લોરિન દ્વારા યોગ્ય રીતે શુદ્ધ કરવામાં આવ્યું નહોતું.
ઉલ્લેખનીય છે કે, આવું સંક્રમીત પાણી પીવાથી બ્રેઈન ઈટિંગ અમીબાનું સંક્રમણ ફેલાયું હોવાનો કોઈ કિસ્સો આવ્યો નથી. તે ઉપરાંત એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિ સુધી સંક્રમણ ફેલાયું હોવાનો પણ કોઈ કિસ્સો સામે આવ્યો નથી.
અમેરિકામાં 1960ના દાયકામાં 157 દર્દીમાંથી 153નાં મોત થયા હતા
અમેરિકાના ફ્લોરિડામાં એક વ્યક્તિને નાક સાફ કરવાનું એટલું મોઘું પડી ગયું કે તેનો જીવ જતો રહ્યો. આ વ્યક્તિને નળના પાણી દ્વારા સાઈનસ સાફ કરવાની આદત હતી. સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓ જણાવ્યું કે, આ વ્યક્તિ દરરોજ પાણી ગરમ કર્યા વગર કે સાફ કર્યા વગર સીધું જ નળમાંથી પાણી કાઢીને નાક સાફ કરતો હતો. આ દરમિયાન તેને બ્રેઈન ઈટિંગ અમીબાનું સંક્રમણ થઈ ગયું અને તેના કારણે તેનું મોત થઈ ગયું. ફ્લોરિડાના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે શાર્લોટ કાઉન્ટીમાં આ ઘટના બની હતી. બીજી તરફ એવી પણ વાત છે કે, આ બિમારીથી મૃત્યુ પામનારા દર્દીની વિગતો જાહેર કરવામાં આવી નથી. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ દ્વારા હાલમાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે, ટેપ વોટરમાં અમીબાની હાજરી કેવી રીતે આવી.
ઉલ્લેખનીય છે કે, ૧૯૬૦ના દાયકામાં જ્યારે આવા કેસ આવવાની શરૂઆત થઈ તે સમયે અમેરિકામાં આવા સંક્રમિતોની સંખ્યા ૧૫૭ હતી. તેમાં ચિંતાજનક બાબત એ હતી કે, તેમાંથી ૧૫૩ દર્દીઓનાં મોત થઈ ગયા હતા. મોટાભાગે સાઉથ અમેરિકાના રાજ્યોમાં આવે કેસ આવ્યા હતા. તેમાં ટેક્સાસમાં ૩૯ અને ફ્લોરિડામાં ૩૮ કેસ હતા જે સૌથી વધારે જોવા મળ્યા હતા.
ખુલ્લા તળાવ, નાળા, ઝરણા કે સ્વિમિંગપુલમાં ગરમી દરમિયાન નહાવા પડતા સાવચેતી રાખવી
સીડીસીના અહેવાલ અનુસાર નેગ્લેરિયા ફાઉલેરી ઈન્ફેક્શનની જાણકારી લેબ ટેસ્ટ દ્વારા જ થઈ શકે છે. ઘણા કિસ્સામાં શરૂઆતી લક્ષણો દેખાતા નથી અથવા સ્પષ્ટ હોતા નથી તેના કારણે પણ દર્દીને અમીબાનું સંક્રમણ થયું છે કે, અન્ય કોઈ સંક્રમણ તેનો ખ્યાલ આવતો નથી. આ સંક્રમણનું ટેસ્ટિંગ માત્ર દુનિયાભરના ગણતરીના દેશોની લેબમાં જ થાય છે. આ સંક્રમણ દુર્લભ હોવાથી તેનું ટેસ્ટિંગ અને સારવાર પણ ખૂબ જ લિમિટેડ છે. તે મગજના કોષો નષ્ટ કરવા લાગે છે અને મગજમાં સોજો આવવા લાગે છે. સંક્રમણ એટલું ઝડપથી ફેલાય છે કે, તેને સમજવું અને તેની સારવાર કરવી મુશ્કેલ થઈ જાય છે. જાણકારોના મતે કોઈપણ ખુલ્લા તળાવ, નદી, નાળા કે સ્વિંગપુલમાં એકાએક તરવા પડવું નહીં. તરવા માટે પડતા પહેલાં નાકે ક્લિપ લગાવી જોઈએ. ઘણી વખત ક્લિપ ના મળે તો ડૂબકી મારવા દરમિયાન હાથથી નાક બંધ કરીને ડૂબકી મારવી જોઈએ. સ્વિમિંગ દરમિયાન પોતાનું મોઢું ઉપર રહે તે રીતે જ સ્વિમિંગ કરવું જોઈએ. જ્યાં પાણી ઓછું છે ત્યાં સ્વિમિંગ કરવાનું ટાળવું જોઈએ. આવી જગ્યાએ અમીબા હોવાની શક્યતા વધારે છે. સાઈનસ સાફ કરવા માટે મોટાભાગે ટેપ વોટરની જગ્યાએ ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત વરસાદી વાતાવરણમાં પણ નદી, તળાવ કે નાળામાં તરવા જવાનું કે નહાવા જવાનું ટાળવું જોઈએ. આ બિમારીની સારવાર લિમિટેડ છે અને તેનું ટેસ્ટિંગ પણ લિમિટેડ છે તેથી સાવચેતી રાખવાથી જ તેનાથી બચી શકાય તેમ છે.








