દરરોજ 2 થી 4 સેટેલાઈટનો કાટમાળ પૃથ્વી ઉપર પડી રહ્યો છે !

અવકાશમાં ખાનગી સેટેલાઈટનો જમાવડો અને કચરાનો જથ્થો એકબીજાને અથડાવાની એરણે આવી પહોંચ્યો છે એ બાબત ચિંતાજનક
- હાલમાં ૮,૦૦૦ કરતા વધારે સ્ટારલિંક સેટેલાઈટ ઓર્બિટની બહાર ફર્યા કરે છે. આગામી સમયમાં લો અર્થ ઓર્બિટમાં ૩૦,૦૦૦ કરતા વધારે સેટેલાઈટ હશે. મોટાભાગે ચીન અને અન્ય દેશો એક્ટિવ થશે તો બીજા ૨૦૦૦૦ સેટેલાઈટ ઉમેરાશે. તેના કારણે દરરોજ પાંચ સેટેલાઈટ તૂટીને જમીન તરફ આવશે ઃ ૨૦૧૯ અને ૨૦૨૫ દરમ્યાન અંતરિક્ષમાં પરિભ્રમણ કરતાં ઉપગ્રહો વચ્ચે અથડામણ ટાળવા માટે દર મહિને સરેરાશ ૩૪૦ સેટેલાઇટ્સની દિશા બદલવાની કામગીરી કરવી પડી હતી. ૨૦૧૯ માં ૨૦૦૦ કિમીથી ઓછી ઉંચાઇએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહોની સંખ્યા ૧૩૭૦૦ હતી જે ૨૦૨૫માં વધીને ૨૪૧૮૫ થઇ ગઇ હતી જે ૭૬ ટકાનો વધારો દર્શાવે છે ઃ ૨૦૨૫માં સોલાર એક્ટિવિટી એટલી બધી વધી ગઈ છે કે, તે ઘણા સેટેલાઈટને ફેલ થવા પાછળ કારણભૂત બની છે. જાન્યુઆરી અને માર્ચ મહિનામાં જ સ્ટારલિંક સેટેલાઈટ અનિયંત્રિત થઈ જતા તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા હતા અને આગના ગોળામાં પરિવર્તિત થઈ ગયા હતા.
ધરતી ઉપર જ ટ્રાફિક જામ થાય છે તેવું નથી, આપણે હવે અવકાશમાં પણ ટ્રાફિક જામ શરૂ કરી દીધો છે. પૃથ્વીની આસપાસના વિવિધ લેયર્સમાં આપણે એટલા બધા સેટેલાઈટ ગોઠવી કાઢયા છે કે તે હવે એકબીજાને અથડાવાનું જોખમ ઊભું થઈ ગયું છે. તેના કારણે આ સેટેલાઈટ્સને સાચવવાની જવાબદારી બમણી થઈ ગઈ છે. તેમાંય સ્પેસએક્સ જેવી ખાનગી કંપનીઓ હજારોની સંખ્યામાં નાના-મોટા સેટેલાઈટ પૃથ્વીની ભ્રમણકક્ષામાં અને તેની બહારના સ્તરે મોકલતી જ રહે તો ટ્રાફિક વધવો સ્વાભાવિક છે. તેની સાથે સાથે એવી પણ સમસ્યા સર્જાઈ છે કે, આ સેટેલાઈટ્સ તૂટીને નીચે જમીન ઉપર પડી રહ્યા છે અને વધારે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે. દરરોજ એકાદ-બે સેટેલાઈટ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરીને બળી જાય છે પણ ક્યારેક જો કોઈ સેટેલાઈટ બચી ગયો અને જમીન ઉપર પડયો તો મોટો વિનાશ વેરી કાઢશે. સંશોધકોને ભય છે કે, જે રીતે અવકાશમાં સેટેલાઈટ્સ છોડવામાં આવી રહ્યા છે તે જોતાં આગામી સમયમાં દરરોજ ૫ સેટેલાઈટ તૂટીને જમીન ઉપર તરફ પડે તો નવાઈ નહીં. સંશોધકો ચિંતા કરી રહ્યા છે કે, જો આ સ્થિતિ વધશે તો અંતરિક્ષમાં કચરો વધતો જશે અને તેના કારણે ચેઈન રિએક્શન શરૂ થશે જે સમગ્ર લો અર્થ ઓર્બિટને ભયાનક બનાવી દેશે.
જાણકારોના મતે સ્મિથસોનિયન એસ્ટ્રોફિઝિસિસ્ટ જોનાથન મેક્ડોવેલ દ્વારા કરવામાં આવેલા અભ્યાસના આંકડા ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક છે. તેમાં જણાવાયું છે કે, વર્તમાન સમયમાં દરરોજ એકથી બે સ્ટારલિંકના સેટેલાઈટ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરે છે અને નષ્ટ થઈ જાય છે. તેઓ પૃથ્વીનાના વાતાવરણમાં પ્રવેશીને બળી જાય છે પણ જો કોઈનો અવશેષ બળશે નહીં અને સીધો પડશે તો તે જગ્યાએ વ્યાપક નુકસાન કરશે. સંશોધકોના મતે હાલમાં આપણી ઉપર આપણા અવકાશમાં સ્થિતિ ખરાબ છે અને અહીંયા ધ્યાન નહીં રાખવામાં આવે તો સ્થિતિ કફોડી થઈ શકે છે. અહેવાલો પ્રમાણે હાલમાં ૮,૦૦૦ કરતા વધારે સ્ટારલિંક સેટેલાઈટ ઓર્બિટની બહાર ફર્યા કરે છે. ધીમે ધીમે પ્રાઈવેટ સ્પેસ એક્સપ્લોરેશન વધતું જશે તો આગામી સમયમાં લો અર્થ ઓર્બિટમાં ૩૦,૦૦૦ કરતા વધારે સેટેલાઈટ હશે. મોટાભાગે ચીન અને અન્ય દેશો એક્ટિવ થશે તો બીજા ૨૦૦૦૦ સેટેલાઈટ ઉમેરાશે. તેના કારણે દરરોજ પાંચ સેટેલાઈટ તૂટીને જમીન તરફ આવશે.
ખાસ વાત એ છે કે, તાજેતરના વર્ષ ૨૦૨૫માં જ સ્પેસએક્સ દ્વારા ૨,૦૦૦થી વધારે સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. એમેઝોનનું પ્રોજેક્ટ કુઈપર અને ચીનનું સેટેલાઈટ સિસ્ટમ પણ આ જ દિશામાં આગળ વધી રહ્યા છે. અવકાશમાં લો ઓર્બિટમાં જે સેટેલાઈટ છોડવામાં આવે છે તેનું સરરાશ આયુષ્ય પાંચ થી સાત વર્ષનું હોય છે. તેના કારણે જ જૂના થતા સેટેલાઈટ્સને ડિઓર્બિટ કરવામાં આવે છે. તેઓ સિસ્ટમ ફેઈલ તતા અથવા તો સોલાર એક્ટિવિટી અટકી જતાં નીચે પડવા લાગે છે. સંશોધકોના મતે સ્ટારલિંકની પહેલી જનરેશનના સેટેલાઈટની ઉંમર હવે પૂરી થઈ ગઈ છે. તેના કારણે દરરોજ ૪-૫ સેટેલાઈટ પૃથ્વી તરફ છોડવામાં આવે છે.
હાલમાં તો અવકાશમાં કેસલર સિન્ડ્રોમ ફેલાવાની ચિંતા થઈ રહી છે. આ એક એવી સ્થિતિ છે જેમાં અવકાશમાં રહેલા તમામ સેટેલાઈટ્સ, રોરેક, અન્ય અવકાશી વાહન કે સાધનના ટૂકડા અને અન્ય અવકાશી કચરા વચ્ચે ટક્કર થાય અને તેનાથી જોખમ ઊભું થાય તેમ છે. આ એક ચેઈન રિએક્શન છે જે સતત આગળ વધતું જાય છે. આ વારંવારની ટક્કરથી વિસ્ફોટો થાય છે અને વધુ કચરો ફેલાય છે. તેના કારણે અતંરિક્ષમાં કેટલોક ભાગ એવો બની જાય છે કે તેનો ઉપયોગ કરી શકાતો નથી. ખરેખર આવું થવા લાગશે તો આગામી સમયમાં અવકાશમાં સેટેલાઈટ મોકલવાનું પણ મુશ્કેલ થઈ જશે. તેનાથી ઘણી મુશ્કેલીઓ સર્જાશે. જાણકારો માને છે કે, સ્ટારલિંકના મોટાભાગના સેટેલાઈટ ૬૦૦ કિ.ની ઉંચાઈએ ફરી રહ્યા છે. બીજી તરફ ચીનના સેટેલાઈટ ૬૦૦થી ૧૦૦૦ કિ.મી.ની ઉંચાઈએ ગોળ ફરી રહ્યા છે. તેમાં જો સોલાર સ્ટોર્મ અથવા તો રેડિયેશન ઈવેન્ટ દરમિયાન કંઈક થયું અને સેટેલાઈટ ફેલ થઈ ગયા તો કેસલર સિન્ડ્રોમની સ્થિતિ ટ્રિગર થવાની શક્યતાઓ અનેક ગણી વધી જશે.
મહત્ત્વની વાત એ છે કે, સોલાર એક્ટિવિટીની સમસ્યામાં પણ વ્યાપક વધારો થયો છે. જાણકારો માને છે કે, સૂર્યનું ૧૧ વર્ષનું સમયચક્ર હાલમાં પોતાના પીક સમય પર ચાલી રહ્યું છે. તેમાં ખૂબ જ મોટાપાયે ફેરફાર થઈ રહ્યા છે અને એક્ટિવિટી જોવા મળી રહી છે. તેના થકી સોલાર ફ્લેર્સ અને કોરોનલ માસ ઈન્જેક્શન્સ પૃથ્વીના ઉપરના વાયુમંડળને ગરમ કરીને ફેલાઈ દે છે. તેના કારણે સેટેલાઈટ ઉપર ડ્રેગ વધી જાય છે જે તેની ઝડપ ઓછી કરી નાખે છે અને તેને નીચેની તરફ ધકેલે છે. જાણકારો કહે છે કે, નવા સેટેલાઈટને બુસ્ટ કરવામાં આવ્યા છે પણ જૂના સેટેલાઈટ તો મોટાભાગે નીચે જ પડવાના છે. ૨૦૨૫માં સોલાર એક્ટિવિટી એટલી બધી વધી ગઈ છે કે, તે ઘણા સેટેલાઈટને ફેલ થવા પાછળ કારણભૂત બની છે.
જાન્યુઆરી અને માર્ચ મહિનામાં જ સ્ટારલિંક સેટેલાઈટ અનિયંત્રિત થઈ જતા તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા હતા અને આગના ગોળામાં પરિવર્તિત થઈ ગયા હતા. આ સેટેલાઈટની રીએન્ટ્રી પણ એવા સમયે અને એવા સ્થાને થઈ હતી કે, તેના કારણે એરલાઈન્સ અને બાકીની ફ્લાઈટ સેવા પણ પ્રભાવિત થાય તેમ હતી.
૨૦૧૯ અને ૨૦૨૫ દરમ્યાન અંતરિક્ષમાં પરિભ્રમણ કરતાં ઉપગ્રહો વચ્ચે અથડામણ ટાળવા માટે દર મહિને સરેરાશ ૩૪૦ સેટેલાઇટ્સની દિશા બદલવાની કામગીરી કરવી પડી હતી. ૨૦૧૯ માં ૨૦૦૦ કિમીથી ઓછી ઉંચાઇએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહોની સંખ્યા ૧૩૭૦૦ હતી જે ૨૦૨૫માં વધીને ૨૪૧૮૫ થઇ ગઇ હતી જે ૭૬ ટકાનો વધારો દર્શાવે છે. પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતાં કૃત્રિમ ઉપગ્રહોની સંખ્યા સતત વધી રહી છે.
એક અંદાજ અનુસાર આ દાયકાના અંત સુધીમાં આવા ઉપગ્રહોની સંખ્યા વધીને ૭૦૦૦૦ નો આંક વટાવી જશે. જે ૨૦૧૯ માં અંતરિક્ષમાં પૃથ્વીની ફરતે ઘુમતાં સેટેલાઇટ્સની સંખ્યા કરતાં પાંચ ગણી વધારે છે. જર્નલ એક્ટા એસ્ટ્રોનોટિકાના ઓક્ટોબરના અંકમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યા અનુસાર પૃથ્વીથી ૪૦૦ થી ૬૦૦ અને ૭૦૦ થી ૮૦૦ કિમીની ઉંચાઇએ આવેલી પરિભ્રમણ કક્ષા જેને લો અર્થ ઓર્બિટ તરીકે ઓળખાવવામાં આવે છે તેમાં નોંધપાત્ર રીતે ટ્રાફિક વધ્યો છે જેને કારણે મહિનામાં કમ સે કમ દસવાર સટેલાઇટ એકમેકને અથડાઇ ન પડે તેની કામગીરી હાથ ધરવી પડે છે.
સંશોધકો ચેતવણી આપી રહ્યા છે કે, હાલના સમયે અવકાશમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને કચારનું નિયંત્રણ કરવું તે જ સૌથી મોટી સમસ્યા છે. આગામી સમયમાં તો આ પડકાર વધારે મોટો થવાનો છે. કેટલાક સેટેલાઈટ છે જે પાછા પૃથ્વીના વાતવરણમાં આવતા જ સળગીને નાશ પામે તેવા બનાવવામાં આવ્યા છે તેમ છતાં સમયાંતરે પૃથ્વી ઉપર અંતરિક્ષમાંથી કચરાના ટૂકડા પડયા કે, સેટેલાઈટના ટુકડા પડયા તેવા સમાચાર આવતા જ રહે છે. અમેરિકન ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશનના એક અહેવાલમાં જણાવાયું હતું કે, ૨૦૩૫ સુધીમાં સ્ટારલિંકના કચરાના વર્ષે ૨૮,૦૦૦ ટૂકડા ફેલાશે. તેના જમીન ઉપર પટકાવાના ચાન્સિસ પણ વધારે છે. તેનાથી ૬૧ ટકા લોકોને ઈજા પહોંચવાની શક્યતાઓ છે જે અત્યંત જોખમી બાબત છે.
- ખાનગી કંપનીઓના સેટેલાઈટ હબલ ટેલિસ્કોપ માટે સમસ્યા ઊભી કરી રહ્યા છે
દુનિયાનું સૌથી શક્તિશાળી અને અત્યંત ઉપયોગી એવું હબલ ટેલિસ્કોપ પણ જોખમમાં છે. અવકાશમાં વધી રહેલી સેટેલાઈટ્સની સંખ્યા અને તેમના નીચે પડવાની શક્યતા વધી રહી છે. સ્પેસ એક્સ અને અન્ય ખાનગી કંપનીઓ દ્વારા અવકાશમાં મોટાપાયે સેટેલાઈટ છોડવામાં આવ્યા છે. તેના કારણે હબલ ટેલિસ્કોપને કામ કરવામાં મોટી સમસ્યા આવી રહી છે અને તસવીરો પણ બ્લર ખેંચાઈ રહી છે. પૃથ્વી ઉપર પણ બેઝ કેમ્પને નુકસાન થશે અને પ્રોજેક્ટ પણ ખોરંભે ચડી જશે. તેની પાસેથી પસાર થતાં સેટેલાઈટને પણ જોખમ રહે છે. જાણકારો તો એવું માને છે કે, માત્ર હબલ ટેલિસ્કોપ જ નહીં પણ અવકાશમાં ફરતા અન્ય ટેલિસ્કોપને પણ નુકસાન થઈ શકે છે. તેમની કામગીરી અવરોધાઈ શકે છે. આ ખાનગી સેટેલાઈની સંખ્યા વધવાના કારણે દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે. કેટલાક જાણકારો તો માને છે કે, આપણે હવે આગામી સમયમાં આ સમસ્યા સાથે જ જીવવું પડશે અને તેનો કોઈ ઉકેલ આવશે નહીં. જાણાકારો સ્પષ્ટ પણે માને છે કે, આ સેટેલાઈટના કારણે ઘણા ટેલિસ્કોપનું કામ ખરોવાયું છે અને તેમને નિરિક્ષણમાં તકલીફ થઈ છે. હબલ ટેલિસ્કોપના કામમાં પણ અનેક વખત ડખા થયા છે.
હબલ ટેલિસ્કોપ ૧૯૯૦માં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. તે વધારેમાં વધારે કામ કરી શકે છે. અવકાશમાં ચાલી રહેલી નેચરલ એકટિવિટી, બ્લેક હોલની સ્થિતિ, તારાઓનું નિર્માણ જેવી ઘણી બાબતે સમસ્યા સર્જાઈ રહી છે. અને આગળ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને બ્રહ્માંની ઉંમર વિશે આ ટેલિસ્કોપ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હલબ ટેલિસ્કોપ હાલમાં પૃથ્વીની સપાટીથી ૩૩૫ માઈલ ઉપર પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરાયો છે. તે સ્ટારલિંક અને અન્ય ખાનગી સેટેલાઈટથી માત્ર ૧૦ માઈલ જ નીચે હબલ ટેલિસ્કોપ આવેલું છે. આ સંજોગોમાં કેટલાક જાણકારો તેને ઉપર લઈ જવાની જ સુચના આપે છે અને સમર્થન પણ આપે છે. જાણકારો એવું પણ માને છે કે, આગામી વર્ષોમાં આપણે આવું કરવું પણ પડશે અને સ્થિતિ કાબુ કરવી પડશે. તે અશક્ય નથી પણ મુશ્કેલ જરૂર છે. હબલની ખાસિયત એવી પણ છે કે તે અવકાશમાંથી એક નહીં પણ ઘણી તસવીરો ખેંચે છે તેના કારણે જ્યારે તેના પરિભ્રમણ દરમિયાન સેટેલાઈટ નડે ત્યારે બાકીની તસવીરોને ખાસ અસર થતી નથી. ટેકનોલોજી દ્વારા તેને દૂર પણ કરી શકાય છે. વૈજ્ઞાાનિકો અને સંશોધકો સ્પષ્ટ ચેતવણી આપે છે કે, આગામી સમયમાં જો સેટેલાઈટની સંખ્યાઓ ખૂબ જ વધી જવાની છે અને તેના કારણે આ સમસ્યાથી બહાર આવવાનો અત્યારથી જ ઉકેલ શોધી કાઢવામાં આવે તે ગ્રાહ્ય છે.









