Editorial

મલ્ટિ લેગ્વેજ એજ્યુકેશન : જ્ઞાનની નહીં વેપારની ભાષાની શિક્ષણમાં બોલબાલા

By GS TEAM
18 Jun 20257 mins read
મલ્ટિ લેગ્વેજ એજ્યુકેશન : જ્ઞાનની નહીં વેપારની ભાષાની શિક્ષણમાં બોલબાલા

- કાળક્રમે ભાષાઓનું ચલણ અને વળગણ બદલાતું રહ્યું છે, જે ભાષામાં સરળતાથી કામ થતું હોય અને મળતું હોય તેના તરફ ધસારો

- ભારતમાં પ્રાદેશિક ભાષાઓના બદલે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનું વલણ, માતૃભાષાની શાળાઓ મૃતપ્રાય: થવા તરફ આગળ વધી રહી છે : યુરોપના અને પશ્ચિમના ઘણા દેશોમાં મલ્ટિ લેગ્વેજ મોડયુલ છતાં માતૃભાષા ઉપર ભાર મૂકવામાં આવે છે : મધ્યમ અને ઓછી આવક ધરાવતા દેશોમાં 90 ટકા લોકોને બોલચાલની ભાષામાં શિક્ષણ જ મળતું નથી, ઓછી આવકવાળા દેશોમાં સ્કુલ જવાની ઉંમર ધરાવતા 33 ટકા બાળકો સ્કુલ જઈ શકતા જ નથી : વૈશ્વિક સ્તરે અઢળક પ્રયાસ બાદ સ્કુલ જનારા બાળકો અને કિશોરોની સંખ્યામાં 11 કરોડનો વધારો થયો પણ હકિકતે સ્કુલ નહીં જઈ શકતા બાળકોની સંખ્યામાં માત્ર 1 ટકાનો જ ઘટાડો આવ્યો  

યૂનેસ્કોનો ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ અહેવાલ આવ્યો છે જેમાં જણાવાયું છે કે, વૈશ્વિક સ્તરે શિક્ષણની સ્થિતિ ધારીએ છીએ તેટલી સારી નથી. દુનિયામાં હાલમાં પણ શાળાએ નહીં જતા બાળકોની સંખ્યા ૨૭.૫ કરોડ જેટલી પહોંચી ગઈ છે. એક તરફ દુનિયા આધુનિકતા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી બાબતોમાં હરણફાળ ભરી રહી છે અને બીજી તરફ બાળકોને પાયાનું અને પ્રાથમિક શિક્ષણ પણ મળી રહ્યું નથી. યૂનેસ્કોની જીઈએમ ટીમનું માનવું છે કે, આ આંકડો પણ અંદાજ કરતા બે કરોડ જેટલો વધારે છે. ૨૫.૫ કરોડ બાળકોને તો શિક્ષણ નથી જ મળી રહ્યું પણ હવે તો તેમાં બીજા બે કરોડ બાળકો ઉમેરાઈ ગયા છે. જીઈએમનું એવું પણ કહેવું છે કે, આ વર્ષના અંત સુધીમાં દુનિયાના દેશો બાળકોને શાળાકિય શિક્ષણ આપવાના લક્ષ્યથી ઘણા પાછળ રહી જશે. શાળાએ નહીં જનારા બાળકોમાં ૭.૫ કરોડનો લક્ષ્યાંક ઓછો આવશે તેવી ધારણા છે. અહેવાલમાં જણાવાયું છે કે, ૭.૮ કરોડ (૧૧ ટકા) બાળકો પ્રાથમિક શિક્ષણ, ૬.૪ કરોડ (૧૫ ટકા) બાળકો માધ્યમિક શિક્ષણ અને ૧૩ કરોડ (૩૧ ટકા) કિશોરો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત છે. 

યૂનેસ્કોએ બીજી મહત્ત્વની વાત એવી કરી છે કે, દુનિયામાં લગભગ ૪૦ ટકા વસતીને તેમની માતૃભાષા અને બોલચાલની ભાષામાં શિક્ષણની સુવિધા જ મળતી નથી. 

તેઓ જે ભાષા સમજી શકે છે અથવા બોલી શકે છે તેમાં શિક્ષણ આપતી સંસ્થાઓ સતત ઘટતી જઈ રહી છે. નવાઈની વાત એવી છે કે, વૈશ્વિક સ્તરે આ આંકડો ૪૦ ટકાનો છે પણ જ્યારે પછાત, ગરીબ, ઓછી આવક કે મધ્યમ આવક ધરાવતા દેશોની તરફ નજર માંડવામાં આવે તો આ આંકડો ખૂબ જ વ્યાપક થઈ જાય છે. જીઈએમના અહેવાલ પ્રમાણે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ૯૦ ટકા લોકોને માતૃભાષા અને બોલચાલની ભાષામાં શિક્ષણ નથી મળી રહ્યું. તેના કારણે દુનિયાની એક અબજથી વધારેની વસતી અસરગ્રસ્ત છે. યૂનેસ્કોની ટીમ દ્વારા ભાષાઓનું ખૂબ જ મહત્ત્વ છે તેવા મુદ્દે વૈશ્વિક માર્ગદર્શન આપતો અહેવાલ પણ અપાયો છે. 

દરેક રાષ્ટ્રને બહુભાષી શિક્ષણ નીતિઓની સાથે સાથે માતૃભાષાને જાળવવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. તેનું કારણ એટલું જ છે કે, દરેક વ્યક્તિને પાયાગત શિક્ષણ મળી રહે.

અહેવાલમાં કહેવાયું છે કે, ઘરેલુ ભાષા અને માતૃભાષાની ભૂમિકા દેશની વધતી સમજ માટે ખૂબ જ જરૂરી છે. અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે, કામગીરી દરમિયાન જ્યારે ઘરેલુ ભાષાનો કે માતૃભાષાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઘણી સમસ્યાઓ આવે છે. સૌથી પહેલાં તો શિક્ષકોને સિમિત ક્ષમતા, ખાસ કરીને માતૃભાષા કે ઘરેલુ ભાષામાં શિક્ષણ સામગ્રીનો અભાવ શિક્ષણને અસર કરે છે. તે ઉપરાંત સામુદાયિક વિરોધ પણ આ શિક્ષણની અવગતિમાં મોટી ભૂમિકા ભજવી જાય છે. 

બીજી મહત્ત્વની વાત એ છે કે, કાળક્રમે ભાષાઓ બદલાતી રહી છે. પહેલાં પાલી, અર્ધમાગ્ધી, સંસ્કૃત જેવી ભાષાઓનું ચલણ હતું. જે લોકોને આ ભાષા આવડતી તેમને પંડિત અને પ્રવિણ માનવામાં આવતી હતી. તેમનું સમાજમાં અને દેશમાં માન હતું. કાળક્રમે આ ભાષાઓ વિસરાતી ગઈ અને તેમાંથી પ્રાદેશિક ભાષાઓ આવતી ગઈ. ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જે રીતે કોલોનિયાલિઝમ વધ્યું અને બ્રિટને અનેક દેશોને ગુલામ બનાવ્યા ત્યારબાદ વૈશ્વિક સ્તરે અંગ્રેજી ભાષા બોલચાલની, વેપારની અને વહિવટની ભાષા બની ગઈ. આજે પણ દુનિયાભરમાં અંગ્રેજીનું ચલણ છે. ભારતમાં આજે લોકો પ્રાદેશિક નહીં પણ અંગ્રેજીમાં ભણવાને પ્રાધાન્ય આપે છે. ડોક્ટર, એન્જિનિયર, પાઈલટ, આઈટી પ્રોફેશનલ થવું હોય તો અંગ્રેજી આવડવું જ જોઈએ. માતૃભાષામાં આ ડિગ્રી મળે નહીં. તેમ છતાં યુરોપના દેશોએ મલ્ટિ લેગ્વેજ મોડયુલની સાથે સાથે માતૃભાષાનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્યાં વિદેશીઓ અભ્યાસ માટે આવે તો વિવિધ ભાષામાં અભ્યાસક્રમ મળે પણ સ્થાનિક ભાષા તો દરેક પ્રવાસી વિદ્યાર્થીઓએ શિખવી જ પડે તો જ કામ ચાલે.

યૂનેસ્કો દ્વારા વિવિધ ભાષામાં સંયુક્ત શિક્ષણની જે હિમાયત કરવામાં આવી છે તેનું અનુસરણ ભારત દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારત દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ નીતિ બહુભાષી શિક્ષણને સમર્થન આપે છે અને લાગુ પણ કરે છે. સ્કૂલમાં શિક્ષણ દરમિયાન ત્રણ ભાષાની નીતિનો કેટલાક રાજ્યો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે પણ ભારત સરકાર મક્કમ રીતે આગળ વધી રહી છે. 

યૂનેસ્કોનું માનવું છે કે, હવે ભાષાકિય વિવિધતા એ વૈશ્વિક વાસ્તવિકતા બની રહી છે. પ્રવાસન અને શૈક્ષણિક પ્રવાસન ખૂબ જ વધ્યું હોવાથી યુવાનોને બહુભાષાકિય શિક્ષણમાં વાંધો જ નથી. તેમ છતાં સ્થિતિ એવી પણ છે કે, ૩.૧ કરોડ કરતા વધારે વિસ્થાપિત યુવાનોને શિક્ષણ દરમિયાન ભાષા સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વૈશ્વિક સ્તરે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ-૪ને અપનાવ્યા બાદ ૨૦૧૫થી સ્કૂલોમાં બાળકો અને કિશોરોના એડમિશન વધ્યા છે. તેમ છતાં એક દાયકામાં આ આંકડો માત્ર ૧૧ કરોડ વધારા સુધી જ પહોંચ્યો છે. 

બીજી તરફ માધ્યમિક શિક્ષણ પૂરું કરનારા કિશોરોની સંખ્યામાં માત્ર ૪ કરોડનો જ વધારો થયો છે. બીજી તરફ સ્કુલ સુધી નહીં પહોંચી શકનારા અને શિક્ષણથી વંચિત રહેનારા બાળકોની સંખ્યા માત્ર ૧ ટકો જ ઘટાડી શકવામાં સફળતા મળી છે. આજે પણ ઓછી આવક ધરાવતા દેશોમાં સ્કુલે જવાની ઉંમરના ૩૩ ટકા બાળકો સ્કૂલ એજ્યુકેશનથી વંચિત છે. ખાસ કરીને સબ સહારા-આફ્રિકાના દેશોમાં આ આંકડો ખૂબ જ મોટો છે. અભ્યાસમાં જાતીગત ભેદભાવ પણ ખૂબ જ અસર કરે છે. 

હાલના સમયમાં છોકરીઓ કરતાં છોકરાઓ શિક્ષણ લેવાની બાબતમાં પાછળ પડી રહ્યા છે. હાલમાં સરેરાશ ૧૦૦ છોકરી સ્કૂલ જતી હોય તેની સામે ૮૭ છોકરાઓ જ સ્કુલ જાય છે. મધ્યમ આવક ધરાવતા દેશોમાં તો ૧૦૦ છોકરીઓની સામે માત્ર ૭૨ છોકરાઓ જ સ્કુલમાં અભ્યાસ કરવા જાય છે. ભારતમાં આવી જ સ્થિતિ છે. કોરોનાકાળમાં સ્થિતિ થોડી વધુ ડામાડોળ થઈ હતી પણ હવે પાછી સ્થિરતા આવવા લાગી છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, દર ૪માંથી ૧ દેશ શિક્ષણ પાછળ પોતાના જીડીપીના માત્ર ૪ ટકા જેટલી અને જાહેર ખર્ચની માત્ર ૧૫ ટકા રકમ જ ખર્ચે છે જે વૈશ્વિક બેન્ચમાર્ક કરતા ઓછી છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-૪ પ્રાપ્ત કરવામાં ૨૦૨૩-૨૦૩૦ વચ્ચે દર વર્ષે ૯૭ અબજ ડોલરનો આથક તફાવત જોવા મળી રહ્યો છે. તેના કારણે શિક્ષણના સ્તરમાં ખાસ સુધારો જ આવતો નથી. 

ભારતમાં પણ શિક્ષણ પાછળ ઓછા ભંડોળને કારણે પાયાગત શિક્ષણમાં સુધારો થવામાં વિલંબ થઈ રહ્યો છે. 

વૈશ્વિક સ્તરે પ્રાથમિક સ્કૂલ પૂરી થવા આવે ત્યાં સુધી બાળકોને લઘુત્તમ શિક્ષણ મળવું જોઈએ. લોકો લખતા-વાંચતા શીખી શકે તેવી સ્થિતિ આવવામાં દુનિયા એક સદી પાછળ છે. ૨૦૩૦માં એસડીજી-૪ દ્વારા આ ક્ષમતાની સમય મર્યાદા નક્કી કરાઈ હતી પણ લક્ષ્ય પૂરું થવામાં ૨૧૩૩ની સાલ આવી જવાનો અંદાજ છે. ભારતમાં તો સ્થિતિ ખરાબ છે. ભારતમાં ૭૩ ટકા બાળકો પાયાગત શિક્ષણ લેવામાં અને તેની ક્ષમતાઓ રજૂ કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે જે શિખવાના સંકટની ગંભીરતના સુપેરે રજૂ કરે છે. જાણકારો માને છે કે, હાલના સમયમાં ભારતીય શિક્ષણ પ્રણાલીમાં શિક્ષકો અને આચાયો મોટાભાગે વહિવટી કાર્યોમાં જ એટલા વ્યસ્ત રહે છે કે, તેઓ શિક્ષણ સુધારણા ઉપર ધ્યાન આપી શકતા જ નથી.

ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તામાં સ્ત્રી-પુરુષના તફાવતની પણ મોટી અસર પડી 

યૂનેસ્કોના અભ્યાસમાં બહાર આવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે છોકરા અને છોકરીઓમાં કરવામાં આવતો જાતીભેદ શિક્ષણને અસર ઓછો કરે છે. ખાસ કરીને આધુનિક અને વિકસિત દેશોમાં આ તફાવત જોવા મળતો નથી. સંસ્થાઓમાં ઉચ્ચ પદ હોય કે શિક્ષણ લેવાની સ્થિતિ હોય બંનેમાં મહિલાઓને તક આપવામાં આવે છે. કેટલાક દેશોમાં ઉપરનીચે સ્થિતિ છે પણ વધારે ખરાબ સ્થિતિ સાઉથ એશિયાના દેશોમાં છે. તેમાંય ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તા જેવા દેશોમાં આજે પણ છોકરીઓના શિક્ષણમાં તફાવત જોવા મળે છે. વૈશ્વિક સ્તરે છોકરીઓ કરતાં છોકરાના અભ્યાસના આંકડા ઓછા છે જ્યારે આ દેશોમાં છોકરીઓને વધારે સહન કરવાનું આવે છે. આ ઉપરાંત સબ સહારા-આફ્રિકાના દેશોમાં છોકરીઓના પોષણની પણ સમસ્યા મોટી છે. સાઉથ એશિયાના દેશોમાં પણ બાળકીઓના પોષણમાં મોટો તફાવત છે. વૈશ્વિક સ્તરે શાળામાં અભ્યાસ કરતી ૧ અબજ છોકરીઓમાં પોષણનો અભાવ છે જેમાંથી મોટાભાગની સબસહારા-આફ્રિકાના દેશોની છોકરીઓ છે. ભારતની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રમાં ઉચ્ચ સંસ્થાઓમાં ઉચ્ચ પદ ઉપર મહિલાઓની ગેરહાજરી પણ જોવા મળી રહી છે. તેના કારણે જ શિક્ષણમાં અને સિસ્ટમમાં થોડી ઉણપ દેખાઈ રહી છે. ભારતમાં ૨૦૨૧માં ૧૮૯ જેટલી રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર ૫ ટકા મહિલાઓ કુલપતિ અને ડાયરેક્ટર જેવા પદો ઉપર હતી. તેવી જ રીતે ૧૨૨૦ યુનિવર્સિટીમાંથી માત્ર ૯ ટકામાં જ મહિલ કુલપતિ હતા અને ૧૧ ટકા રજિસ્ટ્રાર અથવા ટોચના શાસનિક ભૂમિકા ભજવતી હતી. ભારતમાં મહિલા પ્રિન્સિપાલોની સંખ્યામાં ઓછી હોય છે. તે ઉપરાંત બઢતી આપવા દરમિયાન પણ જાતીય પક્ષપાત કરવામાં આવે છે જે ખૂબ જ નડે છે. તેવી જ રીતે પાકિસ્તાન જેવા દેશોમાં માત્ર મહિલાઓની સ્કૂલો અને સંસ્થાઓ અલગ કરવામાં આવી છે. તેમાંય નેતૃત્વમાં તો મહિલાઓને આગળ આવવા દેવાતી જ નથી. તેના કારણે પણ શિક્ષણને ઘણી અસર થાય છે.