GST 2.0 : દરમાં ફેરફારથી ચીજોના ભાવ ઘટે, માંગ વધે તેવી શક્યતા

મહિને રૂ.૧.૬૩લાખ કરોડનો જીએસટી બોજ વેઠતા ગ્રાહકો માટે રાહત
- દેશમાં જીએસટીના અમલના આઠ વર્ષ પછી પ્રથમ વખત એવું નિશ્ચિત લાગી રહ્યું છે કે પ્રજા ઉપર કરબોજ ઘટશે. જીએસટી કન્ઝમ્પશન (એટલે કે ગ્રાહક જયારે વપરાશ કરે) ઉપર લાગતો કર છે. ઉત્પાદકથી ગ્રાહક સુધી માલ કે સેવા પહોચે ત્યારે દરેક વચેટિયાના સ્તરે તેની કિંમતમાં થતા વધારે ઉપર નિયત દરે ટેક્સ લાગે, વચેટિયાને ટેક્સની ક્રેડિટ મળે અને ગ્રાહક છેલ્લા વસ્તુનો વપરાશ કરે ત્યારે તેને ક્રેડિટ મળતી નથી. આ સ્થિતિમાં કરનો દર જ ઘટી જાય તો ચોક્કસ ફાયદો મળે. ગત નાણાકીય વર્ષમાં દેશના ગ્રાહકોએ મહિને રૂ.૧.૬૩ લાખ કરોડનો જીએસટી ચૂકવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી જીએસટીની વધતી આવક સામે સરકારે હવે કરનો દર ઘટાડવા, કરના માળખામાં ફેરફાર કરવા માટે માંગ ઉઠી રહી છે. કાઉન્સિલે આ વાતની નોંધ લઇ તેના ઉપર ચર્ચા શરૂ કરી હતી પણ કોઈ પરિણામ હજીસુધી આવ્યું નથી. જોકે, હવે ખુદ વડાપ્રધાને આ જાહેરાત કરતા ઝડપી નિર્ણય આવશે એવી આશા છે અને તેની સાથે દેશની સૌથી ક્રાંતિકારી કરપ્રણાલીમાં બીજા તબક્કાના રિફોર્મ પણ શરૂ થશે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં ઘટાડા સાથે દેશની પ્રજાને ડબલ ધમાકા દિવાળી ગિફ્ટ મળશે એવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે દેશને કરેલા સંબોધનમાં કરી છે. આ સાથે કઈ ચીજના ભાવ ઘટશે એવા સમાચારો ચારેકોર મીડિયામાં પ્રકાશિત થવા માંડયા છે. જીએસટીમાં ઘટાડો આવકાર્ય છે કારણ કે તે ગ્રાહક ઉપર કરનો બોજ છે, કરના દર ઘટવાથી ચીજોના ભાવ ઘટશે તો બોજ હળવો થશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે ભાવ ઘટવાની સાથે ખરીદી વધશે અને તેનાથી અર્થતંત્રની મંદ પડી રહેલી ગતિને વેગ મળશે. વેગ મળે કે નહીં પણ એટલું ચોક્કસ છે કે જીએસટીનો ઘટાડો ગ્રાહકને ચોક્કસ રાહત આપશે.
તા. ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ 'વન નેશન વન ટેક્સ'ના નારા સાથે દેશમાં જીએસટીનો અમલ થયો. આઝાદી પછી દેશમાં કરવેરા ક્ષેત્રે આવેલો આ સૌથી મોટો સુધારો હતો. પણ સુધારાની સાથે લોકોની તકલીફમાં અનેકગણો વધારો થયો. અચાનક જ ભારતના વેપારીઓ, સપ્લાયર, ઉત્પાદકો - નાના હોય કે મોટા - બધા જ ડિજિટલ વ્યવસ્થા સમજી જશે એવી ધારણા સાથે આ ટેક્સનો અમલ શરૂ થયો હતો. રજીસ્ટ્રેશન, રિટર્ન ફાઈલ કરવા, ટેક્સ ભરવો કે ટેક્સની ક્રેડિટ લેવી બધું જ ઓનલાઈન! આ વ્યવસ્થાના કારણે એટલી સમસ્યાઓ થઇ છે કે જેની કોઈ વાત નહીં, આઠ વર્ષમાં નિયમો બદલવાની સંખ્યા મૂળ કાયદામાં સમાવિષ્ટ નિયમો કરતા વધારે છે. વર્ષ ૨૦૧૮થી જુલાઈ ૨૦૨૫ વચ્ચે કુલ ૪૦૨ નોટિફિકેશન સરકારે બહાર પાડયા છે, સર્ક્યુલર અને સમજણ માટેની યાદીનો અલગ! પાપડ અને ફ્રાયમ વચ્ચે શું ફરક, લીંબુ પાણી અને લેમોનેડ અલગ કહેવાય કે નહીં એવા વિવાદ પણ ખરાં.
ખેર, સૌથી પહેલા સમજવું જરૂરી છે કે જીએસટી એ ગ્રાહક ઉપર લાગતો ટેક્સ છે. ઉત્પાદન નહીં વપરાશ કરે તેને આ ટેક્સ ભરવો પડે.
એક્સાઈઝ, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ, પરચેઝ ટેક્સ જેવા એક ડઝન ટેક્સના બદલે જીએસટી અમલમાં આવ્યો હતો. ટેક્સ ઉપર ટેક્સના બદલે એક વેચાણથી બીજા વેચાણમાં કિંમતમાં જે વધારો થાય તેના ઉપર ટેક્સ ભરવાનો હોવાથી સ્વાભાવિક રીતે ચીજો સસ્તી થવી જોઈએ એ પણ એમ થયું નથી.
કારણ કે ચીજના કાચામાલના વધતા ભાવના કારણે કિંમત વધે એ જાણકારી જીએસટીની આવક ઉપરથી ખ્યાલ આવી શકે નહીં. એટલે, ગ્રાહક ઉપર બોજ કેટલો એ સમજવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જીએસટી આવક જ એકમાત્ર પુરાવો છે.
પ્રથમ વર્ષ એટલે કે ૨૦૧૭-૧૮માં દર મહિને ગ્રાહકોએ રૂ.૮૨,૨૯૦ કરોડનો જીએસટી ચૂકવ્યો હતો. આ ભારણ વધીને ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં મહિને રૂ.૧,૬૨,૯૪૯ કરોડ થયું છે, એટલે કે બમણું!
સૌથી પહેલા સમજવું જરૂરી છે કે કરની આવક રાજ્ય અને કેન્દ્ર બંને માટે સર્વોપરિ છે. બન્નેમાંથી કોઈપણ પોતાની કરની આવક જતી કરી, નુકસાન સહન કરી પ્રજાને રાહત આપવા તૈયાર નથી. જીએસટી અંગે ચર્ચાઓ થઇ, કાયદાકીય અને બંધારણીય સુધારા આવ્યા એ પહેલા રેવન્યુ ન્યુટ્રલ (એટલે કે એવો કરનો દર કે જેનાથી કોઈ રાજ્ય કે કેન્દ્ર સરકારને વર્તમાન કરની આવક જેટલી જ આવક મળી રહે) તેની ચર્ચાઓ થઇ હતી.
વિવિધ અહેવાલો રજૂ થયા અને તેમાં આ ન્યુટ્રલ રેટ ૧૨.૫ ટકાથી ૧૫.૯ ટકા વચ્ચે હતો. આમ છતાં, અત્યારે ૩, ૫, ૧૨, ૧૮ અને ૨૮ એવા કરના દર છે. પોતાની આવક ઘટી જશે એવી વાતો રજૂ કરી, કાયદામાં જોગવાઈ હોવા છતાં, પેટ્રોલ અને ડિઝલ આજે પણ જીએસટીના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે!
બીજું, જીએસટીના કરના માળખામાં ફેરફાર અંગેની ચર્ચા બિલકુલ નવી નથી. જેમને જીએસટીના અમલનો સૌથી મોટો શ્રેય મળે એવા પૂર્વ નાણામંત્રી સ્વ. અરૂણ જેટલીએ સૌથી પહેલા ૨૦૧૮માં જીએસટીના બીજા તબક્કામાં ફેરફાર અંગેની ચર્ચા કરતા ૧૮ ટકાનો કરનો દર ઘટાડી ૧૫ ટકા કરવા હિમાયત કરતો બ્લોગ લખ્યો હતો.
આ પછી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧માં જીએસટી કાઉન્સિલની ૪૫મી બેઠકમાં કરમાળખામાં ફેરફાર માટે મંત્રીઓના જૂથની રચના કરવામાં આવી હતી. આ જૂથે ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કોઈ અહેવાલ આપ્યો નથી! આવી જ રીતે, જીવન વીમા અને મેડિકલ ઇન્સ્યુરન્સ ઉપર જીએસટીનું ભારણ ઘટાડવા માટે દોઢ વર્ષથી ચર્ચા ચાલી રહી છે. કાઉન્સિલની બેઠકો થઇ છે પણ હજી સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટેક્સ ઘટયો નથી.
વડાપ્રધાનની લાલ કિલ્લા ઉપરથી જાહેરાત પછી જે વાતો ચાલી રહી છે તેમાં પાંચ ટકા અને ૧૮ ટકા એમ બે દર રાખવાની વાત ચાલી રહી છે.
આવશ્યક અને રોજબરોજના વપરાશની ચીજો ઉપર પાંચ ટકા દર લાગશે અને અત્યારે ૧૨ ટકામાં છે તે કેટલીક પાંચ ટકામાં અને કેટલીક ૧૮ ટકામાં ખસેડવામાં આવશે એવી ચર્ચાઓ ચાલી રહી છે.
કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર નહીં પણ જીએસટી અંગે કાયદો, નિયમો કે કરના દર બદલવાની સંપૂર્ણ સત્તા જીએસટી કાઉન્સિલ પાસે છે. એવી વાત ચાલી રહી છે કે પ્રાઈમ મિનીસ્ટર્સ ઓફિસે કરના નવા માળખા કાઉન્સિલને મોકલી આપ્યા છે અને હવે તેના ઉપર ચર્ચા થશે. એટલે આ વખતે તો રાહત પાક્કી જ સમજવી એવી આશા રાખી શકાય.
- ડિજિટલ ક્રાઈમ જેવો જ પણ ૧૦ ગણો વ્યાપક જીએસટી ફ્રોડ વધારે ઘાતક!
દેશમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ ક્રાઈમની રોજ સેંકડો ઘટના બને છે.
એટલી મોટી માત્રામાં જીએસટી ફ્રોડ પણ દેશના અર્થતંત્રને નુકસાન કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં લોકસભામાં આપેલા આંકડાઓ ચોંકાવનારા છે અને તેનું પ્રમાણ ડિજિટલ ફ્રોડ કરતા મોટું છે! લોકસભામાં આપેલી માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારના સ્તરે (રાજ્ય સરકારના અલગ) રૂ.૭,૦૭,૯૪૨ કરોડના જીએસટી ચોરીના કેસ પકડાયા છે. આ ઉપરાંત, વેરાશાખ (ઇનપુટ ટેક્સ ક્રેડીટ)ની ચોરી રૂ.૧,૭૮,૫૪૧ કરોડની પકડાઈ છે. બન્ને ભેગા મળી રૂ.૮,૮૬,૪૮૩ કરોડની અધધ ટેક્સ ચોરી નોંધાઈ છે, તેની સામે વસૂલાત રૂ.૧,૪૨,૦૦૬ કરોડ છે. બાકીની રકમ કરચોરો ગૂપચાવી ગયા છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં દેશમાં રૂ.૨૨,૮૪૨ કરોડના ડિજિટલ ક્રાઈમ સામે રૂ.૨,૮૨,૧૪૭ કરોડના - એટલે કે ૧૦ ગણા વધારે - જીએસટી ફ્રોડ થયા છે!
ડિજિટલ ફ્રોડ અને જીએસટી ચોરી બન્ને માટે લગભગ સમાન મોડેસ ઓપરેન્ડી છે. ગરીબ અને અભણ લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડના નામે બેંકમાં ખાતા ખોલવાના, જીએસટી નંબર લેવાનો અને માત્ર ચોપડે જ ખરીદી કે વેચાણ દર્શાવી ટેક્સ ચોરી કરવાની! બીજું, બન્ને કેસમાં મિલીભગતનો ઇનકાર થઇ શકે નહીં.
બેંકમાં ખાતું ખોલવા માટે, જંગી નાણાકીય વ્યવહારો કરવા માટે બેંકનો સ્ટાફ ફૂટેલો હોય તો જ આ ઘટના બની શકે. સરકારે આ ફ્રોડ અટકાવવા માટે વિવિધ પગલાં લીધા છે પણ તેમાં સફળતા મળી નથી. કેટલાક કિસ્સાઓમાં જીએસટી કચેરીનો સ્ટાફ, અધિકારી પણ ફ્રોડમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. જેટલો ડિજિટલ ક્રાઈમ ઘાતક છે એટલો જ જીએસટી કરચોરીનો ગુનો પણ.
- જીએસટીના અટપટા નિયમો અને વિચિત્ર અર્થઘટન
જીએસટીના કરમાળખામાં વિભાજન અને તેના અર્થઘટનના કારણે વેપારીઓ, ઉત્પાદકોનું જીવન જટિલ થઇ ગયું છે. પેકેટમાં મળતા પોપકોર્ન ઉપર ૧૨ ટકા, કેરેમલ છાંટેલા હોય તો ૧૮ ટકા સૌથી છેલ્લું ઉદાહરણ છે.
અગાઉ, ખાખરા અને પાપડ, ફ્રાયમ અને પાપડ, લીંબુ પાણી અને લેમોનેડ માટે લાંબી કાયદાકીય લડાઈ ચાલી હતી. ખાખરા અને ફ્રાયમ અલગ છે એટલે ખાખરા ઉપર પાંચ ટકા જયારે ફ્રાયમ ઉપર ૧૮ ટકા ટેક્સ લાગે એવો ગુજરાતની એડવાન્સ રૂલીંગ ઓથોરિટીનો ચુકાદો છે!
સૌથી ઉત્તમ ઉદાહરણ સપ્ટેમ્બર ૨૦૨૪થી તમિલનાડુમાં બનેલું.. બેકરી એસોસિએશન વતી રજૂઆત કરતા અન્નપૂર્ણા રેસ્ટોરન્ટના માલિક શ્રીનિવાસને નાણામંત્રી નિર્મલા સીતારામન સાથેની એક બેઠકમાં જણાવ્યું હતું કે બન ઉપર કોઈ ટેક્સ નથી પણ એના ઉપર ક્રીમ લગાડીએ તો ૧૮ ટકા જીએસટી લાગે છે. ગ્રાહકો બન અને ક્રીમ અલગ માંગી રહ્યા છે... આ ચર્ચાનો વિડીયો દેશભરમાં વાયરલ થયો હતો. ટેક્સમાં કોઈ ફેરફાર ન થયો પણ શ્રીનિવાસે નાણામંત્રીની માફી પણ માંગવી પડી હતી!









